ઓફિસમાં જો આ રીતે કામ કરશો તો કામ પણ પૂર્ણ થશે અને તમારું સ્વાસ્થ્ય રહેશે સુરક્ષિત…

આજે રવિવાર છે કાલે સોમવાર ફરીથી ઓફીસ અને ફરીથી એ જ સવારે ફટાફટ નાસ્તો કરવાનો અને તૈયાર થવાનું અને બીજું ઘણુબધું કામ એકસાથે પતાવવાનું રહેશે. આટલું બધું કરવા જતા આપણે જે કસરત કરવાનું વિચાર્યું હતું એ તો રહી જ જશે. પછી ઓફિસમાં ઘણુબધું કામ અને કામની ચિંતામાં તબિયતનું ધ્યાન રાખવાનું રહી જ જશે. ઓફિસના અને ઘરના ટેન્શનને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા કામના સ્થળે પણ થોડી તકેદારી રાખો. આજે અમે તમને થોડા એવા ઉપાય જણાવીશું જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

૧. ઓફિસમાં બહુ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેશો નહિ. આપણે ઓફિસમાં ૮ થી ૯ કલાક કામ કરવાનું હોય છે અને આપણા ટેબલ પર આપણે બેસી રહેવું પડતું હોય છે. આનાથી તમારા ખભામાં, પીઠમાં દુખાવો અને કરોડરજ્જુને નુકશાન થાય છે. આમ કરવાથી બચવા માટે તમારે ઓફિસમાં થોડા સમય પછી થોડું ચાલવાનું રાખો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

૨. તાજી હવા એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. તાજી સુગંધ એ વધારે ક્રિએટિવ કામ કરવા તરફ તમને પ્રેરણા આપે છે. વધારે સારું કામ કરવા માટે પણ સારી સુગંધ તમને પ્રેરણા આપશે. ઓફીસના વાતાવરણને ફ્રેશ અને શુદ્ધ રાખવા માટે ઓફિસમાં છોડ લગાવો.

૩. લગભગ બધી જ ઓફિસમાં ટેબલ અને ખુરશી હોય છે પણ વિદેશો માં હવે આ ચલણ ઓછું થતું જોવા મળે છે. ઓફિસમાં હવે સ્ટેન્ડિંગ ડેસ્ક એટલે કે ઉભા ઉભા કામ કરવા માટેનું ટેબલ રાખવામાં આવે છે, હવે તો માર્કેટમાં એવા પણ ટેબલ આવે છે કે જે ફોલ્ડીંગ હોય જયારે બેસીને કામ કરવું હોય તો પણ કરી શકાય અને ઉભા ઉભા પણ કામ કરી શકાય.

૪. જો તમે ઓફિસમાં કામ કરો છો કે પછી ઘરે જ ઓફીસ છે તો તમારા કામ કરવાની જગ્યાને તમારી મન મરજી મુજબ બનાવો. આમ કરવાથી તમારી આસપાસનું વાતાવરણ તમને શાંતિ આપે એવું બનશે અને તમને તમારા કામ કરવાની પોઝીટીવ ઊર્જા મળશે અને તમારું દરેક કામ સરળતાથી પૂર્ણ થઇ જશે.