જલ્સા કરોને જેંતીલાલ

પહેલું પહેલું મંગળિયું વર્તાય રે – લોકો દેખાવે જેટલા આધુનિક થયા છે એટલા હજી માનસિક રીતે નથી થઇ શક્યા…

“અરે એને તો એવો વર મળશે ને કે લોકો જોતા રહી જશે. મારી વહાલી છે પણ એવી દેખાવડી કે વાત ના પૂછો.. બસ કોઈ લફરામાં નાં પડી હોય તો સારું.. છેલ્લા સાત-આઠ ઠેકાણામાં તેણે નાં કહી દીધી છે.. આ તો સત્યાવીસની ઉમરે પણ આટલી ડીમાંડ છે એમ કહોને.. એક વાર મેરેજ માર્કેટમાંથી ડીમાંડ પતી જશે ને પછી કોઈ નહિ મળે.. દેખાવડી ભલે ને હોય.” “મેં તો વિચારેલું કે મારા દીકરા માટે માંગુ નાખું.. આજે તક સારી છે અહી આવી છે એ તો મળી જ લઈશ એને…”

સુપ્રિયાબહેન અને સાધનાબહેન તેમની જ્ઞાતિના મેરેજ બ્યુરોમાં બેઠા બેઠા વાતો કરતા હતા. તેમના સમાજનો આજે મેળાવડો હતો. પોતાના દીકરાઓનું ફોર્મ તેમણે ભર્યું હતું.. તેમને જેવી ખબર પડી કે મીરાશી પણ આ મેળાવડામાં આવી છે કે તે બન્ને તેની વાતો કરવામાં મશગુલ થઇ ગયા. “આંટી.. હું કોઈ પ્રોડક્ટ નથી કે મારી ડીમાંડ વધે ને ઘટે.. જરા તમારા શબ્દો પસંદ કરવામાં ધ્યાન રાખશો હવેથી..ને હા તમારા બંનેના દીકરાઓ જેવા જ જો આપણા સમાજમાં બધા મુરતિયા હોય ને તો મને બીજી જ્ઞાતિનાં છોકરા સાથે પરણવામાં જરાય શરમ પણ નહિ આવે..!!”


અચાનક પાછળથી મીરાશીએ આવીને તે બંનેની વાતનો જવાબ આપ્યો.. ને એ બનેના મોઢા જોવા જેવા થઇ ગયા..

મીરાશી અનિકેતભાઈ અને આસ્થાબહેનની નાની દીકરી. અનિકેતભાઈ ઇન્કમટેક્સ ઓફિસર હતા અને આસ્થાબહેન એક ગૃહિણી. તે બંનેને બે દીકરીઓ હતી. મીરાશી અને માહિરા.. મીરાશીનું વ્યક્તિત્વ અનોખું હતું.. એને દરેક વાતમાં પોતાનું મનગમતું કરવાની આદત હતી. મોઢે ચડાવેલી બગડેલી છોકરી એને સમાજના લોકો કહેતા ને છતાય એના માં-બાપ માટે તે સંસ્કારી હતી… રાતના ત્રણ વાગ્યે ઘરે આવે પણ જ્યાં ગઈ હોય, જેની સાથે ગઈ હોય એ બધી વિગત અને એ બધાના મોબાઈલ નંબર એના પપ્પાના ફોનમાં હોય જ.. માહિરા સાવ ઘરરખ્ખુ.. તેને બી.કોમ પૂરું કર્યું એ બાદ એક કંપનીમાં દોઢેક વરસ સુધી એડમીન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરી અને પછી માં-બાપે બતાવેલા છોકરા સાથે ૨૩ વર્ષની ઉમરે પરણી ગઈ.. આદર્શ દીકરીની વ્યાખ્યામાં પરફેકટલી ફીટ થાય તેવી હતી માહિરા.. મીરાશીએ લો સ્ટડી કર્યું અને પછી લોયર તરીકે પ્રેક્ટીસ ચાલુ કરી.. અચાનક જ ત્રણ વર્ષ સુધી લોયર તરીકે પ્રેક્ટીસ કર્યા બાદ તેણે એક દિવસ તેના માં-બાપને કહ્યું,

“મમી-પપ્પા.. મને લાગે છે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ… આમ પણ હવે હું ૨૭ની થઇ ગઈ છું.. આ બધા કારકિર્દીના સપનાઓને જોવા કરતા મારે હવે લગ્નજીવનના સપનાઓ જોવા જોઈએ..!!”


અનિકેતભાઈને આ સાંભળી નવાઈ લાગી.. અચાનક મીરાશી કેમ આવું બોલે છે તે તેમને ના સમજાયું.. આસ્થાબહેન તો આ સાંભળીને જો કે ખુશ થઇ ગયા.. છ વર્ષ પહેલા મોટી દીકરીના લગ્ન કરાવ્યા ત્યારે જ મીરાશી માટે તો માંગા આવવાના શરુ થઇ ગયેલા.. પરંતુ મીરાશી હજુ લોના ફર્સ્ટ યરમાં હતી તેથી લગ્નની ઉતાવળ કરવાનો કોઈ મતલબ નહોતો.. આજે જ્યારે તે સામેથી લગ્ન વિશે કહી રહી હતી ત્યારે આસ્થાબહેન તો ખુશ થઇ ગયા.. તરત જ ઉભા થયા અને રસોડામાં જઈ ગોળ લઇ આવ્યા.. બંનેનું મો મીઠું કરાવ્યું.. અનિકેતભાઈ હજુ વિચારમગ્ન દિશામાં જ હતા.

મીરાશીએ તેમની સામે જોયું અને કહ્યું, “પપ્પા.. ઇટ્સ ઓકે.. મારે લગ્ન કરવા છે.. ઉમર વધવા સાથે અમુક નિર્ણયો કરી જ લેવા જોઈએ..!!” સહેજ હસીને મીરાશી પોતાના ઓરડામાં ચાલી ગઈ.. અને પછી શરુ થઇ દોડમદોડ.. અનિકેતભાઈ અને આસ્થાબહેન રોજ રોજ સાંજે મેરેજ બ્યુરોમાં જતા.. મીરાશી માટે તેનો પરફેક્ટ સોલમેટ શોધવા માટે.. વચગાળાના સમયમાં તેની સાત-આઠ છોકરાઓ સાથે મીટીંગ પણ થઇ.. પણ એ બધાને તે નાં કહી દીધેલી…

આજે આ બધા ઠેકાણા જોવાના શરુ કર્યા એના છ મહિના બાદ તે અહી આ મેળાવડામાં આવી હતી.. ને અનાયાસે જ તેના સમાજના આ બે આન્ટીની વાત પણ સાંભળી લીધેલી.. સાધનાબહેન માહિરાના સાસુના બહેન હતા.. સગા નહિ.. કંઇક દુરનો સંબંધ હતો. પરંતુ તેઓ ઓળખતા હતા મીરાશીને.. ત્યાં સુધી કે તેમણે માહિરાના સાસુ પાસે જ બે-ત્રણ વખત તો મીરાશી અને પોતાના દીકરાના સગપણની વાત કરેલી.. એ જ સાધના આંટી આજે પ્રોડક્ટ કહી રહ્યા હતા પોતાને.. મીરાશી કટાક્ષભર્યું હસી પડી..


ત્યાં જ સ્ટેજ પરથી તેના નામનું અનાઉંસમેન્ટ થયું.. મીરાશીને હમેશા આ અજુગતું લાગતું.. સ્ટેજ પર ચડીને સામે બેઠેલા સુયોગ્ય મુરતિયાઓને પોતાના વિશે બે શબ્દો કહેવા.. જાત વિશે નિબંધ લખવા જેવું જ હતું આ કંઇક.. ને આજે તે પોતે આ કરી રહી હતી.. સ્ટેજ પર જઈ પોતાના વિશે બે મીનીટનું ઇન્ટરોડક્શન આપી તે નીચે ઉતરી અને તેના મમી-પપ્પાની બાજુમાં જઈ બેસી ગઈ..

સાધનાબહેન અને સુપ્રીયાબહેનના મોઢા હજુયે વાંકા જ હતા.. થોડી વાર થઇ ત્યાં એક છોકરો તેની પાસે આવ્યો.. ત્રીસેક વર્ષનો લાગતો હતો.. રીમ્લેસ ચશ્માની ફ્રેમ પાછળ રહેલી આંખોમાં ખાલીપો હતો અને ચહેરા પર ગોઠવાયેલી નાની મુસ્કાન… અલબત એમાય ઉદાસી હતી.. વાંકડિયા વાળ અને ઘઉંવર્ણો વાન.. મીરાશી તેને જોતી જ રહી.. તેના મમી-પપ્પા કોઈ સાથે વાત કરવામાં વ્યસ્ત હતા એટલે તેમનું ધ્યાન નહોતું.. તે છોકરાએ મીરાશીને સંબોધીને કહ્યું,

“તમારા વિશે સાંભળ્યું.. સાચું કહું તો મને તો તમે બહુ ઈન્ટરેસ્ટીંગ લાગ્યા.. જનરલી આ રીતે મેળાવડામાં આવીને છોકરી પસંદ કરવાથી મને સુગ છે પરંતુ પહેલી વાર લાગ્યું કે સારું થયું આજે અહી આવ્યો.. મારું નામ મૃદંગ છે.. તમને મારી સાથે વાત કરવામાં રસ હોય તો ત્યાં ટેબલ પાસે આવોને.. બેસીએ.. મારે હજુ જમવાનું બાકી છે…!!”

આ બધા મેળાવડામાં ૫૦ રૂપિયા ભરીને બપોરનું જમણ પણ સાથે જ હોય છે.. કે જેથી કોઈને એકબીજા ગમે તો વાત આગળ થઇ શકે એ માટે પુરતો સમય મળે.. મીરાશીએ મૃદંગને હા કહી અને તે બંને ખૂણામાં આવેલા એક ખાલી ટેબલ પાસે જઈને બેઠા..


“અમમ.. મૃદંગ મારું નામ અને વ્યવસાયે તબલાવાદક જ છું.. મારા નામના અર્થને ચરિતાર્થ કરી રહ્યો છું.. ગુજરાતના જાણીતા ક્લાસિકલ કલાકારોની સંગીત સંધ્યામાં મોટેભાગે હું જ હોવ છું. પેશનને જ પ્રોફેશન બનાવ્યું એટલે શરૂઆતમાં થોડી નાણાકીય મુશ્કેલીઓ આવેલી પણ અત્યારે આઉટડોર્સ અને ફોરેન ટુર્સ કરું છું ને મહિનાના સહેજેય બે-ત્રણ લાખ જેવા કમાઈ લઉં છું.. માનસી ચાર રસ્તા પાસે ત્રણ બેડરૂમનો બંગલો છે જેમાં હું એકલો જ રહું છું.. માં તો હું ચૌદ વર્ષનો હતો ત્યારે સ્વર્ગે સિધાવી ગયેલી ને પપ્પા હમણાં બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા..

લગ્ન કરવાનો વિચાર ક્યારેય નહોતો પણ એક રાત્રે અચાનક ઊંઘ ઉડી ગઈ.. બાજુમાં કોઈ નહોતું સુતું.. કોણ સુવે?? એ રાત્રે ખબર નહિ અચાનક ખાલીપાનો એહસાસ થયો.. મારા રૂમની ચાદર એક જ બાજુથી વિખાયેલી હોય… કારણકે બીજી બાજુ કોઈ હોય જ નહિ તેમાં સળ પાડવા વાળું.. મારા ઓરડાના ડ્રેસિંગ ટેબલ પર લાલ-લીલી બંગડીઓ ના પડી હોય કે ના રસોડામાંથી ગરમાગરમ ભોજનની ખુશ્બુ આવતી હોય.. કે નાં તો કોઈ સ્ત્રી મારા ખોળામાં સુતી હોય ને હું એનું માથું દબાવી આપતો હોય.. મારા ઘરમાં આવું કઈ નહિ..!!” અચાનક મૃદંગને બોલતો અટકાવી મીરાશી બોલી, “એક મિનીટ.. છેલ્લે શું બોલ્યા??” મૃદ્ન્ગે કહ્યું,

“મારા પપ્પાને મેં જોયા છે. હું નાનો હતો ને ત્યારે મમી આખો દિવસ ઘરનું કામ કરીને થાકી ગઈ હોય.. પપ્પા સવારે નવ વાગ્યે જાય ને પાંચ વાગ્યે અવી પણ જાય.. આખો દિવસ એસીમાં બેસીને રહેવાનું એમણે એટલે એમને ખાસ થાક ના લાગ્યો હોય.. ઘરનું કામ કરીને થાકેલી મારી માંને એ રોજ રાતના માથું દબાવી આપે.. ને પછી ઘણી વાર તો પગ પણ દબાવી આપે.. પણ હું એ નાં બોલ્યો.. અત્યારે.. મને થયું કે તમને વિચિત્ર લાગશે..


મારા પપ્પામાંથી હું એક બાબત શીખ્યો છું.. સ્ત્રી ભલે ગૃહિણી હોય પણ તેનું કાર્ય પણ થકાવનારં હોઈ શકે.. થાકવાનો અધિકાર એકલા પુરુષને નથી..!!”

મીરાશીને આ બધું સ્વપ્ન સમું લાગતું હતું.. હજુ તો પહેલી મુલાકાત હતી ને આ માણસ કેટલું બધું કહી ગયો.. અચનાક જ તે એને અલગ નજરથી જોવા લાગી.. આજ સુધી ત્રણ-ચાર મીટીંગ બાદ પણ તેને કોઈ છોકરો આટલો આકર્ષક નહોતો લાગ્યો જેટલો આ મૃદંગ આજે અડધી કલાકની મુલાકાતમાં ગમવા લાગ્યો.. “અમમ.. મૃદંગ તમે ઘણું કહ્યું.. પણ આ બધું તમે મને ઈમ્પ્રેસ કરવા ખોટું નથી બોલ્યા એની શું ખાતરી?”

મીરાશીએ મનમાં ઉઠેલા સવાલને વાચા આપીને કહ્યું.. “ખાતરી તો શું આપું? સંબંધ જોડવો છે.. ખરીદવો નથી..!!” ને મીરાશીના ચહેરા પર અચાનક જ મુસ્કાન આવી ગઈ.. ત્યાં જ અનિકેતભાઈ અને આસ્થાબહેન આવ્યા.. મીરાશીએ તેમણે મૃદંગ વિશે બધી વાત કરી.. જ્ઞાતિનો છોકરો હતો એટલે તેના માં-બાપને બીજો કઈ વાંધો પણ નહોતો..

તે દિવસે ફોન નંબર અને એડ્રેસની આપ-લે કરી તેઓ છુટ્ટા પડ્યા.. મૃદંગના પક્ષેથી લગ્ન બાબતે વાત તે પોતે જ કરવાનો હતો.. માં-બાપ હયાત નહોતા એટલે.. ને સગામાં પણ કોઈ ખાસ નહોતું.. એટલે આ તરફથી મીરાશીએ પોતે પોતાની વાત કરવાની નક્કી કર્યું.. ને બીજા દિવસે અનિકેતભાઈએ મૃદંગ વિશે તપાસ કરાવી.. થોડા દિવસો બાદ ઘર પણ જોઈ આવ્યા તેઓ.. બધું બરાબર છે તેમ વિચારીને તેઓએ આખરે સગપણ નક્કી કર્યું.. તે દિવસે અખાત્રીજ હતી.. ઘરમાં આનંદનો માહોલ હતો.. સગપણ નક્કી થઇ ચુક્યું હતું.. માહિરા તેના પતિ અને સાસુ-સસરા સાથે આવેલી.. પણ તેના ચહેરા હતાશા છવાયેલી હતી.. કંઇક ખૂટતું હોય એવું લાગતું હતું જાણે..


મીરાશી જેવી થોડી એકલી પડી કે તેની બહેન પાસે ગઈ.. “શું વાત છે માહી?? કેમ આટલી અપસેટ છે?? અને છોકરાઓ કેમ નથી દેખાતા??” “મીરાં.. અમમ ખબર નહિ… મારા સાસુને શું થઇ ગયું છે છેલ્લા અમુક સમયથી બહુ અજીબ વર્તન કરે છે.. કઈ સમજાતું નથી.. મને દરેક વાતમાં વઢ-વઢ કરે છે..!!” મીરાશીએ એ સાંભળીને ત્યાં હાજર આસ્થાબહેન સાથે વાતચીત કરતા માહીરાના સાસુ સવીતાબહેન સામે જોયું.. તેમને ખ્યાલ નહોતો કે મીરાશી તેમની સામે જોઈ રહી હતી.. તેઓ વાતોમાં જ મશગુલ હતી… હજુ માહિરાને તે કઈ જવાબ આપવા જાય તે પહેલા જ મૃદંગ ત્યાં આવી ગયો..

“મીરાં.. ગેસ વોટ.. પપ્પાએ જે બે મહિના પછી લગ્નની તારીખ કહેલી ને એ દિવસે જ આપણે લગ્ન કરીશું.. એ દિવસનો મારો ર્પોગ્રામ પોસ્ટપોંડ થયો છે… બે જ મહિના મીરાશી.. બે જ મહિના..!!” ને આ સાંભળતા જ ત્યાં હાજર સૌ કોઈ હરખાઈ ઉઠ્યા.. મીરાશી પણ ખુશ હતી પણ તેના ચહેરા પણ એક અજીબ મૂંઝવણ હતી… લગ્ન કરવાની વાત જે દિવસે પહેલી વાર તેણે તેના પપ્પા પાસે ઉચ્ચારેલી તે દિવસે હતી તેવી જ મૂંઝવણ..!! ને પછી શરુ થઇ ગઈ તડામાર તૈયારીઓ.. ખરીદી.. કંકોત્રી.. લગ્નસ્થળ નક્કી થયું.. બધા સગા વહાલાઓને આમંત્રણ પણ અપાઈ ગયું.. લગ્નને બસ એક મહિનાની વાર હતી..

એક દિવસ અચાનક આસ્થાબહેને જોયું તો મીરાશી ઘરમાં ક્યાય નહોતી.. તેઓ ગભરાય ગયા અને અનિકેતભાઈને ફોન લગાવવા દોડી ગયા.. બપોરના ચાર વાગ્યાનો સમય હતો.. આસ્થાબહેન જાણતા હતા કે મીરાશીને કહ્યા વગર ક્યાય જવાની આદત નથી.. જો આ રીતે તે કહ્યા વગર કયાંક ગઈ હશે તો જરૂર કોઈ ગંભીર વાત હશે..


“હેલો.. અનિકેત.. સાંભળો છો.. મીરાશી ઘરમાં ક્યાય નથી.. મને ચિંતા થાય છે..!!” “હશે.. આટલામાં ગઈ હશે.. આવી જશે.. એમાં શું આટલી ગભરાય છે.!” “અનિકેત તમે જાણો છો ને?? કે આ રીતે કહ્યા વગર ક્યાય જવાની મીરાશીની આદત નથી..”

અનિકેતભાઈ આસ્થાબહેનની આ દલીલનો જવાબ નાં આપી શક્યા.. તેમની વાત સાચી હતી. મીરાશી આ રીતે કહ્યા વગર ગઈ એટલે જરૂર કઈ મુશ્કેલી હોવી જોઈએ.. તે સીધા ઓફિસેથી ઘરે જવા માટે નીકળ્યા.. તે બનેએ બધાને ફોન કરી જોયો.. પરંતુ ક્યાયથી મીરાશીનો પતો ના લાગ્યો.. મૃદંગ તેના પ્રોગ્રામમાં હતો એટલે તેને ફોન કરવો આ બંનેને ઉચિત ના લાગ્યો.. “આસ્થા.. મેં તને કહેલું ને.. એની ઈચ્છા હતી જ નહિ પરણવાની.. પછી આમ જ કરે ને.. ભાગી ના જાય તો શું કરે છોકરી? એની ઈચ્છા વિરુધ આપણે એને પરણાવીએ છીએ..!!”

“અનિકેત.. મૃદંગ માટે એણે જ સામેથી હા કહેલી.. પહેલા આઠ છોકરાઓને એ ના પાડી ચુકી હતી.. આપણે એને ક્યારેય જબરજસ્તી કરી જ નથી.. તમે જોતા નહોતા એ મૃદંગ સાથે હોય ત્યારે કેટલી ખુશ રહેતી.. નક્કી કંઇક બીજી વાત હશે..!!” “કઈ બીજી વાત નથી.. એ જ છે.. હવે શું કરવું છે એ કે.. અત્યારે દસ વાગ્યા છે.. બપોરના બે વાગ્યે જમ્યા બાદ તે એને જોઈ નથી.. પોલીસ કમ્પ્લેન ચોવીસ કલાક પછી થશે.. એ પહેલા શું કરીશું?” “મને લાગે છે આપણે હવે મૃદંગને ફોન કરીએ.. કદાચ એને કઈ ખબર હોય..”


ને તે બંને હજુ મૃદંગને ફોન લગાડવા જતા જ હતા કે મીરાશી આવી.. આસ્થાબહેન દોડીને તેને વળગી પડ્યા.. તેમની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.. મીરાશી તો હજુ પણ પોતાની મોજમાં હતી.. પોતાના મમીને હલબલાવીને પૂછ્યું, “માં.. કાલે વિદાય નથી મારી.. હજુ વાર છે.. શું તું એક મહિના પહેલાથી રડવાનું શરુ કરી દેવાની છે?” ને આસ્થાબહેન ફરી હિબકે ચડ્યા.. અનિકેતભાઈ પણ ભીની આંખે મીરાશી પાસે આવ્યા અને કહ્યું,

“બેટા.. તારે લગ્ન ના કરવા હોય તો વાંધો નહિ.. પણ આમ ભાગીને ક્યાય જતી ના રહેતી.. પ્લીઝ..” ને મીરાશી આ સાંભળતા જ શું થયું હશે તે વિચારીને તેના માં-બાપને વળગી પડી.. થોડી વાર પછી ત્રણેય સ્વસ્થ થયા ત્યારે મીરાશી બોલી.. “સોરી માં-પાપા.. એક હિસાબ પતાવાનો હતો.. જુનો. એના માટે ગયેલી.. ચિંતા ના કરો.. હું મૃદંગને પ્રેમ કરું છું.. અને.. લગ્ન પણ કરીશ જ..!!” ને આ સાંભળતા જ આસ્થાબહેન અને અનિકેતભાઈ હરખાય ઉઠ્યા..

ધીમે ધીમે દિવસો પસાર થઇ રહ્યા હતા અને લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો.. લગ્નના પંદર દિવસ પહેલા જ માહિરા તેના પિયરે રોકાવા આવી ગયેલી.. આ વખતે તેના ચહેરા પર કંઇક અલગ જ ચમક વરતાતી હતી.. મીરાશી આ જોઇને ખુશ હતી.. રોજ સાંજે ખરીદીમાં અને પછી રાતના વાતોમાં સમય પસાર ક્યાં થઇ જતો કોઈને અંદાજ પણ ના રહેતો.. મૃદંગના પરિવારમાં કોઈ હતું નહિ તેથી એની ખરીદી કરવા મીરાશી જ તેની સાથે જતી… અનિકેતભાઈ અને આસ્થાબહેન મૃદંગના માં-બાપ હોય તેમ વરપક્ષ તરફના વ્યવહાર સાચવી લેતા હતા.. હસી-ખુશી છવાયેલી હતી ઘરમાં…!!!


લગ્નને બસ હવે ત્રણ દિવસની વાર હતી.. સાંજનો સમય હતો.. મીરાશીની મહેંદી મુકાઈ રહી હતી. કે અચાનક તેના ફોનની રીંગ વાગી.. માહિરાએ ફોન ઉઠાવી અને સ્પીકર પર મુક્યો.. અજાણ્યો નંબર હતો.. “હેલો.. મીરાશીબહેન વાત કરે છે..!!” સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો.. મીરાશીને સહેજ નવાઈ લાગી.. છતાય બોલી, “હાંજી.. કોણ આપ?” “બહેન.. તમારું બહુ નામ સાંભળ્યું છે.. મને તમારી મદદની જરૂર છે.. મારો કેસ લડશો બહેન તમે? વિગત બધી તમને સમજાવી દઈશ.. તમે કહો ત્યારે.. ને પૈસા પણ તમે કહો એટલા..”

ને આ સાંભળતા જ મીરાશી ચુપ થઇ ગઈ.. અચાનક જાણે કાળા કોટમાં સજ્જ, જજની સામે પોતાના અસીલને બચાવવા દલીલો કરતી સ્વતંત્ર અને રુઆબદાર મીરાશી તેને યાદ આવી ગઈ.. ને તેને જાણે હ્રદયમાં કંઇક ખુંચ્યાનો ભાવ થયો.. માહિરા તેને જોઈ રહી..તે સમજી ગઈ કે મીરાશી જવાબ નહિ આપી શકે એટલે તેણે કહ્યું, “બહેન માફ કરશો.. છેલ્લા અમુક મહિનાથી તેમણે કોર્ટ જવાનું છોડી દીધું છે.. તેમના લગ્ન છે.. તેઓ હજુ થોડા સમય પછી જોઈન કરશે કોર્ટ.. ત્યારે આપને જણાવશે..” ને માહિરાએ ફોન મૂકી દીધો.. મીરાશીના ચહેરા પર માયુસી છવાઈ ગયેલી..


બીજા દિવસે સવારથી જ ઘરમાં ધમાલ છવાયેલી હતી.. આવતીકાલે લગ્ન હતા.. તે દિવસે સાંજી ને ગરબા હતા રાત્રે.. મીરાશી ગઈકાલની વાત ભૂલીને આજે ફ્રેશ હતી.. માહિરાને એ જોઈ ખુશી થઇ.. પણ છતાય તેને કંઇક તો અજુગતું લાગેલું જ..!!

લગ્નનો દિવસ હતો આજે.. બપોરના બાર વાગ્યાનો હસ્તમેળાપ હતો.. સવારથી જ માહિરા પરેશાન હતી.. તેને લાગ્યું કે જે થઇ રહ્યું છે તેમાં ક્યાંક કશીક ગરબડ છે… પહેલો ફેરો શરુ થયો.. “પહેલું પહેલું મંગળિયું વર્તાય રે..!!” ને ફેરો પૂરો થાય એ પહેલા જ માહિરા અચાનકથી જ દોડતી આવી અને બોલી.. “એક મિનીટ.. મીરાશી.. પંડિતજી.. જરા ખમજો..”

ત્યાં હાજર અનિકેતભાઈ આસ્થાબહેન અને મૃદંગ સહીત બધાને નવાઈ લાગી.. આ શું કરે છે માહિરા… માહિરા એ બધાની પરવા કર્યા વગર મીરાશી પાસે ગઈ.. તેને જોઇને તરત મીરાશી બોલી, “બહેન.. ક્યારની તને જ શોધતી હતી.. ફેરા શરુ થઇ ગયા ને તું આવી નહિ એટલે.. હમણાં કહેવાની જ હતી મમીને કે તને બોલાવે..” “મીરાં.. બસ હવે પ્લીઝ.. મારા માટે કુરબાની દેવાનું બંધ કર…!”


ત્યાં હાજર કોઈને કશી ગતાગમ નહોતી પડતી.. બધાની નજર પાછળ આવીને ઉભેલા માહિરાના સાસુ તરફ પડી.. પોતાની વાત આગળ વધારતા માહિરા બોલી,

“મમી.. પપ્પા તમને ખબર છે મારા સાસુએ મીરાને શું કહેલું??? આજથી અમુક મહિનાઓ પહેલા જયારે અચનાકથી મીરાએ તમને લગ્ન માટે હા કહી ને એનું કારણ મારા સાસુ હતા.. એ દિવસે તેમણે મીરાને મળવા બોલાવેલી.. અને કહેલું કે જો મીરાશી હવે લગ્ન નહિ કરે તો તે મને એટલે કે તેમની વહુને કાઢી મુકશે.. ખબર નહિ ક્યાં જુના જમાનામાં જીવે છે તેઓ.. તેમનું કહેવું એમ હતું કે ૨૭ વર્ષની છોકરી કુવાંરી બેઠી છે ઘરમાં એટલે ચોક્કસ કઈ ખોડખાપણ હશે તેનામાં.. અને સમાજમાં બધા લોકો તેમની વહુની બહેન કુવાંરી છે તે બાબતની ટીકા કરે છે.. મારા સાસુને સમાજની વાતો અસર કરી ગઈ.. લોકોએ તેમના કાન ભરવાના શરુ કર્યા કે મીરાશીમાં ખોટ છે.. ને કદાચ તે ખોટ મારામાં પણ હોઈ શકે.. એટલે મારા સાસુ લોકોની વાતમાં આવી ગયા.. સમાજની વાતમાં સહમત થઇ ગયા.. અને મીરાને ધમકી આપી કે તે લગ્ન નહિ કરે તો મને કાઢી મુકશે… ને મારી બહેન મારે ખાતર લગ્ન કરવા તૈયાર થઇ ગઈ.. તેનું સપનું છોડીને તે મારા માટે કુરબાની આપવા તૈયાર થઇ ગઈ..

અત્યારે મારા સાસુને મેં અમસ્તું જ કહ્યું ને આ રીતે મીરાં બે દિવસ પેલા આવેલા ફોનના કરને અપસેટ થઇ ગયેલી.. કદાચ તેને લગ્ન ના કરવા હોય તો.. ત્યારે મારા સાસુએ સામેથી કબુલ્યું કે તેમણે મીરાને લગ્ન કરવા મજબુર કરેલી.. કેમ ખરું ને મીરાં?” માહિરાની વાત સાંભળી મીરાશી સુન્ન થઇ ગયેલી.. થોડી વાર તો તેને શું બોલવું તે સુજ્યું પણ નહિ.. ને આખરે સહેજ ભાન આવતા તે બોલી,


“હા બહેન.. વાત તારી સાચી.. પણ હું તને કહું.. મેં ચોક્કસ લગ્ન કરવા તારા માટે હા કહેલી.. પણ તને યાદ છે મેં શરૂઆતમાં કેટલા છોકરાઓને ના કહી હતી.. કારણકે હું લગ્ન કરવા માગતી હતી.. પણ સાવ મારું જીવન ગમે તેના હાથમાં નહોતી આપવા ઈચ્છતી.. મને મૃદંગ મળ્યા ને બસ મને બધું પરફેક્ટ લાગ્યું.. ને એટલે જ મેં લગ્ન માટે હા કહી..

આમ પણ આપણો સમાજ ક્યારેય સુધરશે નહિ.. છોકરાઓ પાંત્રીસ વર્ષે લગ્ન કરે તો એમ કહેશે કે એમને સેટ થતા સમય તો લાગે ને.. ને છોકરી પચીસ વટાવે ત્યાં તો વાતો શરુ થઇ જાય.. કે તેનામાં આ ખોટ હશે ને તે નાચતી હશે ને આમ ને તેમ.. આપણે દોગલા લોકો વચ્ચે રહીએ છીએ..!! તને ખબર છે મેં મૃદંગ સાથે લગ્ન માટે હા કહી ને એ પછી જ્યારે તું સગપણ નક્કી થયું એ દિવસે ઘરે આવેલી ત્યારે પણ જરા ઉદાસ હતી… એ દિવસે મને લાગ્યું કે હું લગ્ન કરું છું છતાય તારા સાસુ તારા પર શુકામ મનમરજી ચલાવે છે.. એટલે એક દિવસ હું બપોરનાં એમને મળવા નીકળી ગયેલી.. ને ત્યારે મેં એમને કહેલું કે જો હજુ પણ તેઓ તને સાચવશે નહિ ને તો હું જીજાજીને બધું કહી દઈશ.. કે કઈ રીતે તેમણે મને ધમકી આપી હતી.. ને તેથી જ આખરે આ વખતે તું આવી ત્યારે તને ખુશ જોઇને મને સારું લાગ્યું…!!”

મૃદંગ આ બધું સાંભળીને અવાક થઇ ગયેલો.. મીરાશી કઈ માટીમાંથી બનેલી હશે.. આટલી કુરબાની આપવા તૈયાર થઇ ગઈ.. હજુ પહેલો ફેરો પૂરો નહોતો થયો.. મૃદંગે કંઇક વિચાર કર્યો ને બોલ્યો,

“મીરાશી સંજોગો જે હોય તે.. પરંતુ મને લાગે છે કે હવે આપણે લગ્ન ના કરવા જોઈએ.. અને હું આ ગુસ્સાથી કે ચીડમાં આવીને નથી કહેતો.. જો મીરાં તને તારું કરિયર બનાવવા સમય જોઈએ એટલો લે.. કારણકે આપણે ભલે ગમે એટલું કહીએ કે લગ્ન પછી બધું મેનેજ થઇ જશે.. કામ ને ઘર.. હું તને કોર્ટ પર જવા ના નથી જ કહેવાનો.. ને આપણે બધું કામવાળા પાસે જ કરાવીશું.. છતાય એ બહુ મોટો બદલાવ છે.. ક્યારેક સામાજિક તો ક્યારેક વ્યવહારિક પ્રસંગે તારે ક્યાંક મૃદંગની પત્ની બનીને હાજરી આપવી પડે.. ને એના લીધે તારું કઈ પણ કામ મિસ થયા એ મને નહી ગમે.. એટલે જ પહેલા તારા સપનાને જીવવું હોય એટલું જીવી લે.. હું તારી સાથે જ છું.. તને જ્યારે યોગ્ય લાગે ત્યારે જ આપણે લગ્ન કરીશું.. જ્યારે તને તારા કરિયરને લઈને સંતોષ હોય ત્યારે..


આમ પણ આ પહેલો ફેરો હતો.. ને જેમ કહેવાય છે ને પહેલું પહેલું મંગળિયું વર્તાય રે.. એ જ રીતે તારા મંગલ જીવનની શરૂઆતા થઇ ચુકી છે.. એ મારી સાથે હોય કે મારા વગર.. પણ એ શુભ જ હશે.. મંગળ જ હશે મીરાં…!!!”

ને આ સાંભળતા જ મીરાશીની આંખમાંથી આંસુ સરી પડ્યા.. પણ તે આંસુ ખુશીના હતા.. માહિરાના સાસુ મો નીચું કરીને પાછળ ઉભેલા.. ત્યાં હાજર સૌ કોઈ આ પવિત્ર અને મંગળકારી સંબંધને જોઈ અચરજ અનુભવતા હતા.. આસ્થાબહેન અને અનિકેતભાઈ ખુશ હતા… ને માહીરાનો પતિ તેની બાજુમાં આવીને તેનો હાથ પકડી તેને સધિયારો આપી રહ્યો હતો.. જાણે કહેતો હોય મારી માં તરફથી હું માફી માંગુ છું..


મીરાશીએ બીજા જ દિવસથી કોર્ટ જોઈન કરી.. અને પહેલો કેસ એ બહેનનો જ લડ્યો જેના લીધે અજાણતા જ તેનું જીવન બદલાઈ ગયું હતું.. એ કેસમાં તેને સફળતા મળી પછી તેને ઘણી સફળતા મળી. તેણે સાત વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટીસ કરી. અને પાછી અમદાવાદ આવી.. ત્યારે એ પાંત્રીસ વર્ષની હતી.. મૃદંગ તેની સાથે જ રહેલો અત્યાર સુધી તેના દરેક નિર્ણયમાં..

ને આખરે પાંત્રીસ વર્ષની ઉમરે ધૂમધામથી મીરાશી-મૃદંગે ફરી લગ્ન કર્યા.. ને આ વખતે તેઓ સાડા ત્રણ ફેરાં જ ફર્યા.. કારણકે અડધો ફેરો તેઓ આઠ વર્ષ પહેલા જ ફરી ચુકેલા.. જયારે તેમના જીવનમાં મંગળિયું વરતાયું હતું..!!

લેખક : આયુષી સેલાણી

વાહ સુંદર નસીબવાળાને જ આવા જીવનસાથી મળે છે, દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Exit mobile version