નુકશાની માલનો વહેપારી – એક વ્યક્તિની ઈમાનદારી તેને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એની એક લાગણીસભર વાર્તા..

નુકશાની માલનો વહેપારી

વાલચંદ શેઠના બાપા તલકચંદ પેઢી પર બેસતા ત્યારે રેવો એમનો વાણોતર ને જ્યારે વાલચંદે પેઢી સાંભળી ત્યારે રેવાનો એકનો એક છોકરો અજમલ તેમનો વાણોતર. તલકચંદે ઉલેચાય એટલું ઉલેચીને ધનસંચય કરેલો અને વઢિયારના આખા પંથકમાં તલક્ચંદ શેઠનું નામ ગાજતું થયેલું.

ગામડાના અભણ અને અજાણ ખેડૂતોને ચૂસી ચૂસી તલકચંદે ઘણી માલ-મત્તા ભેગી કરેલી જે એમના વાલચંદ માટે મૂકતા ગયેલા પણ રેવો અને અજમલ ઠેરના ઠેર રહેલા. આમતો આ રેવો ને અજમલ , વાલચંદ શેઠના સમાજના પણ કરમના કાઠા જિંદગીભર બસ ઢસરડો કરતા રહ્યા , ક્યારેય બે પાંદડે થયાજ નહીં.

image source

નસીબ બદલાય કે ના બદલાય પણ સમય જરૂર બદલાય છે. વાલચંદ શેઠને વસ્તારમાં સાત દીકરીઓ પણ પેઢી સાંભળે એવો દીકરો ના હતો. દીકરાની આશામાં ને આશામાં ચકરી શેઠાણીએ સાત સાત સુવાવડો વેઠેલી પણ નસીબ આગળ કાંઈ ચાલ્યું નહીં. દિકરીઓથી ઘર ભરાઈ ગયું. દિકરીઓનાં ઠેકાણાં પાડવામાં ને તેમનો વહેવાર કરવામાં વાલચંદશેઠનું ઘર ધીમે ધીમે ઘસાતું ગયું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોની લેતીદેતીમાં સુધારો આવતો ગયો આથી વાલચંદ શેઠના ધિકતા ધંધાને ધક્કો લાગ્યો.

સમય સમયનું કામ કરે છે. તેમ વાલચંદ શેઠનો સમય હાથમાંથી સરકી રહ્યો હતો. અજમલને શેઠનો આ ઈમાનદારી વગરનો ધંધો અને ચોપડાનું ખોટું ચિતરામણ પસંદ ના હતું. એ ઘણી વખતે શેઠને ટકોર કરતો , ” શેઠ ભગવાન રાજી નહીં રહે આ ખોટા ચોપડા ચિતરવાનું બંધ કરો તો સારું.” “મારા ટુકડા પર ઉછરીને મોટો થયેલો તું વળી મને શિખામણ આપનાર કોણ ? ” વાલચંદ લાલચોળ થઈને શણકો કરતા અને તેની બોલતી બંધ કરી દેતા.

image source

એક બે વખત દુકાનમાંથી અને ઘરમાંથી સારી એવી રકમ પગ કરી ગયેલી. આવી ચોરી કોણ કરે છે, તેની સાચી હકીકત ચકરીશેઠાણી સારી રીતે જાણતાં હતાં , પણ ઘરમાં ઊભા થનાર કંકાસના ડરથી વાલચંદશેઠને સાચી વાત ક્યારેય ના કરી. વાલચંદને અજમલ પર વહેમ હતો. ચોરીની વાલચંદશેઠે અજમલને બાંધ્યા ભરમે વાત કરેલી અને તેની જોડે તીરસ્કાર ભરેલું વર્તન કરેલું. આ વખતે તે સમસમીને બેસી રહેલો. તે નિર્દોષ હતો આથી એને કોઈ ચિંતા ના હતી. વારંવાર થતા અપમાન ભર્યા વર્તનથી અજમલનું મન શેઠની નોકરી પરથી ઉઠી ગયેલું હતું. શેઠને પણ ઘટતા જતા કારોબારથી હવે વાણોતર રાખવો પાલવે તેમ ના હતું .

અજમલનો બાપ આ દુનિયા છોડી કયરનોય વિદાય થઈ ગયેલો આથી અજમલ પોતે હવે એકલોજ હતો. તે વાલચંદ શેઠનું વાણોતરપણું છોડી કાપડની ફેરી કરવામાં પડી ગયો. અમદાવાદ ઢાલગરવાડથી કાપડના નુકસાની માલના તાકા લાવીને સાયકલ પર રોજનાં ત્રણ ગામ ફરી ઈમાનદારીથી પોતાનો સ્વતંત્ર ધંધો કરવા લાગ્યો.

લોકોને કહી વગાડીને માલ વેચે. કાપડમાં નુકસાની આમતો ખાસ કાંઈ નહીં, દોરો શહેજ ખેંચાઈ ગયો હોય કે ડિઝાઇન સહેજ એકાદ જગ્યાએથી તરડાઈ ગઈ હોય એટલુંજ. માલ સસ્તો , લોકો હોંશે હોંશે અજમલ પાસેથી કાપડ ખરીદે. નુકસાની માલ અજમલ ગાઈવગાડીને વેચતો હોવાથી તેનું નામ પણ છપાઈ ગયેલું ‘નુક્સાનીમાલના અસલી વેપારી ‘. આમ ધીરે ધીરે નુકસાની માલ ગામડાના લોકોને માફક આવી ગયો ને અજમલને આ વેપાર ઘણો નસીબદાર નીવડ્યો. ઓછા નફામાં વધુ વેપાર કરવાથી, તે સારો એવો પૈસો ભેગો કરી શક્યો.

image source

જતા દિવસે અજમલે બાજુના મોટા ગામે પોતાની દુકાન લિધીને ‘ પ્રેમ કટપીસ ‘ નમનું નવું સહાસ ચાલુ કરી બેસી ગયો. દુકાનના બોર્ડમાં ‘ નુકસાની માલના જુના ને જાણીતા વહેપારી ‘ એવું પણ લખેલું. જીબાનનો મીઠો અને ગામડાના લોકોની કાપડ ખરીદવાની પસંદગી પારખવાના અનુભવે એને કાપડ લે વેચમાં એક સફળ વેપારી બનાવી દીધો. ” એ વાલી માસી, આ ઓઢણી લઈ જાવ ને તમારી વહુને ઓઢાડજો, જુઓ પછી એ તમારી સેવા કરે એ.”

” એ રૂખીકાચી, શું તમેય હજુ કાપડ ઓળખતાં નથી શીખ્યાં, આ ફુલપથ્થર ભાત વાળી સેંટની ઘાઘરી ને ઉપર આ કિનખાબી પોલકું તમારી ઝમકુને ગરબીમાં પહેરાવજો જુઓ પછી એનો વટ ! તમ તમારે ઠીક લાગે એટલા પૈસા આપજો બસ, કરો તમારું મન રાજી, લો ઉપાડો.” ” એ માધુકાકા, તમે માગતા હતા એ અસલ કેલિકો મિલનો ધોતી જોટો ખાસ તમારા માટેજ લાવ્યો છું, લો ઉપાડો.” અજમલ જેવું ગરાક એવા લહેકાથી વાત કરે પણ છેતરપીંડી જરાય નહીં. ” પણ…પૈસા હાલ નથી અજમલ.ચમ કરીસ કે ? ” માધુકાકાને ધોતિયાની તો જરૂર હતીજ.

” પણ પૈસા મેં ક્યાં તમારા પાસેથી માંગ્યા કાકા, જો સિઝન પહેલાં તમારી પાસેથી ઉઘરાણી કરું તો મારું માથું ને તમારું જોડું બસ હવે તો વિશ્વાસ બેહે છે ને ઉપાડો માલ.” આમ ઘરાક હસતાં હસતાં અજમલનું કાપડ ખરીદે. આમને આમ કારોબાર વધતો ગયો ને અજમલ પોતાની માલિકીની દુકાનતો ચાલુ કરી હતી ને બે-ત્રણ વર્ષમાં તો પોતાનું ઘરનું ઘર પણ બનાવી લીધું. નવા મકાનના વાસ્તુ-પૂજન વખતે એણે પોતાના વતનના ગામના અને જે ગામડે ફેરી કરેલી તે ગામના લગભગ દરેક ગ્રાહકને આમંત્રણ આપેલું. ગામના મોટા ભાગના લોકો અજમલના પ્રસંગ પર હોંશે હોંશે આવેલા, માત્ર વાલચંદશેઠ સિવાય.

image source

નસીબે યારી આપીને અજમલ રૂપિયા ગણતો થઇ ગયો. પોતાના ગામ સહિત આજુબાજુના ગામના લોકોનો કાપડ ખરીદવું હોય તો પ્રેમ કટપીસમાં જ જાય. સાયકલની ફેરી કરવાથી ઘણા ગ્રાહકો એનાં ઓળખીતા બની ગયા હતા જેનો તેને સારો એવો લાભ મળવા લાગ્યો. આટ-આટલું હોવા છતાં અજમલના ઘરમાં ઉંદરોને મોકળું મેદાન. ના કોઈ રોક ટોક કે ના કોઈની બીક . અજમલ હાથે હાંડલા ફૂટી ખાય. ના સાફ સફાઈ કે ના સામાનની ગોઠવણ. ખાવાનું પત્યું નથીને અજમલ ધંધા પર ભાગ્યો નથી. ઢાંકો-ઢુંબો કરનારું કોઈ નહીં. કહેવત છે ને કે ‘ ઘરનું ઢાંકણ નાર ‘ ઘરમાં અસ્ત્રીની જાત હોય તો ઘર, ઘર કહેવાય નહીં તો ઉકરડો.

અજમલે એક મોટી ઉમરનું દંપતી ઘરમાં નોકર તરીકે રાખેલુ. પરંતુ આ વ્યવસ્થા ઘરની સાફસફાઈ ને રસોડાની કામગીરી માટેજ હતી. ઘરમાં ઘરધણીયાણીની ખોટ પુરાઇ ના હતી. થાક્યાપાકયાની સાથે રાત્રે બે વાતો કરનારી કોઈ હતી નહીં. આથી અજમલ શેઠ રસહીન જીવન ગુજારી રહયા હતા.

શિયાળાની એક અંધારી કડકડતી ઠંડીની રાતે રાજવીર સોસાયટીના બે બેડરૂમ ને કિચન સાથેના બે વધારાના રૂમવાળા એ બે માળના બંગલામાં અજમલ શેઠ પથારીમાં પડયા પડયા પડખાં ફેરવતા ફેવતા ઊંઘવાનો ડોળ કરી રહયા હતા. અડધી રાત પુરી થવામાં હતી પણ હજુ તેમને ઊંઘ આવતી ના હતી ત્યારે ટ્રીન…ટ્રીન… ડૉરબેલ રણક્યો.

image source

” કોણ .?” અજમલે બારણા નજીક આવી પૂછ્યું. ” આપના મહેમાન છે શેઠ બારણું ખોલો ” બહારથી સોસાયટીના ચોકીદારનો આવતો અવાજ ઓળખી અજમલે બારણું ખોલ્યું. ” આવો એવો વાલચંદકાકા” આછા અજવાળામાં એ બહાર ઊભેલા ત્રણ ઓળાને ઓળખી ગાયોને પોતાના ઘરમાં લીધા. લાઈટ કરી , મહેમાનને સોફા પર બેસાડી એ પાણી લેવા ગયો. ચકરીશેઠાણી ને વાલચંદશેઠની નજર અજમલ ઘરમાં ફરવા લાગી. ” કેમ કાકા કઈ બાજુથી અત્યારે ? ” પાણી આપતાં એણે પૂછ્યું.

આવનાર મહેમાન નિરુત્તર રહયાં. ” જમવાનું કેમ છે .? એણે જવાબની રાહ જોયા વગર બીજો સવાલ કર્યો. ” ના અમે જમીને નિકળયાં છીએ ” પોતાના સમાજનો માણસ આજ તેનો મહેમાન બન્યો હતો, જે વાતનો અજમલને આનંદ હતો. ” અરે ચકરીકાકી આપના હાથની તો મેં ફુલકા જેવી ઘણી રોટલી ખાધી છે. તો એક ટેમ મારા ઘરનું ખાઓ તો અહેસાન નહીં ચડી જાય.” અજમલ બોલ્યો.

” એવું નથી બેટા જો કાયમના સમય પ્રમાણે અમે સૂર્યાસ્ત પહેલાંનું જમી લીધું હતું.” આમ થોડી આડીઅવળી વાતો કરી, ગામના લોકોના ખબરઅંતર પૂછયા ને મા-દીકરીને ઘરનું રસોડું , સંડાસ , બાથરૂમ, બેડરૂમ બતાવી વાલચંદશેઠ સાથે તે ઉપલા માળે સુવા માટે ગયો. વાલચંદ શેઠે પોતાની છ છ દિકરીઓનાં ઠેકાણાં પાડી દીધેલાં. હવે આ એક નાની શારદાનુજ બાકી હતું. ગામમાં ચાર ધોરણ સુધીની નિશાળ એટલે ત્યાં સુધી ભણાવી પછી ઘરકામમાં જોતરી દીધેલી. ઉકારડીને વધતાં શું વાર ! જેમ ઊંચા ઝાડના સહારે ઉગેલી વેલ સડસડાટ ચડવા લાગે એમ શારદા ક્યારે કાઠું કાઢી ગઈ એની વાલચંદ શેઠને ખબરેય ના પડી ! ને ચકરીશેઠાણીને મન તો, શારદા હજુ નાની ગગલીજ હતી.

image source

અડધી રાતે વાલચંદશેઠે અજમલને કાકલૂદી ભર્યા સ્વરે જે વાત કરી, તે સાંભળી અજમલ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ” બસ આજ વાત છે ! અજમલ તું કોઈ રસ્તો કરી દે, હું ને તારી કાકી ગામમાં કોઈને મોં બતાવીએ તેવી હાલતમાં રહયાં નથી ! ” એક દીકરીનો બાપ લાચાર હાલતમાં અજમલને કરગરી રહ્યો હતો. ” પણ કાકા એ કાળા કામનો કરનાર શું આપની શારદાને અપનાવવા તૈયાર નથી ?” અજમલે અધિરાઈથી પૂછ્યું.

“ના બેટા શારદાને અપનાવવાની એ હા કહે , તોય એ કાંટિયા વર્ણના ઘરે મારી દીકરીને આપતાં પહેલાં મારે વખ ઘોળવું …….. ” વાલચંદશેઠ વાક્ય પૂરું કરે એ પહેલાં રડી પડયા હતા. અજમલની સામે બેસીને અડધી રાતે પોષ પોષ આંસુડે રડનાર , વાલચંદશેઠ, તેના નાતિબંધુ ને જુના શેઠ હતા. એણે ધાર્યું હોત તો એ તેના અપમાનનો બદલો લઈ શકે તેમ હતો. અને હા, શારદાને મોંઘા ખાનગી દવાખાનામાં દાખલ કરાવી આગળની વ્યવસ્થા પણ કરી શકે તેમ હતો.

image source

પરંતુ એ નુકસાની માલનો સૌદાગર આટલી ઉંમરે ઘણી ઠોકરો ખાઈ ચુક્યો હતો. ઘણી તડકી છાંયડી નીચેથી પસાર થયો હતો. એ ગઈ ગુજરી ભૂલી ગયો. અડધી રાતે આવેલા એ ત્રણ મહેમાન સાથે પુરી તૈયારી કરી જરૂરી લેખિત પુરાવા લઈ બીજા દિવસે સવારે એ લગ્ન નોંધણી કચેરી ગયો. સાક્ષીઓની હાજરીમાં કચેરીની વીધી પુરી થઈ ત્યારે ચકરીશેઠાણીએ શારદા-અજમલનાં મોં મીઠાં કરી વરવધૂને હેતે વધાવ્યા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. ને કેમેરાના ફ્લેશના ઝબકારા સાથે અજમલના જીવનનું એક નવું પ્રકરણ શરૂ થયું. સાથે સાથે વાલચંદ શેઠ અને ચકરી શેઠાણીના જીવનનો પણ એક નવો અધ્યાય શરૂ થયો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ