“હું ને મારા સાસુ મોમ” – ઘરમાં થતી નાની મોટી વાતને પોતાની આગવી શૈલીથી લખી છે…

જ્યારે હું એટલેકે અલકા પરણીને સાસરે આવી ત્યારે જ એક મહત્વની વાત મને સમજાઈ. કંજુસાઈ કે કરકસર (?) કરીને જે થોડાક રૂપિયા બચાવી શકે એને જ સારી વહુ કહેવાય ! અમારી સોસાયટીની તો લગભગ દરેક સાસુ આવું જ માનતી !

આમાં મારા સાસુમોમ(પાર્વતીબા) અવ્વલ નંબરે હતા ! આખી સોસાયટી એમના વખાણ કરતી…પાર્વતીબેન એટલે, બહું હોંશીયાર ! કોઈ ફેરિયો કંઈ વેચવા આવે ત્યારે એની સાથે ભાવતાલ કરવામાં તો મારા સાસુની તોલે કોઈ જ ના આવે ! બાકીના બધા ૫૦૦રૂપિયાની એક ચાદર લે ત્યારે મારા સાસુ ૨૫૦રૂપિયામાં બે લે ! શાકભાજીની લારીવાળા તો દૂરથી એમને જોઈનેજ રસ્તો બદલી લે અથવા એમના કાનમાં ફૂંક મારી દે, “બા તમને જુદા ભાવે આલીશ પણ બોણીના ટાઈમે થોડું મનેય કમાઈ લેવા દેજો ! ”

હવે મનેય એક આદત છે જ્યાં હું હોવ ત્યાં મારાથી ચઢિયાતું કોઈ બીજું મને ના પાલવે ! એમનાથી ચડિયાતી સાબિત થવાની હોડમાં હુયે કંજુસાઈ કરતી થઈ ગઈ. મારા ઘરમાંથી કદી એક અનાજનો દાણોય હું વેડફાવા ન દઉં. સવારના રોટલી,ભાત કે દાળશાક બચ્યા હોય તો, એનોય ઉપયોગ કોઈ ને કોઈ વાનગી બનાવવામાં કરી જ લઉં. કારેલાંની છાલ કે કેળાની છાલ એનોય ઉપયોગ થઈ જ જાય, આમાંને આમાંજ કેટલીયે નવી વાનગીઓ નો આવિષ્કાર થઈ ગયો ! એક એક સડેલા ગાભાનોય હું કોઈ ને કોઈ કામમાં વપરાશ કરી જ લઉં..બહાર પહેરવાની સાડી જૂની થાય એટલે ઘરમાં પહેરાય, પછી ગોદળાનું કવર થાય અને છેલ્લે એ પોતે કોઈ ગોદળીમાં સમાઈ જાય… ગોદળી ફાટે એટલે પોતું બની જાય અને છેલ્લે બારીના પથ્ઠત લૂછવાનો ગાભો..!! આટલા ચક્રમાંથી પસાર થાય પછી એને મારા હાથમાંથી મુક્તિ મળે ! હું મારું કામ ફટોફટ પરવારીને સમયની બચત પણ કરી લઉં અને બચેલા સમયમાં કંઈ ક્રિએટિવ વર્ક પણ કરી લઉં….!! મારા પતિદેવ, નિરંજન ઉપરાંત મારા સસરા, શિવમભાઈ, દિયર(કેવલ) અને આસપાસનાં બે ચાર માસી છુટ્ટા મોંઢે મારા વખાણ કરતાં હોય…ત્યારે હળવે રહીને મારા સાસુમોમ એ લોકોને મોઢા પર જ પૂછી લેતા, “ તે અત્યાર સુંધી હું સારું નહતી કરતી ?” ?

શરૂઆતના દિવસોમાં હું મારા સાસુમોમને બહુ પસંદ ન હતી. એમની ઈચ્છા હતી એમના પિયર તરફની વહુ લાવવાની અને એમનો લાડકો પહેલીજ નજરે મારા પ્રેમમાં પડી ગયેલો ! હવે હું છું જ એટલી રૂપાળી તે…બિચારો લપસી ગયો મારા પ્રેમમાં !નિરંજને તો અમારી પહેલી મુલાકાત પછી જ એમના પપ્પાને કહી દીધું, “ પરણીસ તો આને જ, નહીતો લગ્નનો વિચાર માંડી વાળજો !” પછી અમારા લગ્ન થઈ ગયા.

મારા સાસુમોમની ઈચ્છા, એમના પિયર તરફની વહુવાળી, મોટા દીકરાએ તો ના સંતોષી. એમની અધૂરી રહી ગયેલી ઈચ્છા એમના લાડલા નાનકાના લગ્નમાં પૂરી કરીને જ રહેશે એવું એ વાતે વાતે મને સંભળાવતા, આખરે એમણે એ ઈચ્છા પૂરી કરી. મારી દેરાણી(ધારા) ઘરમાં આવી….

નવી વહુ, એય તે એમના પિયર તરફની, મારા સાસુમોમતો રાજીના રેડ થઈ ગયેલા ! એમણે મનમાં ને મનમાંજ અદ્દલ એમની કોપી પેસ્ટ જેવી જ એક આદર્શવહુની ઈમેજ નવી વહુ માટે બનાવી રાખેલી. નવી વહુ પહેલીવાર રસોડામાં પ્રવેશી ત્યારે તો મારાસાસુ ખુશખુશાલ. એમને એમ કે, હવે બધાને ખબર પાડી દઉં કે, મારી પસંદની વહું જ બેસ્ટ છે, મોટી વહુતો એની આગળ પાણી ભરે !

ધારાએ પહેલીવાર રસોડામાં પ્રવેશતા મેં સમારીને મૂકેલું શાક જોયું અને એને વઘારવાનો વિચાર કર્યો. એના નસીબ જોગ એજ વખતે તેલનું દોલચું ખાલી હતું. એણે પ્લેટફોર્મની નીચેનું કબાટ ખોલી સર્ચ અભિયાન ચાલુ કર્યું. પંદર લીટરનો તેલનો નવો જ પડેલો ડબ્બો જોતા એણે એને બહાર નીકળ્યો. ડબલાંનું ઢાંકણ ખોલી, એને બે હાથે ઉઠાવી, દોલચા આગળ નમાવ્યો… નવો, આખો ભરેલો ડબ્બો જ થોડો મૂરખ અને વધારે ભારે હતો, પેલી બિચારી હજી નવી આવી છે એવું એ લગીરે ના સમજ્યો, અને તેલની ધારા બેય બાજુ સરખે ભાગે રેડવા લાગ્યો ! અડધું દોલચામાં અને અડધું નીચે ભોંય પર ! હું અને મારી સાસુમોમ એજ વખતે રસોડામાં આવ્યા. ધારાને હાથે તેલની ધારા જમીન પર રેલાતી જોઈ બંનેનો જીવ અધ્ધર થઇ ગયો. અમે બંને હવે કંજુષાઈમાં એકબીજા પર ભારે પડીએ એવા થઈ ગયેલા, (એની રોચક વાતો પછી કરીશ…?) ત્યારે આ નુકશાન અને સફાઈની ઝંઝટ અમને જરાય પસંદ ના આવી….

“અરરર….આ શું કરે છે ?” અમારા બંનેના મોઢામાંથી એકસાથે જ નીકળી ગયું.

“ ઓહ, જરીક તેલ ઢળી ગયું. ” એ સહેજ હસીને બોલી, “ કંઈ વાંધો નહિ થોડું તેલ જ તો ઢોળાયું છે હું હાલ સાફ કરી લઈશ.” અને પછી એણે ઘઉંના લોટનો ડબ્બો ખોલ્યો અને વાડકી ભરી ભરીને લોટ નીચે ઢોળાયેલા તેલ ઉપર ફેંકવા લાગી…!!

“ હવે આ શું કરે છે ? ” મારા સાસુમોમનો પિત્તો ગયો એમણે આંખો ફાડીને, ઊંચા અવાજે કહ્યું.

“ આ લોટ છેને એ બધું તેલ પી જસે…..” નવી વહુએ એનું વૈજ્ઞાનિક જ્ઞાન બતાવ્યું ???. આશરે પંદર રોટલી બને એટલો, (નાની નાની તે..કહેવાય તો રોટલી જ ને ?. ) તેલ પી ગયેલો બધો
લોટ ભરીને કચરાપેટીમાં ઠાલવી દીધો.

મે કહ્યું તારી જગાએ હું હોત તો મેં તેલ જેટલું ભરાય એટલું ભરી લીધુ હોય અને પછી રેત કે છાપાથી નીચેની ટાઈલ સાફ કરી હોત. તો એણે કહ્યું, “ રેતથી ઘર ગંદુ થાય અને લોટ જલદી તેલ પી જાય ! હવે અડધો લિટર તેલ અને થોડાક લોટમાં શું ચિંગુસાઈ કરવાની ! અમારે ત્યાંતો બધા આમ જ કરે !”

મારાથી મારા સાસુમોમના મોઢા સામે એક નજર નખાઈ ગઈ, કમર પર બે હાથ મૂકીને એ ઊભેલા, એમનો માથા પર ઊંચે, કોઈ સાધુની જેમ બાંધેલો અંબોડો એમના ગુસ્સાનું પ્રતીક હોય એમ હલી રહ્યો હતો, એમની મોટી આંખો વધારે પહોળી થઇ હતી અને એમનો દાંત કચકચાવવાનો અવાજ મને સાફ સંભળાતો હતો….હું મારું મોઢું દાબીને ભાગી, મારા રૂમમાં જઈને લગભગ અડધો કલાક સુધી હસી હોઈશ…!! ????

જોકે આ પ્રસંગ પછી એક ફાયદો એ થયો કે મારા સાસુમોમ મારા વખાણ કરતા થઈ ગયા. એમના શબ્દોમાં કહું તો, “ મારી સાથે રહીને મોટીવહુ ઘડાઈ ગઈ !!” ???

ઘરમાં મારી દેરાણી આવી પછી જ જિંદગીમાં સાચી મજા આવી..! પહેલીવાર જાણે સાસરામાં આવ્યા બાદ પ્રમોશન મળ્યું ! રોજ સવારથી લઈને સાંજ સુંધી હવે ફક્ત અલકા ને બદલે ધારા… ધારા…એવી બૂમો મારા સાસુમોમના ભારે ગળામાંથી નીકળે ત્યારે ખૂબ આનંદ આવે..! લો એક દિવસની વાત કરું, વાંચજો ??
સવાર હજી તો હાલ હાલ જ પડી હતી ત્યાં તો વૃંદાવન સોસાયટીના બંગલા નંબર ૧૩માં રોજિંદો કકળાટ ચાલુ થઈ ગયો.

પહેલા બેડરૂમનું બારણું જોરથી ખખડ્યું, પછી બેઠકખંડનો દરવાજો ધ્રુજી ઉઠ્યો અને છેલ્લે જાણે ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હોય એમ ઘરનો મેઈન ગેટ હચમચાવી પાર્વતીબાએ એનું તાળું ખોલેલું….!!

આ બધુ કામ અતિ ધ્વનિ ઉત્પન્ન થાય એવી રીતે કરવાનું એક જ કારણ કે એ પોતે બે બે વહુઓના સાસુ થઈને ઉઠી ગયેલા અને પેલી બે વહુઓ હજી એમના રૂમમાં ઘોરતી હતી…આટલી મહેનત કરીને આટલો બધો, પાડોશીઓનેય એલાર્મ મૂકવાની જરૂર ના પડે, એટલો અવાજ કર્યો છતાં ઘરમાંથી જે સળવળાટ સાંભળવા એમના કાન આતુર હતા એ ન સંભળાતા એમને છેવટે એમના ગળાને તકલીફ આપવી જ પડી,

“મારા સિવાય તો કોઈ કંઈ કરે જ નહિ ! બે બે વહુઓ છે ઘરમાં તોય, કાલે બંને જણીઓને ચોખું કહીને મોકલેલી સવારે વહેલી ઉઠજો છતાં,” સવાર સવારમાં પાર્વતીબાને ઉકળાટ ઠાલવતા જોઈ શિવમભાઈ બોલ્યા,

“ તું જેવું માને છે એવું અત્યારની છોકરીઓ ના માને. નાગપાંચમ છે એટલેે કંઈ ઘરે નાગ દૂધ પીવા ના આવે ! આ બધી અંધશ્રદ્ધા છે !”

“ આટલા વરસોથી હું ઘરને ઉંબરે દર વરસે દૂધનો વાડકો મુકતીતી ત્યારેતો તમે આવું નહતા બોલ્યા ? વહુઓનું ઉપરાણું લેવા તમે મને અંધશ્રદ્ધાળુ કહો છો ? એના ભૂલતા મારા જેવી સતી સ્ત્રી તમારા ઘરમાં આવી પછી જ તમારી વેળા વળી ! ” પાર્વતીબાએ એમની મોટી આંખોને શક્ય એટલી વધારે મોટી કરીને પતિ સામે ત્રાટક રચ્યું.

હવે આગળ ચર્ચા કરવાનું નિર્થક લાગતા શિવમભાઇ ચૂપ થઈ ગયા. આ બધો બખાળો સાંભળીને એમની મોટી વહુ અલકા બહાર આવી ગઈ હતી.

“ અલકા આજે નાગપાંચમ છે, દૂધ મૂકયું ? ” શિવુભાઈએ એક નજર એમના ધર્મપત્ની તરફ નાખીને કહ્યું.

“ સાસુમોમ ટેબલ પર વાડકામાં દૂધ ગરમ કરીને રાખ્યું છે, પી લેજો ! ”

અલકા અને શિવમભાઈ બંને મનમાને મનમાં એકબીજા સામે જોઈ જરાક જેટલું મલકાયા. એમનું બેડલક કે એ મલકાટ પાર્વતીબાની ચકોર નજરે નોંધી લીધો, અરે કહો કે રેકોર્ડ કરી લીધો….હાલ એ કાંઇ બોલ્યા નહીં પણ મોઢું ફુલાવીને ઘરમાં જતા રહ્યા.

અડધો કલાક વીત્યો હસે ત્યાં બાજુવાળા રમીલાબેનની બુમ સંભળાઈ,

“ પાર્વતીબેન મંદિરે આવવું છે, નાગને દૂધ પીવડાવી આવી જશું. ”

“ અમે તો પીવડાવી દીધું ! ઘરે જ !” શિવમભાઈ એ તરત જવાબ આપ્યો.

“ તે બળ્યું મનેય બોલાવવી હતીને, મંદિર સુધી માટે લાંબા ન થવું પડત. મદારી આવ્યો હસે તમારે ઘરે, નાગદેવતા લઈને ? ” રમીલાબેન બારીમાંથી અંદર ઝાંખતા બોલ્યા.

“ મદારી તો વરસો પહેલા આવેલો અમારે ઘરે, નાગણ લઈને ! બિચારા મારા ભોળા બાપુજીને છેતરી ગયો” જાણે સ્વગત બબડતા હોય એમ આટલું બોલી એ ચૂપચાપ સોફા પર બેસી ગયા.

પાંચેક મિનિટ બીજી વીતી. શિવમભાઈ એમની અને એમની શ્રીમતી વચ્ચે છાપાંની ઊંચી દીવાલ કરીને બેઠેલા. કંઇક સીસ્કારા જેવો અવાજ એમને સંભળાયેલો પણ એમના દયાહીન મને કહેલું જવાદે… તું તારે છાપામાં ધ્યાન પરોવ ! ત્યાંજ અચાનક બિલ્લી ઉંદરડા પર તરાપ મારે એમ જ પાર્વતીબાએ ઝાપટ મારી છાપાંની દીવાલ ગીરાવી દીધી અને એમના પતિદેવ તરફ આગજરતી નજરે જોઈ રહ્યા.

પતિદેવ ખરેખર ગભરાઈ ગયા. શ્રીમતીની આંખોમાં રહેલા ગુસ્સાથી નહિ પણ એની સાથે નદીમાં પૂર આવ્યું હોય એમ આંખોમાંથી ઊભરાઈ રહેલા આંસુઓથી….

“ શું થયું ? તારી મમ્મી ઉકલી ગઈ ? મતલબ કે નરક એટલેકે સ્વર્ગે સીધા,”

“ મારી મમ્મી સાજી સમ છે, સો વરસ જીવે ! એન કાંઈ નથી થયું.” પાર્વતીબા વચ્ચેજ રાડ પાડીને બોલ્યા.

“ લે, તું આમ રડે છે તે મને એમ થયું ! ”

“ લાજો ! જરા લાજો ! મારી માએ તમારું કંઈ બગાડ્યું છે તે એના મરવાની રાહ જોવો છો ?” શિવમભાઈના મોઢા પર રમી રહેલા સ્મિતને જોતા પાર્વતીબાનો ગુસ્સો બેવડાઈ ગયો.

“ તો શું વાત છે ? આમ સવાર સવારમાં કોને યાદ કરીને આંસુ સારે છે ?” શિવમભાઈએ ફરીથી વચ્ચે છાપુ ઉભુ કરી કહ્યું.

“ હું રડી રહી છું અને આમને છાપુ વાંચવાનું રહી જાય છે !” ફરીથી છાપાં પર ઝાપટ મારી.

“ સવારનું આ બીજી વખત તમે મને નાગણ કહ્યું ! વહુને સાંભળતાં આનો મેં જવાબ ના આપ્યો એટલે રમીલાબેન આગળ…” એ ફરીથી રડી પડ્યા, આ વખતે મોટો ભેંકડો તાણીને…

હવે શિવમભાઈની સમજમાં આવ્યું કે, મોડે મોડે શ્રીમતીજીની ટ્યુબલાઈટ સળગી ! એમણે છાપુ બાજુમાં મૂકીને પત્નીની વાતમાં રસ લેતા હોય એમ એની સામે જોઇને કહ્યું,

“ મેં તને ક્યાં નાગણ કહી ? હું એવું બોલતો હોઇશ, પ્રિયે ? મારી એટલી હિંમત થાય !”

“ સીધું તો શેના બોલો પણ, બોલ્યા હતા ખરાં ! તમારી શબ્દોની રમત હું ના ઓળખું ? આટલા વરસ તમારી સાથે કેમ કાઢ્યા એતો મારું મન જાણે છે ! ” ફરીથી રડવાનુ ચાલું.

“અલકનીરંજન !” શિવમભાઈએ એક જ ઘાંટામાં એમની મોટી વહુ અલકા અને મોટા દીકરા નિરંજન બંનેને બોલાવ્યા.

જાણે હવામાંથી પ્રગટ્યા હોય એમ બંને તરત હાજર થઈ ગયા. નિરંજને અલકા સામે નજર કરી શું થયું એમ પૂછ્યું. અલકાએ સહેલ ખભા ઉલાળીને ખબર નથી એમ જણાવ્યું.

“ સવારે મેં તને નાગણ માટે દૂધ મૂકવાનું કહેલું, ત્યારે તે શું જવાબ આપેલો ? તે ટેબલ પર દૂધ મૂક્યું છે એમ કહીને તારી સાસુને નાગણ કીધી ?” શિવમભાઈએ અલકાને પૂછ્યું. સીધેસીધું બ્રહ્માસ્ત્ર છોડી દીધું.

અલકાની સમજમાં તરતજ આવી ગયું કે સસરા ભેરવાઈ ગયા છે અને હવે દોષનો ટોપલો એ પોતાની ઉપર ઢોળવા માંગે છે.

“ નિરંજન તું આને સમજાવ જરા ! સાસુ સાથે તે વળી આવી મજાક કરાતી હોય ?”

“ આ તમે શું કહો છો પપ્પાજી ? મેં તો નાગણ શબ્દ વાપર્યો જ નથી. મેં કહેલું દૂધ ગરમ કરીને, વાડકો ટેબલ પર રાખ્યો છે તે એ મોમ માટેજ હતું. આજે એમને ઉપવાસ એટલે ! અને આમેય નાગ દૂધ પીવે એ એક અંધશ્રદ્ધા છે ! આજકાલ કોણ આવું કરે છે ? ” પછી અલકાએ નિરંજન સામે જોઈ, આંખોમાં શક્ય એટલો પ્યાર ભરી કહ્યું, “ જોને પપ્પાજી કેવી વાત કરેછે ? તને તો મારા પર ભરોસો છે ને ?” છેલ્લી લાઈન એને એની ગરદન લેફ્ટ રાઇટ બે વાર હલાવીને, આંખોમાં શક્ય એટલી ચમક ભરીને કહેલું.

નિરંજન એની ગરદન આગળ પાછળ હલાવતા, આંખો પટપટાવી બોલ્યો, “ છેને, છેને !” પછી પપ્પા તરફ જોઈને કહ્યું, “પપ્પા… અલકા આવું ના કરે ! તમારી કોઈ ભૂલ થતી લાગે છે.”

અલકા હવે શિવમભાઈ સામે ધારદાર નજરે જોઈ રહી, પાર્વતીબા તો પહેલેજ એમની તરફ ગુસ્સાથી જોતા હતા. બબે નારીઓના પ્રકોપથી બચવા એમણે એમના નાના અને સૌથી લાડકા દીકરાને યાદ કર્યો, “ કેવલધરા !” એક જ બૂમમાં નાના દીકરા અને વહુ બંનેને બોલાવી લીધા.

“ જી પપ્પા. ” કેવલ આવીને બોલ્યો.

“ શું કરો છો તમે લોકો ? સવાર પડી ગઈ તોય કોઈ દેખાયું નહિ. તારી મમ્મી અને ભાભી એકલા કામ કરે છે, ધારા ક્યાં ગઈ ?”

“ એતો આજે નાગપાંચમ છેને તો મે ધારાને કહ્યું કે મમ્મી હરસાલ ઘરના દરવાજે નાગ માટે દૂધ મૂકે છે, આ વખતે તું મૂકી દે !” કેવલ જરાં શરમાઈને બોલ્યો.

“ જોયું, આને કહેવાય સંસ્કારી વહુ ! સાસુ જેમ કહે એમ કરી દે, દરેક વાતે દલીલ ના કરે !” આ વાક્ય એમણે અલકા સામે જોઈને કહ્યું, “ અમારે ત્યાંની દરેક છોકરીને આ બધુ ગળથૂથીથી જ શીખવાડાય ! જા હવે મારા માટે ગરમ કરેલું દૂધ લઈ આવ. ” પાર્વતીબા દાઢમાં બોલ્યા.

અલકા અંદર રસોડામાં ગઈ અને તરત પાછી આવી. “ ટેબલ પર દૂધનો વાડકો નથી ! ક્યાં ગયો ?”

“ એતો હું બાર મૂકી આવી, નાગરાજ માટે !” ધરાએ અંદર આવીને જાણે કોઈ મહાન કામ કર્યું હોય એવા ભાવ મોઢા પર રાખીને ફોડ પાડ્યો.

“ આખો વાડકો ભરેલું દૂધ ? પૂરો અડધો લિટર દૂધ હતું એ !” અલકાએ કહ્યું. ખાસ તો એણે બનાવેલું દૂધ આ ઉઠાઈ ગઈ એનો ગુસ્સો આવ્યો હતો.

“ હા.”

“ કેસર બદામવાળું મોમ માટે બનાવેલું દૂધ નાગરાજ માટે મૂકી આવી ?” અલકાનો જીવ બળી ગયો.

“ હા. ”

“ શું હા, હા કરે છે ? એ બધી અંધશ્રદ્ધા છે એટલિયે ખબર નથી ! નાગને શી ખબર આજે નાગપાંચમ છે, ને ધારા વહુએ એના માટે દૂધની ધારા વહાવી છે, તે એ પીવા આવશે ? ” પાર્વતીબાનોય જીવ બળી ગયો. મનોમન એમણે અડધો લિટર દૂધ અને કેસર બદામના વ્યય થયેલા રૂપિયા ગણી લીધા. આજનો દિવસ જ ખરાબ હતો !

“ પણ, મમ્મી દર સાલ તું દૂધ મૂકે છે ?” કેવલે બીતા બીતા પૂછ્યું.

“ એતો બધું પ્રતીકાત્મક હોય. એક વાડકામાં પાણી ભરી એમાં બે ચમચી દૂધ ઉપરથી રેડ્યું હોય ! આખું દૂધ નાગને પચેય નહિ ! ” પાર્વતીબા એ એમનું વરસોથી સાચવી રાખેલું રહસ્ય છતું કર્યું.

“ એવું તે હોતું હોય, નાગદેવતાની સામે તો કાઢેલું દૂધ મુકાય. અમારે ત્યાં તો બધાય એવું જ કરે ”

લેખક : નિયતી કાપડિયા

દરરોજ અલગ અલગ વિષયવસ્તુ પર વાર્તા વાંચવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી