વ્હાઈટ ડવ પાર્ટ ૧ – શું છે એ મેન્ટલ હોસ્પિટલનું રહસ્ય, કેમ અચાનક એક પછી એક આત્મહત્યા થવા લાગી હતી ત્યાં…

દરેક વાચક મિત્રોનું સ્વાગત છે, આજથી અમે શરુ કરી રહ્યા છે એક અદ્ભુત નવલકથા જેમાં છેસસ્પેન્સ,થ્રીલર, પ્રેમ, અને બીજું ઘણુબધું આશા છે આપને ગમશે… દરરોજ આ વાર્તાનો આગળનો પાર્ટ વાંચો આ જ સમયે આ જ પેજ પર.

વ્હાઈટ ડવ પ્રકરણ – ૧

કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચા તો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવેલા નાનકડાં બગીચામાં એક લટાર મારી. ઘણી વખત છાપુ અહી પડેલું મળી જતું. આજે છાપુતોના મળ્યું, પણ એને ઘરમાં પાછા દાખલ થતાં દરવાજા પાછળ એક કવર પડેલું દેખાયું. એ કદાચ કાલે આવ્યું હશે અને કોઈનું એની પર ધ્યાન નહિ ગયું હોય.

કાવ્યાએ કવર ઉઠાવી લીધું અને ટેબલ પાસે આવીને બેઠી. ચા ઠંડી થઇ ગઇ હતી. એણે એક સાથે બધી ચા ગળા નીચે ઉતારી દીધી. હોઠના ખૂણા એના નાઈટડ્રેસની બાય વડે લૂછતાં એણે ફરીથી પેલું કવર ઉઠાવ્યું. એની પરનું નામ વાંચતાજ એના હાથ એક પળ માટે ધ્રુજી ગયા… એણે ધીરા અવાજ સાથે એ કવર પર લખેલું નામ વાંચ્યું, “વ્હાઈટ ડવ!”

“શું કહ્યું..? શું બોલી તું?” કાવ્યાની મમ્મી રસોડામાંથી સીધી બહાર ડાયનિંગ રૂમમાં ધસી આવતા બોલી. એની આંખોમાં ભય સાફ સાફ દેખાતો હતો. એણે કાવ્યાના હાથ માંથી એ કવર જાપટ મારીને લઈ લીધું. એની ઉપરના નામ તરફ નજર નાખી તરતજ એ કવર એક બાજુથી કંઇક બેરહેમીથી ફાડી નાખ્યું અને એમાંના કાગળિયાં બહાર કાઢ્યા.
એ કવરમાં એક કાગળ હતો જે એ લોકોને કહી રહ્યો હતો કે, વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ હવે એના માલિક એટલેકે કાવ્યા રોયની રાહ જુએ છે. કાવ્યાના પિતાજી ડૉ. આઈ.એમ.રોયએ હોસ્પિટલ કાવ્યાને નામે કરી ગયા હતા. જે કાવ્યા એકવીસ વરસની થાય ત્યાં સુધી ટ્રસ્ટને હવાલે હતી. હવે, એના એકવીસ વરસ પૂરાં થતાં એ આ હોસ્પિટલની એકમાત્ર વારસ હતી.

“કાવ્યા આપણે ત્યાં નથી જવું! એ હોસ્પિટલેજ આપણી જિંદગી બરબાદ કરી હતી આજથી વરશો પહેલા, હવે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન નથી કરવું.” માધવી બેનની આંખો ભરાઈ આવી.
“આ તું શું કહે છે મમ્મી? મારી તો કંઈ સમજમાં નથી આવતું! ભલા એક હોસ્પિટલ આપણને કેવી રીતે બરબાદ કરી શકે?” કાવ્યાને એની મમ્મીનું વર્તન સમજાયું નહિ.

“હું બરોબર કહું છું. જ્યારથી તારા ડેડીએ હોસ્પિટલ સાથે જોડાયા,એ બદલાઈ ગયા હતા!. એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયેલો. જાણે એ, એ વ્યક્તિજ નહતા રહ્યા જેની સાથે મે લગ્ન કરેલા.” માધવી બેનની આંખોમાં અત્યારે પણ ભય સાફ સાફ દેખાતો હતો. જાણે એ હાલ એ હોસ્પિટલમાં પહોંચી ગયા હોય.

“મમ્મી મેં તને હજાર વાર પૂછ્યું છે મારા ડેડી વિશે, મારી બેન વિશે પણ તું હંમેશા ચૂપજ રહી છે. અત્યારે આપણી જે હાલત છે એ જોતા આ ઓફર તો લોટરી લાગ્યા સમાન છે. આ ઘર શીવાયની આપણી પાસેની દરેક ચીજ વેચાઈ ચૂકી છે મમ્મી. મારી કોલેજ પૂરી થઈ ગઈ પણ ક્યાંય હજી નોકરીનું ઠેકાણું પડતું નથી. જો મારા પપ્પા મારા માટે એક આખી હોસ્પિટલ છોડી ગયા હોય તો એને હું કેમ ન સ્વીકારૂ?” રૂપિયાના અભાવમાં અત્યાર સુધી જીવેલી કાવ્યા આ ઓફર જોઈને ખુશ થઈ ગયેલી કે ચલો હવે ગરીબીથી પિંછો છૂટ્યો પણ, મમ્મીને કંઇક જુદોજ રાગ આલાપતી જોઈ એનાથી આવેશમાં બોલી જવાયું. એણે હતું કે મમ્મી પણ સામે જોરદાર દલીલો કરશે, પરંતુ એને આશ્ચર્ય થયું એની મમ્મી હજી ચૂપચાપજ ઊભી હતી. એ કદાચ હજી એનો ભૂતકાળ યાદ કરી રહી હતી.
“મમ્મી…! તું મને ખુલીને કંઈ વાત કરે તો મને ખબર પડે ને? તું કોઈ વાજબી કારણ આપ તો હું તારી વાત માની જાઉં.” મમ્મીને ઉદાસ જોઈને કાવ્યા થોડી ઢીલી પડી.

“વ્હાઈટ ડવ એ હોસ્પિટલ નહીં મોતનો દરવાજો છે!” માધવી બેનની આંખો ભરાઈ આવી હતી એ તરફ જરાય ધ્યાન આપ્યા વિના એ બોલી રહી, “હું અને તારા ડેડી કેટલા ખુશ હતા એક બીજા સાથે મુંબઈમાં. તમે બંને જુડવા બહેનો જન્મી પછીતો અમે બંને હવામાં ઉડતા હતા. કેટલા પ્યારથી એમણે તમારા બંનેનું નામ રાખેલું દિવ્યા અને કાવ્યા! દિવ્યા તારા કરતાં બે મિનિટ વહેલા જન્મી હતી એટલે એ મોટી અને તું નાની! જ્યારે તમે બંને બહેનો ચાર વરસની થઇ ત્યારે તારા દાદાએ અમને ગામ બોલાવેલા. વલસાડ જિલ્લાના એ નાનકડા ગામમાં આપણી હવેલી છે.

તારા દાદા પાસે ત્યાંની ઘણી જમીનોની માલિકી હતી. એમણે વલસાડની નજીકમાં સસ્તા ભાવે મોટી જમીનનો સોદો પાર પાડેલો. લોકો કહેતા કે સાવ મફતના ભાવે એમને એ જમીન મળેલી. એ જગાએ એમણે તારા ડેડી માટે હોસ્પિટલ ઊભી કરાવી હતી. તારા ડેડીએ માનવીના મગજ પર ભારે સંશોધન કરેલું. મનોરોગ ચિકિત્સા પદ્ધતિમાં દર્દીને ફક્ત દવા અને સમજાવટથી સાજા કરવામાં આવે છે એમાં એમણે નાનકડું ઓપરેશન કરીને દર્દીના મગજ પર સીધું કામ કરીને ઘણા ગાંડા માણસોને ઠીક કરી શકાય એવું સાબિત કરેલું. અલબત્ત બધા ડૉક્ટર એમની વાત સાથે સહમત ન હતા. એમાં દર્દીના જીવનું જોખમ પણ રહે તું. એ વાતે જ મુંબઈમાં એમના સિનિયર ડૉક્ટર સાથે એમને થોડી ચડભડ થઈ ગયેલી. તારા દાદાની ઑફર વિશે જાણી એમને આનંદ થયેલો. એમણે વિચારેલું કે ત્યાં એ એમનું કામ નિરાંતે કરી શકશે અને એક દિવસ દુનિયાને દેખાડી દેશે કે એ સાચા છે…. મગજની આંટી ઘૂંટી ઉકેલી એ દુનિયાના મહાન વૈજ્ઞાનિક બની જશે!”

માધવી બેને આંખમાંથી સરી ગયેલ આંસુ લૂછી કહ્યું, “અમે લોકો પછી વલસાડ રહેવા જતા રહેલા. તારા દાદા એમના પરિવારને શહેર છોડી ગામડે આવેલા જોઈને ખૂબ ખુશ હતા. એમને પોતાની બુદ્ધિ પર ગર્વ થતો હતો. પણ એમને ક્યાં ખબર હતી કે આ ખુશી થોડા દિવસોની મહેમાન હતી. બહું જલદી એ રિસાઈ જવાની હતી. હંમેશા માટે…!”
“એવું તો શું થયું ત્યાં?” કાવ્યા વચમાં બોલી.

“એ હોસ્પિટલની પહેલી મુલાકાત મને આજેય યાદ છે. એના ઉદઘાટન પર ગુજરાતના આરોગ્ય મંત્રીને ખાસ આમંત્રણ આપીને બોલાવેલા. આખા ગુજરાતમાં માનસિક રોગીઓ માટેની આ સૌથી મોટામાં મોટી અને સુવિધાઓથી ભરપૂર હોસ્પિટલ હતી. તારા ડેડીએ જે જે કહ્યું એ બધું તારા દાદાએ એ હોસ્પિટલમાં વસાવી આપેલું. આમેય એ એમનું એકનું એક સંતાન હતા. એ દિવસે મંત્રીજીએ રીબીન કાપી અને પછી સૈાથી પહેલા માતાજી આગળ દીપક પ્રગટાવેલો. કોઈ અગમ્ય કારણસર એ તરતજ હોલવાઈ ગયેલો. મહારાજે તરતજ ફરીથી દીપ જલાવ્યો તો પાછો હોલવાઈ ગયો. આ એક અપશુકન હતા. પણ, તારા ડેડીને એ બધામાં વિશ્વાસ ન હતો. પવન વધારે છે એટલે અહીં દીપક નહીં ટકે એમ કહી તેઓ આગળ વધી ગયેલા. ખરેખરતો એ માતાજીનો એક સંકેત હતો. ત્યાંથીજ પાછા વળી જવાનો..!”

“હોસ્પિટલ ચાલું થઈ ગઈ. થોડા દિવસ બધું હેમખેમ ચાલ્યું. પછી ધીરે ધીરે તારા ડેડી હોસ્પિટલમાં અને હોસ્પિટલમાંજ આખો દિવસ રહેવા લાગયાં. મેં ફરિયાદ કરી તો એકદમ ગુસ્સે થઈ ગયા. મને કહે, હું ત્યાં કામ કરવા જાઉ છું! પાર્ટી કરવા નથી જતો. ગુસ્સો ઠંડો પડ્યા પછી એમણે મારી માફી માંગેલી. એમણે કહેલું કે ખબર નહીં કેમ પણ,જ્યારે એ હોસ્પિટલમાં હોય ત્યારે એમના મગજ ઉપર એમનોજ કાબૂ નથી હોતો! જાણે કોઈના દોરવાયા એ બધું કરી રહ્યા હોય! પછીતો એમનું રાત્રે ઘરે આવવાનું પણ બંધ થઈ ગયું. હું કંઈપણ કહું તો એ ગુસ્સો કરતા. મને વાતે વાતે ઉતારી પાડતા. પછીથી એ વ્હાઈટ ડવ હોસ્પિટલમાં એક ગાંડી સ્ત્રીએ આત્મહત્યા કરેલી. પોલિસ આવેલી અને તપાસ ચાલેલી. કંઈ સાબિત ન થયું. એ ગાંડી હતી અને એણે ગાંડપણ કર્યું.

હું એકવાર રાત્રે મોડે સુધી તારા ડેડી ઘરે ના આવતા તમને બંને બહેનોને સુવડાવી હોસ્પિટલ ગઈ હતી. ત્યાં અંધારી લોબીમાં મને એક ઓળો દેખાયે લો. સફેદ સાડી પહેરેલી કોઇ સ્ત્રી જમીનથી બે ફૂટ અધ્ધર ઊડી રહી હતી..! હું સખત ડરી ગયેલી. એ સ્ત્રી મારી પાસે આવેલી અને મારી સામે ઊભી રહેલી. એ સ્ત્રી એજ હતી જેણે આત્મહત્યા કરેલી…! હું એને મળી હતી, એક વાર. છાપામાં એનો ફોટો પણ જોયેલો. હું ચક્કર ખાઈને પડી ગયેલી. જ્યારે હોશ આવ્યો ત્યારે તારા ડેડી મારી બાજુમાં હતા. મેં એમને બધી વાત કરી તો એ હસી પડ્યા અને મારી વાત મજાકમાં ઉડાવી દીધી. એજ વખતે તારા દાદાનું અવસાન થયેલુ. ઘરમાં હવે હું અને તમે બે બહેનોજ રહેતા. તારા ડેડીને મે ઘણું સમજાવ્યા કે થોડો સમય પરિવારનેય આપો પણ એ ગુસ્સોજ કરતા રહ્યા. પછી બીજી એક યુવતીએ આત્મહત્યા કરી. તપાસમાં કંઈ ન મળ્યું. હોસ્પિટલની એક નર્સે આવીને મને કહ્યું કે, સાહેબ કંઇક ખોટું કરી રહ્યા છે. બે છોકરીઓએ આત્મહત્યા નહતી કરી….એમના મોત પાછળ સાહેબનો હાથ છે. એ નર્સ આપણા ગામનીજ દીકરી હતી અને તારા દાદાએ એને ભણવા અને નોકરી અપાવવામાં મદદ કરેલી એટલે એણે આ વાત પોલીસને બદલે મને આવીને કરેલી.”
“એની વાત સાંભળી મને સખત આઘાત લાગેલો. એ સાંજે મેં તારા ડેડીને ઘરે બોલાવેલા એમણે આવતાવેંત મારી સાથે ઝગડો ચાલું કરેલો. મેં પણ મગજ પરનો કાબુ ગુમાવી સામે ગુસ્સો કરેલો. છેલ્લે નર્સે કરેલી વાત એમને કરતા એમણે મને એક તમાચો માર્યો અને કહ્યું કે જો મને એમના ઉપર ભરોસો ના હોય તો હું ઘર છોડીને જઇ શકું છું.”

“એ રાત મેં રડીને પસાર કરેલી. બીજે દિવસે છાપામાં સમાચાર હતા, વ્હાઈટ ડવની એક નર્સનું એક્સિડન્ટ! કોઈ મોટું વાહન એને રોડ ઉપર કચડીને જતું રહેલું. મને વિશ્વાસ થઈ ગયો કે આ તારા ડેડીએજ કર્યું કે કરાવ્યું. હું પાછી હોસ્પિટલ ગઈ. ત્યારે બપોર હતી. ત્યારેજ પણ મને લિફ્ટમાં મારા સિવાય કોઈ બીજુ પણ હોય એવો ભાસ થયો. એ દિવસે એ મને ત્યાં આવેલી જોતા બરોબરના ગુસ્સે થયા હતા. મને એમણે હંમેશા માટે એમની જિંદગીમાંથી ચાલ્યા જવાનું કહી દીધું. હું ખૂબ રોઈ, માફી માંગી પણ એ એકના બે ના થયા. ઘરે આવી મેં મારો સામાન પેક કર્યો અને તમને બંને બહેનોને લઇને હું નીકળવા જતી હતી કે ડૉક્ટર પાછા ઘરે આવેલા. મને એમ કે એમને પસ્તાવો થયો હશે. એ મને રોકશે. પણ, ના. એમણે મારી પાસેથી તારી મોટી બેન દિવ્યાને લઈ લીધી.

એમણે કહ્યું કે બંને દીકરીઓ હું એકલી નહીં લઇ જઇ શકું. દિવ્યા અને કાવ્યા એમનીય દીકરી છે એટલે એમાની એક એમની સાથે રહેશે. મને એ વખતે એટલો આઘાત લાગેલો કે હું કંઈ નક્કી કરી શકવાની હાલતમાંજ ન હતી. હું તને મારી સાથે લઈને નીકળી ગઈ અને મુંબઇના ઘરે આવી ગઈ. મને હતું કે એમનો ગુસ્સો ઠંડો થશે એટલે એ મને પાછી બોલાવી લેશે પણ, એ દિવસ કદી ના આવ્યો. એ ઘટનાને પાંચ વરસ થવા આવ્યા હશે અને મને ખબર મળેલી કે દિવ્યા આ દુનિયામાં નથી. કોઈ બિમારીથી એનું મોત થયેલું. મને તારા ડેડી પર નફરત થઈ આવી. મેં મનોમન નક્કી કર્યું કે તને હું મારી મહેનતથી ઉછેરીશ એમની પાસે કદી હાથ નહિ ફેલાવું. તારા મામાની મદદથી મને અહીં મુંબઈમાં નોકરી મળી ગયેલી. ગરીબીમાં સહી પણ મેં મારી દીકરીને સ્વાભિમાનથી ઉછેરી છે. હવે તને તારી વારસાઈ મિલકત જોઈતી હોય તો તું ત્યાં જઈ શકે છે પણ મારાથી હવે એ ઘરે પગ નહીં મુકાય!”

“હું તારી પીડા સમજુ છું મમ્મી. આ બધું જાણ્યા પછી મારી ત્યાં જવાની ઇરછા ઔર વધી ગઈ છે, રૂપિયા માટે નહીં પરંતુ એ હોસ્પિટલમાં ચાલી શું રહ્યું છે એ જાણવા માટે! મારી બહેનની સાથે શું થયું કોણ એની જીંદગીનું દુશ્મન બન્યું એ જાણ્યા વગર મને ચેન નહીં પડે…”
“એક દીકરીને તો ગુમાવી ચૂકી છું હવે તને ત્યાં મોકલતા જીવ નથી ચાલતો.”

“તો તું પણ ચાલ મારી સાથે. વ્હાઈટ ડવમાં મેં મારી બેન, મારા ડેડી ખોયા છે એનું રહસ્ય જાણ્યા વગર મને ચેન નથી પડવાનું…” કાવ્યા
આટલું કહીને અંદર જતી રહી. વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલનું પાટિયું એને ઘણીવાર સપનામાં દેખાતું એટલેજ કવર પર આ નામ જોતા એ ચોંકી હતી….

કાવ્યાએ એના મામાને મળીને બધી વાત કરી. સવારે એને મળેલા કવર અને પછી મમ્મીએ કહેલી બધી વાતની એના મામા નીતિરાજ ભાઇ સાથે ચર્ચા કરીને છેલ્લેએ લોકો વલસાડ જવા તૈયાર થયા. નીતિરાજભાઇને હાલ ઑફિસમાં જરૂરી કામ હોવાથી રજા મળે એમ ન હતું પણ, જેવી રજા મંજુર થશે એવા તરત એ પણ ત્યાં ચક્કર મારી જશે એમ નક્કી કરીને મા દીકરી માટે એમણે મુંબઈથી વલસાડ સુધીની ટેક્સી બુક કરાવી દીધી. બીજે દિવસે સવારેજ એ લોકોએ નીકળવાનું નક્કી કરેલું.

કાવ્યાને એ આખી રાત ઊંઘ ન આવી. એક જૂની થઈ ગયેલી ઇમારત અને એના ઉપર લખેલું, “વ્હાઈટ ડવ : મેન્ટલ અસાયલમ” એ ચિત્ર એની આંખ આગળથી ખસતુંજ ન હતું. એ વિચારી રહી… હોસ્પિટલનું જે દૃશ્ય એને સપનામાં દેખાતું હતું એ એક જર્જરિત હોસ્પિટલ હતી.

બાળપણનીજે ધૂંધળી યાદો એના માનસપટ પર છવાયેલી હતી એમાં એ હોસ્પિટલ નવી નકોર હતી. નવો જ કલર કરેલી, સફેદ અક્ષરથી એના પર લખેલું વ્હાઈટ ડવ એને ઝાંખું ઝાંખું યાદ આવ્યું. તો સપનામાં એને એ હોસ્પિટલ કેમ દેખાતી હશે? જૂની પુરાણી કેમ? નવી ઇમારત કેમ નહિ? શું સાચુકલી ત્યાં કોઈ આત્મા ભટકતી હશે? જો હા, તો કોની આત્મા? એની મમ્મીએ જે આત્માનો સાયો જોયેલો એ એક પાગલ સ્ત્રીની આત્મા હતી. જો એણે એ હોસ્પિટલમાં જ આત્મહત્યા કરેલી, તો એને આત્મહત્યા કરવા મજબૂર કોણે કરી? એના સિવાય કોઈ બીજી આત્મા પણ ત્યાં હાજર હશે? કે પછી પપ્પાએ એ પાગલ સ્ત્રીની ભૂલથી હત્યા કરી દીધી હોય અને એમનો ગુનો છુપાવવા એને આત્મહત્યાનું નામ આપ્યું હોય! કાવ્યાનું દિમાગ ચકરાઈ ગયું આ બધા વિચારોમાં… અચાનક એને એની જુડવા બહેન દિવ્યા યાદ આવી ગઈ. પાંચેક વરસની એ હશે અને હંમેશા માટે બંને છૂટી પડી ગયેલી… દિવ્યા! કાવ્યાને થોડું થોડું બાળપણ યાદ આવી રહ્યું હતું. એને શું થયું હશે?

સવારે કાવ્યા અને એની મમ્મીને લેવા ટેક્સી આવી ગયેલી. મુંબઇના ટ્રાફિકથી બચવા એ લોકો વહેલી સવારે નીકળી ગયેલા. હવાને ચીરતી એમની ઇનોવા રોડ પરથી પાણીના રેલાની જેમ સરકી રહી…. વચ્ચે ફક્ત બે વાર એ લોકો જમવા અને ચા-નાસ્તા માટે રોકાયેલા છતાં વલસાડ આવતા સાંજ પડી ગઈ હતી. એમનું ગામ હજી વલસાડથી થોડું આગળ હતું. ગાડી આગળ વધી રહી હતી.

ઑક્ટોબર શરુ થઇ ગયો હતો. દિવસ જલદી પૂરો થવા લાગ્યો હતો. એમાંય વલસાડ છોડીને આગળ જતાં ઘીચ ઝાડીઓ વચ્ચે વધારે ઝડપથી અંધકાર એનું સામ્રાજ્ય જમાવી રહ્યો હતો. મા દીકરી બંને ચૂપ હતા. મનમાં ઢગલો સવાલ હતા પણ એનો જવાબ તો એ જગાએ જઈને જ મળશે એ બંને જાણતા હતા, એટલેજ ચૂપ હતા.

આંબાવાડીની અંદર થઈ હવે આગળનો રસ્તો હતો. અહીં ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયેલો. ગાડીની હેડ લાઈટ સિવાય બીજે ક્યાંય કોઈ પ્રકાશ ન હતો. કાવ્યાની નજર બારી બહાર એમની સાથેજ વિરુદ્ધ દિશામાં દોડી રહેલા આંબાના વિશાળ ઝાડ પર હતી. અંધારામાં એ વિશાળ, ચારે બાજુ એની ડાળીઓ ફેલાવીને ઉભેલા ઝાડ ઘણાં ડરાવના લાગતાં હતાં… દુરથી દેખાતા એક ઝાડ પરથી એક ઘુવડ કાવ્યાની સામેને સામે તાકીને જોઈ રહ્યું હતું. એની બે મોટી મોટી આંખો નાની નાની બે બલ્બની ગોળીઓની જેમ ચમકી રહી હતી. જેમ જેમ એ ઝાડ પાસે આવતું ગયું એ ઘુવડની આંખોની ચમક વધતીજ ગઈ. એ હજી જાણે કાવ્યાનેજ જોઈ રહ્યું હતું. કાવ્યા થોડી ડરી ગઈ… એણે નજર બીજી બાજુ વાળી લીધી.

“ખ…ચા….ક…” કંઇક અચાનક આવીને કાવ્યા બેઠી હતી એ બાજુની બારીએ અથડાયું. નાછૂટકે કાવ્યાએ એ તરફ નજર ગુમાવી. એની આંખો પહોળી થઈ ગઈ… પેલું ઘુવડ એની જગાએથી ઉડીને કાવ્યાની બારીના કાચ પર એની ચાંચથી પ્રહાર કરી રહ્યું હતુ. “ખ…ચા…ક..” , “ખ…ચા..ક..” એ વારંવાર પ્રહાર કરી રહ્યું. એની આંખોની ચમક હવે બે સળગતા અંગારા જેવી દેખાઈ રહી. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. એનું આ તરફ ધ્યાનજ ન હતું. માધવીબેનની આંખ મળી ગઈ હતી. કાવ્યા ગભરાઈ રહી હતી ત્યાંજ કાચ તૂટવાના તીણા અવાજ સાથે પેલા જંગલી ઘુવડે બારીનો કાચ તોડી અંદર આવવા પ્રયાસ કર્યો! એ સીધું કાવ્યાના મોઢા પર ધસી આવ્યું. એની પાંખો પર તૂટેલા કાચની કરચો વાગી હતી. એપણ ઘાયલ થયેલું હતું છતાં એણે કાવ્યા પર હુમલો કર્યો. બેહાથો વડે કાવ્યાએ એ જંગલી પંખીને પકડી લીધું અને જાણે એને ચીરી નાંખવાની હોય એમ આવેશથી એની બંને પાંખો પકડી ખેંચી રહી. એના મોઢામાંથી “મમ્મી…બચાવ…મમ્મી…” એવા અવાજો નીકળી રહ્યા હતા. પેલું ઘુવડ હજી એની પૂરી તાકાત લગાવી કાવ્યાના મોઢા પર ચાંચ મારવાનો પ્રયત્ન કરી રહ્યું હતું….

એક જોરદાર જટકા સાથે ડ્રાઈવરે ગાડી થોભાવી.
કાવ્યાની મમ્મીએ પૂછ્યું, “શું થયું? ગાડી કેમ ઊભી રાખી?”
આ જટકાથી એક ફાયદો થયો. કાવ્યા જાગી ગઈ. એણે પણ એજ સવાલ પૂછ્યો જે એની મમ્મીએ પૂછ્યો હતો. એ ગભરાયેલી હતી. એસીની ઠંડકમાય એના શરીરે પરશેવો વળી ગયેલો. એની આંખો હજી બારી બહાર પેલા ઘુવડને તલાશી રહી. બહાર કંઈજ નહતું. એની તરફનો બારીનો કાચ પણ સલામત હતો. તો શું એ સપનું હતું? કાવ્યાની ધડકન હજી તેજ હતી.
માધવી બેન એમની સાઇડનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા હતા. બે પળ શાંતિથી બેસીને કાવ્યા પણ નીચે ઉતરી.
“તું સુઇ જા બેટા. પંકચર પડ્યું છે. ડ્રાઈવર વ્હીલ બદલી રહ્યો છે. પાંચેક મિનિટતો લાગશે જ..” માધવી બેને કહ્યું.

કાવ્યા કંઈ બોલી નહીં. એની આંખો ચાર બાજુ ઊભેલા આંબાના ઝાડની ડાળીઓને જોઈ રહી. એને હતું કે હમણાં કયાંકથી પેલું ઘુવડ ધસી આવી એના પર હુમલો કરશે…
રાતના સાત વાગીને દસ મિનિટ ઉપર ઘડિયાળનો કાંટો આવ્યો ત્યારે ઇનોવા એમની હવેલી આગળ ઊભી રહી હતી. ગાડીમાંથી નીચે પગ મૂકતાજ કાવ્યાને સામે ઊભેલી એમની વડવાઓની હવેલી દેખાઈ. ગામડામાં રાત વહેલી પડી જાય એ આજે કાવ્યાએ જોયું. મુંબઇના પ્રમાણમાં અહીં થોડી ઠંડી હતી. બહું વધારે નહીં પણ મજા પડે એવી ઠંડી.

ઘરનો વરસો જૂનો નોકર, રસોયો કે ચોકિયાત જે ઘણો એ એકનો એક પ્રભુ હતો. એ ત્રીસેક વરસનો હશે. પહેલા એના બાપા અને એમના પછી એ, આ હવેલીની દેખ રેખ રાખતો હતો. એણે દોડતા આવીને સામાન લેવા માંડ્યો. માધવીબેનને બે હાથ જોડી પ્રણામ કર્યા અને કાવ્યાને કેમ છો બેન એમ પૂછ્યું. બધા અંદર ગયા. રસોઈ તૈયાર હતી. માધવીએ પહેલાજ ફોન કરી દીધો હતો. ડ્રાઈવર જમીને તરત નીકળી ગયો. માધવીબેન અને કાવ્યા થાકયા હતા એ લોકો એ ફ્રેશ થઈને પછી જમીશું એમ કહ્યું. પ્રભુ એ બીજે માળે આવેલા બેબેડરૂમનો દરવાજો ખોલી સફાઈ કરાવી રાખી હતી.

એક રૂમમાં માધવીબેન અને બીજા રૂમમાં કાવ્યા દાખલ થયા. કાવ્યાને આ હવેલી જોઈ કોઈ અદભુત રોમાંચ થઈ રહ્યો હતો. આવી હવેલી એણે આજ સુંધી ફક્ત ફિલ્મોમાં જોઈ હતી. એ પોતે આ હવેલીની માલકણ છે એ વિચારજ એને ખુશ કરવા કાફી હતો. આખી જિંદગી મુંબઇના બે બેડરૂમ, હોલ, કિચનમાં વિતાવ્યા બાદ આ હવેલીની મુલાકાત…. એના માટે એક સપના સમાન હતી.

કાવ્યાએ જઈને બાથરૂમની મુલાકાત લીધી. ગોળ આકારનું મોટું બાથટબ, શાવર, બાથરૂમમાં જ એક બાજુ ગ્લાસથી પાર્ટીશન કરીને ડ્રેસિંગ ટેબલ જેવી વ્યવસ્થા કરેલી હતી. ત્યાં એક કબાટ પણ હતું. કબાટમાં હાલ બે જોડી ટુવાલજ મૂકેલા હતા. કાવ્યાને બાથટબમાં પાણી ભરી નહાવાની ઈચ્છા થઈ આવી પણ, એણે પોતાની જાતને રોકી. એ બાથરૂમ, એ બાથ ટબ હવે એનુ જ હતું. હવે રોજ એ વાપરી શકાય. હાલ, એણે વોશ બેસિન આગળ જઈ ચહેરા પર પાણીની છાલક મારી. પાણી ઠંડું હતું એને સારું લાગ્યું. બીજી થોડી છાલકો મારી કાવ્યા એ ટુવાલ વડે ભીનો ચહેરો લૂછ્યો. પાણીના રેલા એના ગળા પરથી સરકીને નીચે એના સીના સુધી દોડી ગયા હતા. એણે શર્ટના બે બટન ખોલીને ખુલ્લા થયેલા ભાગ પર ટોવેલ દબાવી પાણી લૂછયું. સ્કર્ટમાં ખોસેલું શર્ટ બહાર નીકાળ્યું અને શર્ટની અંદર હાથ નાખી એની છાતી પર ચોંટીગયેલી બ્રાની પટ્ટી ખેંચીને સરખી કરી.

આ વખતે એની નજર સામેના આદમ કદના અરીસા પર હતી. એનું ચુસ્ત, ઘાટીલું શરીર જોઈને એ પોતેજ પોતાના પર મોહી પડી. એની બ્રાની પટ્ટીના એક ખૂણે એને કંઇક ચોંટેલું દેખાયું. કંઇક કાળું, વાળના ગુચ્છા જેવું. એણે ખેંચીને એ વસ્તુ બહાર કાઢી. હાથમાં લઈ એને પ્રકાશમાં જોતાજ એ પગથી માથા સુધી ધ્રુજી ગઈ.
એ એક પીંછુ હતું. બિલકુલ એવુંજ પીંછું જેવા પેલા ઘુવડના શરીર પર હતા. એણે ફટોફટ શર્ટના બટન બંધ કર્યા અને ભાગીને એના મમ્મીનાં રૂમમાં ગઈ.
“મમ્મી…મમ્મી….આજો!” ધ્રુજતા ધ્રુજતા એણે પેલું પીંછું માધવીબેન આગળ ધર્યું, “આને મેં સપનામાં જોયેલું, ત્યાં ગાડીમાં એ અત્યારે અહીં કઈ રીતે આવી ગયું?”

“શું..? શું સપનામાં જોયેલું અને અત્યારે અહીં આવી ગયું?” હાલ નાહીને આવેલા માધવીબેને એમના વાળ સરખા કરતા પૂછ્યું.
“આ…મારા હાથમાંનું પીંછું…..” પીંછું બોલતા, બોલતાજ કાવ્યા ચૂપ થઈ ગઈ. એના હાથમાં અત્યારે કંઈજ ન હતું. એક ભયનું લખલખું એના શરીરમાંથી પસાર થઇ ગયું. એ કંઇક બોલવા ગઈ પણ એના હોઠ ફક્ત ફફડીને રહી ગયા, અવાજ ના આવ્યો.
“મને તો હતું કે મારી દીકરી બઉં બહાદુર છે, હૈં?” માધવીબેને કાવ્યાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, “તને કોઈ વહેમ થયો હશે. નવી જગ્યા છે અને તું સવારની થાકી હોય એટલે થાય એવું.”
“તારા દાદા યાદ છે તને?”
“થોડીક, ત્રણેક ઘટનાઓ યાદ છે જેમાં દાદા હોય.” કાવ્યા એ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા કહ્યું.

“એ ખૂબ ભલા માણસ હતા. આ હવેલી એમણે બંધાવેલી, એમની મહેનતથી. આ ઘરની એક એક ઈટ એમણે જાતે ગોઠવી છે એમ કહું તો જરીકે અતિશયોક્તિ નથી. કેટલાય લોકોની મદદ કરી છે એમણે. એમની આ હવેલી મંદિર સમાન છે. એ હોસ્પિટલમાં શું ગરબડ થઈ ગઈ એમને ખબર નથી પણ આ હવેલીમાં મેં મારી જાતને હંમેશા મહેફૂજ પામી છે, સુરક્ષિત જોઈ છે. નીચે મંદિર છે, આપણી કુળદેવીનું એમના રહેતા આ ઘરમાં કોઈ બુરી શક્તિ પ્રવેશીજ ના શકે! કાલે સવારે આપણે ત્યાં પૂજા કરીને પછીજ આગળ વધશું.”
કાવ્યાએ ડોકું ધુણાવી હા પાડી. એ એની હિંમત ટકાવી રાખવા માંગતી હતી. જે કંઈ એની સાથે થયું એ એનો ભ્રમ હશે એમ એ જાતને મનાવતી રહી…

જ્યારથી વ્હાઈટ ડવ, મેન્ટલ હોસ્પિટલનું નામ સાંભળ્યું હતું ત્યારના માધવીબેન અંદરથી ફફડી રહ્યા હતા. અત્યારે કાવ્યા જેવી બહાદુર, મુંબઈ જેવા શહેરમાં એકલી ઉછરેલી છોકરીને ગભરાયેલી જોતા એ એને હિંમત આપી રહ્યા પણ કાલે જ્યારે એ વ્હાઈટ ડવમાં પગ મૂકશે ત્યારે શું થશે એ વિચારી વિચારીને એ પોતેય પરેશાન હતા.
રાતના જમીને મા-દીકરીએ પ્રભુને પૂછ્યું હતું, “તમારા સાહેબ ક્યાં રહે છે?”

“સાહેબ?” પ્રભુનો હસમુખો ચહેરો ઉતરી ગયો, “સાહેબ તો ગાયબ થઈ ગયા છે. અચાનકજ કોઈ કોઈને એ ક્યાંક દેખાઈ જાય છે. એ કોઈ હુકમ કરવાજ આવે છે પછી ચાલ્યા જાય છે. થોડાં દિવસ પહેલાંજ સાહેબ અહીં આવેલા. હવેલીની બહાર હું બગીચામાં ક્યારામાં પાણી નાખી રહ્યો હતો ત્યારે એમણે ત્યાં અચાનકજ એમણે આવીને મને કહેલું, ‘પ્રભુ લે આ ચાવીઓ તારી પાસે રાખ. સંભાળીને રાખજે તારા માધવીબેન અને કાવ્યા આવી રહ્યા છે એમને આ ચાવીઓ આપી દેજે…ઘરની સાફસફાઈ કરાવી દેજે અને કંઇ ખૂટતું કરતું લાવી રાખજે.’ હું એમને જોઇજ રહ્યો’તોને એ સડસડાટ ચાલતા બહાર નીકળી ગયા. મને થયું કે એ અહી રોકાશે કે કેમ એવું પૂછી લીધું હોત તો સારું. હું ભાગ્યો અને દરવાજાની બહાર જઈને જોયું તો ત્યાં કોઈ ન હતું. દૂર દૂર સુધી રસ્તો સૂમસામ! મને થયું જાણે સાહેબ હવામાં ઓગળી ગયા!” એણે ટેબલ પર પડેલા વાસણ ઉઠાવતા કહ્યું, “બહું રાત થઈ ગઈ છે તમેલોકો થાક્યા હશો સૂઈ જાવ!”

છેલ્લું વાક્ય એના મોઢામાંથી, એનાજ અવાજે નીકળેલું છતાં એ વાક્ય જાણે એ પોતે નહતો બોલ્યો…. કોઈએ એની પાસે બોલાવડાવ્યું હોય એમ મા-દીકરી બંનેએ મહેસૂસ કર્યું. દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. જીવડાની હાજરી પુરાવતો, ઝીણો ઝીણો અવાજ કાનમાં વાગતો હતો. એ બંને આજે એકજ રૂમમાં સાથે, એક બીજાનો હાથ પકડીને સૂઈ ગયા.

ક્રમશઃ

લેખક : નિયતી કાપડિયા

આગળનો પાર્ટ આવતીકાલે આ જ સમયે આ જ પેજ પર, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી