અંધશ્રધ્ધા – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં આ અંધશ્રદ્ધા માનવી પાસે ના કરવાના કામો કરાવે છે…

અંધશ્રધ્ધા

“ગીતા જલ્દી કર. અહિં આવ જો આજે હું શું લાવ્યો છું? આ કિમીયો કર્યા પછી તો તું જો જે આપણું જીવન પહેલાં જેવું જ થઈ જશે…ક્યાં છો તું અરે જલ્દી આવ…” આવા બરાડા પાડીને મુકેશભાઈ પત્નિને બોલાવી રહ્યાં છે.
રસોડામાંથી હાથ લુછતા લુછતા ગીતાબેન આવીને પૂછે છે, “બોલો આજે શું લાવ્યા છો, દોરા-ધાગા, લીંબુ, શ્રીફળ, ચોખા કે ફરી પાછા પડીકાવાળેલાં જુવારના દાણાં? બોલો, ઘરનાં કયા ખુણામાં છૂપાવવા છે ક્યાં ઊતારીને નાંખવા છે?”

“અરે ગાંડી આજે તો બાબાએ એ 101% ની ગેરંટી આપી છે આ અડદનાં દાણાં ઘરની પાછળ માટીમાં દાટી દઈશું એટલે થોડા દિવસોમાં આપણો બેડોપાર… મારી દુકાન, મારો ધંધો, આપણી ઝૂટવેલી સંપત્તિ અને માન સન્માન અને.. એ હસમુખ તો ધૂળ ચાટતો થઈ જશે. “ હરખાતા હરખાતા મુકેશભાઈ બોલ્યા.
ગીતાબેન આંખમાં આસું સાથે તેમના હાથમાંથી અડદનાં દાણા લઈ પાછળ દાટી આવે છે.
બારમાં ધોરણમાં ભણતી દિકરી આભા તેની ફ્રેન્ડ સાથે પોતાના રૂમમાં બેઠી હતી. બંને આ બધુ સાંભળતી હતી. નીતિ આભાને પૂછે છે, “આ શું છે આભા? તારા મમ્મી પપ્પા આ કેવી વાતો કરે છે? કોને ધૂળ ચટાડવાની વાત કરે છે.”
મમ્મી પપ્પાની આવી વાતો પોતાની ફ્રેન્ડ સાંભળી ગઈ આથી આભા થોડી ઝંખવાઇ ગઈ પણ પછી લાંબો નિસાસો નાખ્યો અને નીતિને વાત કરે છે.” નીતિ આ બધું મારા ઘરમાં કાયમી બની ગયું છે તને તો ખબર છે મારા પપ્પાને ખૂબ સારો બિઝનેસ હતો. ધંધાની આવડતમાં મારા પપ્પાને કોઈ ન પહોંચી શકે પણ ધંધાની શરૂઆતમાં જ પૈસાના રોકાણને પહોંચી વળવા મારા પપ્પાએ મારા દૂરના હસમુખ કાકા સાથે ભાગીદારી કરી. ધંધાની પ્રગતિ અને તેમાંથી થતાં નફાએ કાકાની દાનત બગાડી અને દગાથી કાગળ પર સાઈન કરાવી મારા પપ્પાની દુકાન અને તેને લગતી તમામ મિલકત પોતાના નામે કરાવી લીધી. જે દિવસે હકીકત પપ્પા સામે આવી તે દિવસે પપ્પાને ખુબ આઘાત લાગ્યો. પોતાના લોહી અને પરસેવાથી જેમણે પોતાના ધંધાને સીંચ્યો હતો તે એકાએક તેમની પાસેથી આંચકી લેવાયું. વિશ્વાસઘાતનો આઘાત મારા પપ્પા જીરવી ન શક્યાં.

અમે ખૂબ સમજાવ્યાં, મનાવ્યા પણ પોતાની મહેનતનું ફળ બીજાં કોઈ ઝૂંટવી ગયાં એ વિચારે તેમના મનમસ્તિષ્ક પર ઘેરી અસર કરી. રાત દિવસ મારા પપ્પા દિશાશૂન્ય થઈ આમતેમ ભટક્યા કરતા હતા, ક્યાં જવું શું કરવું? એ સવાલોના જવાબ તેમની પાસે ન હતા. એમ કેમ કોઈ પોતાનું સર્વસ્વ લૂંટી લે? આની પાછળ કોઈ બીજું જ કારણ હોવું જોઈએ એવા વિચાર તેમની રોજીંદી ક્રિયા બની ગઈ. મારા પપ્પા મારા ફ્રેન્ડ જેવા હતા પરંતુ આજે તેઓ ઘરમાં પણ અજાણ્યાની જેમ રહે છે અને દરેક વ્યક્તિને શંકાની નજરથી જ જોયા કરે છે. વિશ્વાસ કરવાનું જે ભયંકર પરિણામ એમણે ભોગવ્યું તેના કરતાં ક્યાંય વધારે હું અને મારો પરિવાર ભોગવી રહ્યાં છીએ. ઘણીવાર પપ્પાએ જીવનથી નાસીપાસ થઈ આપઘાત કરવાનાં વિચાર પણ કર્યા છે પણ અમને જ ખબર છે કે અમે પપ્પાને સમજાવીને કેમ સાચવીએ છીએ. એવામાં એક દિવસ પેપરમાં કોઈ ભુવાની એડ જોઈ પપ્પાને એની પાસે જવાની આશા જાગી અને તેઓ તેને મળવા ગયા તે દિવસ છે અને આજનો દિવસ છે. બે ત્રણ દિવસે ફરી ફરી પપ્પા ત્યાં જ જાય છે અને દર વખતે કંઈક નવા નવા કિમીયા અને નવું ત્રાગુ લઈને આવે છે.
હું, મમ્મી અને મનન જાણીએ છીએ કે આવું કંઈ સાચુ હોતુ નથી, આ નરી અંધશ્રધ્ધા છે માણસનાં મનને, વિશ્વાસને પાંગળો બનાવવાના આ ધંધા છે, પણ આવું કંઈક કરવાથી મારા પપ્પાને શાંતિ મળતી હોય તેમનામાં જીવવાનો ઉમંગ જાગતો હોય તો શો વાંધો છે?? એ વિચારે અમે તેમની હા મા હા મેળવી દઈએ છીએ. નીતિ આ દુનિયા માટે મારા પપ્પા એક માણસ હશે પણ અમારા માટે તો મારા પપ્પા જ અમારી દુનિયા છે.

“આભા તમારા પપ્પાને કોઈ ડોક્ટરને બતાવો ને” નીતિ બોલી. હું જાણું જ છુ કે મારા પપ્પા ડિપ્રેશનનો ભોગ બન્યા છે. તકોથી છલકાતી, આનંદથી ઊભરાતી એમની જીંદગી એકાએક ભયંકર અંધારી કોતરોમાં ફેરવાઈ ગઈ અને મારા પપ્પા એ અંધારી ગલીઓમાં અટવાઈ ગયા છે પણ જો તેમને દવાખાને લઈ જવાની વાત કરીશું તો તેમને લાગશે કે અમને તેમના પર ભરોસો નથી અને અમે તેમને પાગલ સમજીએ છીએ. મારા પપ્પામાં ખૂબ આવડત અને શક્તિ છે પણ કહેવાય છે ને કે એકવાર શરીરથી ભાંગેલા માણસને ઉભો કરી શકાય પણ મનથી ભાંગેલાને ઉભા કરવા ખૂબ મુશ્કેલ છે. હસમુખ કાકાએ તો અમને એકવાર દગાથી લૂટ્યાં પણ આ ભુવા, બાબા અને તાંત્રિકોએ તો ખોટાં વિશ્વાસ આપી આપીને મારા પપ્પાને અનેકવાર લુંટ્યા, અવાર નવાર ઝઘડા કરીને પપ્પા ઘરમાંથી પૈસા ફક્ત આ બાબાની ધડમાથા વગરની વિધિઓ માટે લઈ જાય છે. શું કરીએ અમે લાચાર છીએ પપ્પાની સ્થિતિ પાસે.” આટલું કહેતા કહેતા આભાની આંખના ખૂણા છલકી ગયા. નીતિ આભાને સાંત્વના આપીને ચાલી ગઈ.
આ વાતને બે દિવસ થઈ ગયા અને એકાએક મુકેશભાઇ આવીને ગીતાને કહેવાં લાગ્યા, “ગીતા જલ્દી કર ઘર ચોખ્ખું કરી નાખ, ઘણા મનામણાં પછી બાબાને ઘરે આવવા રાજી કર્યા છે હમણાં થોડીવારમાં અઘોરી બાબા પોતે આવીને ઘરમાં પગલાં કરશે.” પતિની વાત માનવા શીવાય ગીતાબેન પાસે કોઈ રસ્તો જ ન હતો.

થોડીવારે ગળામાં આઠ દસ રુદ્રાક્ષની, મણકાની માળા પહેરેલ, માથા પર કાળું કપડું, મોટું લાલ કંકુનું તિલક અને આખા કાળા કૂર્તામાં “ઓમ નમ: શિવાય” અને “બમ બમ ભોલે” બોલતા બોલતા અઘોરી બાબા ઘરે આવ્યાં. હાથમાં ચીપીયો ખખડાવતા ખખડાવતા ઘરમાં આવ્યા, બંને હાથમાં કોણી સુધી પહોંચે એટલી સ્ફટીકની રંગ રંગની માળા વિંટાળી છે, આઠેય આંગળીમાં ઊડીને આંખે વળગે તેવી લાલ, કાળી, સફેદ વીંટીંઓ પહેરેલ બાબાને જોતાં પણ બીક લાગે તેવો પહેરવેશ, દેખાવ અને શરીરની અંગભંગી, થોડી થોડી વારે આંખો ખોલતા અને બંધ કરતાં બાબાએ આખા ઘરમાં આંટો માર્યો. આભાના રૂમમાં પણ આવ્યા. 18 વર્ષની સુંદર, તેજસ્વી અને કમનીય આભાની આભા જોતાં જ રહી ગયા. બાબાની નજરમાં આવેલો દ્રષ્ટિભેદ આભા પામી ગઈ પણ પપ્પા સામે કંઇ જ ન બોલી. થોડીવારે બાબા ઘરેથી જતા રહ્યાં.

બે દિવસ પછી મુકેશભાઈ ગુમસુમ અને પરેશાન થઈને ઘરે આવ્યાં, કંઈક મૂંઝવણમાં લાગ્યા. ગીતાબેને પુછ્યું તો કહેવા લાગ્યા,”મને એમ જ થતુતું ગીતા, બાબાની વિધિઓ કઈ અસર કેમ નથી કરતી પણ ક્યાથી કરે આપણા દુર્ભાગ્ય નાં બીજ તો કોઈકે આભામાં રોપ્યા છે. આભાની અંદર જ એવા જીનની છાયા છે જેણે આપણને ભૂખનાં ભાતે કર્યા અને બાબાની દરેક વિધીમાં વિઘ્નો નાંખી એક પણ દોરાની કે દાણાંની અસર થવા ન દીધી. પણ તું ચિંતા ન કર બાબાએ એનો પણ ઉપાય બતાવ્યો છે. આ પૂનમે બાબાના સ્થાનકે આભાને લઈ જઈને તેની શરીર શુધ્ધિ કરી એ જીનની છાયા દૂર કરવી પડશે બસ!! એટલું કરીએ એટલે ગંગા નાહ્યા.
“ આ તમે શું બોલો છો એનું તમને ભાન છે! આજ સુધી તમારી હા માં હા કરી પણ હવે બસ, તમારી ખોટી જીદની હોળીમાં હું મારી દિકરીને બલી નહિં ચડવા દઉં. પણ ગીતા તું એકવાર વિચાર તો કર એક વાર આ શુધ્ધિ થઈ ગઈ તો આપણા તો વારા ન્યારા થઈ જશે….”મેં ગુમાવેલું બધું જ પાછું મેળવી લઈશ અને…” મુકેશભાઈને આગળ બોલતાં અટકાવી ગીતાબેને વિધિની ચોખ્ખી ના પાડી દીધી. બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ, રૂમમાં સુતેલી આભા આ બધું સાંભળી રહી હતી.

આભા બહાર આવી બંનેને શાંત પાડતાં બોલી,”મમ્મી બસ કરો, જો મારી શરીર શુધ્ધિ કરાવવાથી પપ્પાને સંતોષ મળતો હોય તો હું એક વાર નહિ દસવાર જઈશ. તું ભુલી ગઈ મમ્મી પહેલા આપણે જીંદગીમાં કેટલી ખુશીઓ માણી છે આટલું સરસ જીવન મારા પપ્પાએ મને આપ્યું, લાડકોડથી મને ઉછેરી, મને હંમેશા દિકરી નહિ એની ભાઈબંધ બનાવી રાખી, મારી દરેક ઇચ્છાઓ પુરી કરી, મને ભણાવી ગણાવી જીવનમાં સાચા ખોટાની સમજ આપી, જીંદગી એક સંઘર્ષ છે, સાચુ સુખ મહેનત અને સાચો સંતોષ ઈમાનદારી છે આવા વિચારોથી મને સાચા જીવનનાં પાઠ આપવાવાળા મારાં પપ્પા મારું કોઈ દિવસ ખરાબ ન ઈચ્છે, બરાબરને પપ્પા ? અત્યાર સુધી જીવનમાં પપ્પાએ મને બધું જ આપ્યું છે અને હવે જ્યારે હવે મારી વારી આવી ત્યારે હું પાછી પાની નહિં કરું!! પપ્પા, મમ્મીનાં સંતોષ અને તેની ઈચ્છાને માન આપવું પણ જરૂરી છે ને, મમ્મી સમજે છે કે એ અઘોરી તાંત્રિક જુઠ્ઠો છે, પાખંડી છે, લોકોને ભરમાવી લુંટવાનો તેનો ધંધો છે” આભાએ મારેલાં શબ્દોના ચાબખા મુકેશભાઇની આત્માને ઉઝરડી ગયા પણ મગજ પર તેમનો કાબું ન્હોતો. પપ્પા, મમ્મીની ખાતરી માટે તમે પણ એક પ્રોમીસ આપો કે જો તાંત્રિક જુઠ્ઠો સાબિત થશે તો તમે અમારી એક વાત માનશો… અને અમારા સંતોષ ખાતર પણ તમે એક વાર ડોકટર પાસે આવશો અને ઈલાજ કરાવશો” મુકેશભાઈએ આભાની વાત સ્વીકારી.
પુનમની રાતે મુકેશભાઈ, ગીતાબેન અને આભા તાંત્રિકના સ્થાનકે ગયા. નાની એવી ઓરડીમાં તાંત્રિક બધી તૈયારી કરીને બેઠો હતો. વચ્ચો વચ હવનનો કુંડ, લીંબું, હળદર, કંકુ જેવી ટોટકા સામગ્રીઓ પાથરી કામલોલુપ આંખોથી આભાને જોઈ રહ્યો હતો.

આછા અંધકારમાં અઘોરીએ કહ્યું,”મુકેશ આ છોકરીને સામે ખાટલા સાથે બાંધીને તું બહાર નીકળી જા. તે ગમે તેટલી બૂમો પાડે, રડે, કરગરે પણ તમારામાંથી કોઈ અંદર ન આવવું જોઈએ નહિ તો વિધિ અપવિત્ર થઈ જશે અને આ જીનની છાયા બહાર નહિ નીકળે.”

“ભલે બાબા” કહી મુકેશભાઈ આભાને ખાટલા સાથે બાંધવા તૈયાર થયા. ગીતાબેન રડી રહ્યા છે.

ત્યાં માંને શાંત પાડતી આભા બોલી “તું શું કામ રડે છે માં… ચૂપ થઈ જા… માં..! પપ્પા મને કંઈજ નહિ થવા દે, ખબર છે એકવાર મારાં મામાને ત્યાં રોકાવા ગઈતી તો પણ પપ્પા મને સાંજે પાછી લઈ ગયા હતા અને કહેતા હતા હું મારા ભઈબંધને એક પણ દિવસ મારાથી દૂર નહિ રહેવા દઉં… મારા વગર મારા ભાઇબંધનું ધ્યાન કોણ રાખે?”આ તો પપ્પા આ અઘોરીને ભગવાન માને છે ને જે મારા પપ્પાની ભાગ્યની રેખાઓ બદલવા બેઠો છે. જેના ભરોસે મારા પપ્પા ઈશ્વરના લખેલાં લેખનાં માથે મેખમારવા નીકળ્યા છે એના ભરોસે તો પોતાના ભાઇબંધને તો છોડી જ શકે ને?? કેમ પપ્પા બરાબરને…”
આભાના શબ્દોએ મુકેશભાઇના હ્રદયનાં તાર ખેંચી નાખ્યા તેમના હાથ ધ્રુજવા લાગ્યા. બાંધતા બાંધતા તેમની આંખો જે એકધારી આભા સામે જોતી હતી તે જાણે શરમના ભારથી ઝૂકી પડી. દિકરીના પ્રેમની શ્રધ્ધા અને એક જીંદગીથી હારેલા વ્યક્તિની અંધશ્રધ્ધા વચ્ચે ઘમાસાણ યુધ્ધ શરુ થયુ. મુકેશભાઈની આંખો સામે પોતાની વહાલસોયી દિકરીનાં જન્મ સમયે થયેલી અપાર ખુશીની ક્ષણથી લઈને દિકરી સાથે વિતાવેલ દરેક પ્રેમાળ ક્ષણ એ મજાક મસ્તી, લાડ કોડ, દિકરીની પ્રેમાળ ફૂંફ, લાગણીની ઘોડાપૂર બનીને મુકેશભાઈના રોમેરોમમાં ફરી વળ્યા. એમના મન મસ્તિષ્કમાં એક બાપ અને અઘોરીના ઈશારે થવા જઈ રહેલાં પાપ વચ્ચે ધર્મયુધ્ધ શરૂ થઈ ગયું.

નિરાશ સ્વરે આભા બોલી “અરે પપ્પા આવી ઢીલી દોરી ન બાંધો ક્યાંક આ અઘોરીથી ડરીને હું છુટી જઈશ તો? અરે ખૂબ કસીને બાંધો પપ્પા હું ઈચ્છીને પણ તેની પાસેથી છુટી ન શકુ એવી. જો બાંધવામાં કચાશ રહેશે તો કદાચ હું તમારી પાસે જ દોડી આવીશ અને તમારી બધી મહેનત પર પાણી ફરી વળશે. પપ્પા આજે મારે તમને એક વાત કરવી છે જે કેટલા સમયથી મારા મનમાં મેં વિચારી રાખી હતી. જ્યારે તમે હસમુખકાકા પાસે છેતરાયા અને તમે તમારી બધી જ મુડી ગુમાવી, ત્યારે જ મેં નક્કી કરેલું કે મનન તો હજી નાનો છે પણ હું મારા પપ્પાને રાખમાંથી બેઠા કરીશ. કોઈ દગાથી આપણી સંપત્તિ છીનવી શકેપણ આપણામાં રહેલી આવડત અને હિંમત નહિં એ વિચારે જ મેં કોમર્સ રાખ્યું કારણકે બાપ દિકરી ભેગાં મળી એક એવી પેઢીની ઈમારત બનાવીશું કે ગમે તેટલા હસમુખકાકા મળીને પણ તેની કાંકરી પણ ન ખેરવી શકે.

મજાની વાત તો એ હતી પપ્પા કે તમે તો મારા ભાઈબંધ છો ને તો વેપારમાં ભાઈ દગો દે પણ ભાઈબંધની તો જોડ જ મળવી મુશ્કેલ છે તમારી બુધ્ધિ અને મારો અભ્યાસ, તમારો અનુભવ અને મારી શીખવાની તલબ, તમારી મહેનત અને મારો સાથ આ બધું મળીને જે વેપાર, જે ધંધો આપણે કરત ને કે જોનારાની આંખો ચાર થઈ જાય પણ કંઈ નહિ પપ્પા મારા કરતાં આ અઘોરી ત્રિકાળ જ્ઞાની છે એણે મેં જોયેલા સ્વપ્ન કરતાંપણ સોનેરી ભવિષ્ય તમારું જોયું હશે.. જલ્દી કરો પપ્પા કેમ આટલી વાર લગાડો છો. હું તો એમ જ બોલ્યા કરું છું જો જો ક્યાંક મુરત ન બદલાઈ જાય. પપ્પા… ચાલો હવે જલ્દી બહાર જાવ અને મને આ અઘોરીને હવાલે કરતાં જાવ…” કહેતા કહેતા આભા રડવા લાગી.
“તમે કેમ ઉભા છો પપ્પા? જાવ જલ્દી અને હા ચિંતા ન કરતાં કારણ કે તમને પણ ખબર છે મારી શરીર શુધ્ધિ કેટલી સરસ રીતે થશે હું જરાય નહિ રડું પપ્પા… તમને બોલાવીશ પણ નહિં અને જરાય રાડો નહિ પાડુ. મારામાં જીનની છાયા છે કે નહિ તેની મને નથી ખબર પણ મારા ભાઈબંધ જેવા પપ્પા પ્રત્યેનાં અતૂટ પ્રેમનું ભૂત જરૂર મારાં પર સવાર છે.આથી રડવા-કકળવાનો તો પ્રશ્ન જ નથી.” આટલું બોલતા બોલતા આભા પોતાનું મોઢું બીજી તરફ ફેરવી ગઈ.
મુકેશભાઇ ગીતાબેન સાથે ઝડપથી બહાર નીકળી ગયાં પણ આભાના કહેલાં શબ્દો રૂવે રૂવે અગ્નિ બની પ્રજવળી ઊઠ્યા એક બાપની સુતેલી આત્મા જાણે જાગૃત થઈ અને “ મારી દિકરી તો ગંગા જેવી પવિત્ર છે, પ્રેમની પારસમણી છે, મારા હ્રદયનો ધબકાર છે, મારી ઢીંગલી છે આવી દિકરીમાંતો વહાલની છાયા હોય કોઈ જીનની નહિ. આવી નિર્દોશ દિકરીને આવા નપાવટનાં હવાલે કરી આવ્યો… હું તો બાપ છું કે શ્રાપ … ના ના હું મારી આભાને આમ ન છોડી શકુ… આમ ન છોડી શકું..” બોલતા બોલતા હતભ્રત થયેલાં મુકેશભાઈ શુરવીરને શુરાતન ચડતાં ગોધણની વહારે ચડે તેમ આભાની વહારે દોડી આવ્યા દિકરી પર નજર બગાડનાર અઘોરી પરનો ગુસ્સો જાણે લોહી બનીને આંખમાં તરવરવા લાગ્યો અને મુકેશભાઈની અંદર સુતેલો બાપ જાગ્યો. આભા તરફ આગળ વધી રહેલાં અઘોરીને જોરથી ધક્કો મારી પછાડી દીધો અને તેની ઉપર ચડી બેસી, બંને હાથેથી અંદરનો ગુસ્સો, પશ્ચાતાપ પ્રહાર બનીને અઘોરી પર વરસી પડયો. “નહિં છોડું તને ધુતારા આજે તને નહિં છોડું, મારી દિકરી પર નજર બગાડનાર પાપી.. આજે તો તુ નહિ બચે .” થોડી વારમાં તો અઘોરીને અધમુઓ કરી નાખ્યો અને પોતાની દિકરી આભાને છોડવા ગયાં.
આભા પાસે જઈને મુકેશભાઇ આભાને ભેંટીને ચોધાર આંસુએ રડી પડ્યા… “મને માફ કરી દે… ભાઈબંધ. હું બાપ મટીને આજે શેતાન બની ગયો. જો આજે તે મને ન જગાડ્યો હોત તો શું નું શું થઈ જાત દિકરા… મને માફ કરી દે..”બોલતા બોલતા મુકેશભાઈ આભાને બાંધેલી દોરી છોડી રહ્યા છે અને જાણે કેટલાય સમયથી પોતાની અંદર બંધાયેલા અંધશ્રધ્ધા, વહેમઅને કાયરતાનાં બંધનો પણ છૂટી રહ્યાં છે… જાણે દોરીથી બંધાયેલી આભા નથી છૂટી પણ છૂટી છે તો અંધશ્રધ્ધા અને તેની સાંકળમાં ભીંસાયેલો એક પરિવાર.
મિત્રો આપણી આજુબાજુમાં પણ આવા કેટલાંય મુકેશભાઈ અને અઘોરી બાબા હશે… પણ એને ક્યાંક આપણે જ તો નથી પોષતાંને!! એક વાર જરુર વિચારજો દોરાં ધાગા કરતા મહેનત અને વિશ્વાસ મોટાં છે….

લેખિકા : નિશા રાઠોડ

વાર્તા વિશે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો અને દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી