તમે પણ બીજાના સુખે સુખી એવું માનો છો? તો આ વાંચો તમારા વિચાર બદલાઈ જશે…

સુખની ખરી પ્રતીતિ એના અનુભવથી જ થાય

એકને મન જે સુખ છે તે બીજાને મન સાવ ક્ષુલ્લક બાબત બની શકે.
ખરેખરી ભૂખ લાગે તો સૂકો રોટલો પણ પકવાનની અનુભૂતિ કરાવે એવું બને.
સુખની ખરી પ્રતીતિ એના અનુભવથી જ થાય બાકી વિચારોમાં રચાતુંસુખ કે દુઃખ તો મિથ્યા છે.ઘણીવાર સુખ નિમંત્રણ આપે પણ કોઈને કોઈ બહાને ટાળવાની આપણને ટેવ પડી ગઈ હોય છે. ખરેખર તો આપને હજી સુધી એ જ નથી સમજી શકતા કે સુખ કહેવાય કોને? આપણા મતે આપણી અપેક્ષાઓ સંતોષાય, જે વધુ લાભ આપે તે સુખ અને અપેક્ષાઓ ન સંતોષાય અને કોઈ લાભ ન થાય એ દુઃખ ભલે પછી એનાથી કોઈ નુકશાન ન થયું હોય તેમ છતાં એ વ્યવહાર આપણા માટે દુઃખનું કારણ બની જાય છે. કેમ કે આપણી અપેક્ષા નથી સંતોષાઈ. ખરેખર તો સુખની પરિભાષા નક્કી કરવાનો આપણે જે હક્ક અંગીકાર કર્યો છે તે જ ખોટો છે. પ્રલોભી તર્કમય સુખની કામનામાં આપણે એકદમ સહજ રીતે મળેલ સુખથી જાણી જોઇને વંચિત રહેવા માટે સતત વલખા મારીએ છીએ.નાની વાતોમાં ખુશ થઈ જનારા આપણે ખૂબ જ નજીવી બાબતે દુઃખી પણ થઈ જતા હોઈએ છીએ પણ ત્યાં આપણે એ નાની બાબતનાં કારણે મળેલ દુઃખને મમળાવતા રહીએ છીએ અને જાતને કોસતા રહીએ છીએ. ત્યાં આપણે ભૂલી જઈએ છીએ કે આવી ઘણી બધી નાની બાબતોમાં આપને સુખદ અનુભૂતિ પ્રાપ્ત કરી ચુક્યા છીએ. આપણી યાદોને પણ આપણે એવી રીતે યાદ કરીએ છીએ કે “જાણે બધું જ ગુમાવી દીધું ન હોય ! “એ શું દિવસો હતા ! વાહ શું લોકો હતા, કેટલા સહજતાથી એકમેકને મળતા હતા, નિસ્વાર્થભાવ જળવાતો હતો”એમ કહી આપણે ભોગવી લીધેલા સુખને પણ નમાલું બનવી દઈએ છીએ.સતત જાતને અને જાત સાથે જોડાયેલ તમામ ઘટનાઓને કોસવામાં જ આપને સમયને વેડફી નાખીએ છીએ અને છેવટે નિઃસાસો નાખીએ છીએ કે જીવનમાં કઈ જ મજા નથી રહી.

મારે મન સુખ રોજ નવી તક લઈને આવે છે અને એની બિલકુલ બાજુમાં દુઃખ પણ ઉભું જ હોય છે પણ એ ચુપચાપ એ સુખની પડખે ઉભું રહે છે. હું ઉભેલા દુઃખ સામે આંખ આડા કાન નથી કરતો પણ એનું પણ સુખ સાથે જ અભિવાદન કરું છુ. એથી જો એ દુઃખ એકલું જો મારી પાસે આવી જાય તો એ મને ઓળખશે તો ખરું! એ વાતનું આશ્વાસન જ મારે મન તો સુખ જેવું. એકબીજાની પડખે ઉભેલા છે અને રહે છે સુખદુઃખ. દુઃખનો પડોશી સુખ.દિવસ આખો ખાલી જાય ને સાંજના દુકાન બંધ કરતી વેળાએ જે ચાર –પાંચ ગ્રાહકો ખરીદી કરીને જાય દિવસ આખાની ખોટ સરભર કરી જાય ત્યારે એ દુકાનદારના મુખ પર જે સુખનો ભાવ પ્રગટ થાય છે તે જ ખરું સુખ છે. લોકો સુખને મિથ્યા કહી ધુત્કારતા રહે છે પણ અંદરથી તો તેઓ પણ કોઈ અદ્રશ્ય સુખની કામનાઓથી ઘેરાયેલા જ રહે છે. હાથીના દાત જેવું દેખાડવાના જુદા અને ચાવવાના જુદા.
ખરેખર તો આપણે બીજાના સુખ માટે કામ કરીએ છીએ એવું કહીને નિજાનંદની સુખકામનાથી પીડિત થતા રહીએ છીએ. અને જાતને દિલાશો આપતા રહીએ છીએ કે “લોકો માટે ગમે તેટલું કરો પણ છેવટે તો જૂતિયા જ મળે” અરે પણ કોણે કહ્યું કે તમે લોકો માટે સુખની કામના કરો.! તમે ખરેખર તો લોકોના બહાને તમારા જ પલ્લામાં સુખનું ફળ મૂકવા માટે વલખા મારતા રહો છો તો પછી ખુલ્લે આમ એમ જ કરોને! શુકામ કોઈના નામ પર પોતાના સુખનો રોટલો શેકવો !
એક પુસ્તકાલયના ગ્રંથપાલની એના વાચકો પ્રત્યેની સેવા કેવી હોવી જોઈએ એના પરથી પણ પુસ્તકાલયની સેવા કેવી છે એ નક્કી થતું હોય છે. પુસ્તકાલય હોય એટલે પુસ્તકો તો હોવાના જ અને ઘણા બધા હોવાના. વાચક જયારે ગ્રંથપાલ પાસે આવે ત્યારે ઘણા વાચકો આવે અને સ્વાભાવિક રીતે પૂછે છે કે મારે કયું પુસ્તક વાંચવું જોઈએ તમે જણાવો. એટલે ગ્રંથપાલ એમને એમની પસંદ પૂછે છે કે “તમને શું વધારે પસંદ છે? પ્રેરણાત્મક, આધ્યાત્મિક કે પછી નવલકથાઓ ? તેઓ તેમની પસંદ કહે છે ને એ મુજબ એમને પુસ્તક કાઢી આપે છે. વાચક એનેમન એનું મનગમતું પુસ્તક મળ્યાનું સુખ અનુભવે છે જયારે બીજી તરફ ગ્રંથપાલને મન વાચકને મનગમતું પુસ્તક આપ્યાનું સુખ અનુભવાય છે. ગ્રંથપાલને મન સુખ છે કે મારી ફરજ તરીકે હું એમને કામ આવ્યો. ફરજ પરનું સુખ પણ તમને આનંદ જ આપે છે એથી પણ કહેવું રહ્યું કે કોઈ પણ કાર્ય કરો તો એમાં તમારું સમ્પૂર્ણ ઇન્વોલમેન્ટ હોવું આવશ્યક છે નહી તો એ કાર્ય છેવટે વેઠ બની જાય છે..
ગ્રંથપાલનેમન વાચકને એની રૂચી મુજબનું પુસ્તક આપવામાં જે આનંદ છે તે એનું સુખ છે અને એમાં જો સફળ થાય તો મને એ વાતનો સુખદ અનુભવ થાય છે અને જો એની રૂચી મુજબનું પુસ્તક ન મળે તો એ પુસ્તક એના માટે મેળવી આપવાનો એનો પ્રયત્ન એ પુરષાર્થ છે અને જેવો એ પૂર્ણ થાય ત્યારે જે સુખાનુંભૂતિ બને પક્ષે થાય છે તે અલૌકિક હોય છે. પોતાની રૂચી મુજબનું પુસ્તક મેળવી એ વાચક જયારે ખુશીનો ભાવ અભિવ્યક્ત કરે છે તે ખુશી ખરેખર ઈશ્વર અનુમોદિત હોય એવો ભાવ પ્રગટ થાય છે. જાણે વાચકના સ્મિતમાં સાક્ષાત પ્રભુ આવી મારું અભિવાદન કરતા ન હોય ! અને પુસ્તક લઇ એ જતા જતા પણ જે આભાર વ્યક્ત કરે છે એ સુખ છે.
ક્યારેક એવું પણ બને છે કે કોઈ પુસ્તક વાચક કે સ્ટાફ દ્વારા અન્યત્ર મુકાઇ ગયું હોય અને જયારે જરૂર હોય ત્યારે ન મળે ત્યારે જે દુઃખ થાય તે કોઈને ભલે ન કળે પણ યોગ્ય સમયે ન્યાય ન આપી શકવાનું દુઃખ સતત કરડયા કરતું હોય ત્યાં અચાનક એ પુસ્તક બીજા રેક પરથી મળી જાય ત્યારે જે પુસ્તક મળવાની ખુશી અને પછી એ પુસ્તક જે તે વાચકને પહોચાડવાની ખુશીનું સુખ ખરેખરા સુખની અનુભૂતિ કરાવી જતા અનુભવો સતત કઈક નવું સુખ આપી જાય છે.
સુખની ખરી પ્રતીતિ એના અનુભવથી જ થાય બાકી વિચારોમાં રચાતુંસુખ કે દુઃખ તો મિથ્યા છે જે વિચારોની હવા સાથે આવે છે અને જતું પણ રહે છે. ધરતી છેડો ઘર એમ સુખનો છેડો એટલે નિજાનંદ. ભલે આપણે કહી કે હું મારા માટે નથી જીવતો …કે આ બધું હું કરું છુ તે કોના માટે કરું છુ ? એ બધી જ ભ્રામક વાતો છે માત્ર દંભ સંતોષવાનું એક માધ્યમ છે બાકી બધી જ વાતો પોતાના સ્વાર્થ પર આવીને અટકે છે અને સતત એની આજુ બાજુ જ ભટકે છે. કોઈ કોઈના માટે નથી બસ પોતાના માટે જ છે.

તુલસીદાસે પણ જયારે રામચરિત માનસ રચના કરી ત્યારે પ્રારંભમાં જ કહ્યું છે કે હુંએ આ જે રામચરિત માનસની રચના કરી છે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય स्वान्त: सुखाय (સ્વ સુખની કામના ) હેતુ છે એથી વિશેષ કશું જ નહી. કેમ નહી એમની વાત સાચી છે જ છે તમે જે કાર્ય બીજા માટે કરો છો એ જ કાર્ય જો પોતાના માટે કરો છો કે કરવા પ્રેરાવ ચોએ ત્યારે તમારું એ કાર્ય પ્રત્યેનું યોગદાન અનોખું અને સર્વશ્રેષ્ઠ હોય છે.

ખરેખર જોવા જઈએ તો આપણી દરેક પ્રવૃત્તિનો સાર તો સ્વ હિત જ છે અને સ્વ હિત જ રહેશે જ્યાં સુધી આ જગત રહેશે. નિજાનંદથી પરમાનંદ તરફ જવું સહેલું પડશે કારણ કે એ યાત્રાનો પહેલો પડાવ “સ્વ” કલ્યાણનો છે. ભોગ પછીનો યોગ જેવું જ તો. મહર્ષિ યાગ્ન્યવ્લ્ક્વ પણ કહે કે સંસારની કોઈ પણ વસ્તુ માત્ર અને માત્ર આત્મસુખ માટે જ હોય છે.અને એથી જ મનુષ્યએ કોઈ પણ દ્વિધામાં ન રહેતા આત્મસુખ માટે કોઈ પણ બીજા જૂઠાણાં ન રજુ કરવા જોઈએ કે “હું જે કઈ કરું છે મારા માટે નહી પણ તમારા માટે છે’

ક્યારેક કોણ નાનું બાળક પણ તમને સુખ શું છે એનો અહેસાસ કરાવી જતું હોય છે. મારા નાના પુત્ર પાસેથી મને એ જાણવા મળ્યું કે એને જયારે ભૂખ લાગે ત્યારે રસોઈમાં જે ભોજન હોય તે આરોગી લેશે પછી એની મમ્મી તાજું ભોજન બનાવે ત્યારે એને ભોજન કરવા બોલાવે ત્યારે એને જો ફરી ભૂખ લાગી હશે તો જ એ જમશે બાકી તમે પકવાન પીરસો તો પણ એ નહી જમે કારણ કે એની ભૂખ એ ભોજન દ્વારા સંતોષાઈ ગઈ હતી અને એ સંતોષ જ એને મન સુખ હતું. આવું મેં ઘણીવાર એના પ્રત્યે અનુભવ્યું છે જે શીખવે છે કે જરૂરિયાત સમયે જે વસ્તુ, વ્યક્તિ કે પ્રતિક આપણા કામ આવ્યું અને એનાથી આપણને સુખ લાભ થયો એ જ ખરું સુખ બાકી બધું જ ભ્રામક છે અને ભ્રામક તત્વ ક્યારેય અનમોલ નથી હોતું પછી એ ભલે હીરાજડિત કે સોનાથી મઢેલું કેમ ન હોય.
કોઈના સુખથી પ્રભાવિત નહી થઈ ફક્ત પોતાના સુખથી સંતોષની લાગણી અનુભવાય એ પરમસુખ છે અને એ પરમસુખ જ પરમાત્મા છે.

નવી નવી પતંગ ચગાવતા એક છોકરાની એક પછી એક પતંગો બે ચાર ચગાવનારા મળીને કાપ્યે જતા હતા અને એને ચીડવતા જતા હતા અને બીજી તરફ એ બાળક નવી પતંગ ચગાવતો અને ઉડાવતો . પણ વારંવાર એની જ પતંગ કાપનારાઓની દોરીને રદ્દો પડતા એ તૂટી ગઈ ત્યારે એ બાળકે કોઈ જ પ્રતિક્રિયા નહી આપી પણ ફક્ત હળવું હસ્યો અને ફરી નવી પતંગ ચગાવવા લાગી ગયો. તે ધારત તો ચિચિયારી પાડી શકત પણ એમાં એને ખોટો આનંદ પ્રાપ્ત થાત. કારણ કે એ પતંગ દોરામાં ઘસરકો પડવાને કારણે થયો હતો અને પતંગ તૂટી ગઈ હતી નહી કે પેચ લડાવવાથી કપાઈ ગઈ હતી. એ બાળક પાસેથી એ શીખવા મળ્યું કે ખોટો દ્વંદ કરવામાં કે કોઈને નીચા પાડવામાં સુખાનંદ નથી પણ ખરું સુખ પરિસ્થિતિને ખરા અર્થમાં ગ્રહણ કરવામાં છે નહી કે કોઈને નીચા પાડવામાં.

એક સાધુબાવો મહીનામાં એક બે વાર શેરીમાં આવતો ત્યારે બોલતો આટા ચાવલ દો ! જો દેગા ઉસકાભી ભલા ઔર જો નહી દેગા ઉસકાભી ભલા. સાધુની આ બોલીમાં મને પરભાવ સુખની ઝલક અનુભવાતી હતી. કોઈ નવાસવા લેખકની એકાદ વાર્તા કે વાત પણ છપાઈ જાય તો એને મન પરમ સુખ છે.

સુખ સાથે દુઃખ હોય છે એવું સાંભળતા આવ્યા છે પણ સુખ સાથે લોભ હશે તો એક સમય એવો આવશે કે આ દુઃખ અને લોભ એક ષડ્યંત્ર રચી સુખનું નિકંદન કાઢી નાખશે માટે કૃપાળુને એ જ પ્રાર્થના કે સુખ દુઃખની આ જુગલબંદીમાં લોભને ઘુસપેઠ કરવાની જરાય તક ન આપીશ.
મારો જીવન મત્ર છે ‘જે જાતને વંદે તે સદા આનંદે’

લેખક : નરેન્દ્ર કે સોનાર ‘પંખી’

તમારા માટે સાચું સુખ શેમાં છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી