પ્લાસ્ટીકમેન પ્રોફેસર વાસુદેવન કચરામાંથી રસ્તો બનાવવાની ટેક્નિકથી બનાવ્યો રસ્તો, આ વિચાર માટે વિદેશના કરોડો ઠુકરાવી આપ્યો ખાલી ભારતને જ…

પ્લાસ્ટીકમેન પ્રોફેસર વાસુદેવન કચરામાંથી રસ્તો બનાવવા માટે પદ્મ પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવ્યા

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે રસ્તાનું નિર્માણ પ્લાસ્ટીકના કચરામાંથી પણ કરી શકાય ? તમને કદાચ આ કોઈ કલ્પના લાગતી હશે પણ આજના આધુનિક યુગમાં આ શક્ય છે. પણ તમને એ વાતની ખબર નહીં હોય કે આવો પ્લા સ્ટિકના કચરામાંથી બનેલો રસ્તો આપણા દેશમાં જ આવેલો છે. અને આ પ્રયોગ પાછળ જે વ્યક્તિ છે તે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી સારા, વધારે ટકાઉ અને ઓછી કીંમતના રસ્તાનું નિર્માણ કરે છે. અને તે વ્યક્તિ છે 72 વર્ષીય પ્રોફેસર રાજગોપાલન વાસુદેવન.

તેઓ “પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા” તરીકે પણ  પ્રખ્યાત છે. પ્રોફેસર વાસુદેવન મદુરાઈ નજીક આવેલી ત્યાગરાજાર કોલેજ ઓફ એન્જિનિયરીંગના કેમેસ્ટ્રીના પ્રોફેસર છે. પ્રોફેસર વાસુદેવન તે શહેર સાથે સંબંધ ધરાવે છે જ્યાં રોજ લગભગ 400 મેટ્રીક ટન ઘન કચરો ભેગો કરવામાં આવે છે. પ્રોફેસરે આ જ કચરાના ઢગલામાંથી આ અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સામાન્ય પ્લાસ્ટિક, જેમાં ગ્રોસરી બેગ અને કોથળીઓ તેમજ રેપરને ડામરમાં કોલટાર માટે ઉપયોગમાં લેવા માટે રૂપાંતરિત કર્યો છે.

પ્રયોગશાળામા જ્યારે નક્કામું પ્લાસ્ટિક ડામરની સાથે ગરમ કરવામાં આવ્યું અને તેને પથ્થરો પર નાખવામાં આવ્યું ત્યારે તેમાંથી ઘણા આશાસ્પદ પરિણામો જોવા મળ્યા.

પ્રોફેસરે પ્રથમ પ્લાસ્ટિક રસ્તો પોતાની જ કોલેજના કેમ્પસમાં બનાવ્યો જે સફળ રહ્યો. પહેલાં નક્કામા પ્લાસ્ટિકને મશીન દ્વારા કતરણમાં ફેરવવામાં આવે છે અને કાંકરી અથવા કપચીને 165 ડીગ્રી પર ગરમ કરવામાં આવે છે અને પછી બન્નેને એક મિક્સિંગ ચેમ્બરમાં નાખવામાં આવે છે. ઉચ્ચ તાપમાનના કારણે પ્લાસ્ટિક ઓગળવા લાગે છે અને પછી તેના પર 160 ડિગ્રી ગરમ ડામર નાખી મિક્સ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને રસ્તો બનાવવા માટે વાપરવામાં આવે છે. ડામરની સરખામણીએ પ્લાસ્ટિક દ્વારા બનાવવામાં આવેલો રસ્તો વધારે મજબૂત હોય છે અને વરસાદ કે ગરમીની તેના પર કોઈ જ અસર જોવા મળતી નથી. રસ્તાઓમાં દસ વર્ષ સુધી ખાડા નથી પડતા, તેમાં ક્રેક પણ નથી પડતી અને તે કારણસર તેના મેઇન્ટેનન્સનો ખર્ચો પણ નથી આવતો.

પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા રસ્તાનો એક ફાયદો એ છે કે તેનાથી કચરાની સમસ્યા દૂર થઈ જાય છે અને પૈસાની બચત પણ થાય છે, કારણ કે પ્લાસ્ટિકના રસ્તાની સરખામણીએ ડામરના રોડમાં 15 ટકા ખર્ચો વધારે થાય છે. બીજો ફાયદો એ છે કે તેને બનાવવા માટે કોઈપણ જાતનું ટેક્નિકલ જ્ઞાન આવશ્યક નથી. આ ટેક્નીક દ્વારા અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં 10,000 કિલોમીટરથી પણ વધારે પાક્કા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તેમના આ ઇનોવેશનથી મજબૂત રસ્તાઓ ઓછા ખર્ચામાં બની જાય છે અને સાથે સાથે પર્યાવરણને પ્લાસ્ટિકના જોખમકારક કચરાથી પણ બચાવી શકાય છે.

આ વર્ષે ભારત સરકાર દ્વારા આપવામાં આવનાર પદ્મ પુરસ્કારની યાદીમાં પ્રોફેસર રાજગોપાલન વાસુદેવનું નામ ભારતના ચોથા સર્વશ્રેષ્ટ નાગરિક સમ્માન પદ્મશ્રીમાં સમાવવામાં આવ્યું છે.

આપણા દેશમાં જ્યાં રોજ 15000 ટન પ્લાસ્ટિકનો કચરો રોજ નીકળે છે ત્યાં દેશમાં મોટા આધારભૂત માળખાની ખોટ પણ છે. પ્રોફેસર વાસુદેવનનો આ નવો પ્રયોગ આ ખોટને પુરી કરવા માટે એક માઇલ સ્ટોન સાબિત થાય તેમ છે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

પોઝીટીવ ને મોટીવેશન ભરેલી રીયલ સ્ટોરી વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ …

 

ટીપ્પણી