વ્હાઈટ ડવ પાર્ટ ૬ – શું સંકેત આપવા માંગતી હતી એ ચુડેલ કાવ્યાને? શું એ આગળ વધશે કે છોડીને જતી રહેશે…

જે પણ મિત્રોને પાર્ટ-૧, પાર્ટ-૨, પાર્ટ-૩, પાર્ટ-૪, પાર્ટ-૫ વાંચવાનો બાકી હોય તે જે તે પાર્ટ પર ક્લિક કરે.

વ્હાઈટ ડવ પ્રકરણ – ૬

ચૂડેલથી બચીને ભાગેલા કાવ્યા અને શશાંક હવેલીના દરવાજામાં પ્રવેશી ગયા ત્યારે કાવ્યા ડરની મારી શશાંકને બાજી પડી. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એટલે શશાંકના મોં ઉપર ફેંકાયેલું પેલું ગંદુ, લીલું પ્રવાહી તો ધોવાઇ ગયેલું પણ એની વાસ હજી આવતી હતી.

“બોવજ ગંદી સ્મેલ છે. તું નહાઈને જમવા આવજે.” કાવ્યાએ જાતેજ અળગા થઈ જતાં કહ્યું. એણે એનું નાક એક હાથ વડે પકડી રાખેલું.
બંને અંદર ગયા. માધવી બેન સવારના બંનેની ચિંતા કરતાં હતા. છતાં એમણે તરત બોલવાનું ટાળ્યું. એ લોકો ફ્રેશ થઈને નીચે જમવા આવ્યા કે તરત માધવીબેન બોલ્યા, “કંઇક વાસ આવે છે!”

“એ વાસ મારામાંથીજ આવે છે. બે વાર સાબુ લગાવીને નહાયો!” શશાંકે થોડું રમુજી ઢબે એનું મોઢું નમાવી પોતાનેજ સુંઘતા કહ્યું.
“હવે તમે લોકો મને કંઈ વાત કરશો? સવારના બંને જણાં શું કરી આવ્યા?”
“જી મોમ!” શશાંકે આજ સવારથી લઈને અત્યાર સુંધી ઘટેલી એક પછી એક દરેક વાત કહી. માધવીબેન જેમ જેમ વાત સાંભળતા ગયા તેમ તેમ એમની આંખોમાં ભય વધતો ગયો…

“હે મારા રામ! કાવ્યા તું ઠીક છેને બેટા?” ચિંતાથી વિહવળ થયેલા માધવીબેન આંસુ ભરી આંખે બોલી રહ્યા, “તું ચાલ, આપણે પાછા મુંબઈ જતા રહીએ. વ્હાઈટ ડવમાં જે થવાનું હશે એ થશે આપણે સામાન્ય માનવીઓ… આ ભૂત પ્રેત સાથે લડવાનું આપણું કામ નહિ!”
“હવે પાછા હટવું શક્ય નથી, મમ્મી! આ બધું અટકાવવાજ ભગવાને આપણને અહીં મોકલ્યા છે. ભૂત પ્રેત જો હોય તો એમની દુનિયામાં જઈને રહે એમનું મારા જીવનમાં કે વ્હાઈટ ડવમાં કોઈ કામ નથી. આ ભેદ શું છે એની જડ સુંધી મારે પહોંચવુંજ રહ્યું.”
“શશાંક તું તો આને સમજાવ. કેવી વાતો કરે છે!”

“સોરી! હું એમની સાથે છું! તમે લોકો અહીં આવ્યા એ પહેલાંનો હું અહીં આજ કામ માટે આવેલો છું. તમને કાવ્યાની ચિંતા થતી હોય તો તમે એને લઈને મુંબઈ પાછા ચાલ્યા જાવ હું મારું કામ ચાલું રાખીશ.”
“એ શું બોલ્યો શશાંક? ખતરો સામે આવતા મેદાન છોડીને ભાગી જવાવાળી હું નથી. આપણે સાથે મળીને બધું સમુ સુતરું પાર પાડી શું.
“કાવ્યા અને શશાંક બંનેની નજર એકબીજા સાથે મળી, એ નજરમાંથી એક લાગણી વહી રહી…કદાચ એજ પ્રેમ હશે!

જમ્યા પછી કાવ્યા એના રૂમમાં ગઈ. આખા દિવસની રઝળપાટ અને પેલી ચુડેલ પોતાને અડી હતી એ યાદ આવતાજ એણે નહાઈને કપડાં બદલવાનું વિચાર્યું. બાથટબમાં પાણી હૂંફાળું આવે એવી રીતે નળ સેટ કરી એણે એક પછી એક આવરણ દૂર કર્યું. બાથટબમાં બેસી એણે બંને હથેળીઓમાં શાવર જેલ લઈ સૌથી પહેલા ગરદન પર બરોબર મસાજ કરી, જાણે હજી ત્યાં પેલી ચૂડેલના અડવાના નિશાન રહી ગયા હોય.. એક પછી એક અંગ પર ફીણ વડે મસાજ કરી એ હૂંફાળા પાણીમાં થોડીવાર બેસી રહી. આજે જ કંઈ થયું હતું એનાજ વિચારો એ કરી રહી હતી. દિવસ ભરની થકાન અને ભયાનક અનુભવ બાદ પણ એ ખુશ હતી. શશાંક એની સાથે હતો એ વાતજ એને ખુશ કરી જતી હતી. શશાંકની યાદ આવતાજ એના ચહેરા પર એક સ્મિત રેલાઈ ગયું…


“શું થયું? એકલી એકલી હસે છે, મને નહી કહે!”
અવાજ સાંભળીને કાવ્યા ચમકી હતી. એણે આંખો ખોલી તો વધારે ચમકી ગઈ. એના ચહેરાની સાવ પાસેજ દિવ્યાનો ચહેરો હતો… એ પણ એની સાથે ટબમાં બેસેલી… એ આગળ આવી વાંકી વળી કાવ્યાનો ચહેરો જોતી હતી…

“તું અહીં! અત્યારે! “કાવ્યા ને શું બોલવું એ સુજ્યું નહીં. એ ખરેખર ગભરાઈ ગઈ હતી.
“હા… આપણે બંને આમ સાથે નહાતા હતા રોજ! કેટલી મજા પડતી હતી.” દિવ્યા થોડી પાછળ હટી અને ટબની સામેની બાજુએ જઈને કાવ્યાની જેમજ ટેકણ લઈને બેઠી.
કાવ્યાએ ફટોફટ પોતાના પર કાબૂ મેળવી લીધો. દિવ્યાજ એને કંઇક જણાવી શકે એમ હતી. એ હજી બાળકી હતી અને એણે ખૂબ શાંતિથી એની પાસે કામ લેવાનું હતું.
“હા, મને યાદછે!” કાવ્યાએ ખોટું કહ્યું. એના આ જૂઠથી દિવ્યા ખુશ થઈ. કાવ્યાએ જાળવીને બીજો સવાલ કર્યો,
“તું આખો દિવસ ક્યાં હતી? મને મળી કેમ નહિ? મને તારી કેટલી યાદ આવતી હતી.”
“હું તો અહીંયા જ હતી. ”
“આજે તું હોસ્પિટલ નહતી આવી!”


“ના. હું ક્યારેય ત્યાં નહીં આવું. પપ્પાએજ મને ત્યાંથી ભગાડી અને કહ્યું કે હું હવેલીમાં રહું. માતાજી મારી રક્ષા કરશે. મને હવેલીમાં થોડો ડર લાગતો હતો પણ તું અને મમ્મી અહીં આવી ગયા એટલે હવે વાંધો નથી.” દિવ્યા થોડા આવેશથી બોલી ગઈ.

પપ્પા શબ્દ સાંભળીને કાવ્યાને સારું લાગ્યું,. “પપ્પાએ ભગાડી! કેમ?”
“પેલો જ્યૉર્જ એમને એક બોટલમાં પૂરીને રાખતો હતો. એમને જરાય પસંદ નથી. પેલી માર્થા પણ. એ બંને મળીને પપ્પાને પરેશાન કરે છે. મને એ બધું યાદ નથી કરવું…” દિવ્યા રડમસ થઈ ગઈ.
એ ભેકડો તાણીને રડી પડે એ પહેલાં કાવ્યાએ વાત બદલી. દિવ્યા હજી બાળકી હતી અને એની સાથે સમજાવટથી કામ લેવાનું હતું .” તારું ટેડીબેર ક્યાં ગયું?”
“પેલું રહ્યું.” દિવ્યાના મોઢા પર સ્મિત આવી ગયું. એણે આંગળી લાંબી કરી સામેના કબાટમાં પડેલું ટેડી બતાવ્યું, “એ ભીનું ના થઈ જાય એટલે એને ત્યાં મૂક્યું છે. ”
“આ સરસ કર્યું. પપ્પાને મારી યાદ નથી આવતી? એ કેમ મને મળવા નથી આવતા?” કાવ્યાએ થોડું રોતલ અવાજે પૂછ્યું.
“પપ્પા મુસીબતમાં છે. એ એકલા આ બધા સાથે લડી રહ્યાં છે.”
“કોણ બધા?”
“જ્યૉર્જ, માર્થા, બીજા બધા કાળા કપડાં પહેરેલા માણસો… ના એ માણસો નથી એ રાક્ષસો છે. એ બધા માણસોને કાચા ખાય જાય છે, એમનું લોહી પીવે અને અને…” દિવ્યા ડરી રહી હતી. એની આંખો આગળ એ જે બોલતી હતી એ દૃશ્ય ભજવાઈ રહ્યું હશે કદાચ..


“ક્યાં છે એ બધા? તું મને એ જગ્યા બતાવ હું એ બધાને મારી નાખીશ. પપ્પાને પણ છોડાવી લાવીશ. પછી તારે કોઈનાથી નહી ડરવું પડે મારી બહેન.”

“તું સાચેજ એવું કરીશ?” દિવ્યાની આંખોમાં એક ચમક આવી ગઈ.
“હા, મારી વહાલી! તને યાદ છે ને નાનપણમાં જ્યારે પેલું જીવડું ઘરમાં આવી ગયેલું અને તું ડરી ગઈ હતી ત્યારે મેં તો એ જીવડાને મારેલું.”
“હા, મને યાદ છે! મારી બેન! તું ક્યાં હતી અત્યાર સુધી? કેમ આટલી મોડી આવી? હું ક્યારની તને બોલાવતી હતી…” દિવ્યા આગળ આવીને કાવ્યાને ભેંટી પડી. કાવ્યા માટે એનો સ્પર્શ બસ એક પવનનું લહેરિયું આવી ને અડીને જતું રહે એવો હતો. છતાં એણે પણ દિવ્યાને ખભે હાથ મૂક્યો. એ હાથ દિવ્યાના શરીરની અંદર જતો રહ્યો…
“એ જગ્યા ક્યાં છે? વ્હાઈટ ડવમાં?!”
“ના. દૂર…બહુ દૂર…! જંગલની વચ્ચે. મને ચોક્કસ ખબર નથી પણ પાંડવ ગુફાની આગળ એ જગ્યા આવે છે!” દિવ્યા ધીરેથી બહારની કળી. એનું આખું શરીર કોરુંજ હતું. એનું ફ્રોક પણ. પાણી એને પલાળીના શક્યું. એણે એનું ટેડીબેર લીધું અને બાથરૂમના દરવાજાની આર પાર નીકળી ગઈ. કાવ્યાએ બે વાર એને બૂમ પાડી પણ એ ના રોકાઈ. કાવ્યા ટબની બહાર આવી ભીના શરીર ઉપરજ એણે નાઇટી ચઢાવી અને એના રૂમની બહાર ભાગી. અચાનક કંઇક યાદ આવતા એ પાછી ફરી અને એનો મોબાઈલ લઈ પાછી ભાગી શશાંકના રૂમમાં. એના રૂમનું બારણું આડું જ કરેલું હતું. હળવો ધક્કો મારતાંજ ખુલી ગયું.

“અરે તારામાં કંઈ મેનર્સ જેવું છે કે નહીં… આમ કોઈના રૂમમાં ઘૂસી અવાય?” શશાંકે ફટોફટ એના ઉઘાડા સીના પર ટીશર્ટ પહેર્યું. કાવ્યાને સહેજ હસવું આવી ગયું. “મેં હાલ દિવ્યા સાથે વાત કરી.”


દિવ્યાએ એને જે જે કહેલું એ બધું એણે શશાંકને કહ્યું. “પાંડવ ગુફાની આસપાસ કશુંક રંધાઈ રહ્યું છે. મારા પપ્પા નિર્દોષ છે. એમનો કોઈ વાંક નથી. જ્યોર્જ, માર્થા અને આ ગુફાવાળા લોકોની રચેલી બધી માયાજાળ છે. આપણે પાંડવ ગુફા જવું પડશે. ”
“હમમ…જોઈએ કાલે પૂજારી એમના પત્રમાં શું કહે છે. એ કોઈ વાત કરવા જતા હતા અને અચાનક વાતાવરણ બદલાઈ ગયેલું મતલબ કોઈ એમને રોકવા માંગતું હતું. તારા ઉપર જાન લેવા હુમલો પણ થયો એ ચુડેલ તને ડરાવવા આવી હતી. તું એ લોકોના વિશે માહિતી ના મેળવે એટલે.” શશાંકે કહ્યું.
“સવાર સુધી રાહ જોવાની શી જરૂર છે. જો આનો ઉપયોગ કરીએ. “કાવ્યાએ એનો મોબાઈલ હલાવીને કહ્યું. “વાતો નહિ મેસેજ કરવાના. હું પુજારીજીને ટેક્સ્ટ કરી દઉં છું.”
શશાંક કંઈ કહેવા જતો હતો પણ એ પહેલા કાવ્યાએ પુજારીજીને ફોન લગાવી દીધો હતો. “હા, પુજારીજી હું કાવ્યા. તમે જે વાત કહેવાના હતા એ અહીં મોબાઈલમાં મેસેજ કરીને જણાવી દોતો, સવાર સુધી બીજું વિચારવાનો મોકો મળી રહે.”

પૂજારીજી એની વાત સાથે સહમત થયા. આમેય એ અત્યારે પત્ર લખવા જ બેસતાં હતા. થોડીકજ વારમાં એમનો મેસેજ આવ્યો.
“વલસાડ અને ડાંગ જિલ્લામાં ઘણા ઘીચ જંગલો આવેલા છે. ગુજરાતના છેવાડે આવેલો આ વિસ્તાર હજી એટલો વિકસિત નથી થયો. ત્યાં હજી ઘીચ જંગલો અને પર્વતીય વિસ્તાર આવેલા છે. ક્યાંક ક્યાંક એ ઘાટા જંગલોમાં કેટલાક અઘોર પંથી લોકો એ વષોથી એમનો અડ્ડો જમાવ્યો છે. એ લોકો માનવભક્ષી છે, ગમે તેવા જનાવરને એ લોકો કોઈજાતના ખચકાટ વગર ખાઈ શકે. ભૂત પ્રેત અને આત્મા વિશે એમનું જ્ઞાન ઘણું વધારે છે. માનવ વસવાટથી અલગ એમની જુદીજ દુનિયા છે એમ કહી શકાય.”


થોડી વાર રહી બીજો મેસેજ આવ્યો, “જ્યૉર્જ વિલ્સન આહવાના જંગલોમાં મરણતોલ માર ખાઈને પડ્યો હોય અને એ વખતે કોઈ અઘોરીએ એની મદદ કરી હોય એમ બની શકે. જે રીતે પેલા યુવાનનું મોત થયેલું એ જાણીને મને લાગે છે એ જરૂર અઘોરી શક્તિનોજ પરચો હતો.”
સામે કાવ્યાએ મેસેજ કર્યો, “એ લોકો ક્યાં મળે?”
“એમનું કોઈ ચોક્કસ સ્થાન મને ખબર નથી. એ લોકો કોઈને ના જણાવે. સાપુતારા, આહવા, વઘઈ આખા ડાંગ જિલ્લામાં કે એનાથી આગળ મહારાષ્ટ્રની સરહદમાં પણ ગમે ત્યાં એ લોકો હોઇ શકે.”

કાવ્યાને એનો ફોન ગરમ થતો હોય એમ લાગ્યું. એણે સામે મેસેજ કર્યો, “પાંડવ ગુફા”, હજી આ શબ્દ એણે ટાઈપજ કરેલો કે એનો ફોન એટલો બધો ગરમ થઇ ગયો કે એના હાથમાંથી નીચે પડી ગયો. કાવ્યાની હથેળી થોડી દાઝી હતી. ફોન પકડેલો એ ભાગ લાલચોળ થઈ ગયેલો. પણ એનું ધ્યાન એ તરફ જરાય ન હતું. એ એના ફોનની સ્ક્રીન જ જોઈ રહી હતી. પાંડવ ગુફા લખેલું એ લખાણ ધીરે ધીરે મોટું થયું, એ લખાણથી એ નામથી આખી ફોનની સ્ક્રીન ભરાઈ ગઈ. એનો રંગ બદલાઈ ગયો. કાળા અક્ષર ધીરે ધીરે લાલ થઈ ગયા…. એની આસ પાસથી ધુમાડો નીકળવા લાગ્યો… થોડીકજ સેકંડોમાં આખા ફોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને એ ફોન પીગળવા લાગ્યો. એકાદ મિનિટની અંદર એ ફોન આખો ઓગળી ગયો અને નીચે ફર્શ પર કાળું, લાલ પ્રવાહી પડેલું રહી ગયું. એ પ્રવાહી હજી ઉકળી રહ્યું હતું. એમાંથી પરપોટા થતાં હતાં અને ધુમાડો નીકળતો હતો… કાવ્યા જાણે ભાન ભુલી ગઈ હોય એમ એ પ્રવાહીને ધારી ધારીને જોઈ રહી હતી. અચાનક એ પ્રવાહીમાંથી છાંટા ઉડ્યા હતા… એજ વખતે શશાંકે કાવ્યાને પાછળ ધકેલી હતી અને પેલા પ્રવાહી પર પાણી ઢોળેલું. એક છાંટો કાવ્યાની નાઇટી પર પડેલો ત્યાં મોટું કાણું પડી ગયું હતું….

પોતાના ફોનને પીગળતો જોઈને કાવ્યા અવાચક થઈ ગઈ હતી. કાળા જાદુ વિશે એણે સાંભળ્યું હતું, વાંચ્યું હતું પણ નજરે આજ પહેલીવાર જોયું હતું.

“ઓહ ગોડ! હું તને એજ કહેવા જતો હતો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર બહું ભરોસો નહીં કરવો.” શશાંક કાવ્યાને સાંત્વના આપતાં બોલ્યો, “પાંડવ ગુફા જવાનું સહેલું નહિજ હોય. તું હવેલી પરજ રહેજે હું એકલો ત્યાં જઈ આવીશ.”
“કેમ?તને કોઈ વરદાન મળેલું છે, કે પછી એ અઘોરીઓ તારા કુંટુંબીજનો છે?” કાવ્યા ચીઢ કરીને બોલી.
“વરદાન તો નથી મળ્યું પણ ઘણી ચુડેલ સાથે પનારો પડ્યો છે એટલે હવે એની સાથે ડીલ કરવાની ફાવટ આવી ગઈ છે.” શશાંક હસી પડ્યો.
કાવ્યાએ એના બંને હાથ શશાંકને ગળે ભરાવી દીધા અને એની છાતી પર માથું ઢાળી ઊભી રહી. શશાંકના હાથ કાવ્યાની ફરતે વીંટળાઈ વળ્યા.
સવારે શશાંક હોસ્પિટલ ગયો ત્યારે એની રાહ જોતો ભરત ઠાકોર બહારજ ઊભો હતો એ બંનેની પહેલાં વાત થઇ ગઈ હતી. શશાંકે ગેટની બહારજ ગાડી ઊભી રાખી. ભરત દોડીને નજીક આવ્યો અને કૂદકો મારીને જીપની આગળની સીટમાં બેસી ગયો.

“કાલે રાતે સિસ્ટર માર્થા મોડે સુધી પેલી નવી આવેલી છોકરી શું નામ એનું ? હા…લીના પાસે બેઠી હતી. એ નક્કી કંઇક કરી રહી છે. બે દિવસ રહીને ચંદ્રગ્રહણ છે. આજ સુધી જ્યારે જ્યારે હોસ્પિટલમાં કોઈએ આત્મહત્યા કરી છે ગ્રહણની રાત્રેજ કરી છે. મને લાગે છે કે લીનાનો જીવ જોખમ માં છે.” ભરત એક ધારું બોલી ગયો.

“મને અંદાજો હતો જ. ફિકર નહીં. મેં લીનાના રૂમમાં ફ્લાવર વાઝમાં ફૂલોની વચ્ચે કેમેરો છુપાવીને ફીટ કર્યો છે એનું કનેક્શન હું તારા મોબાઈલમાં આપી દઉં છું. તું લીના પર નજર રાખજે પણ જોજે તારા પર કોઈને શંકા ન થાય. મારે આજે જ બહાર જવું પડશે. આ બધુ હંમેશા માટે ખતમ કરવાનો રસ્તો દેખાઈ રહ્યો છે. તું અહીં સંભાળી લેજે.”
“જી તમે એ વાતે બેફિકર રહો.” ભરતે એક ચાવી શશાંક સામે લટકાવી, “ડૉક્ટર રોયના રિસર્ચ રૂમની ચાવી છે. માર્થાએ એની પાસેજ રાખેલી. મેં એની જાણ બહાર ડુપ્લીકેટ ચાવી બનાવડાવી છે. તમને એ કામ લાગશે.”
“વાહ દોસ્ત! આ સરસ કામ કર્યું. ડૉક્ટર રોયની રીસર્ચ વિશે જાણીને ચોક્કસ કોઈ ફાયદો થશે.” ભરતે આપેલી ચાવી હાથમાં લઈને એને ખિસ્સામાં મુકતા શાશાંકે કહ્યું.

શશાંકે એના વોલેટમાથી બે હજારની પાંચ નોટ કાઢીને ભરતને આપી કહ્યું, “આ રાખ. તારા કામમાં આવશે.”
શશાંક ડૉક્ટર અવસ્થીને મળ્યો. ભરત ઠાકોરે કહેલી વાત કહી અને ચાવી પણ બતાવી.
“વાહ! આ રૂમમાં જવાની કોઈને પરમિશન નથી. મેં માર્થાને રીકવેસ્ટ કરી તો પણ એ ખડુસ નહતી માની. એમાંથી કોઈને કોઈ આપણાં કામની વાત જરૂર જાણવા મળશે. ડૉક્ટર રોય બ્રિલિયંટ માણસ હતો. એ હાથે કરીને કોઈની હત્યા કરે એવાત હું નથી માનતો. એમના રીસર્ચના પેપર્સ અહીં મળી રહેશે તો તો મજા આવી જશે.” ડૉક્ટર અવસ્થી તાળી પાડીને બોલી ઉઠ્યા.
“હમમ.. બી કેરફૂલ ડૉક્ટર! માર્થાને તમારી ઉપર જરાય શંકા ન જવી જોઈએ.”

“આજકાલ એ લીના સાથે વધારે સમય ગાળે છે. એ છોકરીની હાલત હાલ તો સારી છે હવે,”
“એ છોકરી લીનાજ એનો નવો શિકાર છે ડૉક્ટર!” શશાંકે ડોક્ટરને બોલતા અટકાવી વચમાંજ કહ્યું.
“વોટ? પણ એ કેમ?” ડૉક્ટર અવસ્થીની આંખો પહોળી થઇ ગઈ.
“મેં ભરતને વાત કરી છે. એ લીના પર નજર રાખશે. તમારે માર્થાને કોઈ બીજા કામમાં બીઝી રાખવા પ્રયત્ન કરવો પડશે. એને લીના પાસે જવું હશે તો એ ચીઢ કરશે. ગમે તેમ કરીને એ લીના પાસે જવાના રસ્તા શોધશે અને એ વખતે તમને આ ચાવી વાપરવાનો મોકો મળી રહેશે.” શશાંકે રિસર્ચ રુમની ચાવી ડોક્ટરને આપી.

“ગુડ આઈડિયા! માર્થાને હું સંભાળી લઈશ. એ બાબતે તું બેફિકર રહેજે. આમેય એ કયા સમયે ક્યાં હોય એની મને બરાબર ખબર છે. ચાવી મળીગઈ તો હવે ડૉક્ટર રોયના રિસર્ચ રૂમ સુંધી પહોંચવાનું આસાન છે. પણ તું ક્યાં જવાનો છે?” આકાશ અવસ્થીએ પૂછ્યું.
“હું જ્યાં જવાનો છું એ જગાનું નામ હાલ અહીં નહિ લઈ શકું. મારી સાથે કાવ્યા પણ આવવાની છે.” શશાંકે ડૉ.આકાશને સમજાવી દીધું અને એ નીકળી ગયો.

અહીં કાવ્યા પુજારીજી પાસે આવી હતી. એમની સાથે કાલ રાતની ઘટના ચર્ચી. પુજારીએ કહ્યું કે પાંડવ ગુફાની આસપાસ પર્વતીય વિસ્તાર છે. એમાં ઘણી જગાએ છુપી ગુફાઓ હોઈ શકે છે. એ જગ્યાએ ધોળે દિવસેય અંધારું હોય છે. ઘીચ ઝાડી અને જંગલી જાનવરોનો ખતરો પણ ખરો. એજ વખતે શશાંક ત્યાં પહોંચી ગયો.
“પુજારીજી જમીને બપોરે એક વાગે અમે લોકો અહીંથી પાંડવ ગુફા જવા નીકળી જઈશું. જો વહેલા પહોંચીએ તો થોડી તપાસ કરીશું ત્યાં નહીંતર રાત સાપુતારામાં રોકાઈ વહેલી સવારેજ આ અઘોરીઓની તપાસ કરવા નીકળી જઈશું. તમને એ લોકો વિશે કોઈ માહિતી ખરી?” શશાંકે એનો પ્લાન જણાવ્યો.

“માફ કરજો. એ વિશે મને વધારે ખયાલ નથી. હા, અઘોરીઓ જેટલા આપણે ધારીએ છીએ એટલા ખરાબ પણ નથી હોતા. એ લોકોની રહેણી કરણી અને ખાન પાન આપણને પસંદ આવે એવું નથી હોતું. એટલેજ એ લોકો દૂર જંગલોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. આપણી દુનિયાથી અલગ એમની આગવી દુનિયામાં જ એ લોકો મસ્ત હોય છે. એ એમની સાધનામાં લીન હોય. જ્યાં સુંધી એમને તમે વતાવો નહિ એ કોઈ નુકશાન નથી કરતા. ઘણીવાર મદદરૂપ પણ થાય છે. એટલે પ્રયત્ન કરવો કે એ લોકો સામેથી મદદ કરે. એમના કામમાં બાધારૂપ ન બનાય એ જોજો. પાંડવ ગુફાથી આગળ કપાલીનું સામ્રાજ્ય છે. એ એક રહસ્યમય અઘોરી છે. મને પૂરો શક છે કે આમાં એનો જ હાથ હશે. એ ખૂબ વિદ્વાન છે. કેટલીય સિધ્ધિઓ અને તંત્રમંત્રનો જાણકાર. કાલે કાવ્યાબેનનો ફોન જે રીતે ઓગળી ગયો એ સાંભળીને મને યાદ આવ્યું. એની પાસેજ આ સિદ્ધિ છે. દૂર રહે એ કોઈપણ વસ્તુને ગરમ કરી એનો નાશ કરી શકે છે!”


“એની પાસે ભલે ને ગમે તેવી શક્તિઓ હોય આખરે એ છે તો, એક માણસજ ને? એને પોલીસ પાસે પકડાવી દઈશું.” કાવ્યાએ કહ્યું.
“પોલીસ પાસે…” પુજારીજી હસી પડ્યા, “પોલીસ શરીરને પકડે, આત્માનું શું કરી શકે? કાપાલીને આજ સુધીમેં જોયો નથી. જેણે એને જોયો હોય એમાનું કોઈ અત્યારે જીવિત નથી. નહિ નહિ તોય એ ત્રણસો વરસનો હશે!”
“ત્રણસો વરસ!” કાવ્યા ચોંકી ઉઠી.
“એનાથી વધારે હોય શકે, ઓછાતો નહિ જ!”

“અમારે નીકળવું પડશે. જેટલાં વહેલા પહોંચી શકીએ એટલું સારું.” શશાંકે કહ્યું. પુજારીએ બંનેને આશીર્વાદ આપ્યા અને એમની યાત્રા અને કામ હેમખેમ પાર પડે એ માટે માતાજીને પ્રાર્થના કરી.
હવેલીએ આવીને જમીને એ લોકો, શશાંક અને કાવ્યા નીકળી ગયા. પ્રભુએ શશાંકે કહ્યું એ બધી વસ્તુઓ એણે ગાડીમાં ગોઠવી દીધી હતી. માધવીબેન ની જરાય ઈચ્છા ન હતી છતાં એમને કાવ્યાને મોકલવી પડી. એ આ બંનેજણાં પાછા આવે ત્યાં સુધી અખંડ દીવો પ્રગટાવી જાપ કરવાના હતાં. કાળા પેન્ટ અને ગુલાબી ટી શર્ટ ઉપર કાવ્યાએ કાળું લેધર જેકેટ પહેરેલું. શશાંકના કહેવાથીજ એણે સ્પોર્ટ્સ શૂઝ અને આખી બાયની ટી શર્ટ પહેરી હતી જેથી જંગલના મચ્છર અને બીજાં જીવડાથી થોડા ઘણે અંશે બચી શકાય!. શશાંકે જાડું લીલા કલરનું પેન્ટ અને આછા બદામી રંગની આખી બાયની ટીશર્ટ પહેરી હતી. એની સાથે એની ખભે ભરાવી શકાય એવી જાડા કપડાંની બેગ પણ ખભે ભરાવેલી હતી. માતાજીને પગે લાગી બંને નીકળી ગયા હતા…!

વઘઇ લખેલું પાટિયું આવ્યું ત્યારે સાત વાગવામાં હજી પંદર મિનિટ બાકી હતી. હવે અહીંથી આગળનો રસ્તો પર્વતીય વિસ્તારમાંથી પસાર કરવાનો હતો. શશાંક નેવિગેશન ચાલું રાખી રસ્તો જોતો હતો. અહીં સુધી બધું બરોબર હતું. હવે નેટવર્ક જતું રહ્યું. અંધારું થવા લાગ્યું હતું. અજાણ્યાં પહાડી વિસ્તારમાં રસ્તો જોયા વિના શશાંક ગાડી ચલાવી રહ્યો હતો.


“આપણે ભૂલા પડી ગયા?” કાવ્યાએ ધીરેથી પૂછ્યું.
“ના પર્વતીય વિસ્તારમાં એક વાત હંમેશા યાદ રાખવાની…તમારે ઉપર જવું છે કે નીચે! અહીં કદાચ રસ્તો લાંબો પડે કે કોઈ વખત ખરાબ રસ્તો મળી જાય પણ છેલ્લે ઉપર પહોંચી જઈએ એટલે કોઈ જાણીતું હિલ સ્ટેશન મળીજ જાય. આપણે ઉપર જઈ રહ્યા છીએ કંઈ નહિ તો સાપુતારાતો પહોંચીજ જઈશું.”

“આજો…!” કાવ્યાએ એક પાટીયું જોઈને કહ્યું. “આહવા ચાર કિલોમીટર અને આ બાજુ જઈએ તો સાપુતારા, કેટલા કિલોમીટર લખ્યું છે? સરખું દેખાતું નથી.”
“આપણી મંજીલ આ તરફ છે. જો તને ડર ના લાગતો હોય તો એ બાજુ એક ચક્કર મારીને પછી સાપુતારા જઈએ.” શશાંકે આહવા તરફ હાથ કરીને કહ્યું, “ચાલ…” કાવ્યાના શરીરમાંથી એક આછી ધ્રુજારી પસાર થઈ ગઈ. એ હસી પડી. આહવા તરફ આગળ જતાંજ સારો રસ્તો પૂરો થઈ થોડો ઊબડ ખાબડ રસ્તો ચાલુ થયો. એક બાજુ પર્વતની ધાર અને બીજી બાજુ જંગલ દેખાતું તો કેટલીક વાર રસ્તાની બંને બાજુ ઘીચ ઝાડી આવી જતી. નાના ઝરણાં અચાનક ક્યાંકથી ફૂટી નીકળતા એનો અવાજ અત્યારે રાતના સન્નાટામાં ડરામણો લાગતો હતો. આખી પૃથ્વી પર અત્યારે જાણે બેજ માનવી હાજર હતા. જે અહીં આ જંગલ વચ્ચે થી ગાડીમાં પસાર થઈ રહ્યા હતા. એમના સિવાય બીજું કોઈ માણસ ક્યાંય નજરે ચઢતું ન હતું.
“શશાંક એક બાજુ ગાડી ઊભી રાખને મારે કંઇક પીવું પડશે.” કાવ્યાએ કોફી ભરેલો થર્મોસ બતાવી કહ્યું.

શશાંકે એક બાજુએ ઝરણાનું પાણી ભરાઈને ગોળ તળાવ જેવી જગ્યા બની હતી ત્યાં કિનારા પર ગાડી થોભાવી. ચારે બાજુ ઘોર અંધકાર હતો. આજે સુદ તેરશ હોવા છતાં ચંદ્રનું અજવાળું અહીં ન હતું પહોંચતું. નિરવ શાંતિમાં પોતાનો અવાજ પણ ભય પમાડે એવો લાગતો હતો. કાવ્યાએ બે કપમાં કોફી રેડી. એક એણે લીધો અને બીજો શશાંકને આપ્યો. શશાંકે એક પેકેટ બિસ્કિટનું ખોલ્યું અને બંને એમાંથી ખાવા લાગ્યા.
“આ ઝીણો અવાજ શેનો છે. પાણીના અવાજની સાથે નથી સંભળાતો!” કાવ્યાએ કંઇક વિચિત્ર અવાજ તરફ કાન માંડીને પૂછ્યું.
“એ જંગલના જીવડાઓનો છે. હજી રાત આગળ વધશે એમ એ અવાજ વધતો જશે.”

કાવ્યા ચારે બાજુ જોઈ રહી. દૂર પહાડ પરથી વહીઆવતું ઝરણું, નાનકડું તળાવ, ઘીચ જંગલ અને સાથે શશાંક…! તળાવની ચારે બાજુ જંગલી ફૂલો ખીલેલા હતા. એની કંઇક અજીબ પણ મસ્ત વાસ વાતાવરણને મહેકાવતી હતી. બહેકાવતી હતી! એ શશાંકની પાસે જઈ ઊભી રહી. એક ગોળ પથ્થર પર પગ ટેકવી એ સીધી ઉભી રહેવા ગઈ પણ એનું બેલેન્સ ગયું અને એ લથડિયું ખાઈ ગઈ. બરોબર એજ વખતે શશાંકે એનો હાથ પકડી એને પડતી બચાવી લીધી. એ હાથે કરીને વધારે આગળ આવી અને શશાંક ઉપર એનું શરીર ઢાળી દીધું. શશાંકે પણ પોતાના બંને હાથે એની કમર પર ભરડો લઈ એને એક ચુસ્ત આલિંગન આપ્યું. “આઇ લવ યુ!” કાવ્યા ધીરેથી બબડી. “લવ યુ ટુ!” શશાંકે સામે જવાબ આપ્યો અને બંનેએ એક બીજાની આંખોમાં જોયું. પ્રેમની સરવાણી ફૂટી નીકળી હોય એમ ચારે આંખોમાંથી નર્યો પ્રેમ, હેત નીતરી રહ્યું હતું. શાશાંકે પોતાનો હાથ કાવ્યાની કમરેથી હટાવીને એના માથા પાછળ મુક્યો અને માથું થોડું પાછળની તરફ નમાવ્યું. હવે કાવ્ય અને શશાંકના હોઠ એકબીજાની સામે અને વધારે નજીક આવ્યાં. કાવ્યાના હોઠ અચાનક જ ધ્રુજવા લાગ્યા, કિસ કરતાં પહેલાની એ રોમાંચક ક્ષણો, જ્યારે ખબર નથી હોતી કેઆવનારી પળે કિસ કરાશે કે નહિ! એકમેકને તાકી રહેલી અને એકબીજામાં ભળી ગયેલી આંખોની જાણે હોઠોને ઈર્ષ્યા આવતી હોય અને એ બંને પણ એક થઇ જવા તરસી રહ્યા હોય! આખરે શશાંક આગળ વધ્યો અને કાવ્યાના હોઠ પર એક દિર્ઘ ચુંબન કર્યું. કાવ્યા પણએ ગરમ હોઠોના સ્પર્શથી મદહોશ બની શશાંકના હોઠ ચૂસવા લાગી. કેટલીક પળો એમજ વહી ગઈ. પછી બંને અળગાં થયા. થવું પડ્યું!

“મારે બાથરૂમ જવું પડશે. તું અહીંજ ઊભી રહે હું હાલ આવ્યો.” આટલું કહીને શશાંક ઘીચ ઝાડીમાં થોડે આગળ ગયો.
“બહુ દૂર ના જતો.” કાવ્યાએ કહ્યું. એની નજર શશાંક તરફજ હતી. શશાંક એક ઝાડની પાછળ ગયો ત્યારે કાવ્યા સહેજ હસીને નીચે એક પથ્થર પર બેસી. એણે એનો એક બુટ નીકાળ્યો અને પગ તળાવમાં ડૂબાડ્યો. પાણી ખૂબ ઠંડું હતું. કાવ્યાને સારું લાગ્યું. આખા દિવસના બૂટમાં જકડાયેલા પગને ઘણી રાહત મળી. એણે બીજો બુટ નીકાળવા પગ આગળ લીધો ત્યારેજ એને કંઇક અવાજ સંભળાયો. કોઈ કૂતરાના ઘુરકવા જેવો. એણે નજર ઉઠાવી સામે જોયું…

જે તરફ શશાંક ગયો હતો એ જ તરફથી એક વિશાળ કાળો કૂતરો આવી રહ્યો હતો. એની ધીમી પણ મક્કમ ચાલ કાવ્યા તરફજ ડગલાં ભરી રહી હતી. એની લાંબી જીભ મોંની બહાર લબડતી હતી, એના તીક્ષ્ણ દાંત અંધારામાં પણ ચમકી રહ્યા હતા. એ ખાસો ઊંચો અને તગડો હતો. સૌથી બિહામણી હતી એની બે પીળી ચમકતી આંખો! નાની બત્તી ચાલું કરી હોય એમ એની બે તગતગતી આંખો કાવ્યાની પાસે ને પાસે આવી રહી હતી. એના મોં માંથી કંઇક ધીમો ઘૂર્રાવાનો અવાજ આવતો હતો. કાવ્યા કંઈ સમજે, વિચારે ત્યાં સુધીમાં તો એ સાવ પાસે આવી ગયેલો. કાવ્યાએ પાછળ નજર કરી હતી હજી શશાંક ક્યાંય દેખાતો ન હતો. એ આવે તો પણ કૂતરો એની અને કાવ્યાની વચ્ચે હતો. કાવ્યા પાસે એકજ રસ્તો બચતો હતો. એણે એની બાજુમાં પડેલો બુટ ઉઠાવી પેલા કૂતરાના મોં પર છૂટો ફેંકયો અને સામેની દિશામાં ભાગી… એની પાછળ પેલો કૂતરો પણ જોરથી ભસીને ભાગ્યો. એના મોઢાં પર બૂટ વાગ્યો હતો અને એ ગિન્નાયો હતો…

કાવ્યા ચીસો પાડતી દોડી રહી હતી. આગળ એક પાતળી પગદંડી જતી હતી એના ઉપર એ મુઠ્ઠીઓ વાળીને દોડી રહી હતી…અચાનક એક વિશાળ ઝાડ નીચે આવીને એ અટકી હતી. એની પાછળ ભસીને આવી રહેલો કુતરો અહીં આવતાજ એની મેળે શાંત થઈ ગયો હતો. કાવ્યા ઊભી રહી અને પાછળ નજર કરી. પેલો કૂતરો એ કૂતરો ન હતો એક વરું હતું. એ જમીન પર બેસી આકાશ સામે જોઇ ને, વ્હું…વ્હુ…, અવાજ કરી રહ્યો હતો. એ પછી એ ઊભુ થઈને ભાગી ગયું. કવ્યાને હાશ થઈ. એણે ફરી પેલા વિશાળ ઝાડ તરફ નજર નાખી. એની આંખો ફાટી ગઈ. એના આખા શરીરમાંથી ભયની ધ્રુજારી પસાર થઈ ગઈ. એના પગ જમીનમાં ખોડાઈ ગયા. એનું દિલ ધડકવાનું ભૂલી ગયું…એને થયું કે એ જોરજોરથી ચીખે, ચીલ્લાવે પણ એના ગળામાંથી અવાજ જ ના નીકળ્યો… એ લગભગ નીચે પડીજ જાતજો એજ સમયે શશાંકે આવીને એને પકડી ન લીધી હોત.

“અરે યાર આ બાજુ ક્યાં ભાગી આવી? મે કેટલી બૂમો પાડી તને, “શશાંક બોલી રહ્યો હતો પણ કાવ્યા હજી ઝાડ તરફ આંખો ફાડીને જોઈ રહી હતી. હવે શશાંકની નજર ત્યાં ગઈ.


વિશાળ ઝાડ પર સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ઓ લટકી રહી હતી… એ સ્ત્રીઓ હતી કે આત્માઓ કે ભૂત પ્રેત! જે કંઈ પણ હતી ખૂબજ ડરાવની હતી… એમાંની ઘણી હવે આંખો ખોલીને આ લોકો સામે જોઈ રહી હતી. એક હસી રહી હતી. એક કોઈ ગીત ગાઈ રહી હતી. ઝાડમાંથી ચળાઈને આવતી ચાંદની રોશનીમાં એ ભૂતડીઓના સફેદ કપડાં અને વાળ ચમકી રહ્યા હતા..

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

દરરોજ આ નવલકથાનો આગળનો પાર્ટ વાંચો રોજ રાત્રે ૧૦:૧૦ વાગે ફક્ત અમારા પેજ પર – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી