પહાડો પર આવેલા માતાજીના 10 ખાસ મંદિર, જ્યાં માતાજી પોતે જ નિવાસ કરે છે…

આ લેખમાં અમે તમને માતાજીના એવા મંદિરો વિષે જણાવીશું જે પહાડો પર બીરાજેલા છે. અને તેને માતાજીના મહત્ત્વના નિવાસસ્થાનો પણ માનવામાં આવે છે.

1. કનક દુર્ગા મંદિર (આન્દ્ર પ્રદેશ)

આંદ્ર પ્રદેશના વિજયવાડામાં સ્થિત દેવી કનક દુર્ગાનું મંદિર હિન્દુઓના પ્રખ્યાત મંદિરોમાં ગણવામાં આવે છે. કનકદુર્ગા મંદિર કૃષ્ણા નદીના તટ પર ઇન્દ્રકીલાદ્રિ પહાડની ટોચ પર આવેલું છે. તે મંદિર દુર્ગામાતાને સમર્પિત છે. તે આન્દ્ર પ્રદેશનું મહત્ત્વનું તેમજ બીજા નંબરનું સૌથી મોટું મંદીર છે.

તેની સાથે જોડાયેલી વાયકાઓ
– આ પહાડને લઈ એવી માન્યતા છે કે ભગવાન શિવના આશિર્વાદ મેળવવા માટે અર્જુને આ જગ્યા પર તપસ્યા કરી હતી અને અહીં જ અર્જુને ભગવાન શિવ પાસેથી પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. આ મંદિરમાં સ્થાપિત માતાજીની મૂર્તિ વિષે કહેવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંભુ છે, માટે તેને ખુબ જ ખાસ તેમજ બળવાન માનવામાં આવે છે.

2. તારા દેવી મંદિર (હિમાચલ પ્રદેશ)

તારા દેવી મંદિર શિમલામાં તારા દેવી નામના જ પહાડની ટોચ પર આવેલું છે. આ મંદિર ચારે દિશાએથી હરિયાળીથી ઘેરાયેલું છે. પોતાના કુદરતી સૌંદર્ય અને ધાર્મિક મહત્ત્વના કારણે આ મંદિર હિમાચલ પ્રદેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે.

મંદિર સાથે જોડાયેલી વાયકાઓ

– કેહવામાં આવે છે કે આ મંદિર લગભગ 250 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું.
– અહીં સ્થાપિત માતાજીની મૂર્તિને લઈ માન્યતા છે કે તારા દેવીની મૂર્તિ પ.બંગાળથી લાવવામાં આવી હતી.

3. ચામુંડેશ્વરી મંદિર (કર્ણાટક)

ચામુંડેશ્વરી મંદિર કર્ણાટક રાજ્યના મૈસુરમાં ચામુંડી નામના પહાડ પર બીરાજમાન છે. આ મંદિર પોતાના સૌંદર્ય માટે ખુબ જ લોકપ્રિય છે. ચામુંડી પહાડ પર મૈસુરના ઉત્તમ પર્યટન આકર્ષણમાનું એક છે. આ મંદિરમાં મોટા-મોટા ચાંદીના દરવાજા અને સોનાની મૂર્તિઓ સ્થાપિત છે.

મંદિર સાથે જોડાયેલી વાયકાઓ

1. માન્યતાઓ પ્રમાણે, આ મંદિરની સ્થાપના 12મી સદીમાં કરવામાં આવી હતી.
2. ચામુન્ડેશ્વરી મંદિરના પ્રાંગણમાં રાક્ષસ મહિષાસુરની એક 16 ફૂટ ઉંચી મૂર્તિ સ્થાપિત છે. જે આ મંદિર પરિસરનું મુખ્ય આકર્ષણ છે.

4. મનસા દેવી મંદિર (ઉત્તરાખંડ)

મનસા દેવી મંદિર ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર નગર હરિદ્વારમાં આવેલું છે. આ મંદિર દેવીના સૌથી પ્રિય મંદિરોમાંનું એક છે. આ મંદિર શિવાલિક નામના પહાડની વિલાસ નામની ટોચ પર આવેલું છે.

મંદિર સાથે જોડાયેલી વાયકા

– મનસા દેવી મંદિરના પ્રાંગણમાં એક ઝાડ છે જે વિષે એવી માન્યતા છે કે તે ઝાડ પર નાડાછડી બાંધવાથી ભક્તોની મનોકામના ચોક્કસ પુરી થાય છે. મનોકામના પુરી થયા બાદ મંદિરમાં માતાજીનો આભાર માનવા આવવાનો અને ઝાડ પરથી નાડાછડી ખોલવાની પરંપરા પણ છે.
– માન્યતાઓ પ્રમાણે મનસા દેવીની ઉત્પત્તિ ઋષિ કશ્યપના મનમાં થઈ હતી.

5. અદ્ધર દેવી મંદિર (રાજસ્થાન)

અદ્ધર દેવી મંદિર રાજસ્થાનના માઉન્ટ આબુ વિસ્તારમાં સ્થિત લોકપ્રિય ધાર્મિક સ્થળોમાનું એક છે. અદ્ધર દેવી મંદિર જંગલો અને હરિયાળીથી ઘેરાયેલી ગુફામાં સ્થાપિત છે. આ મંદિર દુર્ગામાતાને સમર્પિત છે.

મંદિર સાથે જોડાયેલી વાયકાઓ

– અદ્ધર દેવી મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ લગભગ 365 પગથિયા ચડવા પડે છે.
– આ જગ્યા વિષે એવી માન્યતા છે કે જો કોઈ ભક્ત પૂરી શ્રદ્ધાથી અને વિશ્વાસ સાથે દેવી દૂર્ગાની પુજા-અર્ચના કરે છે તો પહાડ પર દેખાતા વાદળામાં દૂર્ગા માતાની છવીના દર્શન થાય છે.

6. બમ્લેશ્વરી દેવી મંદિર (છત્તીસગઢ)

બમ્લેશ્વરી માતાનું મંદિર છત્તીસગઢ રાજ્યમાં ડોંગરગઢ પર આવેલું છે 1600 ફૂટની ઉંચાઈ પર. ડોંગરગઢના મુખ્ય આકર્ષણની સાથે સાથે તે મુખ્ય તીર્થ સ્થાન પણ છે. અહીં માતાજીના મુખ્ય મંદિરની લગભગ અરધો કી.મી દૂર બીજું એક મંદિર છે જેને નાની બમ્લેશ્વરી દેવીના નામથી ઓળખવામાં આવે છે.

મંદિર સાથે જોડાયેલી વાયકા

– આ જગ્યાનું નામ ડોંગરગઢ બે શબ્દોને જોડીને બનાવવામાં આવ્યું છે. ડોંગ અને ગઢ. ડોંગનો અર્થ થાય છે પહાડ અને ગઢનો અર્થ થાય છે ક્ષેત્ર. એટલે કે આ જગ્યાને પહાડી ક્ષેત્રના નામે પણ ઓળખવામાં આવે છે.
– બમ્લેશ્વરી માતાના મંદીરે પહોંચવા માટે ભક્તોએ 1100 સીડીઓનું ચઢાણ કરવું પડે છે.

7. સપ્તશ્રૃંગી માતાનું મંદિર (મહારાષ્ટ્ર)

સપ્તશ્રૃંગી માતાનું મંદિર મહારાષ્ટ્રના નાસિકની પાસે વાણી પર્વત પર આવેલું છે. આ મંદિરમાં દેવીમાની મૂર્તિ ખુબ જ સુંદર અને અદ્ભુત છે. આ મૂર્તિ લગભગ 10 ફૂટ ઉંચી છે. મૂર્તિના 18 હાથ છે, જેમાં વિવિધ અસ્ત્ર-શસ્ત્ર પકડેલા છે.

મંદિર સાથે જોડાયેલી વાયકાઓ

– કહેવામાં આવે છે કે મંદિર નાના-મોટા સાત પહાડોથી ઘેરાયેલું છે માટે અહીંની દેવીને સપ્તશ્રૃંગી એટલે કે સાત પર્વતની દેવીના નામે ઓળખવામાં આવે છે.
– સપ્તશ્રૃંગી દેવી મંદિર સુધી પહોંચવા માટે લગભગ 500 સીડીઓ ચડવી પડે છે.

8. તારા તારિણી મંદિર (ઉડીસા)

આ મંદિર ઉડીસાના તારા તારિણી પહાડ પર વસેલું છે. આ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર વિષે એવી માન્યતા છે કે આ મંદિર દેવી સતીની 4 શક્તિપીઠોની મધ્યમાં સ્થિત છે, એટલે કે આ મંદિરની ચારે દિશામાં એક-એક શક્તિપીઠ વસેલી છે.

મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ

– માતાજીનું આ મંદિર ખુબ જ ખાસ છે કારણ કે આ મંદિર જોડીયા માતાજી તારા અને તારિણીને સમર્પિત છે.
– તારા તારિણી મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ લગભગ 999 સીડીઓનું ચઢાણ કરવું પડે છે.

9. વૈષ્ણૌ દેવી મંદિર (જમ્મુ-કાશ્મીર)

ભારતના વિશ્વ પ્રસિદ્ધ અને સૌથી પવિત્ર સ્થળ એવા વૈષ્ણૌદેવી મંદિર જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્રિકુટા પહાડો પર વસેલું છે. માતા વૈષ્ણોદેવીનું આ પવિત્ર મંદિર એક પહાડની ગુફામાં સ્થિત છે. દર વર્ષે અહીં લાખો ભક્તો આવે છે. વૈષ્ણોદૈવી મંદિરની ગુફામાં માતાજીના ત્રણ પિંડ સ્થાપિત છે. જેમાં એક મહાલક્ષ્મી, બીજા મહાસરસ્વતી અને ત્રીજુ મહાકાળીના સ્વરૂપે પૂજવામાં આવે છે.

મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો

– વૈષ્ણવદૈવી માતાના ગર્ભગૃહ સુધી જવા માટે પહેલા પ્રાચીન ગુફા હતી, જે એકધારી પાણીના વહેણથી વહેતી રહેતી હતી અને તેમાં સુઈને જ પ્રવેશી શકાતું હતું. હવે ત્યાં સુધી પહોંચવા માટે એક અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે અને જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
– વૈષ્ણવ દેવી મંદિર જમ્મુ-કાશ્મીર રાજ્યના પહાડો પર 5300 ફૂટ ઉંચે આવેલું છે.

10. શારદા માતા મંદિર (મધ્યપ્રદેશ)

મેહરવાળી માતાનું મંદિર ભારતના હૃદય ગણાતા મધ્યપ્રદેશના ત્રિકુટા પહાડો પર આવેલું છે. તેને દેવીની 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે અહીં દેવી સતીનો હાર પડ્યો હતો. અહીં માતાજીના મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ કેટલાએ કી.મી.ની પદયાત્રા કરવી પડે છે.

મંદિર સાથે જોડાયેલી વાતો

– શારદા માતા મંદિર સુધી પહોંચવા માટે લગભગ 1063 સિડીઓ ચડવી પડે છે.
– માન્યતા છે કે એક વાર માતા દુર્ગાના ગળાનો હાર આ જગ્યા પર પડી ગયો હતો, તે કારણસર આ જગ્યાને મૈહર અને અહીં સ્થાપિત માતાજીને મૈહરવાળી માતાના નામે ઓળખવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી ધાર્મિક પોસ્ટ સવાર સવારમાં વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી