“સંઘર્ષ” – ‘બચત બીજો ભાઇ’ સૂત્રની ગાઠ વાળી ઘરખર્ચ માંથી ચાલે એટલું ચલાવી બચત કરે. ..

વાત છે નેવુના દાયકાની, એ સમયની કે જ્યારે જીવન ખૂબ સાદા અને બિનખર્ચાળ હતા. બિન ખર્ચાળ એટલા માટે કે એ સમયમાં કુટુંબમાં સભ્યોની સંખ્યા વધુ અને આવક ઓછી રહેતી, આવું જ એક કુટુંબ એટલે રાજકોટનું કવિતાબેનનું કુટુંબ જેમાં કવિતાબેન તેમના પતિ, ત્રણ દિકરીઓ અને સૌથી નાનો એક દિકરો એમ છ જણ રહેતા હતા. ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ એટલે કવિતાબેનના પતિ રવજીભાઈ. રવજીભાઇ કડિયાકામ કરી ઘર ખર્ચ પૂરાં પાડતા, આવક ઓછી હોવા છતા દંપતિએ બાળકોને શિક્ષિત બનાવવાનો નિર્ધાર કરેલો આથી, ચારેય બાળકો શહેરની એક પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતાં હતા. સૌથી મોટી દિકરી બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

કવિતાબેન અને રવજીભાઇનો અભ્યાસ ઓછો પણ કામધંધાની આવડતમાં એક્કો. એવા કવિતાબેન કહેવા માટે સાવ અભણ પણ બાળકોને ભણાવવાના અભરખા એવા કે પોતાની પાસે બેસાડી વાચન, લેખન કરાવે એટલે પોતે પણ ઘણું બધું વાચતા લખતાં શીખી ગયા. અભણ હતાં પણ ખરીદીમાં, હિસાબમાં તો પાક્કા મુનીમ જોઇ લો, એક રુપિયો પણ આમ તેમ ન થવા દે અને થવા પણ કેમ દે ટૂંકી આવકમાં ઘણું બધું કામ પાર પાડવાની જવાબદારી કવિતાબેન પર જ તો હતી. ઘરકામ સંભાળવાની સાથે સાથે ભરતગૂંથણનાં કામ લાવી રવજીભાઇનો ટેકો બનવાની ઘણી કોશિશ કરે અને ‘બચત બીજો ભાઇ’ સૂત્રની ગાઠ વાળી ઘરખર્ચ માંથી ચાલે એટલું ચલાવી બચત કરે. બાળકોના ભણતર સાથે ત્રણ દિકરીઓ પરણાવવાની ઊપાધિ પણ દૂર ન હતી.

રવજીભાઇ પણ રાત દિવસ જોયા વગર માત્ર ને માત્ર ઈમાનદારીથી પોતાની જવાબદારીઓ નિભાવ્યે જતા હતાં. ખુબ નાની ઉંમરમાં જ રવજીભાઈના માથે કુટુંબની નિર્વાહની જવાબદારી આવી પડેલી કાળી મજૂરી કરતાં પિતાને જ્યારથી ટી.બી.નો અસાધ્ય રોગ (ત્યાર ના જમાનામાં) લાગુ પડ્યો. રવજીભાઇને સાતમાં ધોરણનો અભ્યાસ પડતો મૂકીને હાથમાં પાવડાં-થાપી આવી ગયાં. પિતાની બીમારી સાથે ત્રણ બહેનો અને બે ભાઈનાં ભરણપોષણની જવાબદારીને બોજને બદલે ઈશ્વરનું ઈનામ સમજી સહર્ષ સ્વીકારી અને સખત મહેનતને જીંદગીનો પર્યાય બનાવી દીધો. બાપ-દાદાની કોઈ ખેતી, જમીન કે ગરાસ તો હતા નહિ, હતાં તો ફક્ત પથ્થર તોડીને પણ પાણી કાઢે એવા મજબૂત બે હાથ, જે તેમની મહામૂલી મૂડી હતી. થોડાં વયસ્ક થતાં રવજીભાઈના હાથમાં કવિતાબેનનો હાથ મળ્યો અને પહેલેથી ગરીબીમાં સપડાયેલાં પોતાના સાસરીની દશાથી વાકેફ થઈ ગયેલાં કવિતાબેને મહેનત અને કડકસરને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો.

પરણ્યાના બે વર્ષે એમને ત્યાં તેમની સૌથી મોટી દિકરીનો જન્મ થયો અને સાથે સાથે રવજીભાઈ કમાણી માટે પરદેશ ગયા કયારેક બે કયારેક ત્રણ વર્ષે આવતા. દુબઈની કમાણી માંથી પૈસા મોકલી મોકલીને ત્રણ બહેનોના લગ્નની જવાબદારી પૂરી કરી પણ તેની સાથે સાથે જીવનનાં અમૂલ્ય દસ વર્ષ ખર્ચાઈ ગયા. પરત આવીને ત્રણ દિકરી એક નાનો ભાઇ અને પત્નિ સાથે શહેરની વાટ પકડી. પડોશમાં મળેલ કામના અનુભવનાં આધારે પોતાના મકાન બનાવી વેચવાનો ધંધો શરુ કર્યો.

પરદેશની કમાણીની બચતમાથી ધંધો શરુ કર્યો. સાથે સાથે નાના ભાઇઓને પણ કામ શીખવતા ગયા અને એમને પણ પરણાવી પોતાની વધુ એક જવાબદારી પુરી કરી. એક મકાન બનાવી વેચે તેના નફામાંથી ઘર ખર્ચ અને સાથે બીજી જમીન રાખી મકાન બનાવવાનું શરુ કરે. આમ,હરિ તેમનું ગાડું હાકતાં હતા. સાથે સાથે ઈશ્વરે ત્રણેય બહેનોનાં લગ્નમાં જવતલ હોમવા વાળો ‘ભાઈ’ પણ આપી દીધો. ઇશ્વરની કૃપાથી મળેલ હોવાથી ત્રણેય બહેનોએ ભાઈનું નામ ‘આશીષ’ પાડ્યું.
આશીષ પાંચ વર્ષનો થયો હશે, છ વ્યક્તિનું કુટુંબ જાણે સુંદર પંખીનો માળો, બધાં અરસ પરસ એકબીજાની જરુરતોનો ખ્યાલ રાખી કવિતાબેનની શીખામણ અનુસાર ખૂબ જ કરકસરભર્યું જીવન જીવતા, પકડીને લખી શકાય એવડી થાય ત્યાં સુધી પેન્સિલ અને પગ ન દાજે એટલા ઘસાય ત્યાં સુધી ચપ્પલ ઘસીને વાપરતા જેથી બે પૈસા બચે તો કામ લાગે.

ઈશ્વરની કૃપાથી ચારેય બાળકોના અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા અને હવે રવજીભાઇને પોતાના બાળકોની જવાબદારી જ નિભાવવાની બાકી છે એ વિચારે હૈયે ધરપત થતી.પણ કાળનું કરવું જીવનમાં જેમ તડકા છયાં હોય તેમ જાણે છાયો છૂપયો અને કસોટીના તડકાં ફરી તપ્યાં પણ આ વખતે તાપ સહન કરવાનો વારો કવિતાબેનનો હતો. રવજીભાઈ દિકરા સાથે સ્કૂટર પર ગુરુપૂનમના તહેવારની ઊજવણી કરવા ગયા અને વળતી વખતે રસ્તામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં આશીષ તો આબાદ બચી ગયો પણ રવજીભાઈના પગમાં ગંભીર ઈજા થઈ.

આ સમાચાર કવિતાબેનને મળ્યાં હાફળા ફાફળા તેઓ દવાખાને ગયા, પરિસ્થિતિની ગંભીરતા જોઈ ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી. સાથે સાથે દવાખાનામાં ત્રણ મહિનાની સારવાર લેવી પડશે અને એક વર્ષ જેટલો આરામ કરવો પડશે. ભારે કામ થશે નહિ, ઘોડીના ટેકે ચાલવું પડશે. કવિતાબેન પડી ભાંગ્યા. બચતમાંથી દવાખાનાનો ખર્ચ તો નીકળી જશે પણ એક વર્ષ સુધી આ છ-છ પેટનો ખાડો કેમ પૂરવો. તેવામાં દીકરાના અક્સ્માતના સમાચાર સાંભળી સાસુ-સસરા પણ ગામડેથી આવી ગયા. દવાખાનામાં રાત-દિવસ જોયા વગર જ કવિતાબેન રવજીભાઈ નો સહારો બની ઊભા રહ્યાં. સગાસંબંધીઓની લેવા મૂકવાની મદદ અને દિકરાથી પણ વિશેષ એવી મોટી દિકરીએ ઘરની બધી જ જવાબદારી સંભાળી લીધી. દવા, દારુ, ટીફીન, ઘરકામ, મહેમાન સંભાળવા જેવી દરેક જવાબદારી મા-દિકરીઓ મળીને સંભાળવા લાગી. ચિંતા હતી તો માત્ર એક જ કે ગુજરાન કેમ ચલાવવું. નાનો આશિષ આ બધું જ જોઈ રહ્યો હતો અને પપ્પાના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરતો હતો. ઘણાં સગા સંબંધીઓ સલાહ આપી ગયા કે હવે દિકરીઓના ભણતરનો ખર્ચ ન કરો તો ચાલે ! આશીષને ભણાવો. છોકરીઓને ઊઠાડી કોઈ કામે લગાડી દો ! પણ ભણતરનું મૂલ્ય આ સમયે કવિતાબેનથી વિશેષ કોને સમજાય કે જેઓ અત્યારે નોકરીની કે કામની જરુરિયાત અનુભવી રહ્યા હતાં.

તેવામાં એક દિવસ તેમના એક દૂરના દિયર સુરતથી ખબર કાઢવા આવ્યા અને સાથે એક આશાનું કિરણ લાવ્યાં. તેમણે સલાહ આપી કે, “ ભાભી, સારી સારી વાતો બધા કરશે પણ કોઈ પૈસે ટકે મદદ નહિં કરે અને આ સમયે તમારે મક્કમ થયે જ છૂટકો ! ભાઈ સારા ન થાય ત્યાં સુધી તમે ઘરબેઠા સાડીનો વેપાર ચાલુ કરો ને. હું મારી સાથે પંદર સાડી લાવ્યો છું જો વેપાર ચાલશે તો બે પૈસાની આવક થાશે. કવિતાબેનના મગજમાં વાત ઊતરી ગઈ. સાડી વેચવાનો નિર્ણય રવજીભાઈને જણાવ્યો. તેમણે થોડી આનાકાની કરી પણ આખરે માની ગયા. પોતે સાજા ન થાય ત્યાં સુધી ઘર રોળવવાની તમામ જવાબદારી કવિતાબેનને સોંપી. આમ પણ, “ કહેવા કરતા કરવું સારુ અને માંગવા કરતાં મરવું સારુ.” એ આ દંપતિનો જાવનમંત્ર હતો. જેને અનુસરતાં પંદર સાડી સાથે તેમણે વેપારની શરુઆત કરી અને સાથે શરુ થયો એક સ્ત્રીનો પોતાના બાળકો માટે જીવન સાથેનો સંઘર્ષ.

પોતાના સગાવ્હાલામાં વાત વહેતી કરી કે તેઓ સાડી વેચે છે. આંખની ઓળખાણ વાળા સ્વજનોના ઘરે પણ કવિતાબેન સાડીના થેલા લઈને પહોંચી જતાં.

પાંચ વાગ્યે ઊઠી ઘરના કામ પતાવવા, રવજીભાઈની દૈનિક ક્રિયાઓ પતાવવી, છોકરાઓને નિશાળ માટે તૈયાર કરવાનાં, સઘળાં કામ પતાવી એક થેલો માથા પર અને એક એક થેલો બંને ખભે ઉંચકી નીકળી પડતાં પોતાના કિસ્મતનાં રસ્તાં પર. બસ-રીક્ષામાં જાય તો નફા કરતાં નુકસાન વેઠવું પડે આથી ચાલતા ચાલતા જ એક ઘરેથી બીજા ઘરે અને એક સોસાયટી માથી બીજી સોસાયટીમાં ફરતાં. પગ થાકે પણ હિંમત નહિ એક વાગે ઘરે પાછા આવે થાક ખાય ન ખાય જમીને પંદર મિનીટનો આરામ અને ફરીથી અઢી ત્રણ વાગે એ જ ત્રણ સાડીના પસ્તાના લઈને અન્ય કોઈ સોસાયટીમાં અન્ય કોઈ સગાને ત્યાં નીકળી જતા. વેપારની આવડત જાણે ગળથૂથીમાં આવી હોય તેમ પોતાના જેવી સાદી સરળ ગૃહિણીઓને હપ્તાથી સાડીઓ વેચી વેપાર વિસતાર્યો. શિયાળાની ઠંડી હોય કે ઊનાળાની બળબળતી બપોર, ટાઢ, તાપ, તડકો કે વરસતો વરસાદ, સુરજ કદાચ ઊગવાનું ભુલે પણ કવિતાબેન થેલા લઈને નીકળવાનું ન ચૂકે.

પતિની દવાઓના ખર્ચા, બાળકોના ભણતરનાં ખર્ચા, સાથે આવેલા સસરાની દવા, વહેવારના ખર્ચા એ બધા કરતા પણ આગળ દેખાતા દિકરીના લગ્નના ખર્ચની ચિંતા ઈચ્છીને પણ કવિતાબેન પોતાના કામમાંથી રજા લઈ ન શકતા. સાડી વેચવા ન જવાનું હોય તો નજીક કે દૂર જ્યાં જ્યાં માલ વેચતા ત્યાં હપ્તા લેવા જવાના, ઘરનું શાકભાજી, અનાજ-કરિયાણું સસ્તું મળતું હોય ત્યાથી લાવે અને એ પણ ચાલતાં ચાલતાં જ. આમ ને આમ એક વર્ષ વીતી ગયું, કવિતાબેને ખૂબ જ સારી રીતે ઘર ખર્ચા કાઢયાં. હવે રવજીભાઈ સાજાં થઈ ગયા હતા અને તેમણે ફરીથી પોતાનો ધંધો શરુ કર્યો.

પરિવારે કવિતાબેનને આ બોજમાંથી મુક્ત થવા કહ્યું પણ કવિતાબેને રવજીભાઈને સમજાવ્યાં કે એક થી બે ભલા હજી આપણે ઘણાં ખર્ચા બાકી છે. છોકરાવને ભણાવવા છે, ત્રણ ત્રણ દિકરી વળાવવી છે અને પરણાવ્યા પછીના ખર્ચા પણ શું ઓછા હશે ! દિકરો એક જ છે, એકલો કેટલા ખર્ચાઓને પહોંચશે ? આથી બંનેની કમાણીમાંથી થોડી ઘણી બચત મૂડી આશીષના હાથ રહેશે તો એને જીવનમાં કામ આવશે. આવા ભવિષ્યના વિચારો જણાવી કવિતાબેને પોતાનો વેપાર ચાલુ રાખ્યો.

આ વેપાર કરતા કરતા પંદર વર્ષ વીતી ગયા, મોટી દિકરી ગ્રેજ્યુએટ થઈ, તેને પરણાવી, વચલી દિકરીએ પી.ટી.સી. પૂર્ણ કરી સરકારી નોકરી મેળવી. તેના પણ લગ્ન કર્યા. ત્રીજી દિકરી કમ્પ્યૂટર એન્જીનિયર બની તે પણ સાસરે સુખી છે. આશીષનો એમ.બી.એ. નો અભ્યાસ પૂર્ણ થવાનો છે. બધી જ જવાબદારી નિભાવતા નિભાવતા બચત કરતાં કરતાં કવિતાબેન આજે પણ એમ જ ત્રણ થેલા લઈને સાડી વેચવા જાય છે.
પંદર વર્ષના સમયમાં જીંદગીનાં ઘણાં જ ઉતાર ચઢાવ જોયેલા કવિતાબેને પોતે કદી સારું ખાધું નહિ. બધાને સુંદર સાડી વહેચતા કવિતાબેન પોતે કદી મોંઘા કપડા પહેરાતા નહિ. આખરે શરીર થાકે તો ખરું ને કવિતાબેનને અસાધ્ય ડાયાબિટીશ અને પ્રેશરનો રોગ લાગુ પડયો. હાલતા બીમાર પડી જાય પણ છતાં હજી આશીષનાં સોનેરી ભવિષ્ય માટે લડવા તૈયાર હતાં.

રક્ષાબંધનનો દિવસ હતો, ત્રણેય બહેનો આશીષને રાખડી બાંધવા આવી હતી, ખુશી ખુશી દિવસ પસાર થયો. બીજા દિવસે કવિતાબેન સાડીના થેલા લઈને નીકળવાની તૈયારી કરે છે ત્યાં આશીષ મમ્મીનો હાથ પકડી થેલા ઊતારવા લાગ્યો અને ખુબ આદર અને લાગણી સાથે કહે છે, “ મમ્મી તમે તમારા જીવનનો સંઘર્ષ કરી લીધો, તમારી લડાઈ તમે લડી લીધી, આ જવાબદારી, ભરણપોષણ, અને વહેવારના જેટલા પોટલા હતાં તમે ઉપાડી લીધા. હવે એ ઉપડવાનો મારો વારો છે. ખૂબ જ નાનપણથી મે તમને અને પપ્પાને જીવનમાં જવાબદારી અને ભરણપોષણના આટાપટામાં જ અટવાયેલા જોયા છે અમારી ચિંતામાં તમે તમારી આખી જીંદગી જીવવાનું જ ભૂલી ગયાં. મને ભણાવવામાં બધું જ ભૂલી ગયા મમ્મી .. પ્લીઝ …!!! મારો ભરોશો કરો, આ બધો જ ભાર હવે મને આપી દો. મારા કેમ્પસ ઈન્ટરવ્યૂમાં મને ખૂબ જ સરસ નોકરીની ઓફર મળી ગઈ છે જે મે સ્વીકારી લીધી છે. હવે તમે અને પપ્પા નિવૃત્ત છો અને હું જીંદગીમાં પ્રવૃત્ત છું, તમારા જેટલો તો નહિ પણ મને મારા જીવનનો સંઘર્ષ તો કરવા જ દો !”

લેખિકા : નિશા રાઠોડ

દરરોજ લાગણીસભર વાર્તા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી