શું આટલી હદ સુધી પૈસા કમાવા કેટલું યોગ્ય ? તમારું શું માનવું છે ???

આજે દરેક માણસ દિવસ-રાત દોડ્યા કરે છે. પેટની ભૂખ ભાંગવા માટે દોડા-દોડી કરવી પડે એ તો સમજી શકાય તેમ છે પણ સાતપેઢી બેઠી બેઠી ખાય તો પણ ન ખુટે એટલી સંપતિ ભેગી કર્યા પછી પણ દોડ અટકતી નથી. ભલે દોડ ચાલતી રહે એની સામે કંઇ વાંધો પણ નથી અને દેશના આર્થિક વિકાસનો વિચાર કરીએ તો આવી દોડ સતત ચાલતી જ રહેવી જોઇએ નહીતર દેશનું અર્થતંત્ર પડી ભાંગે.

પ્રશ્ન માત્ર એટલો છે કે આ ભાગદોડમાં પરિવાર અને મિત્રો પાછળ છુટી જાય છે. દિકરા-દિકરીઓ માત-પિતાના પ્રેમથી વંચીત રહી જાય છે અને એનું પરિણામ એ આવે છે કે સંતાનો અને માબાપ વચ્ચે ધીમે ધીમે એક અદ્રશ્ય દિવાલ ઉભી થઇ જાય છે. સાવ બાજુબાજુમાં હોવા છતા જાણે કે ખુબ દુર હોય એવી અનુભૂતિ થાય છે. આ બધુ અત્યારે કદાચ ના સમજાય પણ જ્યારે સમય આવે ત્યારે સમજાય છે.

સંપતિ પેદા કરવી જ જોઇએ અને જેટલી કરી શકાય એટલી કરવી જોઇએ પણ સંપતિ પેદા કરવાની આ દોડધામમાં એક મહત્વની બાબતનો વિચાર પણ કરવો જોઇએ કે સંપતિ કમાવાની આ દોડમાં આપણે કંઇક એવું ન ગુમાવી બેસીએ કે પછી ખુબ સંપતિ કમાયા બાદ એ સંપતિ ખર્ચવા છતા પેલું ગુમાવેલુ પાછું ન મળે અને મોટા ભાગે સાવ અજાણતા આ ભૂલ થઇ જતી હોય છે.

એક મોટા ઉદ્યોગપતિને હું બહુ નજીકથી ઓળખુ છું એમણે નાની ઉંમરમાં ખુબ સારી કમાણી કરી છે. એકના એક દિકરાને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપી છે. કોલેજમાં અભ્યાસ કરતા એના દિકરાએ એક વખત મને કહ્યુ હતુ કે ‘પપ્પા જેટલો પ્રેમ એના સોશ્યલ સ્ટેટસને કરે છે એનો અડધો પ્રેમ પણ મને કે મમ્મીને કરતા નથી. સમાજમાં વાહવાહ થાય એ માટે જે કરવું પડે તે બધુ જ કરે પણ એને અમારી વાહવાહની કંઇ જ પડી નથી.’ આ વેદના કોઇ એકાદ દિકરા દિકરીની નહી પણ ઘણાની હશે આને પ્રગટ કરી બાકીના દાબીને બેઠા હશે.

કેટલાક મિત્રો એવી દલીલ કરતા હોય છે કે આ વાતો બોલવામાં બહુ સારી લાગે પણ એને અમલમાં મુકવી બહુ મુશ્કેલ છે. ‘જ્યારે તમે બહુ મોટી જવાબદારી લઇને બેઠા હોય ત્યારે તમારે પરિવારને ગૌણ કરવો જ પડે.’ આવી દલીલ કરનારને મારે એટલું જ કહેવું છે કે પેપ્સીકો કંપનીના સીઇઓ ઇન્દ્રા નૂઇ જેટલી જવાબદારી લઇને બેઠા છે એટલી મોટી જવાબદારી લઇને તો આપણે નથી જ બેઠા. એક આંતરરાષ્ટ્રીય કંપનીનું સંચાલન કરતા કરતા એ પરિવારનું પણ ખુબ સુંદર સંચાલન કરે છે. એને માત્ર કંપનીના વિકાસમાં નડતરરૂપ પ્રશ્નોની જ નહી પરંતું દિકરીના વિકાસમાં અવરોધ ઉભા કરતા પ્રશ્નો કે સમસ્યાઓની ખુબ સારી સમજ છે કારણકે અતિવ્યસ્તતાની વચ્ચે પણ એ પરિવારના મહત્વને ભૂલ્યા નથી.

મોડી રાત્રે ઓફીસથી કે બીઝનેશ મીટીંગ પુરી કરીને ઘરે આવતી વખતે અત્યંત વૈભવી કારમાં પાછલી સીટ પર બેઠા બેઠા રોડની બાજુ પર આવેલી ફુટપાથ ઉપર પ્લાસ્ટીકનું પાથરણું પાથરીને બેઠેલા અને ધીંગામસ્તી કરતા પરિવારને જોઇને એવુ નથી લાગતું કે આપણે હજુ એના જેટલી કમાણી નથી કરી શક્યા ?

લેખક : શૈલેશ સગપરીયા 

મિત્રો, જો આપ શૈલેશ ભાઈ ની વાત સાથે સહમત હો તો કોમેન્ટ માં “I Agreed” લખજો !!