પાગલ નહીં તો.. – આજે દસ વર્ષ પછી એ જોવાની હતી પોતાના પ્રેમીને પણ તેની આવી હાલત? લાગણીસભર વાર્તા…

અમેરિકાની ધરતી પરથી પ્લેન ઊંચકાયું અને એ સાથે અનેરીના મનમાં વિચારો પણ ઊંચકાયા. ચાર વર્ષ પછી ભારત જતી અનેરીએ આ વખતે નકકી કર્યુ હતું કે જુના ઘરે જવું જ છે. પિયરનું અસલી ઘર છોડયે તો દસ વર્ષ થઇ ગયા હતા. આ વખતે તો ગામના ઘરે જવું જ છે. અને ગામની યાદ આવતા જ યાદ આવી ગયચ આલોક… તેનો મિત્ર-પ્રેમ-દોસ્ત આલોક.

આલોક અને અનેરી એક જ ગામમાં રહેતા હતા. થોડી ઘણી ઓળખાણ હતી, પ્રેમની શરૂઆત હતી, પણ રજુઆત હતી. બન્નેની આંખ એકબીજાને જોઇને ચમકી જતી હતી, પણ બોલવાની હિંમત ન હતી. એક વખત નવરાત્રિ વખતે અનેરી આલોક રહેતો હતો તે વિસ્તારમાં ગરબા રમવા ગઇ. બઘી બહેનપણીઓ સાથે મોડે સુઘી ગરબા રમતી અનેરીને આલોક જોતો જ રહેતો હતો. ગરબા પત્યા પછી અનેરી ઘરે જવા નીકળી ત્યારે આલોક પાછળ પાછળ આવ્યો, અને અનેરીને કહ્યું, “બસ… જાય છે ?? પણ કાલે આવજે હો..”

image source

અને અનેરી પણ બોલી ઉઠી, “હા ચોકકસ હવે નવે નવ દિવસ અહીં જ ગરબા રમવા આવીશ.” બન્ને એક ક્ષણ એકબીજાને જોતા રહ્યા, અને પછી અચાનક એકબીજાને ભેટી પડયા. અને બીજી જ ક્ષણે અલગ થઇ ગયા. આલોકે અનેરીના કપાળ પર હળવું ચુંબન કર્યુ, અને બન્ને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. પછી તો નવેનવ દિવસ અનેરી ગરબે ઘુમતી અને આલોક તેને જોતો રહેતો. પ્રેમની એકવારની કબુલાત પછી બન્ને એકબીજાને મળ્યા નહી.

બસ અછડતી વાત થઇ જતી. અને તેવામાં આલોકને બહારગામ નોકરી મળી ગઇ. જતા પહેલા અનેરીને કહેતો ગયો કે મારી રાહ જોજે. પણ સમય કયાં કોઇની રાહ જોવે છે ? અનેરી માટે અમેરિકાથી માંગુ આવ્યું અને અનેરી કંઇ બોલી ન શકી. આલોકને ખબર પડી તો તે તૂટી ગયો, તેણે અનેરીને ભાગી જવાનું કહ્યું, અનેરીને પણ એકક્ષણ ભાગી જવાની ઇચ્છા થઇ. પણ માતાપિતાની આબરૂનો વિચાર કરીને તે એમ ન કરી શકી. અને પરણીને અમેરિકા ચાલી ગઇ. તેના લગ્નના એક મહિનામાં તેના ભાઇને પણ શહેરમાં નોકરી મળતા તેના મમ્મી-પપ્પા, ભાઇ-ભાભી ગામ છોડીને શહેરમાં ચાલ્યા ગયા. ગામનો સંપર્ક તૂટી ગયો.

image source

તે સાથે આલોકનું શું થયું એ પણ ખબર ન પડી. આમ પણ તે આલોક વિશે સીઘું તો કોઇને પૂછી શકે તેભ હતી નહી. લગ્ન પછી બે-ત્રણ વખત ભારત આવી, પણ ગામના ઘરે જવાનો મેળ ન પડયો. એટલે આ વખતે તો પહેલેથી જ જવાનું નકકી કરી લીઘું હતું. ભાઇના ઘરે અઠવાડીયું રહીને તે ગામ જવા નીકળી, આલોકની યાદ દિલને ઘેરી વળી. આલોક ત્યાં નહી હોય તેવી તેને ખાત્રી હતી, પણ તેના વિશે કંઇક માહિતી તો મળશે એમ વિચારતી હતી.

ગામમાં શેરી પાસે તેની કાર ઊભી રહી, તો એક માણસ સામે આવીને ઉભો રહ્યો. કારની અંદર નજર નાખી અને એકદમ ચમકીને હસવા લાગ્યો. અનેરી તો જરાક ડરી ગઇ, તેના ભાઇએ બારણું ખોલીને તેને દુર ધકેલ્યો. ત્યાં તો પાડોશી પણ આવી ગયા. પાડોશીબેને કહ્યું, “અરે.. તમને પણ હેરાન કરવા આવી ગયો ? આ આલોક છે, ન જાણે કેમ આપણી શેરીની આસપાસ ચકકર માર્યા કરતો હોય છે, ભટકયા કરતો હોય છે, કોઇ ખાવાનું આપે તો ખાઇ લે, બાકી એમને એમ પડયો રહે, પાગલ નહી તો…”

image source

‘આલોક’ નામ સાંભળીને અનેરી ચમકી ગઇ. તે કંઇ બોલે તે પહેલા તે બેને આગળ ચલાવ્યુ, “તેના મમ્મી પપ્પા તો આ પાગલ બન્યો તે આઘાતમાં ગુજરી ગયા. લોકો કહે છે કે પ્રેમમાં દગો મળવાથી આલોક પાગલ થઇ ગયો, હવે સાચું ખોટું શું ખબર ” તે બેન બોલ્યા જતા હતા અને અનેરી દોડીને ઘરમાં ચાલી ગઇ. જેને જોવા-મળવા અહીં સુઘી આવી હતી તે આવો થઇ ગયો ? તેના ગંદા કપડા, વઘેલી દાઢી, લાંબાવાળ… એક ક્ષણ તો ઓળખી જ ન શકાય કે આલોક છે.

વિચારમાં ને વિચારમાં તેની આંખમાંથી આંસુ સરી પડયા. તેને ખાત્રી થઇ ગઇ કે આલોકની સ્થિતિ માટે પોતે જવાબદાર છે. પણ કોને કહેવું ? આખી રાત તેને નિંદર ન આવી. બીજા દિવસે ગામમાં ચકકર મારવાના બહાને બહાર નીકળી. આલોક તેના ઘર સામે જોતો જ બેઠો હતો. અનેરીને જોઇને તેની નજીક આવ્યો , પણ શેરીની અન્ય સ્ત્રીઓ આવી ગઇ એટલે અનેરીએ ન છુટકે તેની સાથે વાત કરવા ઊભા રહેવું પડયું. આલોક એકીટશે તેની સામે જોતો હતો અચાનક અનેરી પાસે આવ્યો અને તેનો હાથ પકડી દીઘો.

image source

બીજી સ્ત્રીએ તેને ઘકકો માર્યો, “ચલ હટ.. પાગલ નહીં તો..” પણ અનેરી ઘકકો ન મારી શકી. અને અચાનક આલોક તેને વળગી પડયો, કપાળ પર હળવું ચુંબન કરીને પછી તાલી પાડતો ભાગી ગયો. અનેરીનો ભાઇ અનેરીને ઘરમાં લઇ ગયો, “ચલ.. ગાંડાનો ભરોષો નહી, કયાંક મારી દેશે, તું ઘરમાં આવી જા” અનેરી ઘરમાં જઇને ખૂબ રડી. આખો દિવસ કોઇ સાથે વાત કર્યા વગર તબિયત ખરાબ હોવાનુ બહાનું કરીને સૂતી રહી, બહાર પણ ન ગઇ.

બીજા દિવસે સવારે તેના ભાઇએ કહ્યું, “અનેરી, પેલો ગાંડો હતો ને.. તે મરી ગયો” અનેરી ચમકીને બેઠી થઇ ગઇ, “કેવી રીતે ?” તેના ભાઇએ કહ્યું, “ખબર નહી, પણ બઘા કહે છે કે કાલે તે બહુ ખુશ હતો, આખો દિવસ નાચ્યા કરતો હતો, હસતો રહ્યો હતો, રાત્રે પણ નાચતો હતો. પછી સુઇ ગયો, તો સવારે ઉઠયો જ નહી, લાગે છે કંઇક ખુશીમાં તેનું હ્રદય બંધ પડી ગયું”

image source

ભાઇના શબ્દો સાંભળીને અનેરી રડી પડી. સ્વગત બોલી, ” આલોક.. મને માફ કરી દે, તારી બરબાદીનું કારણ હું જ છું, તને પાગલ બનાવવાનું કારણ પણ હું જ છું અને હવે તારા મોતનું કારણ પણ હું જ… આલોક માફ કરી દેજે..” તેના ભાઇએ કહ્યું, “અરે એમાં રડે છે શું કામ ?? ગાંડાના મોત પર રડવાનું હોય ?? પાગલ નહીં તો..”

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ