તહેવાર અને ઉત્સવના જોક્સ બહુ જોયા હશે તો આ પણ ચુકતા નહિ…

કોઈ પણ વ્રત, તહેવાર ઉત્સવની મજાક ઉડાવવી એ આપણી ભારતીય સંસ્કૃતિ તો નથી જ

કોઈની આસ્થા સાથે તર્ક કરવાનો કે એની ઉપેક્ષા કરવાનો આપણને કોઈ અધિકાર નથી. ખાસ કરીને એના તંતુ આપણા  ધર્મ અને આપણી તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે.

હાલમાં જ વટ સાવિત્રીનું વ્રત ગયું. સૌભાગ્યવતી બહેનો એમનાં સૌભાગ્ય એવા પતિદેવ માટે આ વ્રત કરતી આવી છે. જે આપણી ભારતીય સંસ્કૃતિ જોડાયેલ છે. આદિકાળથી આ વ્રત જ નહી પણ આવા ઘણા વ્રત છે જે થતા આવ્યા છે અને થતા રહેશે જ્યાં સુધી મનુષ્ય જાતમાં સંસ્કૃતિના અંશ બિરાજમાન હશે.

વટ સાવિત્રીના આ વ્રતને મજાક બનાવતા હોય એમ કેટલા પુરુષોએ પણ પોતે પત્ની પીડિત છે એ રીતે વડના ફેરા ફર્યા એવી તસ્વીર વોટ્સએપ અને ફેસબુક પર ભદ્દી કોમેન્ટ સાથે દેખાઈ.(સાચું ખોટું અર્થઘટન થયું હોય એમ બને) આટલું જ નહી પણ બહેનો જે આ વ્રત કરી રહી હતી અને વડના ફેરા સુતરનો દોરો લઇ ફરતી હતી તેને પણ ભદ્દી કોમેન્ટ દ્વારા પાવન વર્તને એક મજાકનું સ્વરૂપ આપી વિકૃત આનંદ મેળવનારા સોસીયલ મીડિયા પર અસંખ્ય નીકળી આવ્યા. આ જોઇને ખરેખર સ્તબ્ધ થઈ જવાયું. કે આ આપણે ખુદ આપણી આ લોકોની આસ્થા સાથે જોડાયેલી ભારતીય સંસ્કૃતિને ખુલે આમ બદનામ કરવા જઈ રહ્યા છીએ.

અરે કોઈ પણ સમુદાય હોય. એ એની પારંપરિક ધર્મશૈલીમાં આવતા તહેવારો ઉજવે એમાં સૌએ સહભાગી થઈ આનંદ લેવો જોઈએ. એના બદલે તથ્ય જાણ્યા વિના એ વ્રત, તહેવાર કે ક્રિયાઓને એક મજાક તરીકે પ્રસ્તુત કરી તેઓ ફક્ત એ સંસ્કૃતિનું જ અપમાન નથી કરતા પણ આપણી પારમ્પરિક ભારતીય સંસ્કૃતિને સમસ્ત દુનિયામાં નગ્ન કરી વિકૃત આનંદ મેળવાનું તેઓ જે આવું કરે છે તે ચુકતા નથી. એન અધુરામાં પૂરું આ જ લોકો બીજા સુધી આ વિકૃત આનંદ પહોચે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આપણી જ ભારતીય સંસ્કૃતિની આવી અવહેલના આપણા જ નગરિકો દ્વારા થતી હોય તો પછી બીજા દેશના લોકો કરે એમાં શું નવાઈ. જો આપણને ખરેખર આપણી સંસ્કૃતિ પ્રત્યે માન હોય તો આપણે આવી પોસ્ટ કે સંદેશાઓને બળતામાં ઘી ઉમેરીએ એમ લાઈક ન કરવી જોઈએ.

વાત ફક્ત વટ સાવિત્રીના વ્રત સુધી જ માર્યાદિત નથી રહેતી પણ આપણા દેશમાં એવા ઘણા બધા તહેવારો છે જે ભારતીય સંસ્કૃતિનો આયનો છે અને એના દ્વારા જ ભારત એ ભારત છે એ ઓળખાય છે એવી સંસ્કૃતિની આમાંન્યતા જળવાઈ રહે એ માટે પ્રયત્નો કરવા જોઈએ નહી કે એનું અપમાન કરી એ પરંપરા કે ઉત્સવને એક મજાક બનાવી જગતમાં આપણી સંસ્કૃતિને બદનામ કરવી અને એનો વિકૃત આનંદ લેતા રહેવું એ તો સંસ્કૃતિ જ નહી પણ દેશનું અપમાન છે.

આપની ભારતીય સંસ્કૃતિનો શણગાર વેદ અને ઉપનિષદોથી થયેલો છે. જ્ઞાન અને ઉર્જાનો સમન્વય વાળા આપણા ઉત્સવો એ આપણી શાન છે. લોકોને જોડી રાખવાનું એક ઉત્તમ માધ્યમ છે. સંસ્કૃતિના પાયામાં જ અદભૂત ખજાનો છે જે સંસ્કૃતિની સુંદરતાને વધુ અડીખમ રાખે છે.

વાણી અને વિવેક એ આપણી સંસ્કૃતિના ઉત્તમ આભૂષણો છે. ઉત્સવો એ આપણી સંસ્કૃતિના સંતાનો છે જે એ દાયિત્વ નિભાવે છે કે સંસ્કૃતિનું માં જળવાઈ રહે અને એનું અમરત્વ જળવાઈ રહે. ભારતીય સંસ્કૃતિની જેટલી કદર સકળ વિશ્વમાં થઈ છે એટલી કરદ બીજા કોઈ દેશની સંસ્કૃતિની નથી થઈ. આદિકાળથી આપણા દેશમાં એકત્વભાવ સાથે સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્સવો, વ્રત વગેરે ઉજવાતા રહે છે અને એ જ ખરો આનંદ પણ આપે છે.

વિનંતી એ જ કે આપણને કોઈ જ અધિકાર નથી કે આપણે કોઈ પરંપરા, સંસ્કૃતિ, આસ્થા, ધાર્મિક ક્રિયાઓનો મજાક બનાવી રજુ કરીએ. તમે કોઈ પણ ઉત્સવ કે તહેવાર કે વ્રતના મૂળ ઉદ્ધેશ્યને જાણવાનો પ્રયત્ન કર્યો છે ? છતાં દેખાદેખીમાં એ બધું જ કરવા આપણે તૈયાર થઈ જઈએ છીએ જેની મહત્વતા પણ આપણે જાણતા નથી.

સ્ત્રીઓના સૌભાગ્યનું આયુષ્ય વધારતું વટ સાવિત્રીનું વ્રત. જેઠ સુદ પુનમ વડ સાવિત્રી પુનમ તરીકે ઓળખાય છે.હિન્દુ ધર્મમાં મહિલાઓ આ દિવસે વટસાવિત્રીનું વ્રત કરે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પકડમાંથી છોડાવે છે. પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા થતા વ્રતમાં બહેનોની એક આસ્થા જોડાયેલી છે. તેઓ આખો દિવસ ઉપવાસ રાખે અને ફક્ત એક સમય ફલાહાર કરે છે . અને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પણ જયારે કોઈ વ્રતની આસ્થાને તર્ક સાથે જોડી એની મજાક ઉડાવે છે ત્યારે તેઓ માટે એ જ પ્રાર્થના થાય કે તેઓ આવું ન કરે અને દરેક ધર્મ સાથે જોડાયેલ તહેવાર, ઉત્સવને આપણી સંસ્કૃતિનું માન જાળવે.

પ્રસ્તુત લેખ કોઈના પર આક્ષેપો કરવાના હેતુથી નથી લખ્યો પણ સંસ્કૃતિનું માન જળવાય એ માટે આવું ન કરવાની એક નમ્ર વિનંતી જ છે.

જય હિન્દ

લેખક :નરેન કે સોનાર ‘પંખી’

આપના વિચારો કોમેન્ટમાંજરૂરથીજણાવો, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી