નોકરી એટલે માત્ર આર્થિક જરૂરિયાત જ નહી, પતિને પોતાની ઈચ્છા સમજાવતો એક સમજદારી ભર્યો પત્ર…

ડીઅર બિહાગ,

આજે આપણા લગ્નને ૬ મહિના પુરા થયા. મને મારા ઘરે આવ્યાને આજે ૬ મહિના પુરા થયા. મને તમારી જિંદગીમાં આવ્યાને આજે ૬ મહિના પુરા થયા. આ સમય મારી માટે તો ખુબજ નવો અને સારો રહ્યો.. હું ખુબજ ખુશ છું તમારી સાથે આ ઘરના સાથે અને તમને જોઈને લાગે છે કે તમે પણ આપણા સંબંધથી ખુશ છો… બસ ભગવાનને એવી પ્રાથના કે એકબીજા પ્રત્યેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો રહે અને હસી ખુશીથી વર્ષો ના વર્ષો સંગાથે વીતે… બિહાગ હું જાણું છું કે તમે મને ખુબજ પ્રેમ કરો છો મારું અને મારી જરુરીયાતોનું ધ્યાન પણ ખુબજ રાખો છો.. આખા ઘરના પણ મને ખુબ સારી રીતે સાચવે છે… મારા મનમાં કોઈ માટે કોઇજ ફરિયાદ નથી પણ મારે મારા મનની એક વાત કહેવી છે તમને પ્લીઝ તમે એની કોઈ ગેરસમજણ નહી કરતા તમને કદાચ યોગ્ય ના લાગે તો પણ એને સમજવાની કોશિષ કરજો..


બિહાગ આપણા લગ્નને ૩ મહિના પુરા થયા ત્યાં સુધી મેં ઘરની રીતભાત, ઘરની રહેણી-કેહણી, ઘરના લોકોને ઘણા અંશે સમજી લીધા, આ ઘરમાં હું તમારા બધા મુજબ સેટ થઈ ગઈ મને લાગ્યું કે હવે મને આ ઘર મેનેજ કરવામાં વાંધો નહી આવે એટલે મેં ઘરમાં મારી જોબ શરુ કરવાની વાત કરી પણ કોઈએ કંઈ જવાબ ના આપ્યો થોડા દિવસો બાદ મેં ફરી મમ્મી ને વાત કરી કે “મમ્મી હવે ઘરના કામમાં મને ક્યાંય તકલીફ નથી પડતી મારાથી બધું સારી રીતે મેનેજ થઈ રહ્યું છે તો હવે હું મારી જોબ શરુ કરી દઉં?”


અને મમ્મીજી એ કોઈ જવાબ ના આપતા બીજી વાતમાં વાત વાળી લીધી.. મને કંઈ સમજાયું નહી. ગઈકાલે રાત્રે મેં ઘરમાં મારા એક MNC કંપનીના ઇન્ટરવ્યું માટે જવાની વાત કરી ત્યારે પપ્પા એ સાફ શબ્દોમાં કહી દીધું કે “આપણે ક્યાં પૈસાની કમી છે કે વહુએ કમાવા જવું પડે.. આપણી વહુએ ક્યાંય ઇન્ટરવ્યું આપવા જવાની જરૂર નથી આપણે ઘર શાંતિથી સારી રીતે સચવાય એટલે બસ… બિહાગ સારું એવું કમાય છે ઘર પણ વર્ષોથી પૈસે-ટકે સધ્ધર છે આપણે ક્યાં બૈરાની આવક્ની જરૂર છે? તમે તારે વહુને કહો કે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એતો બસ ખાય પીવે ને લહેરથી રહે”


બિહાગ છોકરી ભણેલી-ગણેલી હોય તો ઘર અને વર સારા મળે એવું હું વિચારતી હોતને તો સામાન્ય કોલેજ કરી ને આરામથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ શકી હોત.. મેથ્સ અને સાયન્સ જેવા વિષયો સમજવા ઉજાગરા કરી એન્જીનીયર ના બની હોત. અને વાત રહી લહેરથી રહેવાની તો સવારે આરામથી ઉઠી ઘરનું કામ અને રશોઈ પતાવી બપોરે સુઈ જવાનું, ટીવી શો જોવા, બપોરે પાર્ટીઓ કરવી, પતિના પૈસે શોપિંગ કરવી, મારી જરૂરિયાતો માટે વારંવાર તમારી પાસે પૈસા માંગવા, એવી લાઇફ મને ગમતી નથી અને મારે જીવવી પણ નથી.


બિહાગ આજે મમ્મી-પપ્પા સાથે કોઈ તમારા વિષે વાત કરે કે કંઈ પૂછે તો “મારો દીકરો સીએ છે મોટી પ્રતિષ્ઠિત કંપનીનો HOD છે એવું કહેતા એમની છાતી ગર્વથી ગદગદ ફૂલી જાય છે તમારી ઉજ્જવળ કારકિર્દી નો સંતોષ એમના મોંઠા પરથી વર્તાય છે પોતાના દીકરાના ૬ આંકડામાં આવતા પગાર પર એમને ખુબ માન છે..” બિહાગ હું પણ ખુબ મહેનતે ભણી છું મારામાં પણ તમારા જેટલું ટેલેન્ટ છે હું પણ ૬ આંકડામાં કમાઈ શકું છું મારે પણ મારા મમ્મી-પપ્પાના ચહેરા પર મારી માટે ગર્વ જોવો છે જયારે મારી વાત થાય તો એમની છાતી પણ ગદગદ ફૂલે, મારી કારકિર્દી ને લઈને એમણે પણ ઘણા સપના વાવ્યા છે એમની આંખોમાં હું એમને નિરાશ કરવા નથી માંગતી.


મારી એક્ઝામ વખતે મારી મમ્મીએ મારી સાથે કેટલીયે રાતોના ઉજાગરા કર્યા છે. સારી કોલેજમાં મારું એડમિશન કરાવા મારા પપ્પાએ ઘણા ધક્કા ખાધા છે. પપ્પાએ ગમે તે રીતે પૈસાની સગવડ કરી મારા સેમેસ્ટરની ફી ભરી છે… મારી કારકિર્દી ઘડવા મારા મમ્મી-પપ્પાએ એમના જીવનમાં ઘણા મોજ-શોખનો ભોગ આપ્યો છે. હું મારા પગભર થઈ શકું એ માટે મને સારી રીતે કેળવવા મારી મમ્મીએ નોકરી નથી કરી… હવે હું પણ નોકરી ના કરું તો મારા ૨૩ વર્ષ પાછળ ખર્ચેલા એના જીવન ના ૨૩ વર્ષ વેડફાઈ જશે. મને સારી પોસ્ટ ઉપર જોવાના એમના સપના હું કઈ રીતે તોડી શકું?


બિહાગ હું પણ જીવનમાં આગળ નીકળવા માંગું છું, મેં આજ સુધી કરેલી મારી મહેનતને પરિણામ આપવા માંગું છું મને ઘરમાં પુરાઈ રહેવું નહી ગમે હું ઘરકામ સુધી સીમિત રહેવા નથી માંગતી. હા એક વાત સ્પષ્ટ કરી દઉ કે નોકરી કરવાના બહાને ઘરનું બધું કામ અને જવાબદારી હું મમ્મીના માથે નાંખી પોતે આં બધામાંથી છુટવા માંગું છું એવું બિલકુલ નથી હું ઓફિસની સાથે સાથે મારા ઘરને પણ ખુબ સારી રીતે સાચવીશ એ મને મારી જાત પર અને મારી આવડત પર પુરો વિશ્વાસ છે. મને આ ઘરની વહુ અને તમારી પત્નીના નામે ઓળખાવાની ખુશી છે પણ મને મારી ઓળખ મારા નામથી પણ બનાવવી છે. હું મારા ખર્ચાઓ મારી જરૂરિયાતો માટે કોઈના પર નિર્ભર રહેવા નથી માંગતી. ફરી એક વાર ચોખવટ કરું છું કે આ આખી વાતમાં સ્વચ્છંદતા જેવી કોઈ વાત નથી.


હું જાણું છું કે આપણું ઘર સમાજમાં પ્રતિષ્ઠિત છે અને સાથે સાથે પૂર્વજોના સમયથી આર્થિક રીતે પણ સમૃદ્ધ છે અને આજ સુધી ઘરની કોઈ લેડીઝે નોકરી નથી કરી પણ બિહાગ આ તો પહેલાની પેઢીની વાત થઈ અને હવે ક્યાંક થી તો શરૂઆત કરવી જ પડશે ને અને મારા નોકરી કરવાથી આપણા ધરની શાખને શું નુકશાન થવાનું? હા અત્યારે મારા પૈસાની જરૂરિયાત નથી પણ આમ જોવા જઈએ તો સીધી કે આડકતરી રીતે આપણા ઘરની સ્મુદ્ધતામાં વધારો જ થશે ને.. મારી પ્રગતીની સાથે સાથે આપણા ઘરનું મન સન્માન પણ વધશે જ ને… હું જે દીવો પ્રગટાવીશ એનું આજ્વાળું આપણા જ આંગણામાં પડશે ને .


હું તમારી જીવનસાથી બનીને આવી છું અને જીવનસાથી એટલે દરેક પરિસ્થિતિમાં જીવનભર સાથ નિભાવે એવો સાથી… હું તમારો સમાજિક જવાબદારી સાથે આર્થિક જવાબદારીમાં પણ સાથ નીભાવા માંગું છું, માત્ર ઘર સાચવવામાં જ નહી ઘર ચલાવવામાં પણ હું તમારી બરાબર ભાગીદાર બનવા માંગું છું. બિહાગ હું તમારી તાકાત બનવા માંગું છું કમજોરી નહી, હું તમારી સવલત બનવા માંગું છું જવાબદારી નહી. તમે આ પત્ર વાંચી કોઈ ગેર સમજણ નહી કેળવો તેમજ મારી વાતને સમજવાની કોશિષ કરશો એ આશા સાથે આ પત્ર અહી પુરો કરું છું.


બિહાગ સ્ત્રી માટે નોકરી એટલે માત્ર આર્થિક જરૂરિયાત જ નહી પણ એની સ્વતંત્રતા, સ્વનિર્ભરતા, એનું માન-સન્માન, એના સપના, એની ઈચ્છાઓ, એની મહત્વકાંક્ષાઓ અને નોકરીને લાયક બનવા એને આપેલા એના જીવનના ૨૦ થી ૨૫ વર્ષ પણ હોય છે.

લેખક : સ્વાતિ સીલ્હર

શું જવાબ આપવો જોઈએ તેના પતિએ? કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ અને પત્રો વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ