ઘોઘા તાલુકામાં આવેલું આ પડઘલિયાનું શિવલિંગ સાપની કાંચળીની જેમ 12 વર્ષે પડ ઉતારે છે.

શ્રાવણ મહિનામાં શિવલિંગના અનેકરૂપના દર્શનનો લાહવો મળે તો તેને ક્યારેય કોઈ શિવભક્ત ટાળે નહીં. આપણી આસપાસ કંઈકને કંઈક નવિનતા ધરાવતા મંદીરો, મંદીરોમાંની મૂર્તિઓ તેમજ શિવાલયમાંના શિવલિંગો હોય છે જેની આપણને જાણ નથી હોતી.

આજે હજારો કીલોમીટરની મુસાફરી કરી અઘરા ચઢાણો કરીને શિવભક્તો હિમાલયમાં વિવિધ સ્થળે બિરાજતા શિવલિંગના દર્શન કંઈ અમથા જ નથી જતાં પણ તેમની અપાર શ્રદ્ધા તેમને ત્યાં ખેંચી જાય છે. આપણી આસપાસના શિવલિંગો સાથે કંઈ કેટલીએ વાયકાઓ જોડાયેલી છે, કેટલાક શિવલિંગ સ્વયંભૂ હોય છે તો કેટલાકને શ્રદ્ધાથી સ્થાપવામાં આવેલા હોય છે તો કેટલાકને પુરાણ કાળથી રામાયણ-મહાભારત સમયથી સ્થાપવામાં આવ્યા હોય છે.

આજે અમે એવા જ એક શિવલિંગની માહિતી તમને આપીશું જેની પોતાની એક ખાસિયત છે. આ શિવાલય આવ્યું છે ભાવનગરથી માત્ર 35 કીં.મીના અંતરે. જો તમે સાતમ આઠમ કરવા સૌરાષ્ટ્ર જવાના હોવ તો આ મંદીરની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ.

આ મંદીર હાથબ ગામની સીમમાં આવેલું છે આ મંદીરને મહાભારત સમયનું માનવામાં આવે છે જેમાં અહીંનો ગોહિલવાડ ખુબ જ આસ્થા ધરાવે છે. અહીં શ્રાવણ મહિનામાં સેંકડો લોકો દર્શનાર્થે આવે છે. આ શિવલિંગ સ્વયંભુ છે. આ શિવલિંગ જેટલું ઉપર દેખાય છે તેનાથી કેટલાએ ગણું નીચે દેખાય છે.

એવું કહેવાય છે કે આ શિવલિંગની આસપાસની જમીન ખોદતાં 20 ફૂટ ઉંડે સુધી પણ તેનો છેડો જોવા નહોતો મળ્યો. એવું કહેવાય છે કે આ મંદીરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે અને તેને મહાભારત સાથે પણ સંબંધ છે. અહીં વનવાસ દરમિયાન પાંડવોએ શિવજીની આરાધના કરી હતી અને ખુશ થઈ શિવજી અહીં પ્રગટ થયા હતા અને આ જગ્યાએ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા હતા.

મૂળે તો આ મંદીરનું નામ પડધરીયા હતું પણ સમય જતાં ભાષાનો અપભ્રંશ થતાં નામ પડઘલિયા થઈ ગયું છે. આ મંદીરના શિવલિંગની બીજી એક ખાસિયત એ છે કે તે સાપ જેમ પોતાની કાચળી ઉતારે તેમ આ શિવલિંગ પણ દર 12 વર્ષે પોતાનું પડ ઉતારે છે. અને માટે જ તેનું નામ પડઘલિયા મહાદેવ પાડવામાં આવ્યું છે. અહીં શ્રાવણ માસમાં માત્ર પાંચ જ દિવસમાં એક લાખને એકાવન હજાર બિલ્વપત્ર ચડાવવાનો મહિમા છે.

એક વાયકા પ્રમાણે અહીં હિડિંબા નામની રાક્ષસી રહેતી હતી જે ભિમના બળ પર મોહી ગઈ હતી. અને આ જ પઢઘલિયા મહાદેવ સમક્ષ તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. અને ત્યારબાદ શિવજીએ હિડિંબાને રાક્ષસ યોનીમાંથી મુક્ત કરી અને તેણી માનવ બની હતી. આ જગ્યાને હજારો વર્ષો પહેલાં હિડંબા વન પણ કહેવામાં આવતું હતું.

જો તમે ભાવનગરનું નિષ્કલંક મહાદેવનું મંદીર જોયું હશે તો આ જગ્યાએથી પડઘલિયા મહાદેવનું મંદીર ખુબ જ નજીક આવેલું છે. માટે આ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલાં પૌરાણિક શિવાલયના દર્શન તો તમારે કરવા જ જોઈએ. શું તમે પણ આવા અનોખા શિવલિંગ વિષે જાણો છો તો ચોક્કસ કમેન્ટ બોક્ષમાં જણાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ