જલ્સા કરોને જેંતીલાલ

પાન શોટ્સ – હવે પાન ખાવાનું નહિ પણ પીવાનું છે, જમ્યા પછી બાળકોને પણ આપી શકશો…

ભોજન કર્યા બાદ પાન ખાવાની પરંપરા બહુ જુના સમય થી પ્રચલિત છે. નાગરવેલ ના પત્તા નો ઉપયોગ પાન બનાવા માટે કરવામાં આવે છે. જે સ્વાદ માં જરા તીખાશ ધરાવતા હોય છે અને તેમાં જુદી જુદી સામગ્રીઓ ભરી ને સ્વાદિષ્ટ પાન બનાવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કાથો, ગુલકંદ , મીઠી સોપારી, ખારેક, વરિયાળી, ટોપરનું છીણ અને બીજી ઘણી સામગ્રી વપરાતી હોય છે.
નાગરવેલનાં પાન ખાવાના ઘણા ફાયદાઓ પણ છે. જે માઉથફ્રેશનર તો છે જ પણ શરીર માટે પણ હેલ્ધી છે. જે ભોજન ને પચાવવા માટે મદદરૂપ છે.
નાગરવેલ ના પાનમાં ઘણા ફાયદાકારક એન્ટી ઓક્સિડેન્ટ આવેલા હોય છે. આ પાન કોઈ પણ દુઃખાવા માં રાહત અપાવે છે ( નેચરલ પેઈન કિલર). પેટ ના દર્દ માટે ,કબીજીયાત માટે, ભૂખ ઉઘડવા માટે, કફ માટે પણ એટલા જ ફાયદાકારક છે આ પાન. બીજા પણ ઘણા ફાયદાઓ છે. પ્રમાણસર આ પાન નો ઉપયોગ તમને ખૂબ જ ફાયદાકારક નીવડશે.આપણે અહીં રાતે જમી ને ઘણા લોકો પાન ખાવા સ્પેશિયલ જતા હોય છે કે બહાર ભોજન લીધા બાદ પાન ખાવાની ચોક્કસ થી મન થતું હોય છે. તો આજે તમે પાન ખાવાના શોખીનો ઘરે જ પાન શૉટ્સ બનાવી ને ખુશ કરી દેશો એવી રેસિપી લાવી છું.
આજકાલ ઘણી રેસ્ટોરન્ટ માં ભોજન બાદ છેલ્લે પાન અને પાન ના શૉટ્સ પીરસવા માં આવે છે. હું આજે ખૂબ જ સ્વાદિષ્ટ એન્ડ તાજગી આપી દે એવું અને ગરમી માં રાહત આપે એવા પાન ના શૉટ્સ ની સરળ રેસિપી લાવી છું. જે પીધા બાદ તમે ચોક્કસ થઈ બીજો શૉટ્સ માંગશો એની ખાતરી આપું છું. આ શૉટ્સ કલકતી પાન માંથી બનાવવા માં આવે છે. માઉથ ફ્રેશનર તો છે જ સાથે સાથે તાજગી અને ગરમી થી રાહત અપાવે એવું છે.

પાન શૉટ્સ માટે ની સામગ્રી:- (4 પાન શૉટ્સ બનવવા)

5 નંગ કલકતી પાન

1 ચમચી વરિયાળી

2-3 ચમચી ગુલકંદ

1 ચમચી સોપારી વિનાનો મીઠો માવો (પાન ની દુકાન માં મળતો હોય છે)

1 મોટો સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ

2 કપ ઠંડુ કરેલું દૂધ

8-10 આઈસ ક્યુબ્સ

કલર વાળા સુગર બોલ્સ અને ટુટી-ફ્રુટી ગાર્નિશ કરવા

રીત:-

સૌ પ્રથમ પાન ને ધોઈને સાફ કરી લો. અને આગળ નો દંડી વાળો ભાગ નીકાળી દો અને ઝીણા સમારી લો. હવે એક મિક્સર બાઉલ માં સમારેલા પાન, ગુલકંદ, વરિયાળી, મીઠો મસાલો, વેનીલા આઇસક્રીમ, અને આઈસ ક્યુબ્સ ઉમેરી ને બરાબર ક્રશ કરો. હવે બધું એકદમ ઝીણું થાય એટલે ચિલ્ડ કરેલું દૂધ ઉમેરો અને અને બધું ફરી 2-3 મિનીટ ક્રશ કરો.. હવે જ્યારે બધું બરાબર એકરસ થાય એટલે નાના ગ્લાસ માં નિકાળી ને ઉપરથી કલર વાળા સુગર બોલ્સ ટુટી- ફ્રુટી થી ગાર્નિશ કરી ને ચિલ્ડ સર્વ કરો.નોંધ:-

પાન શૉટ્સ માં કલકતી પાન જ ઉપયોગ માં લો કેમકે એનો કલર ડાર્ક હોય અને સ્વાદ પણ વધુ સારો લાગે.

વેનીલા આઈસ્ક્રીમ ઉમેરવાથી બહુ જ સરસ ક્રીમ વાળું ટેક્સચર બને છે અને સ્વાદ વધુ સારો આવે છે.

જો તમારે એકલા દૂધ નું બનાવું હોય તો ઘટ્ટ દૂધ લો અને થોડો મિલ્ક પાવડર ઉમેરો.

પાન શૉટ્સ મિલ્કશેક થી થોડું વધુ ઘટ્ટ હોય. દૂધ નું પ્રમાણ એ મુજબ ઉમેરો.

મીઠો પાન મસાલો ના મળે તો ઘરે એલચી, ટોપરનો ભુકો, અને થોડું ખસ કે રોઝ શરબત ઉમેરવાથી સ્વાદિષ્ટ જ બનશે.

ગુલકંદ નું પ્રમાણ પણ તમને જોઈતી મીઠાશ મુજબ વધુ કે ઓછું કરી શકો.

ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે કેમકે ગુલકંદ અને વેનીલા આઇસક્રીમ ની મીઠાશ વધુ જ હોય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Exit mobile version