કોઈ પોતાની જાતને પત્ર લખે તો કેવો લખાય? આવો જ એક પત્ર અહીંયા મૂકી રહ્યા છીએ

પત્રતો ઘણાએ લખ્યા હશે. હંમેશા બીજાનેજ લખ્યા હશે. કોઈ દિવસ તમેં તમારી જાતને પત્ર લખવાનો પ્રયત્ન કર્યો છે? કોઈ પોતાની જાતને પત્ર લખે તો કેવો લખાય? આવોજ એક પત્ર અહીંયા મૂકી રહ્યો છું. આ પત્ર વાંચીને તમને પણ કદાચ પોતાની જાત સાથે વાતો કરવાનું મન થશે. આ પત્ર તમારા માટે એક મોટીવેશનલ સ્પીચની ગરજ સારે તેમ છે. તમેં પોતે તમારી જાત સાથે વાતો કરીને આવો જ પત્ર લખી શકો છો. જો તમને આ પત્ર પ્રેરણા દાયી લાગે તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવો.

પોતાની જાતને પત્ર,

કેમ છે, તું આજે? મજામાં છે કે રોજની જેમ મુંજાય છે? મને ખબર છે તું થાક્યો હશે પોતાનીજ લાશને ઊંચકીને ! તું થાક્યો હશે તારી જવાબદારીઓ નિભાવીને ! તારે પણ જીવવું હશે મોજમાં ! તારે પણ જીવવું હશે સ્વમાન સાથે પણ જયારે સ્વમાન અને પરીવારની ખુશીઓમાંથી પસંદગી કરવાની આવતી હશે ત્યારે તું હંમેશા તારા સ્વમાનને વેચીને આવતો હશે.મને ખબર છે તને તારા પીઠમાં તારાજ સ્નેહીઓ અને જાણીતાઓએ મારેલા ખંજરોના ઘાવ દુ:ખતા હશે. તારુંજ રક્ત તારા પરસેવા સાથે ભળીને તારા શરીર પરથી નિતરતું હશે. છતાં તું ઉભો હશે લડવા માટે, મુઠ્ઠી કચકચાવીને, તારા પરીવાર માટે. રાત્રે સુતી વખતે તને તારી આત્માના વધેલા ટુકડાઓ સમેટીને સુવાની આદત છે. જેથી સવારે ઉઠીને ફરીથી એજ ટુકડાઓને સાંધી દુનિયાને ફરીથી ચીરવા માટે આપી શકે.

જીવનમાં તમારા માટે સૌથી વધુ અગત્યની વ્યક્તિ તમે પોતેજ છો, માટે આ પત્ર મેં તને લખ્યો છે. મને ખબર છે તને પણ ડર લાગે છે હારી જવાનો. મને ખબર છે તું પણ ઈચ્છે છે કે તું બીજાની જેમ તારી આત્માને મારીને રોબોટ બની જાય જે થી તું પણ દુઃખ કે સુખ ન અનુભવી શકે. દુનિયા કે સમાજ દ્વારા થતા અન્યાયને ચુપચાપ સહન કરી શકે. તારે પણ એક યંત્ર માનવ બનવું છે પણ ભગવાને તારામાં આત્મા નામની ચીજ મુકીને ભુલ કરી. તને ક્યારેક એવું પણ લાગતું હશે કે મનેજ કેમ અલગ બનાવ્યો? હું કેમ બીજાની જેમ મારી આત્માને મારીને જીવી નથી શકતો? કદાચ તારામાંજ આ મેન્યુફેક્ચરીંગ ડીફેકટ રહી ગઈ હશે. મને ખબર છે તને આ સવાલો હેરાન કરે છે પણ તારી પાસે તેના જવાબો નથી. મારી પાસે પણ નથી !પાઓલો કોહલોએ કહ્યું છે કે,” તમારા શરીર પર રહેલા ઘાવો તમારો લડાઈઓનો અનુભવ દર્શાવે છે. જેટલા ઘાવ વધારે તેટલાજ તમે લડાઈઓ લડવામાં વધારે અનુભવી. આ ઘાવો તમારા ઘરેણા છે.” તારે પણ તારી આત્મા પરના ઘાવોને ઘરેણાંની જેમ સજાવવા રહ્યા. તારે જીવન સંઘર્ષમાં મળતા ઘાવોને ઘરેણાજ સમજવા.

મને ખબર છે તું આ બધા ઉપદેશો સાંભળીને કંટાળ્યો છે. તારો ડર આ ઉપદેશોથી દુર થતો નથી. તારી આત્મા પરના ઘાવો ખાલી વાતોથી રૂઝાતા નથી. તને વાતોથી શાંતિ મળવાની નથી. તેમ છતાં મારે તને વાત કેહવી છે. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે,”જો તમને નરકમાં ચાલતાહો તેવું લાગે તો ચાલવાનું ચાલુ રાખો.” હાં, સાચી વાત છે. વહી જશે આ સમય પણ તું ચાલવાનું ચાલુ રાખ ! આ અંધારી ગુફાના છેડે પ્રકાશ હશેજ ! તું ચાલવાનું બંધ કરીશ તો ત્યાં નહી પોંહચે.ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, “તું કર્મ કર ફળની ચિંતા ન કર.” વાત સાચી છે પણ આ બધી વાતો કેહવામાં સારી લાગે પણ અમલમાં મુકવામાં અઘરી હોય છે નહીં ! તું પણ નિરીક્ષક બનીજા તારાજ જીવનનો. મને ખબર છે અઘરું છે પણ પ્રયત્નતો કર. કદાચ પ્રયત્ન કરવાથી તને સફળતા મળે. કદાચ તું પણ તારા જીવનને વેહતા ઝરણાની જેમ નિહાળી શકે. એક એવું ઝરણું જે સતત વહ્યા કરે છે, તારી નજર સામે. તું માત્ર એક પ્રેક્ષક તરીકે તેને જોયા કરે છે. તે તારું નથી. તને માત્ર તેને નિહાળવાનોજ અધીકાર છે. તારો તેની સાથે કોઈ સંબંધ નથી. તારું કર્તવ્ય માત્ર તેને નિહાળવાનુંજ છે.

મને ખબર છે તું ઈચ્છે છે કે તું પણ બીજા જેવો બની જાય. તને પણ કોઈને છેતરતા કે કોઈનો ઉપયોગ કરતા શરમ ન થવી જોઈએ. તું પણ બીજા લોકો સાથે ભળીજાય અને તું પણ બીજા લોકો સાથે રમત રમવામાં મહારથ પ્રાપ્ત કર પણ તું જાણે છે કે એ તારાથી નહીં થાય. તારામાં રહેલી પેલી “મેન્યુફેક્ચરીંગ ડિફેકટ” તને તે નહી કરવા દે. તું બીજા લોકો જેવો નહીં બની શકે.

તો શું કરવું હવે આ તકલીફનું? આ નિરાશાનું ! ચાલ, આ સમસ્યાનું સમાધાન શોધીએ ! ચાલ, આપણે કંઈક એવું કરીએ કે આ પરિસ્થિતિ બદલાય ! ચાલ, ઉભો થા અને લડ ! ચાલ તારા ઘાવને તારા ઘરેણા સમજીને ઉભો થા. દરેક ઘાના દુઃખને ભુલીને ઉભો થા. કેમકે, તારે તારી નજરોમાં નીચું નથી પડવું. તારે લડ્યા પેહલા નથી હારવું. હાર કે જીત તારા હાથમાં ક્યાં છે! માત્ર લડવાનું તારા હાથમાં છે. બાકી રહી વાત પેલી મેન્યુફેક્ચરીંગ ડીફેક્ટનીતો એ તો ભગવાને તારા ઉપર કરેલા હસ્તાક્ષર છે. કદાચ તું તેનું મનપસંદ સર્જન હશે એટલે ! માટે ચિંતાનકર. તેનો કોઈતો પ્લાન હશેજ તારા માટે.

મને ખબર છે તારામાં તાકાત છે લડવાની. મને ખબર છે તું રસ્તો કાઢીલઈશ. કદાચ ધીરેધીરે તારી આત્માને મારવાનું પણ શીખી જઈશ પણ તું હમેશા યાદ રાખજે કે ભગવાને તારામાં, તને બીજાથી અલગ પાડવા જે મુક્યું છે તે ન ગુમાવતો. તારી પાસે આ એકજ જીંદગી છે જીવવા માટે, દુઃખી થવામાં સમય ન બગાડતો. કોઈ ઉમદા ઉદ્દેશ્ય માટે જીવજે. તારી ખુશીઓને પણ ન ભુલતો. તારી સાથે તારી ચિંતા કરવા વાળા અને તારી પરવાહ કરવા વાળા લોકોજ તને મદદ કરશે માટે બીજાની પરવાહ કર્યા વગર આગળ વધ. તારા રસ્તામાં તને મળનાર લોકોને પ્રેમ અને ખુશીઓની વહેંચણી કરતો આગળ વધ. તારા જીવનનું લક્ષ્ય તને નિશ્વાર્થ પ્રેમ આપતા લોકો ને ખુશીઓ આપવાનું હોવું જોઈએ. તે બીજા ને આપેલો પ્રેમ અને ખુશીઓજ તો તારા ગયા પછી પણ આ જગતમાં રેહશે.

અંતે તારા માટે એક સુવાક્ય, “પંખી જયારે ડાળ પર બેસે ત્યારે તેને ડાળના તુટવાનો ડર નથી હોતો. કારણ કે, તેને પોતાની બે પાંખો પર ભરોસો હોય છે.” તારી પાંખો પર વિશ્વાસ રાખીને આ જગત રૂપી આકાશમાં ઉડ તેવી ઈચ્છા સાથે…

લી.તારા દરેક સુખ દુઃખમાં તારી સાથે રહેલો માણસ.

લેખક : નરેન્દ્ર રાણા

દરરોજ આવા અનેક પત્રો અને અલગ અલગ વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી