સાંભાર – ઓછા ટાઈમ માં સ્વાદિષ્ટ સાંભાર બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને……..

સાઉથ ઇન્ડિયન ડીશ જેવી કે ઈડલી, ઢોસા, ઉત્તપામ કે મૅદુવાળા જોડે સર્વ કરવામાં આવતો સાંભાર જો ટેસ્ટી ના હોય તો આ ડીશ ને ખાવાની મજા નથી આવતી.

ટ્રેડિશનલ રીતે બનાવામાં આવતો સાંભાર પહેલા દાળ ને બાફી ને બધા શાકભાજી ઉમેરી ને વઘાર કરવામાં આવે છે.

આજે હું સાંભાર બનાવાની ની થોડી અલગ રેસિપી લાવી છું જે મારા ઘર માં બધા ને ખૂબ જ પસંદ છે. બનાવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો આ સાંભાર ખૂબ જ ઝડપ થી બની જાય છે.

જ્યારે ઓછા ટાઈમ માં સ્વાદિષ્ટ સાંભાર બનાવવો હોય તો ચોક્કસ થી ટ્રાય કરો આ રેસિપી…

સાંભાર બનાવવા માટે જોઈતી સામગ્રી

1 નાનો કપ તુવેરદાળ,

1 નાનો કટકો દૂધી સમારેલી,

3 નંગ ટામેટાં સમારેલા,

2 નંગ ડુંગળી,

1 લીલું મરચું,

10-12 મીઠા લીમડા ના પાન,

1 -2 બાફેલી સરગવાની શીંગ,

1-2 ચમચી હળદર,

1 ચમચી તેલ.

વઘાર માટે

1 ચમચો તેલ,

1 ચમચી રાઈ,

5-7 મેથી ના દાણા,

2 ચપટી હિંગ,

5-7 મીઠા લીમડા ના પાન,

2 ચમચા રેડીમેડ સાંભાર મસાલો,

1/2 ચમચી લાલ મરચું,

મીઠું સ્વાદ અનુસાર.

રીત-

સૌ પ્રથમ દાળ ને 2-3 ટાઈમ પાણી થી ધોઈ ને 15-20 મિનિટ માટે પલાળી લો. હવે એક કુકર માં દાળ, દૂધી, ટામેટાં, ડુંગળી, મીઠો લીમડો અને લીલું મરચું ઉમેરો . તેમાં 2-3 ગ્લાસ પાણી ઉમેરી ને 1/2 ચમચી હળદર અને 1 ચમચી તેલ ઉમેરી ને 3 સીટી વાગે ત્યાં સુધી દાળ ને મધ્યમ આંચ પર બાફી લો.

હવે કુકર ખુલે એટલે 1-2ગ્લાસ પાણી ઉમેરી ને હેન્ડ બ્લેડર થી બધું ક્રશ કરી લો.જો તમે ઇચ્છો તો સૂપ ની ગરણી માં ગાળી શકો છો મેં એવુ નથી કર્યું.તમને સાંભાર ની ઘટત્તા તમારી ઈચ્છા મુજબ ઘટ્ટ કે પાતળો રાખી શકો છો. ક્રશ થાય પછી બાફેલી સરગવાની શીંગ અને મીઠું ઉમેરી ને સાંભાર ને ઉકળવા દો. ઊકળે એટલે વધાર કરો.

હવે એક કડાઈ માં તેલ લો. તેમાં રાઈ, મેથી ઉમેરી દો. હવે રાઇ અને મેથી થાય એટલે હિંગ , લીમડો અને સાંભાર મસાલો ઉમેરી ને બધું મિક્સ કરો અને સાંભાર માં આ વઘાર ઉમેરી દો.

ત્યાર બાદ લાલ મરચું ઉમેરી ને 3-5 મિનિટ મધ્યમ આંચ પર સાંભાર ને ઉકળવા દો.તમને આમલી ની ખટાશ જોઈતી હોય તો 2 ચમચા આમલી નો રસ ઉમેરી ને ગરમા ગરમ સાંભાર ગમતી સાઉથ ઇન્ડિયન ડીશ જોડે સર્વ કરો.

ટામેટાં ની ખટાશ ખૂબ સરસ આવે છે એટલે મેં આમલી નો રસ નથી ઉમેર્યો.

નોંધ:- તમે બીજા ગમતા શાક પણ ઉમેરી શકો છો. સાંભાર બન્યા પછી થોડો ઘટ્ટ થશે એટલે પેહલા થોડો પાતળો જ રાખો. મીઠો લીમડો બાફવામાં ઉમેરવાથી સાંભાર નો ટેસ્ટ વધુ સારો આવશે. તમે બાફી ને ક્રશ કર્યા પછી પણ બીજા બાફેલા શાક ઉમેરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ