અચ્છે દિન – પહેલેથી જ જીવીનો મિજાજ જરા વિચિત્ર. એક ઘા ને બે કટકા અને એક દિવસ થયું એવું કે…

” હા , તો , બોલો આ જીવલીનું શુ કરીશું ? ગામમાંથી એના વિરુદ્ધમાં ઘણી ફરિયાદો આવી છે. આખો દિવસ કોઈ ને કોઈની સાથે ઝગડા કર્યા કરે છે. વડીલોની પણ આમન્યા રાખતી નથી,એવી કવાડજીબી છે. ગામમાં બહુ ઉપાડો લીધો છે એણે ” ગીતાબા સરપંચ મહિલાઓની સભામાં આક્રોશ ઠાલવતાં બોલ્યાં.

” તેની બોલતી એક વખતતો બંધ કરવી જ જોઈએ.” રૂખી દાયણ બોલી. જીવી પર એને દાઝ હતી.અધૂરામાં પૂરું રૂખી એની પડોસણ પણ હતી. અમીનાએ કહ્યુ, ” તે દિવસે તળાવના આરે તમારી વહુ સામે કપડાં ધોવાનો ધોકો ઉગામેલો. આથી બેયને છુટાં પાડવા હું વચ્ચે પડી એટલે રાંડ જળોની જેમ મને વળગી આતો લાજ શરમ વગરની થઈ ગઈ છે એનું કાંઈક કરો સરપંચ ”

image source

” આ જીવલી ફાટી ને ધુમાડે ગઇ છે, એના ઘરવાળાને બે પોલીસવાળાની ઓળખાણ હોય ને પોલીસવાળા જોડે સારું બનતું હોય તો આપણે એનાથી બિયાતું ફરવાનું ? ” સાંતા ને કાંતા નું કહેવુ આમ થતું હતું

આમ સભામાં,એક પછી એક, એમ બહેનોએ જીવી સાથે થયેલા કડવા અનુભવો જણાવ્યા. તેનો વિચાર-વિમર્શ કરીને. છેવટે ગામના સરપંચે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો. ” તો સાંભળો બહેનો આ જીવલીનો આપણે બહિષ્કાર કરીયે છીએ . એની સાથે છાસ- પાણીનો વ્યવહાર બંધ, એને કોઈ કામ આપવાનું નઇ. તેની સાથેનો વાટકી વહેવાર, લેતી-દેતી , બધુ આજથી બંધ .” મહિલા મંડળની બેઠકમાં સરપંચ ગીતાબાએ નિર્ણય જાહેર કર્યો ને એકઠા થયેલા સભ્યોમાં અકાળે ઊડતી મધમાખીઓ ની જેમ ધીમો ગણગણાટ શરૂ થયો. ” આવી રાંડોને તો પાઠ ભણાવવો જ જોઈએ, તો સીધી થાય.” ” કોઈની શરમ ભરવાનીજ નહીં ! ઘોડાની મા ફાટીને ધુમાડે ગઈ છે ! જીવલી. ”

મંગુમા ને હીરાડોશી જેવાં સરપંચના નિર્ણયથી ખુશ થયાં, તો વળી અમરત દરજીની વહુ જેવાં કેટલાંક જીવલીની હાલત પર જીવ બાળવા લાગ્યાં.

જીવી સામે ગામના મહિલા મંડળે આવું પગલું કેમ ભર્યું હશે એ પણ વિચારવા જેવી વાત છે. જીવી ઝેણીયાને નવી નવી પરણીને આવી ત્યારે તો સીધી હતી. ગામના વડીલોની છાતી સુધી લાજ કાઢે. ઝેણીયાથી નાના જુવાનિયાઓની એવી તો મશ્કરી કરે કે એ જુવાનિયા શરમાઈ જાય. નવરાત્રી વખતે ઢબુકતા દેશી ઢોલ સાથે એ જ્યારે ગરબે રમવા ઉતરે ,ત્યારે એનો પગ જમીન પર ના ટકે ! એના ઠુમકાથી ગામના લોકો મોંમાં આંગળી નાખી જાય.

પરણીને આવી ત્યારે શરૂ શરૂમાં એ ભરત ભરવાનું કામ કરતી . એનું ભરતકામ પણ કેવું ? બે ઘડી લોકો જોતાં રહી જાય. કિનખાબી કપડા પર પણ એવી ભાત ઉપસાવે કે એની સામે પાટણનું પટોળુ ઘડીક ઝાખું લાગે. હીરના દોરાથી આભલાં મઢેલું એના હાથનું પોલકું પહેરવાના અભરખા ગામની દરેક યુવાન સ્ત્રીને રહેતા . ગામની કેટલીયે યુવતીઓના કમખે તેણે મોરલા ગહેકતા કરેલા !

image source

ચણીયા ચોળીમાં વેલની ભાત એવી તો આરેખે કે એનાં ફુલડાંની ફોરમથી ગામના જુવાન છોકરા દિવાના થઈ જાતા ! દીકરીના દાયજામાં જો જીવીના હાથનું ભરેલું ભરત ના હોય તો ગામનો સ્ત્રી વર્ગ મો મચકોડતો. એને એટલું બધું કામ મળતું કે તે કામમાંથી નવરી ના પડતી , ને જીવી — ઝેણીયાનું ગાડું ઝપાટાથી રગળ્યું જાતુ. આવી જીવલી આખા ગામને આંખના કણાની જેમ ખૂંચવા લાગી.

પિયરમાં સાવકીમાએ ઉછેરીને એને મોટી કરેલી ,એટલે સાવકીમાની જેમ જીવી બોલવામાં ભારે કથોરી થઈ ગયેલી. પહેલેથી જ જીવીનો મિજાજ જરા વિચિત્ર. એક ઘા ને બે કટકા. એની ઈચ્છા હોય તોજ લોકોનું કામ કરે , જો એને ભરતકામ બારામાં કોઈ કાંઈ પૂછે કે પછી આમ કરવાનું કે તેમ કરવાનું , એવું કાંઇ સમજાવે, કે ટીકા કરે તો કપડાનો ઘા કરીને નાખી દે . પછી હાથમાં ના પકડે.

ઝેણીયો તો આખો દિવસ પીને પડ્યો રહે. જીવીની મોટા ભાગની કમાણી હોઈયાં કરી જાય. ક્યારેક મહિનો બે મહિના ગામમાં દેખાયજ નહીં, ને કયારેક અચાનક આવી જાય. આમ તેનું અચાનક ગુમ થઈ જવું ને એકાએક પ્રગટ થવું લોકોમાં શંકા પેદા કરનારું બની ગયું હતું. ગામમાં આવે ત્યારે રોંફ જમાવતો ફરે. જીવીની સાથે વઢવા બોલવાની તો નવાઇજ નહીં. હમણાં તો જીવીને ધોકાવાળી કરવાનું ચાલુ કરી દીધેલું. બસ ત્યારથી લગભગ જીવલી બદલાઇ ગઈ ને ધીમે ધીમે તેના સ્વભાવમાં પલટો આવતો ગયો.

image source

જીવીની છાપજ એવી પડી ગયેલી કે ‘ વઢ નહીતો વઢવાવાળી દે ‘ . તેની પડોશણ રૂખી દાયણ પણ ભૂંડી રાંડને ભાઈબંધ ઘણા જેવી થઈ ગઈ હતી. બીજી સ્ત્રીઓ જોડે સારાસારી રાખી ઘણાંને એ જીવી સામે ઉશ્કેરતી. આમ રૂખી દાયણ પણ દૂધે ધોયેલી ના હતી. દાયણ હતી ને ! આખા ગામને તેની જરૂર પડતી એટલે એ વળી થોડી ફુલાતી ફરતી. જીવીને વઢકણી બનાવી દેવામાં રુખીનો મોટો ફાળો. સવાર પડ્યું નથીને રૂખી-જીવીની રેકર્ડ ચાલુ થઇ નથી !

એક કહે, ” તું મારી શોક.” તો બીજી કહે, “રાંડ કભારજા! તારા ધંધા શું છે ? તે મને ખબર છે. છાનીમાની બેસ.” તમાસાને કાંઈ તેંડુ થોડું હોય ! કજીઓ જોવા સાંભળવા ઘડીકમાં તો અડધું ગામ ભેગું થઈ જાય. બેય બોલવા ચડે એટલે કાનના કીડા ખરી પડે એવી ગાળોની વેરાયટી ગામને સાંભળાવા મળે. આમ આ બે જણનું ફરસ સાંભળવાની કેટલાયને મજા પડતી. એ બેના ઝઘડામાં જો કોઈ ત્રીજું વચમાં બોલે તો પછી રૂખીને મેલે પડતીને જીવી ત્રીજા જોડે શરુ થઈ જાય. આવો હતો જીવીનો રુઆબ.

જીવીને સવારના પહોરમાં જો કોઈ ઝગડવાવાળું ના મળે તો તેના આંગણામાં પડી રહેતી કુતરીને બે ત્રણ સંભળાવે, કૂતરી વળી તેના સામું જોઈને પૂંછડી પટપટાવે એટલે જીવી રુખીને સંભળાવવા જાણી જોઈને બોલે. ” મુઈ સાવ લાજ વગરની મારા પનારે ક્યાં પડી!” બસ, પડોસણ રૂખી દાયણ, આટલું સાંભળે એટલે તેના ઘરે બેઠી બેઠી સળગી ઉઠે, અને જીવીના મનને ટાઢક વળે.

તળાવમાં કપડાં ધોવાના પથરા બે , ને ધોવાવાળી આખા ગામની સ્ત્રીઓ એટલે પથરા માટે પડાપડી થાય. “વહેલી તે પહેલી, કમુ પછી સમુ ને વહીદા પછી શિહીદા, ” એમ સંપથી કામ પતિ જાય પણ એમાંય જો જીવી કપડાં ધોવા આવી ગઈ તો સમજવાનું બધીયુના વારાનું ફીડલું વળી જાય. કજીયાનું મો કાળું, સમજીને જીવીને બધાં મારગ કરી આપે. જીવી પાછી વટથી, ધોકેણુ લઈને પથરા પર કપડાં ધોતી જાય ને બોલતી જાય “પથરા ક્યાં કોઈ પોતાના આણામાં લઈને આવીયુ છે, તે રાહ જોવાની.”

image source

કોઈ એની જોડે વાત કરવા તૈયાર નહીં. ભૂલેચુકેય જો એની વાતમાં કોઈ હોંકારો ભણે તો માથું પકવી નાખે, એવી વાતું કરે.

એક પરોઢિયે ગામમાં પોલીસની ગાડી આવીને ઝીણીયાને ઉપાડી ગઈ.આ વાતની રૂખીએ સરપંચને વધઈ ખાધી. ગામમાં મોઢાં એટલી વાતો થવા લાગી. કેટલાક બડાઈ મારવા લાગ્યા કે ” અમેતો જાણતા જ હતા કે એક દિવસ આમ થવાનું છે .” કોઈ વળી બોલતો કે,” ઝેણીયાના ધંધાજ સાપ પકડવાના હતા, તે પછી આવુજ થાય ને !” કેટલાક વિચારવા લાગયાં કે હવે જીવીનું જોર કાંઈક હેઠું પડશે. પણ એવું કાંઈ બન્યું નહીં . કૂવાના કાંઠે જીવીએ અમરત દરજીની વહુ વિણાને મારીને એનાં કપડાં ફાડી નાખ્યાં. દરજીની ઘરવાળી વીણાએ આથી સરપંચને ફરિયાદ કરી. ફરિયાદ આવવાથી, સરપંચે ના છૂટકે ફરી મહિલા મંડળની બેઠક બોલાવવી પડી.

image source

આ વખતે મિટિંગ મળી તેનો માહોલ કાંઈક જુદોજ હતો. જીવીનો ગમે તેમ કરીને કેટલાંક ઘડો-લાડવો કરી નાખવા માગતાં હતાં. બધાં વિચારતાં હતાં કે જીવલી પર બહુ દયા ખાધી. જેમ જેમ તેના પર ઉદારતા દાખવવામાં આવે છે તેમ તેમ એ વધારે બેફામ થતી જાય છે. પણ હવે ઢીલું ના છોડવું જોઈએ. લગભગ નક્કી થઈ ગયું કે, જીવીનો રૂખીની આગેવાની હેઠળ મારી મારી ને કુટિયો કાઢી નાખવો.

મોટાભાગની ગામની સ્ત્રીઓ બેઠકમાં હાજર હતી. ગીતાબા સરપંચ પણ આવી ગયાં હતાં. મંગુબેન, મંજુબેન,ગોમતીબેન ને મરીયમબૂ જેવી આધેડ ઉંમરની સ્ત્રીઓ અને હીરાડોશી ચપટી ભરી ભરી છીંકણીના સટાકા લઈ રહયાં હતાં. બેઠકમાં ઝીણોઝીણો ગણગણાટ ચાલુ હતો. હવે એક માત્ર રૂખી આવવાની બાકી હતી તેની રાહ જોવાતી હતી.

* * * * * *

image source

બન્યું એવું કે રૂખી દાયણની બકરી જીવીની ખડકીમાં ઘુસી ગઇ. તેથી બકરી પકડી લાવવા રૂખીને ના છૂટકે નીચું માથું કરીને જીવીના આંગણામાં પગ મૂકવો પડ્યો. એ વખતે જીવી આંગણામાં બેઠી બેઠી ઉલટી કરતી હતી. રૂખીને વહેમ પડ્યો આથી તે, જીવી પાસે ગઈ તેનો હાથ પકડી ને હાથની નસ તપાસી, ને ચમકી , એતો પછી તેને ઘરમાં લઈ ગઈ , ખાટલા પર સુવડાવીને તપાસ કરી. ને બોલી, ” લે રાંડ આમ હતું તો, કોઈને કે ‘વાય નઈ.” ? એક ઘા ને બે કટકા કરનારી જીવી આજ પહેલી વખત નિઃશબ્દ પડી રહી, માત્ર તેની આંખના ખૂણાએ પસ્તાવાનું ઝરણું વહેતુ કર્યું. રૂખી બકરી પકડીને ઘરે ગઈ . ઘરેથી દવાની પડીકી લાવીને જીવીને ફાકી કરાવી. રૂખી આમતો એક સ્ત્રી ઉપરાંત ગામની દાયણ ખરી ને!

પરિસ્થિતિ પામી ગયેલી રૂખી હાંફળી હાંફળી ગઈ મહિલા મંડળની બેઠકમાં, જ્યાં તેની રાહ જોવાતી હતી. ગીતાબા, સરપંચ પાસે જઈને તેમના કાનમાં ધીમા અવાજે કાંઈક વાત કરવા લાગી. ને એ વખતે સરપંચના ચહેરાના બદલાતા હાવભાવ આખું મંડળ આતુર નજરે જોઈ રહ્યું. ગીતાબા કાંઈક વિચારતાં વિચારતાં ઊભાં થયાં ને જાહેર કર્યું કે ” બહેનો હવે આપણાથી જીવી વિરુદ્ધમાં કાંઈ થઈ શકે તેમ નથી. જીવી ને સારા દહાડા જાય છે.” રૂખીએ તેના અનુભવથી કીધું કે જીવીને ત્રણ ઉતરીને ચોથો જાય છે , ને બેઠકમાં બેઠેલાં બધાંનાં હથિયાયર ટપોટપ હેઠાં પડી ગયાં. થોડી વારતો સોંપો પડી ગયો. બધાં એક બીજાની સામે જોવા લાગ્યાં, ને ખર..ખરા…રાટ કરતો ગણગણાટ ચાલુ થઈ ગયો.

image source

” હત , તારું જાય તારું , જીવલી તેં તો ખેલ બગાડ્યો. ” ખૂણામાં બેઠેલાં હીરા ડોશી બોલ્યાં ને હાસ્યનું મોજું ફરી વળ્યું. કારણ આ ડોશીનું જીવીએ એક વખત મોઢું તોડી લીધું હતું, તેનો બદલો લેવા હીરા ડોશી થનગની રહયાં હતાં ને આવા સમાચાર આવ્યા, ને ડોશીની મનની મનમાં જ રહી ગઈ.

પછી તો આખું મહિલા મંડળ પહોંચ્યું જીવીના ઘરે . જીવી એ વખતે સવારમાંજ વિયાએલી કૂતરીને રાબ પીવડાવી રહી હતી. જીવીના સાંકડા ઘરમાં જેમતેમ કરી મહિલા મંડળની બધી બહેનો ગોઠવાઈ ગઈ. કોર્ટના પિંજરામાં જેમ તહોમતદાર ઊભો હોય તેમ, જીવી આવીને બધાની વચ્ચે નત મસ્તકે બેઠી. કેટલીએ નજરો જીવીના ખાલી ઘરમાં ફરવા લાગી.

સરપંચે હળવી ભાષામાં જીવીને થોડો ઠપકો આપ્યો ને સુધરી જવાની શિખામણ આપી. જીવીએ મૂંગી રહીને સાંભળ્યું. સરપંચે ભીખા વાણંદની વહુ, જડી ને ખાસ સૂચના આપીને જીવીની જવાબદારી સોંપી, ઘરમાં કાંઈ ખૂટતું હોય તો તપાસ કરવાની અને જરૂરી ચીજ વસ્તુ તેમની પાસેથી મંગાવી લેવની સૂચના આપી. બેજીવાતી, જીવીના ઘરે, રાત્રે બે બાઈઓ તેની જોડે રહેશે તેવું નક્કી થયું . ને દરેકના વારાની વહેંચણી થઈ.

image source

તેના ઘરવાળાની તપાસ કરીને, મદદ કરવાની, ગીતાબા એ હૈયાધારણ આપીને, જ્યારે તેના માથે હાથ ફેરવ્યો, તો જીવી હીબકાં ભરવા લાગી. બધાં ઊઠયાં ત્યારે અમરત દરજીની વહુ વીણા, રંગમાં આવી ગઈ ને બોલી ” સારું થયું લો, જીવી બૂન બીજા બધાને તો, આવતાં આવશે પણ તમારે તો *’ અચ્છે દિન’* આવી ગયા.”

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ