એક પત્ર જે એક પ્રેમીએ વર્ષો પછી પોતાની પ્રેમિકાને લખ્યો..

પ્રિય સખી,

આજે ફરી તને પત્ર લખવાનું મન થયું, કોણ જાણે કેમ આજે સવારથી તને ખૂબ જ યાદ કરી રહ્યો છું, આશા છે બધું કુશળમંગલ હશે.

ઘણું બધું બદલાઈ ગયું છે હવે આપણી વચ્ચે. હા એ પરિસ્થિતિનું નિર્માણ પણ મેં જ કર્યું હતું, પરંતુ એ કદાચ અનાયાસે થયેલું. મારી નિષ્ફળતાએ આજે મને એક નવી દિશા પર લાવીને ઉભો રાખ્યો છે, કદાચ આ પરિસ્થિતિ મારા નવા નિર્વાણ માટે જ ઘડાઈ છે, આજ હું મારી નવી શરૂઆત અહીંથી જોઈ રહ્યો છું. કાલે કદાચ હું સફળતાનાં શિખરે ઉભો હોઈશ તો તેનું એકમાત્ર કારણ બસ તું જ હોઈશ.

આજે અચાનક મને આપણો ભૂતકાળ યાદ આવી ગયો. એ આપણા ફોનમાં થયેલા લાંબા સંવાદો, કોઈપણ વિષય ના હોવા છતાં પણ કલાકોના કલાકો કેમ વીતી જતા કોઈ ખ્યાલ જ ન રહેતો, બંનેના મનમાં ચાલતી લાગણીઓની જવાળાઓ આપણને એકબીજા તરફ આકર્ષણ ઉભું કરતી હતી. હૃદયમાં ઉછળતાં દરિયાની પ્રેમરૂપી લહેરો સમગ્ર શરીરમાં એક ધ્રુજારી ઉત્પન્ન કરતી હતી, જે ફક્ત અને ફક્ત તારી પાસે હોવાનો મહેસુસ કરાવતી હતી. એ તારા શબ્દો વગર કરેલા મેસેજ પણ મને ઘણું કહી દેતા હતા જે તારા મનમાં ચાલતું હતું. શબ્દોની ક્યાં જરૂર પડતી હતી તારી વાત સમજવા માટે(જોકે આજે પણ ક્યાં જરૂર પડે છે.), તારા રોમ રોમમાં ચાલતા વિચારો, મૂંઝવણો, સવાલો બધું હું જાણી શકું છું.

ખરેખર કેવી અજીબ વાત છે નહીં ? આપણે રૂબરૂ કદી મળ્યા નથી પણ છતાં તું સાથે છો એવી સોડમ મારા શ્વાસે શ્વાસમાં હજુ આવે છે, મારું રોમ રોમ તારી નિકટતાનું પ્રતિબિંબ આપે છે, મારી આંખોમાં તારી તસ્વીર હજુ પણ વસે છે અને એ તસ્વીર જે મારા હૃદયમાં છે કેમકે એ સમયે તો મેં તને કદી જોઈ પણ ન હતી(તસ્વીરમાં પણ નહીં.) તારી આ તસ્વીર જે આજે પણ મારી આંખોમાં વસે છે. નાજુક ને નમણી છોકરી , મીડીયમ સાઈઝના વાળ, ઘઉંવર્ણો ચહેરો અને એમાં નશીલી આંખો, મીડીયમ સાઈઝના સ્તનનો ઉભાર જે શરીરને એક યોગ્ય આકાર આપે છે, પાતળી કમર, હિરણ જેવા પગ ! ઘાયલ તો ફક્ત તારી તસ્વીર મારા મનમાં જ કરી આપે છે. એમાં પણ મારી કલ્પનામાં તું જ્યારે સાડી પહેરીને આવી હતી એ દિવસે તો હું જાણે તારી ખુશ્બુમાં જ ખોવાઈ ગયો હતો.

એ આપણું કાલ્પનિક મિલન જે મારુ રચેલું હતું, એ પળ જે આપણે સાથે નદીકિનારે વિતાવી હતી. એક મોટા પત્થર પર બેસીને આપણે આથમતા સૂરજ ને જોઈ રહ્યા હતા, ખરેખર તો હું તો તારી આંખોમાં જોઈ રહ્યો હતો, ચાલતા ચાલતા તારા પગમાં જ્યારે ઠેસ વાગી ત્યારે તને મારા બંને હાથમાં ઉપાડીને લઈ જતો હતો, અહા ! શુ ક્ષણ હતી એ ! તારો સ્પર્શ થતા જ મારુ લોહી જાણે થીજી ગયું હોય, હું તો ફ્કત તને જોતો જ રહી ગયો, એ તારી લટ જ્યારે પવનના કારણે તારા મુખ પર આવતી હતી અને હું એને દૂર કરતો હતો, તારી આંખોમાં ફક્ત મને અપાર સ્નેહ જ નજર આવતો હતો. ત્યારબાદ આપણે રેસ્ટોરન્ટમાં ગયા હતા ને વેઈટર ઓર્ડર લેવા આવતો પરંતુ એ એના કામમાં નિષ્ફળ જતો હતો કેમકે આપણે બંને એકબીજાને જોવામાં જ મશગુલ હતા. જ્યારે આપણે ભાનમાં આવ્યા તો ફક્ત મોકટેલ જ ઓર્ડર કર્યું તે અને જ્યારે મેં પૂછ્યું કેમ તો તે કહ્યું , “હું અહીં જમવા થોડી આવી છું, મારે તો બસ તારી સાથે રહેવું છે…” અને બસ એ જ ક્ષણે હું મારી જાત પર ખુબ ગર્વ કરી રહ્યો હતો કે કેટલો નસીબદાર છું હું. તને તારા શહેરમાં ઉતારીને જ્યારે તારા ગાલ પર જે કિસ કરી હતી એ સૌથી આહલાદક હતી, જેનો નશો આજે પણ મારામાંથી ઉતર્યો નથી.

બસ જો હું આમ જ તારી સાથે જૂની વાતો કરતો રહીશ તો અંદર રહેલો પ્રેમ ફરી મારા હૃદયમાં જન્મી ઉઠશે એટલે હવે હું એ વાત છોડીને બસ એટલું જ કહું છું કે બસ આજે આપણા બંનેની દુનિયા અલગ થઈ છે પરંતુ હા એ યાદ રાખજે જીવનમાં કોઈ પણ ક્ષણે મારી જરૂર પડે, કોઈ પણ ક્ષણે તને એકલું લાગે ત્યારે એક વખત યાદ કરજે, હું હમેશાં તારા માટે હાજર રહીશ. મારા અંતિમ સમય સુધી તારું ઋણ મારા માથે છે.

બસ ભગવાનને એક જ પ્રાર્થના છે તું જ્યાં છો જેની સાથે છો ત્યાં હંમેશા ખુશ રહે. એ માટે મારી ખુશી પણ તને આપવી પડે તો પણ હું તૈયાર છું.

તારો પ્રિય,
  પાગલ

લેખક : નિખિલ વાધવા

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી