પડછાયો – આજે ફરીથી એ લાઈટની નીચે એ પડછાયો એને દેખાઈ રહ્યો છે શું થશે હવે !…

“પડછાયો”

શિયાળાની ઠંડી રાતના ઓળાઓ ધીરે ધીરે બહુમાળી ફ્લેટની હારમાળા વચ્ચે હમણાં જ નવા બનેલા રોડને ઘેરી રહ્યા હતા. ક્યાંક કોઈક ખૂણે કૂતરું ભસીને શાંત થઈ જતું. થોડી થોડીવારે આકાશમાં ઊડતી ચિબરીના અવાજ શીવાય સર્વત્ર સ્તબ્ધ અંધકારનું સામ્રાજ્ય હતું.

આ અંધકારમાં દિવ્યા પોતાના પલંગમાં પડખા ફરી રહી હતી. તેનો ફ્લેટ ભોંયતળિયે હતો. તે આ ફ્લેટમાં થોડા દિવસ પહેલા જ રહેવા આવી હતી. કદાચ એટલે જ તેને ઊંઘ નહોંતી આવી રહી.

કંટાળીને દિવ્યા ઉભી થઇ અને પાણી પીવા માટે રસોડામાં ગઈ. તેણે ફ્રીઝનો દરવાજો ખોલ્યો અને પાણીની બોટલ કાઢીને પીવા લાગી. તેનું ધ્યાન કાંચની બારીની બહાર ગયું. નવો બનેલો રોડ સ્ટ્રીટલાઈટના સફેદ પ્રકાશમાં નહાઈ રહ્યો હતો. તેની બારીને સામે જ એક સ્ટ્રીટલાઈટનો થાંભલો હતો. લાઈટના સફેદ પ્રકાશ આસપાસ નાની જીવાતો ઉડી રહી હતી.અચાનક સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ગઈ. બે ક્ષણ માટે તે બંધ રહ્યા પછી તે અચાનક ચાલુ થઈ. પછી તો એ સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ થવા લાગી. તેના પ્રકાશના ઝબકારાઓને દિવ્યા આશ્ચર્યભરી નજરે જોઈ રહી.

અચાનક તેને એક પડછાયો સ્ટ્રીટલાઈટને ટેકો દઈને ઉભો હોય તેમ લાગ્યું. દિવ્યાના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. હા એ કોઈ પડછાયો જ હતો ! કદાચ કોઈ વ્યક્તિ જેવો લાગી રહયો હતો. એ કોઈ પુરુષ હતો કે કોઈ સ્ત્રી એ ખ્યાલ આવી શકે તેમ નોહતો. દિવ્યા જેમ જેમ એ પડછાયાને નિહાળતી ગઈ તેમ તેમ તેનો ભય વધતો ગયો.

પડછાયો ધીરે ધીરે વિકૃત માનવ શરીરનું રૂપ લઈ રહ્યો હતો. દિવ્યા તરત જ બેડરૂમ તરફ ભાગી. આટલા વર્ષોમાં પહેલી વાર તેને આ શહેરમાં એકલા રહેવા માટે દુઃખ થયું. તે ગરમ રજાઈમાં ભરાઈ ગઈ. તે હજુ ધ્રુજી રહી હતી. તે ડરી ગઈ હતી. તેને પેલો વિકૃત પડછાયો ઘરમાં ઘુસી જશે તેવી બીક પણ લાગી રહી હતી.
દિવ્યાએ આંખો બંધ કરીને સુવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. તે પોતે શું જોયું હતું તે વિચારવા લાગી. શું તે એક ભયાનક સ્વપ્ન હતું? થોડું વિચાર્યા પછી તે નક્કી ન કરી શકી કે તે પડછાયો શેનો હતો? વિચારતા વિચારતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ન રહી.

*****

બીજા દિવસે સવારે દિવ્યાના ઘરની ડોરબેલ વાગી. દિવ્યા, તે દિવસે રજા હોવાને કારણે તે ઘરે જ હતી. દિવ્યાએ બારણું ખોલ્યું તો સામે બાજુ વાળા શાંતાકાકી ઉભા હતા. શાંતાકાકી ઘણા સમયથી આ બિલ્ડિંગમાં રહેતા હતા. તેઓ વિધવા હતા પણ પૈસે ટકે સુખી. તેમના આ બિલ્ડીંગમાં કુલ ત્રણ ફ્લેટ હતા. જેમાં બે ભાડે આપેલા.

દિવ્યાએ તેમને આવકારો આપીને અંદર બેસાડ્યા. તે હજુ રાતવાળી વાતના કારણે થોડી ગભરાયેલી હતી.

“કેમ દિવ્યાબેન ! કેવો લાગ્યો ફ્લેટ? હવે ધીરે ધીરે ફાવી ગયું હશે નહીં !” શાંતાકાકી બોલ્યા.

“હા, ફાવી તો ગયું.” દિવ્યા બોલી. તેના અવાજમાં ઉત્સાહ ઓછો હતો. શાંતાકાકીથી વાત છુપી ન રહી.

“કેમ બેટા? કંઈ તકલીફ છે?” શાંતાકાકી બોલ્યા.

“ના પણ કાલે રાત્રે મને કોઈ આપણા ફ્લેટની સામેના થાંભલે ઉભું હોય એમ લાગ્યું. મને સાચે જ બહુ બીક લાગી. કોઈ રાત્રે આપણા સામેના થાંભલે આવીને ઉભું રહે છે?” દિવ્યા ડરતા ડરતા બોલી.
“ના, આટલી રાત્રે કોઈ શા માટે એ થાંભલે ઉભું રહે? તને કદાચ કોઈ ભ્રમ થયો હશે.” શાંતાકાકીએ દિવ્યાને સધિયારો આપ્યો.

“ભ્રમ તો નહોતો પણ કહી ન શકાય.” દિવ્યાને ખુદને એવું લાગ્યું કે કદાચ તેને ભ્રમ થયો હતો.

“ચિંતા ન કર, દીકરી. હું કાલે જ આપણા ચોકીદારને ધ્યાન રાખવાનું કહી દઈશ.” શાંતાકાકીએ સાંત્વના આપી.

દિવ્યા થોડી નિશ્ચિંત બની. તેને એમ લાગ્યું જાણે તેના ખભા પરથી ભાર ઉતરી ગયો હોય. શાંતાકાકી થોડીવાર વાતો કરીને ઘરે ગયા.

******

દિવ્યાનો આનંદ જો કે વધારે દિવસ ન ટક્યો. બે ત્રણ રાતો કોઈ જ ઘટના વગર પસાર થઈ. ચોથી રાતે જ્યારે તે પાણી પીવા ઉઠી ત્યારે ફરી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ થવા લાગી. ફરી એ પડછાયો દિવ્યાને દેખાયો. દિવ્યાને પરસેવો વળી ગયો. તેને થોડી ક્ષણો સુધી પડછાયો બારી તરફ આગળ વધી રહ્યો હોય તેમ પણ લાગ્યું. દિવ્યાના હાથમાંથી પાણીની બોટલ પડી ગઈ. તે પોતાના બેડરૂમ તરફ ભાગી. તેણે બેડરૂમનું બારણું બંધ કરીને સ્ટોપર મારી.દિવ્યાએ પલંગમાં પડીને માથે રજાઈ ઓઢી લીધી. તે રજાઈની હુંફમાં પણ ધ્રુજી રહી હતી. તેણે ડર દૂર કરવા આંખો બંધ કરી પણ તે પડછાયાનું વિકૃત શરીર તેની બંધ આંખો આગળ પણ પાછું આવી ગયું. તે કલાકો સુધી રજાઈ ઓઢીને પડી રહી. તેંને આખી રાત ઊંઘ ન આવી.

બીજા દિવસે સવારે તે શાંતાકાકી પાસે પહોંચી ગઈ. રાતની બનેલી ઘટના તેણે કાકીને સંભળાવી. કાકી પણ થોડા ડરી ગયા.

“બેટા ! હું આમ તો ભૂત પ્રેતમાં નથી માનતી પણ થોડા વર્ષો પહેલા મારા એક ગુરુજીએ મને એક કાળો દોરો બનાવી આપેલો. હું તને એ દોરો આપીશ એ તારા સુવાના પલંગના પાયા સાથે બાંધી દે જે એટલે કોઈ ભૂત તને ક્યારેય હેરાન નહીં કરે.” શાંતાકાકીએ સલાહ આપી. તે અંદરના રૂમમાં જઈને દોરો લઈ આવ્યા.

દિવ્યાએ દોરો પોતાના પલંગના પાયા સાથે બાંધી દીધો.

****

દિવ્યા રાત્રે બેફિકર થઈને સુઈ ગઈ. રાત્રે ત્રણ વાગ્યે તેની ઊંઘ ઉડી ગઈ. આજે તેને જોવું હતું કે પેલો પડછાયો થાંભલા પાસે ઉભો છે કે નહીં? તે રસોડામાં આવી અને બારી બહાર નજર કરી. થાંભલા નીચે કોઈ ન હતું. દિવ્યાએ રાહતનો શ્વાસ લીધો.દિવ્યાએ પાણી પીધું અને બેડરૂમ તરફ ચાલવા લાગી. જેવી તે બેડરૂમના દરવાજે પહોંચી કે ત્યાં જ થીજી ગઈ. પલંગ પર તેની રજાઈ ઓઢીને કોઈ સુતું હતું. રજાઈ નીચે ઢંકાયેલું શરીર મહાકાય હોય તેમ લાગી રહ્યું હતું.

દિવ્યાએ ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેની ચીસ ગળામાં જ અટવાઈ ગઈ. અચાનક રજાઈનો પગ તરફનો છેડો ઊંચકાયો અને તેમાંથી બે પગ બહાર આવ્યા. દિવ્યાની નજર પગ તરફ ગઈ. બન્ને પગના હાડકાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પગ પર માંસ પણ ચોંટેલું હતું. બન્ને પગનાઅંગૂઠાઓ વિરુદ્ધ દિશામાં મરડાયેલા હતા.

અચાનક આખો ઓરડો દુર્ગન્ધથી ભરાઈ ગયો. દિવ્યા ત્યાંથી બહાર ભાગી જવા માંગતી હતી પણ કોઈ અદ્રશ્ય શક્તિએ તેને દરવાજા પાસે જડી દીધી હોય તેમ તે મૂર્તિની જેમ ઊભી રહી.

ધીરે ધીરે રજાઈનો માથા તરફનો ભાગ પણ નીચે આવવા લાગ્યો. જાણે પેલો સૂતેલો વ્યક્તિ દિવ્યાને પોતાનું મોઢું દેખાડવા માંગતો હોય તેમ રજાઈ નીચે સરકી.

પલંગ પર સુતેલી વ્યક્તિ દિવ્યા તરફ પીઠ કરીને સૂતી હતી. તેની પીઠ ભયાનક હતી. તેની પીઠમાંથી ઈયળો અને કીડાઓ નીકળી રહ્યા હતા. કોઈ કોઈ જગ્યાએ પીઠમાંપડેલા ઘા માંથી પરુ પણ નીકળી રહ્યું હતું. પલંગ પર કોઈ સડેલો મૃતદેહ પડ્યો હોય તેમ લાગી રહ્યું હતું.દિવ્યા તે વ્યક્તિનું મોઢું જોવા નહોંતી માંગતી. તેણે પલંગ પર સુતેલી વ્યક્તિ મોઢું ન ફેરવે તે માટે મનોમન પ્રાર્થના કરી. તે આંખો મીંચી ગઈ. તેણે ત્યાંથી ભાગી જવા પગ ઉપાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો પણ કોઈ અદ્રશ્ય શક્તિએ તેને ત્યાં જકડી રાખી હોય તેમ તેને લાગ્યું.

અચાનક ઓરડામાં રડવાનો અવાજ આવ્યો. દિવ્યાએ આંખો ખોલી. તે અવાજ પલંગ પરથી જ આવી રહ્યો હતો. એ અવાજ કોઈ પ્રાણી રડી રહ્યું હોય તેવો હતો. દિવ્યાને પણ પોતાની નિસહાય પરિસ્થિતિને કારણે રડવું આવી ગયું. તેના પરસેવા વાળા ચહેરા પરથી આંસુઓ વહેવા લાગ્યા.

અચાનક દિવ્યા પેલી પિશાચી શક્તિની ચંગુલમાંથી છૂટી ગઈ. તે તરત બહારની તરફ ભાગી. તે ફ્લેટની બહાર નીકળીને ચીસો પાડવા લાગી.

ફ્લેટમાં રહેવાવાળા લોકો જાગી ગયા. કોઈએ દિવ્યાના રૂમમાં જઈને તપાસ પણ કરી. ત્યાં કોઈ જ નહોતું. પોલીસને પણ બોલાવવામાં આવી પણ તેમને પણ કોઈ ન મળ્યું. લોકો દિવ્યાની માનસિક હાલત વિશે શંકા કરીને પાછા પોતાના ઘરોમાં જઈને સુઈ ગયા. દિવ્યાએ આખી રાત શાંતાકાકીના ઘરે પસાર કરી.

આ ઘટનાના થોડા દિવસો બાદ જ દિવ્યા ફલેટ ખાલી કરીને બીજે રહેવા ચાલી ગઈ. લોકો તેને ભૂલી પણ ગયા.

****

રાતના ત્રણ વાગ્યાનો સમય. શાંતાકાકીને આજે ઊંઘ નહોતી આવી રહી. તેઓ પાણી પીવા ઉઠ્યા. તેમણે ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીધું કે અચાનક તેમની નજર બારીની બહાર, રસ્તા પર, થાંભલાની ચાલુ બંધ થઈ રહેલી લાઈટ તરફ ગઈ. થોડીવારમાં એક પડછાયો થાંભલા નીચે ઉભો હતો. પડછાયાનું શરીર વિકૃત હતું.
શાંતકાકીની આંખો એક ક્ષણ માટે આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી જ ક્ષણે તેમના ચહેરા પર કુટિલ હાસ્ય આવી ગયું.

“હજુ એક ફ્લેટ ખાલી કરાવવાનો છે. એ ફ્લેટ ખાલી થાય અને મને સસ્તામાં મળી જાય એટલે હું તને મુક્ત કરીશ.” શાંતાકાકી પેલા પડછાયા તરફ જોઈને મનોમન બોલ્યા.

પડછાયો જાણે હકારમાં મોઢું ધુણાવીને ગાયબ થઈ ગયો. થાંભલા પર બાંધેલો એક કાળો દોરો હવામાં ઉડી રહ્યો હતો.

લેખક : નરેન્દ્ર રાણા

ઓહ ખુબ આશ્ચર્ય જનક અંત છે, અદ્ભુત. આપ પણ આપના વિચારો કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી