નંદિની – કેમ હજી પણ રૂપ અને રંગના લીધે દિકરીઓ ને આટલું બધું સહન કરવું પડે છે…

                                        “નંદિની”

ગામડાની જુની ઢબનું નળિયાવાળું અમારું મકાન હતું, એક મોટી વંડીમાં સામ સામે બબ્બે એમ ચાર ઓરડા, મોટી ડેલીની  બાજુમાં બે ગાયો  નંદિની અને ગૌરીને  બાંધતા,  ઓસરીમાં જ રસોડાની ગોઠવણ હતી, સામેના એક ઓરડામાં દાદા દાદી રહેતા, બીજા ઓરડામાં ખેતીવાડીના ઓજાર અને ગાયોનો ચારો  રાખતા. સાંજના સમયે રોજની જેમ આજે પણ બા નંદિનીને વઢી રહ્યા હતા.

“કેટલી વખત કહેવું તને? સમજમાં નથી આવતું? રોજ સાંજે તને શોધવા નીકળવું પડે! મીના એનું ભણવાનું છોડીને તને શોધવા નીકળે? જો તું આવી રીતે કરીશ તો તને ખીલ્લે બાંધીને રાખીશ. બીજીવાર આમ ધણમાં છૂટી નહીં મોકલું. આ જો ગૌરી કેટલી ડાહી છે? રોજ સાંજ થાય એટલે પાછી ઘરે આવી જાય છે. પણ તું ક્યારે સુધરીશ?”

બા નંદિનીને એવી રીતે વઢી રહ્યા હતા જાણે  પોતીકી દિકરીને વઢતા હોય. નંદિની પણ જાણે કાન ઊંચાનીચા કરતી બાની  ભાષા સમજતી હોય એમ ડોકું ધુણાવતી. નંદિનીનું પણ એવુંજ, બા સિવાય કોઈ નંદિનીની બાજુમાં જવાની હિંમત સુદ્ધા ન કરે.  બા સિવાય નંદિનીને દોહવાનું કામ કોઈ નહોતું કરી શકતું.

હું, બાપુ અને દાદા વાડીએથી આવીએ ત્યારે અમારે આ જ  દ્રશ્ય જોવુંનુ! ઘરમાં બધાજ પોતાનો નિત્યક્રમ પતાવી, વાળુપાણી કરીને સુઈ ગયા. સવારે પગફેરાનો રિવાજ પતાવીને રુહી આવવાની હતી, હું પણ એના વિચારો કરતા કરતા આડો પડ્યો.

બીજા દિવસે સવારે ગામના પાદરે બસ-સ્ટોપની રેલીંગ ઉપર બેસી હું સામે વડલાના ઝાડને જોઈ રહ્યો, કોયલના ટહુંકાઓ  પણ આજે મારી મસ્તી કરી રહ્યા. રુહીની બસ આવવાને હજુ અડધો કલાક બાકી હતો. હું એ તે કેવો ઉતાવળો! સવારે ઘરેથી નીકળ્યો ત્યારેજ દાદીએ ટોક્યો હતો.

“કેમ આટલો વહેલો? હજુ બસને આવવાને ઘણીવાર છે!”

“એ હા”

કહેતા હું ચુપચાપ નીકળી ગયો, હવે દાદીને કેમ કહેવું કે હું રુહીની યાદોમાં આખી રાત સુતો જ નથી.

“તારા તો છોકરાએ કાળા કાબરચિત્રા થશે.”

દાદીનું આ વાક્ય મારા કાનના પડદા વીંધી રહ્યું હતું. હજુ હમણા તો હું કુંવારો હતો! ને હવે પરણેલો! મને તો સપના જેવું લાગી રહ્યું હતું. મને મારી કામણગારી કોયલ રુહી મળી ગઈ હતી તે! રુહીના વિચારો મારી આત્માની અંદર એક અનોખી ઉર્જા આપી રહ્યા, પણ દાદી? દાદીને તો ઘરમાટે એક સુંદર મજાનું શો-પીસ જોઈતું હતું. ઘરની શોભા વધારે, ગામની પંચાત કરતી બાયું વહુના રૂપના વખાણ કરે! ફક્ત દેખાવ કરવા માટે? એ વિચારોમાં મારી નજર ઝાડ પર ટહુંકા કરતી કોયલ ઉપર થોભી ગઈ. હું એ વિચારોમાં ખોવાઈ ગયો જયારે હું રુહીને પહેલીવાર મળ્યો હતો અને ઘરમાં એક ધમાસાણ મચ્યું હતું.

******

સાદાઈથી સગાઇનો પ્રસંગ પુરો થતા મહેમાનો ચાલ્યા ગયા. મારી બા લોટ બાંધતા  જાણે લોટના પીંડા સાથે યુદ્ધ કરી રહી. બાપુએ  ગુસ્સામાં ટીવીનો અવાજ વધારી મુક્યો, દાદાજી દંભી મુદ્રામાં

“મંદિરે જાઉં છું.”

એમ કહીને ગુસ્સામાં મારા ચંપલ પહેરતા ગયા.

“તમને મરજી પડે એમ કરો, અને મરો,”

એમ કહેતા દાદીમા માળા ફેરવવા લાગ્યા, ત્યાં  બાપુ પણ ચુપચાપ ટીવી બંધ કરીને વાડી બાજુ ચાલતા થયા.

મને કંઈ સમજાતું ન હતું. અરે! છોકરી મને ગમી! મેં હા પાડી! લગભગ પચાસ છોકરીઓ  જોયા પછી મેં હા પાડી, એની ખુશી ઘરમાં કોઈને નહીં! મારું તો મોરલજ  તૂટી ગયું.

“મને તમારું કઈ સમજાતું નથી. કૈંક ફોડ પાડશો? તો હું એ પ્રમાણે આગળ વધુ. એ છોકરીમાં કોઈ દોષ જોવાયો?” મેં માળા ફેરવતા દાદીને અને મમ્મીને આક્રમક મુદ્રામાં પૂછ્યું.

નાનકી મીના એના ચોપડા ઉપરનીચે કરતા બોલી.

“ભાઈ, ભાભી રહ્યા ભીનેવાને, એટલે કોઈને નથી ગમતા.”

“ઓહ! તો એમ વાત છે, મેં હા પાડી છે તો એ છોકરીનો રંગ જોઇને નહીં, સમજ્યા?” મેં મારી બા અને દાદી  સામે જોઇને ફરી કહ્યું.

મારી બાનું લોટના પીંડા સાથેનું યુદ્ધ હવે ભીષણ સ્વરૂપ લઈ રહ્યું હતું, પણ હવે કંઈ થાય એમ ન હતું. દૂધ પીણા કર્યા, રીંગસાડી કર્યું, અને અઠવાડિયા પછી લગ્નની તારીખ નક્કી થઇ, ત્યાં સુધી આ દંભીઓના મોં  સિવાયેલા રહ્યા, અને હવે નાટક કરે છે!

એ વિચારીને મેં  બહાર નીકળીને  સિગરેટ સળગાવી. માણસમાં આટલી ઔપચારિકતા કેમ હોતી હશે? કદાચ મને અત્યાર સુધી કોઈ છોકરી પસંદ ન આવી, પહેલી વાર મેં હામાં ડોકું ધુણાવ્યું એટલે રાજી થયા? પણ અંદર અંદર તો કોઈ રાજી નથી! કેમ? આજુબાજુવાળા આવીને ટોકી જાય એટલે?

કે વહુ તો કાળી છે, રૂપ નથી, વગેરે વગેરે! રૂપને શું ધોઈને પીવાનું? હરજીકાકાનો કિશોર ગુણ જોયા વગર ફેશબુકવાળી રૂપાળી લાવ્યો, તેનું  શું થયું ? સાંતાકાકી કેવા કુદકા મારતા હતા? ને હવે એય બેય ડોસા ડોસી વૃદ્ધાશ્રમમાં સબડે છે. સાચેજ મને કોઈ સમજી શકતું હોય તો એ મારી નાની બહેન મીના, એક એજ તો છે જેને રુહી પસંદ આવી.  મારે અફસોસ કરવાની જરૂર નથી, ઘરમાં કોઈક તો એવું છે જેને રુહી પસંદ આવી! સિગરેટનો છેલ્લો દમ લગાવી હું પાછો ઘરે ગયો. ઘરમાં બધાના મોતિયા  હજુ પણ મરેલા હતા, મારે શું? હું ટીવી ચાલુ કરીને બેસી ગયો. ટીવીમાં એજ મારું ફેવરેટ ગીત આવી રહ્યું.

“ના ક્જરેકી ધાર…. ના મોતીયો કે હાર, ના કોઈ કિયા શિંગાર ફિરભી  કિતની સુંદર હો…તુમ કિતની સુંદર હો.”

હું એ ગીત જોતો રહ્યો અને રુહીના વિચારોમાં ખોવાઈ ગયો. કેટલી સરળ અને સુંદર લાગતી હતી મારી રુહી! કોઈ દંભ નહીં, કોઈ ઔપચારિકતા નહીં, એ બોલતી તો જાણે એના મોમાંથી ફૂલ ખરી રહ્યા હોય. એ હળવું પણ હસતી તો એના ગાલ ઉપર ખાડા પડતા, એની આંખો! જાણે હરણી જેવી. એના કર્લી વાળની લટકતી લટ્ટ એના સૌન્દર્ય ઉપર ચારચાંદ  લગાવતી.

સવાર સાંજ ફોન ઉપર મારી રુહી સાથે રોજ વાત થતી, સગાઈ થયાના ત્રીજા દિવસે રુહી એની ખરીદી પતાવીને  અમારે ઘેર આવી હતી, મારા કહેવા પ્રમાણે રુહી બ્લુ સ્કીન ટાઈટ જીન્સ અને બ્લેક ટોપ પહેરીને આવી હતી, અને મેં જાણી જોઇને રુહીને જીન્સ અને ટીશર્ટ પહેરવા કહ્યું હતું, મારે તો બળવો જ કરવો હતો. રુહીને પહેલીવાર સાડીમાં જોઈ હતી, પણ આજે એ ખૂબ માદક લાગી રહી, સુડોળ શરીર અને ઘાટીલા નિતંબ, ટાઈટ ફિટ જીન્સમાં એની સાથળો કામણગારી લાગી રહી,એની આંખોમાં ગજબની ચમક જોવાઇ, એ મારા બા અને બાપુ સાથે મલકાતી વાતો કરી રહી, મારી નજર તો એની આંખો પર થોભી ગઈ. રુહીને ઘરેણાં અને કપડાંની ખરીદી  માટે બા કમને સાથે આવી, પણ એનું સાથે આવવાનું કારણ પછી સમજાયું.

સાડીની ખરીદી વખતે રુહીએ બ્લુ કલર અને લાલ કલર પસંદ કર્યો. વચ્ચેજ બાએ રુહીને અટકાવતા કહ્યું.

“આમાનો એક પણ કલર તને નહિ શોભે, તું રહી ભીનેવાને.”

એટલું બોલતા બા અટકીને ફરી દુકાનવાળા સામે જોતા કહ્યું.

“ગુલાબી કે આસમાની અથવા આછા રંગમાં બતાવોને!”

બા સાડીઓની ખરીદી આટોપી રહ્યા, અને આ બાજુ રુહી મારી કમરમાં ગલગલીયા કરતી મસ્તી કરી રહી.

બાએ પસંદ કરેલા કપડાં લેવાઈ ગયા બાદ કોસ્મેટિક્સની દુકાનમાં ગયા.

ત્યાં પણ બાએ મેક-અપ અને જવેલરી પણ એની પસંદ પ્રમાણે જ લીધા, રુહી કશું બોલતી ન હતી, હું આ બધું જોતો રહ્યો. મને કે રુહીને પૂછવામાં પણ ન આવ્યું કે આ બરાબર કે પેલું બરાબર! જોકે હું ટેવાઈ ગયો હતો, ઘરમાં બધા મને ડોક્ટરનું ભણવા કહેતા અને મેં  બળવો કરીને ઇન્જિનીયરીંગ કર્યું,  પેલી નિરાલી અને વૈશાલી દાદીને ગમતી, પણ મને પસંદ ન હતી. જોકે દાદીનો સ્વભાવ રહ્યો બહિર્મુખી, ગામની મહિલા ટોળકી આવે, કોથળા ભરીને વહુના વખાણ કરે એવું બધું દાદીને બહુ ગમતું. જ્યારથી રુહી સાથે મારી સગાઈ થઇ હતી, દાદીના બધાજ સપના જાણે ચકનાચુર થઇ ગયા હતા. મને તો એજ ડર લાગતો કે દાદી ક્યાંક વિલન બનીને મારા લગ્ન અટકાવી ન મુકે. જોકે એવું ભીષણ અકસ્માત થાય એ પહેલા મેં પાળ બાંધી રાખી હતી, રુહી સાથે ફોનમાં વાત થઇ હતી ત્યારે રુહીને પણ મેં કહ્યું હતું..

“જો દાદી વચ્ચે વિલન બનશે, તો મને પણ ચંબલનો ડાકુ બનતા વાર નહીં લાગે.”

મારી વાત સાંભળીને એ કેવું ખડખડાટ હસી પડી હતી! અને કેટલા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે..

“હું અઠવાડિયામાં બધાના દિલમાં જગ્યા કરી લઈશ. મારું આગવું સ્થાન હું બનાવી લઈશ.”

અને આજે એ શરૂઆત એને કરી જ લીધી હતી. જયારે રાત્રે બસ ઉપડી તો મને ફોન ન કર્યો, સીધો દાદીને ફોન કરીને  જાણ  કરી કે તે સવારની વહેલી બસમાં આવી રહી છે.

કાગડાના કર્કસ આવજે મારા વિચારોમાં વિક્ષેપ પાડ્યાની સાથેજ મારા ફોનની રીંગ વાગી. તે દાદીનો ફોન હતો..

“બસ આવી ગઈ?”

“ના દાદી, બસ આવવાનો સમય તો થઇ ગયો છે,”

“ઈવડી ઈ આવે તો એને કેજ કે એના મોઢા ઉપર પેલું કરાવી લે, પેલું શું કેવાય?”

“ફેસિયલ?”

“ના એ નહીં, પેલું કાળી ચામડીને સળગાવી નાખે ને પછી ગોરી ચામડી આવી જાય એ.”

“સ્કીન પીલ્લીંગ?” મેં વચ્ચે  કહ્યું..

“હા એજ.. વહુ ભીનેવાને છે, અહી આ બધીયું જોવા આવે ત્યારે કેવું લાગે?”

“પણ દાદી એ લાંબી ટ્રીટમેન્ટ છે, અને તમને આવું બધું શીખવાડે કોણ છે? મારે એ નથી કરાવવી,  તમે પણ રુહીને એવું કશું કરાવવાનું ના કહેતા.”

“ઓહો! હજુ  ઘરમાં સરખો પગ નથી મુક્યો, એને આ ના કહેતા, ને પેલું ના કહેતા એવું શિખવાડવા  લાગ્યો!”

“હા દાદી, મને એ જેવી છે એવીજ ગમે છે, તમને નાં ગમી તો નાં ગમી, મારે શું?”

મેં બળવો કરવા શરૂઆત કરી દીધી હતી. પણ પછી દાદી ઠંડા પડી ગયા હોય એમ બોલ્યા..

“ઠીક લાગે એમ કરો.” એમ કહેતા દાદીએ ફોન કટ કર્યો,

ત્યાં સામેથી ધૂળની ડમરી વચ્ચે બસ આવતી દેખાઈ.

છેટેથી બસને આવતી જોઇને હું બસ-સ્ટોપની પાછળ લાગેલા ગુલાબનાં છોડમાંથી એક સુંદર મજાનું ગુલાબ તોડી લાવ્યો. બસ ઉભી રહી, પહેલાતો અમારા ગામની ગપસપ કરતી મહિલાઓ ઉતરી. મારી બ્યુટીક્વીન  રુહી છેલ્લે જોવાઈ. મારું ધ્યાન પેલી ગપસપ કરતી મહિલાઓ ઉપર હતું. એ ચંડાળ ચોકડીને ખબર હતી કે બસમાં રુહી છે,  એટલેજ મને જોઇને હસી, અને મેં કાંઇક વિચાર્યું,  મહિલાઓ અમારો બસ-સ્ટોપ પરનો મિલાપ જોવા ઉભી રહી ગઈ.

મારું ધ્યાન એ પંચાતના પોટલાઓ ઉપર હતું,  રુહીએ મારા ખભાપર ટપલી મારી..

“હેલ્લો, મિસ્ટર હસબંડ! ક્યાં ધ્યાન છે? અહી મને લેવા આવ્યા છો કે ફલર્ટ કરવા?”

“ઓહ! સોરી.. સોરી.  આ સામે ઉભા એ અમારા ગામના અખબારો છે. હવે આખા ગામમાં સમાચાર ફેલાઈ જશે કે હું તને બસ સ્ટોપ ઉપર લેવા આવ્યો હતો. ચાલ આપણે એ સમાચારમાં થોડોક તડકો લગાવીએ.”

“એટલે? સમજાયું નહીં.” રુહીએ આંખના નેણ ઊંચા કરતા પૂછ્યું..

મારા હાથમાં રહેલું ગુલાબનું ફૂલ મેં રુહીને બતાવ્યું, ફૂલ જોતાજ એના ચહેરા ઉપર ચમક આવી ગઈ, હું જે કહેવા માંગતો હતો એ સમજી કે નહીં, પણ એ તરતજ પાછળ ફરી ગઈ. રુહીએ સ્લીવલેસ  બ્લેક કલરનો કુરતો અને સફેદ કલરની લેગીન્સ પહેરી  હતી. આગળ જુલતી એની કર્લી  લટ્ટ મારા દિમાગમાં કુતુહલ જગાવતી. શ્રોતાગણ મોઢા ઉપર હાથ રાખી અમને ઉત્સુકતાવસ જોઈ રહ્યું,

મેં એક હાથ એના ખભા ઉપર મુક્યો, બીજા હાથે એના અંબોડામાં હળવેથી એ ફૂલની ડાંડી ખુંપી જાય એટલી જગ્યા કરી ને ફૂલ લગાવ્યું.

“તો મિસ્ટર હસબંડ! હવે તમારો પુષ્પ લગાવવાનો કાર્યક્રમ પૂરો થયો હોય તો ચાલીએ?”

“ઓહ! હા ચાલો ચાલો.”

ત્યાં ઉભેલું અખબારોનું ટોળું હજુ પણ કંઇક જોવા ઉત્સુક હતું. એમનો ધ્યાન ભંગ કરતા મેં કહ્યું.

“કેમ લતામાસી ઘેર નથી જવું?”

લતામાસી અને એમની સાથે રહેલ મહિલા મંડળ છણકો કરીને ચાલતું થયું. અને મેં મારું ધ્યાન રુહીમાં પરોવ્યું. અમે ચાલતા થયા, હું કંઈ બોલવા વિચારી રહ્યો, ત્યાંજ રુહીએ પૂછ્યું..

“દાદી કશું બોલ્યા?”

“ના મને કશું નથી કહ્યું, તમને ફોન કર્યો હતો?”

“હા એ કહેતા હતા કે શહેરમાં એક ચામડીનો ડોક્ટર છે.”

મેં વચ્ચેજ રુહીને અટકાવતા અકળાઈને કહ્યું.

“ઓહ! આ દાદી પણ ખરી છે. મને પણ સવાર સવારમાં એજ ભાષણ આપી રહી હતી.”

“તમે ચિંતા ના કરશો, દાદીની ઈચ્છા હશે તો હું એ પણ કરાવી આવીશ.”

“અરે પણ શા માટે? દાદીને કોઈએ એવું ઠસાવી દીધું છે કે એવું કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જાય. પણ એવું કશું હોતું નથી.”

“હા પણ એમનું મન રાજી થતું હોય તો આપણે શું વાંધો?”

“રુહી હું તમને એક સવાલ પૂછું?”

“એમ કહીને એક સવાલ તો પુછીજ લીધો. જે પૂછવાનું હોય એ પૂછોને!” રુહી હસતા હસતા બોલી.

“રુહી તમારો ફેવરીટ અભિનેતા કોણ?”

“અરે એવું કેમ પૂછો છો?”

“રુહી તમે સવાલ નહીં કરો, મને ફક્ત જવાબ આપો.”

“હ્રીતિક રોશન. એ પણ તમારા જેવોજ લાગે છે.” રુહીએ મલકાતું હસતા જવાબ આપ્યો.

“ઓકે, તો મારી ફેવરીટ અભિનેત્રીઓમાં શ્રીદેવી,રેખા, સ્મિતા પાટીલ અને કાજોલનો સમાવેશ થાય છે, આ બધીજ અભિનેત્રીઓ ભીનેવાને છે. અને બોલીવુડમાં એક આગવું સ્થાન ધરાવે છે. કાળી તો કામણગારી હોય છે.”મેં રુહીના લીસા ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું.

મારી વાત સાંભળીને રુહી હસવા લાગી અને અમે વાતો કરતા કરતા ઘરે પહોંચી આવ્યા. રુહી  ઘરે આવી, પણ ઘરમાં બધાજ ઊંઘી રહ્યા. મીના જાગતી અમારી રાહ જોઇ રહી. મીનાએ રુહીનું સ્વાગત કર્યું. રુહીએ  તેનું બેગ રૂમમાં મુક્યું.

“સાંભળો, હું જરા નાહીને આવું પછી દાદીને પગે લાગવા જઈએ.”

એમ કહેતા રુહી નાહવા જતી રહી. ત્યાં સુધીમાં હું પણ તૈયાર થઇ ગયો.

મીના અમારા માટે ચાય લાવી, ચાય પી અને અમે બંને  દાદીના ઓરડા તરફ ચાલતા થયા..

દાદી ઉઠી ગયા હતા. એમના ઓરડામાં નવણામાં નાહ્યા હોવાનો સળવળાટ મેં અનુભવેલો. હવે દાદી સેવા પૂજા કરી રહ્યા હતા. આ બાજુ રુહી એનો સાડલો ઠીક કરીને તૈયાર ઉભી. અંદરથી દાદી પૂજા કરતા હોય એમ બહાર ઘંટડીનો અવાજ આવી રહ્યો. હું ગભરાયેલો હતો કે દાદી રુહી સામે કશું કાચું ન કાપી નાખે. હું ફળિયામાં આમ તેમ આંટા મારવા લાગ્યો. રુહી પણ આંગણામાં લાગેલા બગીચા અને તુલસી ક્યારાને જોઈ રહી, ગૌરી અને નંદિની સામસામે ઉભી રહી ચારો આરોગી રહી. રુહી જાણે બંને ગાય પાસે ઉભી રહી એની ગરદનની લાળી  ઉપર હાથ ફેરવી ગૌરી અને નંદિની સાથે આત્મીયતા કેળવી રહી,

અંદરથી ઘંટડીનો અવાજ આવતો બંધ થયો કે તરતજ હું થોભી ગયો. રુહી મારી સામે જોવા લાગી.

“ચાલો હવે મિશન દાદી પૂરું કરીશું?”

હું પણ હસવા લાગ્યો અને કહ્યું.

“ચાલો દાદીને નિપટાવી દઇએ.”

એમ કહેતા અમે બંને દાદીના ઓરડા સામે આવીને ઊભા રહી ગયા.

મેં ધ્રુજતા હાથે સાંકળ ખખડાવી. દાદી અંદરથી બબડયા..

“આવી ગયો તારી કાયડીને લઈને!”

એમ કહેતા દાદીએ દરવાજો ખોલ્યો.

રુહીએ કશું સાંભળ્યું ન હોય એવું નાટક કરતા દાદીને પગે લાગી. રુહીએ મારી સામે આંખ કાઢતા મને પણ પગે લાગવા ઈશારો કર્યો. પગે લાગી અમે બંને દાદી સામે ગોઠવાયા, અને દાદીએ એમના પવિત્ર મુખમાંથી મુખાગ્ની વેરવાનું  શરૂ કર્યું.

“હાંભળ એય કાયડી, હાંજે ગામની બાયું મો જોવા આવશે, મેં મોઢું ધોવાવાળીને ફોન કર્યો છે, ઇવડી ઈ ચાર વાગ્યે આવશે, તો તૈયાર રેજે.”

આ સાંભળી રુહીની આંખના ખૂણા ભીના થયા. રુહી સાડલાના છેડાથી એ ઢાંકવા કોશિષ કરી રહી.

દાદી આગળ કંઈ બોલવા જાય એ પહેલાં બહાર ગાયની ગમાણમાંથી નંદિનીના ભાંભરવાનો અવાજ આવ્યો. રુહી સફાળી સાડલો ઠીક કરતા ઉભી થઇ બહાર નીકળી. બાજુના ઓરડાની સાંકળ ખોલી ગાયને નાખવાના ચારાનો ભારો ખોલીને બંને ગાયો સામે વિખેરવા લાગી. બને ગાયોની ગરદન ઉપર તેમજ લાળી ઉપર વારાફરતી  હાથ ફેરવવા લાગી. હું અને દાદી બહાર આવી ગયા, બા પણ સામે ઉભા ઉભા જોઈ રહ્યા, નંદિની અને ગૌરી  શાંતિથી ચારો આરોગી રહી. દાદીએ ભેંઠમાં લટકતો નોકીયા અગિયારસો ફોન કાઢી ફોન લગાવ્યો.

“હેલો.. બૂટી પાલ્લલ વાડી સોડી બોલે?”

“હાઇન્જે જે નિયાપો આલેલો ને? ન્યા હવે આવવાની જરૂર નથી.”.

એટલું કહેતા દાદીએ ફોન કટ કર્યો, રુહી દાદી પાસે આવીને ઉભી રહી ગઈ. દાદી રુહીને ભેટી પડ્યા.

રુહીની આંખોમાંથી વહેતા ખુશીના આંસુ સંતાપના આંસુઓને ઓવરટેક કરી રહ્યા.

સમાપ્ત.

લેખક : નીલેશ મુરાણી

દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર, આપનો અભિપ્રાય આપવાનો ભૂલતા નહિ.

ટીપ્પણી