બોધપાઠ – પહેલા એ જ લગ્ન માટે હતી ઉતાવળી તો હવે કેમ એ લગ્નની વાત એ બદલી નાખતી હતી…

“બોધપાઠ”

તે દિવસે ધવલ સવારમાં વહેલો ઉઠી ગયો. તેને દુકાને જવાનું ન હતું પણ એક ખાસ કામ માટે તે વહેલો ઉઠ્યો હતો. તે થોડીવાર ઘરના બારણાં પાસે ઉભો રહ્યો. તેને જેની રાહ હતી તે થોડીવાર પછી હાથમાં બરણી લઈને શેરીમાંથી નીકળી. ધવલના ચહેરા પર ચમક આવી ગઈ. બન્નેની નજર એક ક્ષણ માટે મળી. પેલી નજર જુકાવીને શરમાઈ.

ધવલ ઝડપથી ઘરમાં દાખલ થયો અને મા પાસે પહોંચી ગયો.

“મા !લાવ આજે હું દૂધ લઈ આવું.” તે બોલ્યો.

“અરે વાહ ! આજે તો મારા ભાગ્ય ઉઘડી ગયા.” મા ખુશ થતા બોલી અને બરણી ધવલને પકડાવી.

ધવલ ઝડપથી ચંપલ પહેરીને દરવાજા બહાર નીકળી ગયો. તે પેલી છોકરીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ડેરી થોડી જ દૂર હતી એટલે તેને વધુ સમય મળવાનો નહોતો. ઘણા દિવસથી તે આ છોકરીને દરવાજે ઉભાઉભા જોઈ રહ્યો હતો. છોકરી બે શેરી આગળ રહેતી હતી. એક દિવસ તે દરવાજે ઉભાઉભા બ્રશ કરી રહ્યો હતો ત્યારે પહેલી વાર તેણે તે છોકરીને જોઈ હતી. છોકરી તેને પહેલી નજરે જ ગમી ગયેલી. પછી તેણે રોજ સવારે ક્રિકેટ રમવા જવાને બદલે છોકરી પાછળ ફિલ્ડિંગ ભરવાનો નિર્ણય લીધો.
થોડા દિવસના એકબીજા સામે થયેલા ઈશારા પછી ધવલે આગળ વધવાનું વિચારી લીધું.

ધવલ ઝડપ વધારી છોકરીની આગળ નીકળી ગયો. તે ડેરીએવહેલાપહોંચીને કેટલી ભીડ છે તે જોવા માંગતો હતો. ડેરી પર કોઈ જ નહોતું. તેણે બરણી ડેરીવાળાને આપી દીધી. છોકરી પણ ત્યાં સુધીમાં પહોંચી ગઈ.

“કેમ આજે મોડા?” ધવલ હસીને બોલ્યો.

“બસ…” છોકરી પણ જવાબમાં હસી.

“એટલે બસ મોડી મળી?” ધવલે મજાક કરી.

છોકરી ફરી હસી. ધવલને પોતાનું કામ બનતું લાગ્યું.

“શું નામ છે તમારું?” ધવલે અંતે હિંમત કરી જ લીધી.

“દિશા.” છોકરી બોલી.

“સરસ નામ છે. તું દરરોજ સવારે દૂધ લેવા આવે છે?” ધવલે શિષ્ટાચાર પડતો મુક્યો.

“હા અને તું?” દિશાએ પણ પૂછી લીધું.
“હું તો આજે જ તારા માટે આવ્યો પણ હવેથી દરરોજ આવીશ.” ધવલ બોલ્યો.

બન્ને વચ્ચે ફરી તારામૈત્રક રચાયું. એ આંખોની ભાષા હતી જે એકબીજાને કહી રહી હતી કે ‘તું મને પસંદ છે.’

પછી તો ધવલનો રોજિંદો ક્રમ બદલાઈ ગયો. દૂધનીડેરીએ ક્રિકેટનું સ્થાન લીધું. બન્ને યુવાન હૈયા પછી તો દરરોજ મળવા લાગ્યા. ધવલ અને દિશા એક નાના શહેરમાં રહેતા એટલે બન્ને માટે દૂધની ડેરી જ એકમાત્ર મળવાનું સ્થળ હતું. બન્નેને કોઈ વાતો કરતા જોઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડતું. આ રીતે બન્ને વચ્ચે ધીરે ધીરે પ્રેમ પાંગરવા લાગ્યો.

ધવલે પૈસા બચાવીને દિશાને નવો મોબાઈલ પણ લઇ દીધો. એ મોબાઈલ દિશા ઘરમાં સંતાઈને વાપરતી. તેના ઘરમાં તેને મોબાઈલ રાખવાની મનાઈ હતી. સવારે મળ્યા પછી બન્ને આખો દિવસ ચેટ કરતા રહેતા.

આમ કરતા છ મહિના વીતી ગયા. દિશા ધવલને લગ્ન માટે મનાવવા લાગી. ધવલ લગ્ન માટે તૈયાર હતો પણ એક તકલીફ હતી. ધવલની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. તેનો ધંધો ભાડાની દુકાનમાં ચાલતો. તે પોતે એકમાત્ર સંતાન હતો.

ધવલ દુકાન ખરીદવા માટે પૈસા પણ ભેગા કરી રહ્યો હતો. તેણે બેંકમાં એક ફિક્સ ડિપોઝિટ પણ બનાવેલી હતી. એ સિવાય તે પોતે જો ગામ છોડીને ભાગી જાય તો તેના માબાપની શું હાલત થાય. આ બધી જ સમસ્યાઓ છતાં તે દિશાને ગુમાવવા નહોતો માંગતો. તેના મિત્રો તેને દિશાને છોડી દેવાની વાતો કરી રહ્યા હતા જ્યારે દિશા તેને ભાગી જવા સમજાવી રહી હતી.
ઘણા દિવસના મનોમંથન બાદ અંતે તેણે દિશા સાથે ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. એક દિવસ જઈને તે ફિક્સડીપોઝીટના પૈસા પણ ઉપાડી આવ્યો. તેણે દિશાને મેસેજ પણ કરી દીધો. એ પહેલા તો રાજી થઇ. ધીરે ધીરે તેણે ભાગી જવાની તૈયારી શરૂ કરી. કોર્ટમાં લગ્ન માટે અરજી કરવા માટે જરૂરી પુરાવા પણ મંગાવ્યા. થોડી આનાકાની પછી દિશાએ દૂધની ડેરીની મુલાકાત વખતે તેને પુરાવા આપ્યા.

ધવલે એક દોસ્ત સાથે દિશા જ્યારે બહારગામ જાય ત્યારે ત્યાંથી તેને ભગાડી જવાનું પણ વિચારી લીધું હતું. દિશાને આખો વિચાર પસંદ ન આવ્યો અને આ રીતે તેણે ધવલના પ્લાન પર પાણી ફેરવી દીધું.

ધવલે ફરી બીજો પ્લાન બનાવ્યો. આ વખતે દિશાને કોઈ બહેનપણીને ત્યાં બોલાવીને ત્યાંથી ભગાડી જવાનું નક્કી કર્યું. ધવલે તારીખ નક્કી કરવાનું દિશાને કહ્યું. દિશાએ એક અઠવાડિયા પછી નક્કી કરીશું એમ કહ્યું. એક અઠવાડિયા પછી ફરી ધવલે દિશાને તારીખ માટે પૂછ્યું. ફરી થોડા દિવસ થોભી જવાનો મેસેજ આવ્યો. ધવલ હવે ઉતાવળો થયો હતો. તેણે બેંકમાંથી ઉપાડેલા પૈસા ઘરમાં સંતાડવા અઘરા પડી રહ્યા હતા. તેમ છતાં તે દિશાની રાહ જોવા તૈયાર હતો.

આ દરમ્યાન દિશાનો જન્મદિવસ આવતા તેણે પોતાના બચાવેલા પૈસા માંથી એક ભેટ પણ ખરીદી આપી. દિશા ખુશ હતી. ધવલે ફરી થોડા દિવસ ભાગીને લગ્ન કરવાનું યાદ ન કર્યું. આ દરમ્યાન બન્નેનીધવલના આપેલા ફોન પર રાત્રે વાતો ચાલુ જ હતી. પંદરેક દિવસ પછી ધવલે ફરી ભાગીને લગ્ન કરવાની વાત યાદ કરાવી. દિશા દ્વારા અત્યારે ઘરે મહેમાન હોવાથી શક્ય ન હોવાનો મેસેજ આવ્યો. ધવલ કમને માની ગયો.એક દિવસ ધવલને એક મિત્રના લગ્નમાં નજીકના ગામ જવાનું થયું. એ ગામ આશરે પાંચેક કિલોમીટર દૂર હતું. ધવલે મોટરસાઇકલ લઈને જવાનું નક્કી કર્યું. તે જ્યારે સાંજના સમયે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તા પર એક ગાડી ઉભેલી જોઈ. એ ગાડીનાપાછળના ટાયરમાં પંચર હતું. તેને ગાડીમાં કોઈ બેઠેલું હોય તેમ લાગ્યું. તેને આશ્ચર્ય થયું કે હવા ન હોવા છતાં કોઈ ગાડીમાં શા માટે બેઠું રહે. ‘કદાચ ગાડીવાળાને ખ્યાલ નહીં હોય કે પંચર છે.’ એમ વિચારીને તેને ગાડીવાળાને જાણ કરવાનું મન બનાવ્યું.

ધવલે ડ્રાઇવર સીટનાબારણાં પાસે જઈને કાંચ પર ટકોરામાર્યા. થોડી મિનિટો પછી બારીનો કાંચ ખુલ્યો. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલાયુવાનનાચહેરા પર ગુસ્સો હતો. તેની બાજુમાં બેઠેલી યુવતીને જોઈને ધવલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દિશા હતી. દિશા પોતાના કપડાં સરખા કરી રહી હતી. ધવલને ગુસ્સો આવ્યો પણ તે એક શબ્દ પણ ન બોલ્યો. તે પેલા યુવાનને પણ ઓળખી ગયો તે યુવાન તેની જ શેરીમાં રહેતો હતો. યુવાન પરણેલો હતો.

યુવાનનાચહેરા પરથી ગુસ્સાના ભાવ ધવલને ઓળખ્યા પછી ગાયબ થઇ ગયા. તે ચૂપચાપ ગાડીમાંથી ઉતરીને ટાયર બદલવા લાગ્યો. ધવલે એક છેલ્લી નજર દિશા તરફ કરી. દિશાનાચહેરા પર શરમના ભાવ ન હતા. તે બીજી તરફ જોઈને ચુપચાપ બેઠી હતી. ધવલ ત્યાંથી નીકળી ગયો. આજે જિંદગીએ તેને એક બહુ મોટો બોધપાઠ શીખવ્યો હતો.

લેખક : નરેન્દ્ર રાણા

દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર, તો તમે પણ લાઇક કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો આપણું પેજ લાઇક કરવા માટે..

ટીપ્પણી