હસે એનું ઘર વસે…? – વાંચો અને હસતા રહો… જો જો વાંચવાનું ચુકી ના જવાય..

એક વીસ બાય પંદરના ફલેટના બેઠકખંડનું દ્રશ્ય છે. દીવાલને અડીને આવેલા ત્રણ સીટ વાળા સોફા ઉપર ધોતી ઝભ્ભો પહેરેલા એક પચાસેક વરસના કાકા આડા પડ્યા પડ્યા ટીવીમાં જાહેરાત જોઈ રહ્યા છે. બાજુમાં આવેલા રસોડામાં એક યુવાન નામે નકુલ કંઇક નાસ્તો બનાવી રહ્યો છે.

“એ ભ…ઈ, જરા પોણીનો ગીલાસ ભરી લાવજે ને!” મુકાભાએ નકૂલને બૂમ પાડી. “ ઉ જાતે લઈ લેત પણ શું કરું…મેરા યે જોડો કા દર્દ !”

“ લાયો ભા…લાયો. આ ડોહો જરીક હખ લેવા દેતો નથી..ઘડી ઘડી એ ભ…ઇ..” નકૂલ મનમાં બબડતો પાણી લઈ આવ્યો.

“ એ ભ…ઇ દવાની ટીકડી લાવવાની તો રઈ ગઈ ! જરી લેતો આવજે ને !” પાણીનો ગ્લાસ હાથમાં લેતા મુકાભાએ યાદ દેવડાવ્યું.

“ જરા ટીકડી…એટલે અડધી કરીને લાવું…બધી વાતે જરા…ઓલું લાવજો… જરા પેલું આલજો…” પછી નકુલ મનમાં જ બબડ્યો, “ હે ભગવાન આ ડોહાને જરા…ઉઠાઇ લેજો !”

“ શું કીધું ? એમ ના સમજતો કે હું બેરો થઈ ગયો છું. મારા કાન તો સાવ ઝીણી ઝીણી કીડીઓના પગલાય સાંભળીલે એવા તેજ છે, સમજ્યો ? બસ, જરા…આ મેરે જોડો કા દર્દ ! ”

“ હું તો બધુંય કે દી નો સમજી જ ગયો છું ડોહા તમને, ટીવીમાં બધી જાહેરાત જોઈ જોઈને, આ મેરે જોડો કા દર્દનું નાટક જાલ્યું છે તે ! જોડા જોડા કરીને મારી ફિરકી જ લેતા હો છોને. મારા જેવો કુંવારો શું જાણે જોડાનું દર્દ ! જોડું બનાવવાનો મોકો આવે છે ને તમને જોઇને બધી ભાગી જાય છે.”

“ જો નીકલા ખોટો તું મારા ઉપર ના બગડ. તારા જેવા સુકલકડી, ટીબલીટાટ, ઓશિકામાંથી રૂ કાઢી નાખીએ તો બચેલા ગાભા જેવા બોડીને જોઈને છોડીઓ ભાગી જાય છે, શું સમજ્યો ? તું છેને, એક કામ કર… બોડીપ્લસની તિકડિયું લેવા માંડ તુંયે…પછી જોજે થોડા દિવસમાં આખલા જેવો થઈ જઈશ. મારા જેવો..આટલા વરસેય ધારુંતો હાલ તારા માટે નવી કાકી લઈ આવું. બસ, એ મેરે જોડો કા દર્દ !” મુકાભાએ એમનો ઘૂંટણ પંપાળ્યો.

પાછું જોડો કા દર્દ ! નકૂલ મોઢું બગાડીને બોલ્યો, “ જુઓ મુ..કાકાકા આજે મારી એક દોસ્ત આવવાની છે ઘરે. એની આગળ જરા સરખી રીતે બિહેવ કરજો. દર વખતની જેમ બિચારીને ગભરાવીને ભગાડી ના દેતા. પેલી માધુરી…યાદ છે ? તે દિવસે આવેલી, એતો ગઈ તે ગઈ ! કેય મરી જાઉં તોય તારા ઘરમાં કદી પગ ના મેલું. પાછી મેસેજ પણ કેવો કરે, ‘ નહિરે…મેલું, તારા ફળિયામાં પગ નહિ મેલું ! બોલો !” નકુલે ગીત ગાઈને સંભળાવ્યું સાથે એક સ્ટેપ ગરબાનુંય કર્યું. એ માધુરીના વિચારોમાં ખોવાઈ ગયો.

“ તું એ માધુર્ય વિનાની માધુરીની વાતું મેલ…આજે કોણ આવવાની છે ? જરા ફોડ પાડીને વાત કર.” મુકાભાની આંખો ચમકી ઉઠી.

“ એકતા… નવી નવી જ આવી છે !” નીમલો જરા શરમાયો.

“ માર્કેટમાં ?”

“ ના… ડોહા મરાવશો કોક દી’ ! ઑફિસમાં ! ઑફિસમાં નવી આવી છે. એકતા શર્મા, એ સાંજે તમારી ખબર કાઢવા આવશે. ”

“ કેમ ? મને હું થયું ? ”

“ કંઈ નહિ. બસ, આ તમારું ‘મેરે જોડો કા દર્દ !’ એની. ”

કોઈ દરવાજો ખખડાવે છે. “ આવી ગઈ…” નકૂલ દોડ્યો દરવાજા તરફ.

“ આવને ! અંદર આવ !” નકૂલ એકતાને અંદર દોરી લાવ્યો, “ આ મારા મુ…કાકાકા છે. કાકીના ગયા પછી ગામમાં કોઈ ન હતું, એમને સાચવવા વાળું એટલે હું અહીં લઈ આવ્યો.”

“ વાહ..સરસ કામ કર્યું તે પણ… એક ભૂલ છે ?” એકતાએ મુ…કાકાકા તરફ ગૌરથી, ત્રાટક કરીને જોતા કહ્યુ.

મુકાભા સોફામાં આખું શરીર પાથરી, પથરાઈને પડ્યા હતાં તે સીધા થઈને બેઠા, ધોતિયાંનો છેડો સરખો કરી બે ટાંટિયા ભેગા કર્યા. એમને નવાઈ લાગી, આ વળી શું ભૂલ બતાવશે…! ક્યાંક એમને પાછા ગામડે તો નહીં મોકલાવી દે…!

“ ભૂલ..છે ! હહહ… શું ભૂલ છે એકતા ?” નકૂલે ખોટું હસીને પૂછ્યું.

“ એમના ધોતિયાના કલર સાથે બંડીનો કલર મેચ નથી થતો ! ઓફ વ્હાઈટ ધોતી હોય તો વ્હાઈટ બંડી હોવી જોઈએ. પણ, અહીં ઊંધું છે ! શું છેને કે મને મારી મમ્મી, દીદી, કાકી, માસી, ફઈ, કોઈ રહી ગયું ?” એકતા ઉપર છત પર જોતા થોડું વિચારીને આગળ બોલી,
“ એ બધા બહું ટોક ટોક કરે આમ મિસમેચ પહેરું તો. એટલે મનેય હવે બીજાને ટોકવાની ટેવ પડી ગઈ છે. સાચું કહું તો મને એમાં બહુ મજા આવે છે. સામેવાળો બહું વ્હેમ મારતો હોય, એના મનમાં ખોટી ખાંડ ખાતો હોય અને આપણે એની ભૂલ બતાવીએ એટલે બિચારો હક્કો બક્કો રહી જાય !” એકતા ખડખડાટ હસી પડી.

નકૂલ મનમાં જ ઉદાસ થઈ એકતાને સાથ આપવા હસી પડ્યો. એને થઈ ગયું કે અહીં સેટિંગ કરવામાં મોટો ખતરો છે ! માંડ માંડ કોઈ છોકરીને છેક ઘરે સુંધી લઈ આવ્યો તે આતો વાતે વાતે ટોકવાવાળી નીકળી ! આખી જિંદગી રોક ટોક જ કરે જાય તો કેમ ચાલે…! ઝીંદગી ઝેર જેવી થઈ જાય !

“ભ…ઇ જરા હરડેની ગોળી આપજે ને !” મુકાભાએ એમની બંડીમાં હાથ નાખી બગલ ખંજવાળતા કહ્યું. “ શું છે કે કાલે વડાપાઉં ખાધેલા…હજી પચ્યા નથી. ઉંમર થઈ હવે !” એ એકતા સામે જોઈને એમના માવો ખાઈ ખાઈને પીળા પડી ગયેલા દાંત બતાવતા હસ્યા.

“ છી…” એકતાએ મોઢું બગાડી અણગમો બતાવ્યો. નકુલ હરડે લઈ આવ્યો અને મુકાભાને આપી.

“ હવે જોજો કાકાના કડાકા ને ધડાકા.” મુકાભા બોલી રહ્યા કે તરત બોમ્બ ફૂટ્યો હોય એટલો મોટો અવાજ થયો.

એકતા એકદમ ગભરાઈ ગઈ. “ આ શું હતું ? શેનો અવાજ આવ્યો. ભૂકંપ આવ્યો ? પણ… એક ભૂલ છે !”

“ હવે શેની ભૂલ છે ?” નકૂલ કંટાળીને બોલ્યો.

“ તારો ફ્લેટ પાંચમા માળે છે ભૂકંપ આવે તો નીચે ભાગવામાં તકલીફ થાય. એમાંય આમનું જોડાનું દર્દ ! ” એકતાએ બોલતા બોલતા જ નાક દબાવી દીધું.
“ અરરર… આ સડેલો પાડો ઊલટી કરી ગયો હોય એવી વાસ ક્યાંથી આવે છે ? તારા ઘરમાં ઓડોનીલ નથી ? આ બહું મોટી ભૂલ છે !”

“ એ તો પહેલા ધડાકો થાય એમાં અવાજ જ આવે, એ ગંધ રહીત હોય. પણ, એના પછી જે સુરસુરિયા આવે એ તેજ ગંધ છોડે! ” મુકાભાએ બંડી ઊંચી કરી પેટ પર હાથ ફેરવ્યો. મોટા, ઊંધાવાળેલા માટલા જેવું એમનું ગોળમટોળ પેટ અને એની ઉપર રણપ્રદેશમાં ક્યાંક ક્યાંક ઉગી નીકળેલા ઘાસ જેવા કાળા કાળા વાંકળીયા વાળ ઉપર મુકાભા હાથ ફેરવી રહ્યા.

“ જો નકુલ આ…મોટી ભૂલ છે ! આ તારા કાકા હમણાં એમની બગલ ખંજવાળતા હતા અને અત્યારે એમનું પેટ દેખાડે છે…છી ! સામે એક સુંદર છોકરી બેઠી છે એટલું તો ધ્યાન રાખે.”

“ સુંદર છોકરી ? ક્યાં છે ? ” મુકાભાએ ચારે બાજુ નજર ફેરવી, “ બેન…હું મારી પોતાની બગલ ખંજવાળું એમાં તને શું વાંધો ? મેં કંઈ તને કહ્યું, ખંજવાળી આપ ! ”

“ નોનસેન્સ ! આ કેવી ભદ્દી વાતો કરે છે. નકુલ તું આમને કંઈ કહેતો કેમ નથી ?”

“ ચલ એ નોનસેન્સવાળી તું મારી ખબર પૂછવા આવી છે, કે ખબર લેવા ?”

“ હું તો ખબર પૂછવા જ આવેલી. ” એકતાએ એક સેકંડ આંખો બંધ કરી મગજ શાંત કર્યું, પછી ચહેરા પર સ્મિત ફરકાવી પૂછ્યું, “ કાકા… તમારી તબિયત કેવી છે ?”

“ સારી છે… સારી છે ..! તબિયત અને છોકરી બંને !” કાકાએ નકુલ અને એકતા બંને તરફ જોતા કહ્યું.“ શું છે કે થોડી શરદીની અસર છે. નાક પણ બંધ છે.” મુકાભાએ એકબાજુ થોડા ઊંચા થઈને ધડાકો કર્યો.

“ છી… છી…” એકતા નાક દબાવી દૂર ખસી ગઈ.

ત્રણ સીટવાળા સોફાની એકબાજુએ સિંગલ ખુરસી પર એકતા બેઠી હતી. એણે દુપટ્ટાથી એનું નાક ઢાંકી દીધું.

“ બહું વાસ આવે છે ? સોરી હો ! મારું તો બળ્યું નાક જ બંધ છે. ”

“ એકતા મે તારા માટે મેગી બનાવી છે. ચાલ લઈ આવું. મારી સ્પેશિયલ રેસિપી છે.” નકુલ વાત બદલવા બોલ્યો અને કિચનમાં જઈને મેગી લઈ આવ્યો. ત્રણે જણા માટે એક એક ડીશ હતી.

એકતા એની ડીશ લઈ ચમચી વડે મેગી ખાવા લાગી. મુકાભાએ પણ એમની ડીશ લીધી. ચમચી બાજુમાં મૂકી અને થોડા આગળ ટીપોય તરફ આવી એક હાથ વડે નૂડલ્સ ઉઠાવી ઊંચી કરી અને સીધી એમના મોઢામાં એની લટકતી સેરો ઝીલી લીધી. પછી આંગળા ચાટી ગયા. ફરીથી મુઠ્ઠી ભરીને નૂડલ્સ લીધી અને બુચકારા બોલાવતા, સિસકારા કરતા એને હોઠવાળીને અંદર મોઢામાં ખેંચવા લાગ્યા. આ વખતે એમણે આખી હથેળી ચાટી. ફરીથી…નૂડલ્સ લીધી…! એકતા ખાવાનું ભૂલી ગઈ, ભૂલ કાઢવાનુંય ભૂલી ગઈ અને મુકાભાને જ જોઈ રહી.

“ તું તારું ખાને. મારામાં શું જોઈ રહી છે !” મુકાભાએ એકતાની નજરથી અકળાઈને કહ્યું. બરોબર એજ વખતે એમના નાકમાં ખંજવાળ આવી. હ.હ.હ…આ…ક… છી…! મુકાભાએ છીંક ખાધી. એ છીંકની સાથે જ મોઢામાં ભરેલ નૂડલ્સના ટુકડા ઉડીને બહાર ચારે તરફ ફેલાયા… થોડાં છાંટા એકતા ઉપર પણ પડયા….

“ ઇયું…આ…” એકતા ચીસ પાડીને ઊભી થઈ ગઈ.
“ હવે એક પળ મારાથી અહીં નહિ રોકાવાય. છી… નકુલ તું સારો છોકરો છે પણ, આ…આ તારા કાકા ઉપરવાળાની મોટી ભૂલ છે. એમને જ્યારે ગામડે મૂકી આવે ત્યારે વાત કરજે.” એકતા ઊભી થઈ ગઈ. નકુલે એને રોકી નહીં.

“ ભ…ઇ મેં જાણીને નહતું કર્યું. થઈ ગયું. તું છોડીઓ જ એવી શોધી લાવે છે. પેલી માધુર્ય વગરની માધુરી એના બોલવામાં જરા મીઠાસ નહીં, પેલી ભૂમી.., આકાશમાં જ ઉડ્યા કરે ભૂમી પર ટકે જ નઈ, અને આ એકતા વગરની એકતા ! કોઈ સારી છોકરી હોય તો હું અબઘડી તારા લગન લેવડાવું !” મુકાભાની આંખોમાં લાચારી દેખાઈ આવી.

“ હશે કાકા. કંઈ વાંધો નહિ. આમેય એ મારા ટાઈપની ન હતી. ” નકુલ શાંતિથી બોલ્યો. એને યાદ હતું કે એના બાપુજીના અચાનક થયેલા અવસાન બાદ આ મુકાકાકાએ જ એની મમ્મીની મદદ કરેલી. ડગલેને પગલે મોટાભાઈ બની મમ્મીને સમાજના વરુઓ સામે રક્ષણ આપ્યું હતું. નકુલ એમનું એ અહેસાન ક્યારેય ભૂલી શકે એમ ન હતો. કાકા દિલના બુરા ન હતા બસ, રીતભાતનો ફરક હતો.

મુકાભાએ જોયું કે એકતા એનો દુપટ્ટો ભૂલી ગઈ હતી. એમણે એ ઉઠાવ્યો અને નકુલને આપતા હતા ત્યારેજ એમને ફરી છીંક આવી. દુપટ્ટો લઈને નકુલ ભાગ્યો નીચે. હજી એકતા નીચે પાર્કિગમાં જ હતી. નકુલને પાછળ આવેલો જોતા એ ખુશ થઇ.

“ મને હતું જ કે તું એ પાછળ આવીશ. તું ચિંતા ન કર હું તારી બધી ભૂલો સુધારી દઈશ. ” એકતા શરમાઈને નીચું જોઈ ગઈ.

“ હું તો આ દુપટ્ટો આપવા આવેલો. તું ભૂલી ગયેલી.” નકુલે દુપટ્ટો એની સામે ધર્યો. એકતાએ એક ઝાટકો મારી એ લઈ લીધો.

દુપટ્ટાનો લોચો વળી ગયો હતો એ ખોલીને એકતાએ એને બંને ખભા પર નાખ્યો. અચાનક એનું ધ્યાન ગયું તો એની છાતીના ભાગે દુપટ્ટા પર મોટો ગળફો ચોંટેલો હતો. એકતાએ ગુસ્સાથી કાળઝાળ થઈને બૂમ પાડી…“ આ…નકુલીયા આ શું છે ? પેલો ડોહો થુક્યો ?”

“ ના. એ તારી ભૂલ છે, એ થુંક્યા નહતા પણ છીંક્યા હતા !” નકુલ હસતો હસતો ચાલ્યો ગયો.

??????????????

લેખક : નિયતી કાપડિયા

દરરોજ આવી અનેક વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી