રામાપીરનો ઘોડો ભાગ ૧ – ગામડાની છોકરી જે પોતાની મહેનત અને લગનથી જીતે છે દુનિયા…

રામાપીરનો ઘોડો

પ્રકરણ : ૧

જયાબેન આહીરની ગાડી આજે ભુજના રોડ પર એકદમ ધીમી ગતીએ જઈ રહી હતી. ડ્રાઈવરને ખાસ સુચનાઅપાઈ હતી, રોડ પર ગાડીને ધીરેથી લેવાની. રોડની એક બાજુએ આલીશાન, હવેલી જેવા બંગલાઓ વરસોથી ઊભા હતા. થોડી સમયની ધુળ એમના પર જરુર ચડી હતી પણ હજી એમની ભવ્યતા એવીને એવીજ હતી! જયાબેનની નજર કશુંક શોધી રહી હતી. વરસો બાદ આ શહેરમાં આજે ફરી પગ મુકતા ચારે બાજુથી ભૂતકાળની ભૂતાવળો એમને ઘેરી વળી હતી… સ્મૃતિપટ પર દરેક દ્રશ્ય હજી જેમના તેમ છપાયેલા હતાં, જાણે હજી ગઈકાલની જ વાત હોય! ક્યાં કશું બદલાયું હતું? જયાબેનનું મન પ્રશ્ન પૂછી રહ્યું અને એ જાતે જ જવાબ પણ આપી રહ્યું, સંજોગ બદલાયા છે, ફક્ત!રાતોરાત જે શહેરમાંથી ભાગવું પડ્યું હતું ત્યાં આજે ઠાઠથી પ્રવેશ કરી રહી છું !
“ઊભી રાખજો” અચાનક જયાબેને બૂમ પાડી, ડ્રાઈવરે તરત જ બ્રેક પર પગ દબાવ્યો. “થોડી પાછી લો. બસ, બસ અહિં ઊભી રાખો.”

એક બંગલા આગળ આવીને ગાડી ઊભી રહી. જયાબેન નીચે ઉતરીને એ બંગલાનેએકીટસે જોઈ રહ્યા. બેઠાઘાટનો બે માળનો બંગલો હતો. બંગલાનીઈમારતનીવચોવચ, બીજા માળે, મોટી ગોળ આકારની બારી હતી. એ મોટા બાકોરાને આરપાર દેખી શકાય એવા કાચથી બંધ કરેલું હતું. એ કાચની આરપાર હાલ અહીંથી કંઈ દેખાતું ન હતું.
એ કાચની બારીની પેલે પાર કશુંક હતું, જે જયાબેનને છેક વાપીથી અહિં સુધી ખેંચી લાવેલું. શું હતું એ? જયાબેન એમનો ભુતકાળ યાદ કરી રહ્યાં… એ દિવસ જ્યારે એમણે પહેલીવાર આ બંગલાનેજોયેલો…! એ દિવસને તેઓ અત્યારે ફરી નિહાળી રહ્યાં હતાં. ભુતકાળના ચશ્માં વર્તમાનની આંખે પહેરીને!નજર આગળ જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય એમ એકપછી એક દ્રશ્યો આવતાં ગયા…

પીળા રંગનું નવું ફ્રોકપહેરેલી નાનકડી લાલી ક્યાંરનીયે ચુપ હતી. બસની બહારની દુનિયા જોવામાં એ વ્યસ્ત હતી. બારી બહાર સરી જતા દ્રશ્યો એને માટે સાવ અજાણ્યા હતા. એ આજે પહેલીવાર આટલા મોટા શહેરમાં પ્રવેશતી હતી. અહિં એના પપ્પાને નોકરી મળી ગઈ હતી. એ, એના પરિવારની સાથે હવે હંમેશને માટે અહિંજ વસવા આવી ગયેલી. નાનકડાં ગામમાંથી આવતી લાલીને મન બસની બહારનું શહેર સપના સમાન હતું.

“પપ્પા આ જુઓ… આ સામે.., પેલું ઘર. કેટલું સરસ છેને!” બસ આગળ ટ્રાફીક હોવાથી થોડી ધીમી પડી હતી ત્યારે, લાલીને રોડ ઉપર આવેલું એક ઘર ગમી ગયેલું!” પેલી ગોળ, કાચની બારી દેખી પપ્પા?ત્યાં કશુંક છે,કંઈક લાલ લાલપુતળા જેવું દેખાય છેને એ…” લાલી આંગળી ચીંધી રહી.

“બારીની અંદર દેખાય છેએ..?એ તો ઘોડો છે, કઠપુતળીનો ઘોડો.”

“હા,યાદ આવ્યું! એ તો રામાપીરનો ઘોડો છે! હેંને પપ્પા?”

“રામાપીરનો ઘોડો..?”

“હા અમે લોકો ગઈ સાલ પિકનિકમાં ગયેલાઅમારાં ટિચર સાથે, રણુંજા. ત્યાંમેં જોયેલો. હા, એજ! બાબા રામદેવપીરનો ઘોડો અસ્સલ આવોજ હતો.”

બસ ત્યાંથી આગળ નીકળી ગઈ. ઘર નજર આગળથી દેખાતું બંધ થયું પણ, નજરમાં રહી ગયું!

“પપ્પા આપણેય એવીજ કાચનીગોળ બારી ચણાવશું આપણા ઘરમાં અને એવોજ રામાપીરનો ઘોડો પણ મુકાવશું, આપણા ઘરમાં, હોને?”

“ભલે હોં બેટા! એવુંજ કરાવીશું” દીકરીને માંઠુ ન લાગે એટલે પપ્પાએ કહી દીધેલું.

“એને ઘર નઈ બંગલો કેવાય બંગલો! તારા બાપાની જિંદગીભરની કમાણી ભેગી કરેને, તોય એના જેવો આપણાથી નોં બનાવાય” બાપ-બેટીના સંવાદ ક્યાંરનીયે સાંભળી રહેલી, લાલીની મમ્મી બોલી હતી.

“કેમ ના બનાવાય આપણાથી? આપણે બનાવશુંને,પપ્પા?” લાલીએ વિશ્વાસ ભરેલી નજરે પપ્પાની સામે જોયેલું. દીકરીનાએવિશ્વાસનેતોડવાની હિંમત કયો બાપ કરી શકે?

“હા,બેટા એક દિવસ એવોજ બંગલો આપણે પણ બનાવીશુ.”

“પાક્કુંને?”

“પાક્કું!”
લાલીએ વિજયી સ્મિત સાથે એની મમ્મી તરફ જોયેલુ. મમ્મી ઉપેક્ષા ભરી એક નજર પતિ તરફ ફેંકતાબબડી હતી, “ધોળા દાડાના સપના!”
“બેન.અંદર જવાનુ છે?”
ડ્રાઈવરનો અવાજ સાંભળી લાલી એટલેકે આજના જયાબેન ભુતકાળના ચશ્મા ઉતારી વર્તમાનમાં પાછા આવ્યાં.
“હેં..?હા. તું તપાસ કર પહેલા અંદર કોણ છે.”
ડ્રાઈવર એ મકાનની અંદર ગયો ને જયાબેન પાછાં લાલી બની ગયા, ભુતકાળમાં ખોવાઈ ગયાં!
લાલીનાં પપ્પાને ભુજમાં પટાવાળી નોકરી મળી હતી. સરકારી નોકરી એમને મન સ્વર્ગ સમાન હતી. પગાર ટૂંકો હતો પણ, ત્રણ જણાં માટે પૂરતો હતો. એમને રહેવા માટે એક રૂમ પણ મળી હતી. લાલીને સરકારી નિશાળમાં દાખલ કરેલી. એના મગજમાં પેલો ઘોડો અને ઘર બંને બરોબર છપાઈ ગયાં હતાં. ક્યારેક ક્યારેકએ એનાં પપ્પાને એ વિષે યાદ પણ અપાવતી. પપ્પા હંમેશાં એકજ વાત કહેતા, “હા, બેટા એક દિવસ એવોજ બંગલો આપણે પણ બનાવશુ.”
લાલી ભણવામાં, રમતગમતમાં અને એ શીવાયની બીજી બધી પ્રવૃત્તિમાં અવ્વલ આવતી. દસમાં ધોરણમાં એ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી ત્યારે સૌએ કહેલું, આને કોઈ સારી ખાનગી નિશાળમાં દાખલ કરાવી દો, દાકતર બનશે છોડી જોજોને!

દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો બાપ લોકોની વાતોમાં આવી ગયો. એને જોઈતી તમામ વાંચન સામગ્રી એનાં પપ્પા લાવી આપતા. સારી નિશાળમાં દાખલો પણ લઈ લીધો. છોકરીઓને ત્યાં આઠમા ધોરણ પછી ફી માફી મળતી એટલે એને બહુ વાંધો ન આવ્યો.

અહિં, એક વાત રોજ બેવાર બનતી. એ જ્યારે નિશાળે જવા-આવવા બસમાં બેસતી ત્યારે એ રોજ પેલા, ગોળ બારી અને ઘોડાવાળાબંગલા આગળથી પસાર થતી. એકવાર એણે અમસ્તુ જ પપ્પાને એ ઘર યાદ કરાવેલું. એને એમ કે એ હવે મોટી થઈ ગઈ એટલે પપ્પા એને સમજાવીને ના કહી દેશે.
“પપ્પા પેલું રામદેવપીરના ઘોડાવાળુ ઘર…”

“હા, બેટા એક દિવસ એવોજ બંગલો આપણે પણ બનાવશું!” પપ્પાએતો હંમેશની એમની ટેવ મુજબ કહી દીધું હતું! એમને શી ખબર કે આ સપના જોવાની લત એમની દીકરીને કયાની ક્યાં લઇ જશે !

“સાચેજ પપ્પા! એવું થઈ શકે?”લાલીની આંખોમાં સપનું હકીકત બની શકે એ વિચારે અનોખી ચમક ભરી દીધી.
બે વિશ્વાસ ભરી, ભોળી હરણી જેવી એ આંખોને એક બાપ ‘ના’ ન કહી શક્યો.

“હા બેટા, જરુર થઈ શકે! આપણે પ્રયત્ન કરવાનું નહિં છોડવાનું. જોને ક્યાં ગીરના જંગલોમાં ઢોર ચરાવતી આપણા કૂટુંબની બીજી છોકરીઓ ને ક્યાં તું!બધા કે’છે એક દિવસ તું મોટી દાક્તર બનીશ. હું પણ આપણાં ગામના ઢોર-જમીન બધું વેચીદઈશ પણ તારું સપનું જરુર પૂરું કરીશ.”

“લે કંઈ ભાનબાન છે કે, ગાંડા થઈ ગયા છો?” બાપબેટીની હવાઈ કિલ્લા જેવી વાતો સાંભળીને લાલીની મમ્મી અકળાઈ જતી. લાલી મમ્મીનાંગુસ્સાથી બચવા આઘીપાછી થઈ જતી.

“હાથે કરીને તમે એના વેરી થઈ રહ્યા છો, યાદ રાખજો! એતો નાદાન છે પણ તમારુંયે નહિં ચાલતું.”

“એનું દિલ તોડવા તો આખી દુનિયા બેઠી છે પણ, મારાથી એ નહિ થાય”. લાલીના પપ્પા એમની વ્યથા પત્ની આગળ ઠલવતા, “એક બાપ થઈને એનો મારા પરનો વિશ્વાસ હું કેવી રીતે તોડું? તે ક્યારેય એની આંખો જોઈ છે? કેટકેટલાસપનાભરેલા છે એમાં. એને કેવી રીતે કહી દવ કે, એ બધા સપનાજુઠા છે! એને જોવાનું બંધ કરીદે! એના નસીબમાં નિયતિએ શું નિર્ધારીત કર્યુ છે, એ મને ખબર નથી, કોઈને ખબર નથી, તો પછી એની ચિંતા કરીને છોકરીની આજને શું કરવા દુખી કરું. ભલે એનો બાપ ગરીબ હોય પણ, મારા માટે મારી દીકરી કોઈ રાજકુમારીથી કમ નથી. ગમે તે થાય હું એને પ્રયત્ન કરતા હરગીજ નહિં રોકું. આગળ જે થવાનું હશે એ થશે.”

એક બાપની લાગણી આગળ મમ્મી જતું કરતી પણ, શું નિયતિ જતુ કરશે? દીકરીની ભોળી આંખો અને માસુમિયત આગળ એક બાપનું દિલ પીગળી જાય પણ વિધાતાનું..?

જયાની ઇચ્છા એને ક્યાં લઈ જશે..?
જયા બારમાં ધોરણમાં હતી ત્યારે ગામડેથી એના દાદાનો પત્ર આવેલો. જયાના કાકાની છોકરીના લગ્ન હતા. ઘણાં વખતથી ગામ જવાનો મોકો નહતો મળ્યો આ વખતે ઘરે અવસર હતો એટલે રામજીએ રજાઓ મૂકી દીધેલી અને બધા ગામડે ગયેલા.

ગીરના જંગલની બાજુમાંજ એમનું નાનકડું ગામ હતું. છૂટા છવાયા વીસેક કાચા, માટીના બનેલા ઘર હતા. દરેક ઘરે મોટા મોટાવાડા હતા જેમાં એમના પશુઓ રહેતા. જયા વરસો બાદ એના ગામ પાછી ફરી હતી. એને જોવાં, મળવાં માટે આખો આહિરપરીવાર ભેગો થયો હતો. નાનકડા ગામમાં વસતા લોકો માટે અત્યારે જયા મોટા શહેરમાંથી આવનાર, શહેરમાં એમનું નામ ઉજાળનાર છોકરી હતી! બધા લોકો એને મળવા આતુર હતા. આખરે એ આતુરતાનો અંત આવ્યો.

નીચે સફેદ રંગનું પટિયાલા અને ઉપર ઢીંચણથી એક વેંત જેટલું અધ્ધર જુલતુ રહે એવું ટામેટા જેવા લાલ રંગનુ ટોપ પહેરેલ જયાનાં એક હાથમાં નાનકડો થેલો અને બીજા હાથમાં સફેદ દુપટ્ટાનો છેડો હતો. બધા વાળ ગરદનની એક બાજુએ ભેગા કરી એણે ઢીલો ચોટલો લીધો હતો. રજવાડી ભરત ભરેલી, લાલ રંગની મોજડીનાં ધીમા ટપકાર સાથે એની બહુ બધી ઘુઘરીઓ વાળી ઝાંઝરી છમછમ કરતી તાલ મીલાવતી હતી. બધાનું ધ્યાન એકી સાથે એ સુમધુર સંગીત તરફ ગયું હતું. બધી નજરોએ પહેલા મોજડી જોઈ, પછી ધીરે ધીરે નજરો ઉપર ઉઠી. સફેદ સલવાર, લાલ ટોપ ને, ને….!
રાતી રાયણ જેવુ જયાનું મુખ, હાલ જાણે પાન ખાયુ હોય એવા લાલચટક હોઠ, એમાંથી દેખાતી શ્વેત દંતાવલી, સ્મિતથી ભર્યો ભર્યો સુંદર, કોમળ ચહેરો અને ઠસ્સાદાર ચાલ…સામેથી જાણે કોઇ મોટા રજવાડાની મહારાણી ચાલી આવતી હોય એવો એનો રૂઆબ હતો…

“પ્રણામ બાપા!” જયાએ એના દાદાની આગળ નમીને એમને પગે સ્પર્શ કરતાં કહ્યું. ને એ એક જ અવાજે બધાનો જાણે મોહભંગ થયો હોય એમ જાગી ગયા !
“જીવતી રે દીકરી! ખુબ સુખી થા!” બાપાએજયાને માથે હાથ મુકી આશીર્વાદ આપ્યા. જયા બધાને મળીને પછી એની મમ્મી સાથે અંદર જતી રહી.

“કેમ છો બાપા? તબિયત પાણી સારાને?” જયાના પપ્પા પગે લાગયા.

“બધું હારુ છે ભઈ! તારી જયાતો ઘણી મોટી થઈ ગઈ. આંયાથી લઈને ગયેલો ત્યારે તો નોનકડી ઢબુંડી હતી અને આજે તો જો કેવડી? આટલી ઊંચી થૈ ગઈ!” બાપાએ હાથ ઉપર કરીને એની ઊંચાઇ બતાવી.

“એના માટે મુરતીયો આજથી જ શોધવા માંડય, એના જેવો જ રુપાળો છોરો ખોળીશું.”

“ને એના જેટલો જ ભણેલો પણ!” જયાના પપ્પાએ શાંત પણ મક્કમ અવાજે કહેલુ.

“હા, હા તે અવ તો આપણા મોય તે ભણેલા છોકરા મળી રેહે.”

“ખાલી ભણેલો નહીં એના જેવો દાકતર પણ!”

“આવડી આ છોડી દાકતર છ?” દાદાએ કંઇક આશ્ચર્યથી પુછ્યું.

“ના. પણ બની જસે આવતા છ વરસોમાં.” રમજીભાઇએ સહેજ ધીરા અવાજે કહ્યું.

“હજી બીજા છ વરહો આ છોડીને ઘરમાં બેહાડી રાખે? દાક્તર બનાવવા?” દાદાનો સ્વર ઊંચો થતો ગયો. એમને એમ કે છોકરીને હવે પરણાવી દેવી જોઇએ.
“હા. એ બહુ તેજસ્વી છે, એ જરુર દાકતર બનશે.”

“ચુપ કર તેજસ્વીની પૂંછડી! બે દા’ડા શેરમો રઈ આયો એટલ તારી જાત ભુલી ગયો? અબી હાલ પઈણાવી દઉ એવડી થઈ છોડી! પોંચવરહો પછી કયો એના માટે રાહ જોઇ કુંવારો બેઠો હશે? છોડીન હુ આખી જિંદગી ઘરમો બેહાડી રાખવાનીસ?” બાપાનો પિત્તો ગયો હતો…

બાપા ને રામજીભાઈ વચ્ચે આ મુદ્દે ચર્ચાઓ ચાલતી રહી. બેઉ માંથી કોઇ ટસનું મસ થતુ ન હતુ! એ બધાંની વચ્ચે લગ્નની રસમો એક પછી એક થતી રહી.
આજે લગ્નની છેલ્લી, સૌથી મહત્વની છતાં, સૌથી વસમી વિધી, કન્યાવિદાય પતી ગઈ! ઘર મહેમાનોથી ભરેલું હોવા છતાં, ખાલી ખાલી લાગી રહ્યું હતું. બધા લોકોની આંખોનાખુણાભરેલા હતા, જેમની દીકરીઓની વિદાઇ થઈ ગઈ હતી એ, એ ભુતકાળનીઘડીમાંખોવાયેલા હતા તો જેમનીને હજી વિદાઇ આપવાની હતી એ અત્યારેજ એ ભવિષ્યની ઘડીનુંદુ:ખ અનુભવી રહ્યા હતા. લાડકોડથી ઉછેરીને મોટી કરેલી છોકરી કોઈની સાથે ચોરીના ચાર ફેરા ફરી લે એટલે એને ભૂલી જવાની? જયા એના કાકાના છોકરાની સાથે બહાર વાડામાં રમી રહી હતી. આખા ઘરમાં નિરવ શાંતિ પથરાયેલી હતી. સાંજ ઢળી ગઈ હતી અને ચારેબાજું અંધકારે એનું સામરાજ્ય જમાવવાનું ચાલુ કરી દીધું હતું.

“પપ્પા… પપ્પા…. બાપા…. કોઇ આવોરે…. દોડજોરે….” જયાની બુમોથી આખો વાડો ચમકી ગયો. બધા કંઈ સમજે વિચારે એ પહેલા વાડામાં બાંધેલી ગાયો ભાંભરવા લાગી. બધીએ એકસાથે બુમરાણ મચાવી.

“ડાલમથ્થો આવી પુયગો!” બાપાએ ખાટલા નીચે પડેલી એમની ડાંગ ઉઠાવી અને ત્વરાથી બહાર ભાગ્યા.
ત્યાં હાજર દરેક જણમાં જાણે કોઇ ચમત્કારીક શક્તિનો પરચો થયો હોય એમ બધા એક ઝાટકે ઉભા થઈ, જે નજરે આવ્યું એ હથીયાર હાથમાં લઈ બહાર દોડ્યા. ઘરની ને બહારની બધી સ્ત્રીઓ એમના સંતાનોને ઘરમાં સંતાડી, દરવાજે ચોકીદાર બની પહેરો ભરવા ઉભી રહી ગઈ.

“સાવજ આયો.., સાવજ…આયો…” આખું ગામ એક સાથે બોલી રહ્યું હતું. પણ એ સાવજ હતો ક્યાં?બાપા સૌથી પહેલા જયા પાસે પહુંચી ગયેલા. એમની પાછળ જયાના પપ્પા ચાર ડગલા જ પાછળ હતા. ત્યાં પહોંચીને ડોસાની આંખોએ જે દ્રષ્ય જોયું એ આ એંસીવરસના જીવનમાં પહેલા ક્યારેય નહતુજોયુ!

છો-સાત વરસના બાળકને એક મોટો સિંહ એના પંજાથી ઘાયલ કરવાની, એને ખેંચી જવાની ફિરાકમાં હતો. નાનું બાળક એ વિકરાળ સિંહથી બચવા જમીન પર કોકડું વળીને પડ્યું હતુ. સિંહની લાખ કોશિષ છતાં એ બાળકને એક નહોરેયનહતો મારી શકતો!કેમકે, એ બાળકની રક્ષા એની જગદંબા જેવી બેનડી કરી રહી હતી!

કોકડું વળીને નીચે પડેલા બાળક અને સિંહની વચ્ચે દિવાલ બનીને જયા ઊભી હતી. એના બન્ને હાથમાં વાડામાં પડેલી ડાંગ હતી ને એ હોકારા પડકારા કરતી, એની પુરી તાકાતથી એ ડાંગને સિંહની સામે વિંઝી જમીન પર જોરથી પછાડતી હતી. ડંડાના જમીન પર પછડાવાથી એક અવાજ થતો ને ધુળ ઉડતી હતી કારણ ગમેતે હોય પણ, સિંહ એનાથી ડરતો હતો. જયાના હાથમાંથી વિંજાઇને નીચે પછડાતી ડાંગને ઓળંગવાનું એ સાહસ નહતો કરી શકતો. ગુસ્સામાં જયાનુ આખુ શરીર કાંપી રહ્યું હતું. ચાંદની રાત હોવાથી એનો ચહેરો અંધારામાચમકતા બીજા ચાંદ જેવો દેખાતો હતો. એનો અંબોડો ખુલી ગયેલો. છુટા, લાંબાવાળ ચારે બાજુ ઉડી રહેલા. આજે એણે લીલા રંગની ચણીયાચોળીપહેરેલી એમાં એ ઇતિહાસનાપન્નામાંથી બેઠી થયેલી કોઇ વિરાંગના જેવી લાગતી હતી!એનાં ચહેરાં પર જરીકે ખોફ ન હતો બલકે હાર નહિ માનવાની જીદ દેખાતી હતી. એ સિંહ પણ જાણે આ બાળાનાસૌંદર્યથીઅભીભુત થઈ ગયો હોય એમ, સળગતા અંગારા જેવી આંખે એકીટસે જયાને જ હવે જોઇ રહેલો.
આ બધું થોડીક મિનિટોમાં જ બની ગયેલું. ગામવાળા બધા ભેગા થતા, એમના અવાજથી ડરીને જંગલનો રાજા ભાગી ગયો.

“બેટા, તને કઈ થયું તો નથીને?” પપ્પાએ જયાને બન્ને ખભે હાથ મુકીને પૂછી રહ્યા હતા ત્યાંજબાપાએ આવીને જયાનો હાથ પકડી એને પોતાની તરફ ફેરવી પૂછ્યું, “એવડા મોટા સિંહથી તને જરીકે ડર ના લાયગો?”

“ડરતો ઘણો લાગ્યો હતો પહેલા પછી થયું, જો હું ડરીને ભાગી જઈશ તો એ મારા ભાઇને ચોક્કસ ખાઇ જશે, ભાઇને મુકીને હું કેમની ભાગી શકું એટલે મેં આ લાકડી ઉઠાવી અને એના તરફ વીંઝી, એ થોડો ડરી ગયો, એ જોઈ મારામાં હિંમત આવી! મને થયું હું બુમોપાડું ને તમે બધા આવો ત્યાં સુંધી હું એને રોકી સકીશ. ને, બસ એજ મેં કર્યુ.”
બાપા ચુપ થઈ ગયા. દીકરીના પરાક્રમને વર્ણવવા એમની પાસે શબ્દો ખૂટી પડ્યા!

વાતાવરણ શાંત થતા થતારાતની સવાર થઈ ગઈ!સવારે જયા ઉઠી ત્યારે એના દાદાએ એને મળવા બોલાવેલી. બન્ને સાથે ચાલતા ચાલતાગીરના જંગલમાં પહુંચી ગયા.

“જંગલમાં મજા આવે સે?”બાપાએ એમની સાથે ચાલી રહેલી જયાને પૂછેલું.
“હા ઘીચ ઝાડીઓ વચ્ચેથી ચાલવાની મજા આવે.” જયા મીઠું હસીને બોલી.
“હારું સે, હારું સે. લીલોતરી હારેનો પરેમ બૌ જરૂરી સે.”
“કેટલું સરસ લાગે સે હવારમાં આ લીલું જંગલ! તું ઝવેરચંદ મેઘાણીને ઓળખે સે?”બાપાએ જ્યા સાથે વાત શરુ કરી.
“હા એ કવિ હતા.”
“એની એક કવિતા ‘ચારણ કન્યા’ આવડે?”
“ના…”
“મને અડધી આવડે. હીખવાડું?”
“હમમ…”
બાપા ગાવા લાગયા. એમની પાછળ જયા જીલવા લાગી. જંગલની કેડી પર દાદા પૌત્રી બન્ને બુલંદ અવાજે ગાતા ગાતા આખુ જંગલ ગુંજવી રહ્યા.

“ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુંવાળી ચારણ-કન્યા
બાળીભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!”

વર્તમાન સમયે…
“બેન અંદર મકાન માલિક હાલ હાજર નથી. ચોકિદારે કહ્યુ કે, એ બહાર ગયા છે. એકાદ કલાકમાં આવવા જોઇએ. આપ જો રાહ જોવા માંગતા હો તો અંદર બેસી શકો છો.” ચોકિદાર સાથે વાત કરીને આવેલા ડ્રાઇવરે કહ્યુ.
“એમને કહી દો કે, હું સાંજે ફરી આવીશ અને હા, એમનો ફોન નંબર લેતા આવજો એટલે આવતા પહેલાં કહેવડાવી દેવાય.”જયાબેન પાછાં ગાડીમાં બેઠાં.

“જી બાઇસા.”
ડ્રાઇવરે એનુ કામ કરી લીધું. ફરી ગાડી ચાલુ થઈ.

“કઈ બાજુ લવ?”

“કોઇ સારી હોટલમાં લઈલો. હવે સાંજે જ બહાર જઈશુ. તમને ફાવે ત્યારે જમીને થોડો આરામ કરી લેજો, જો કામ પતી જાય તો આજે રાત્રેજ પાછા ફરી જઈશુ.”

“ભલે બેન!”
હોટેલના રૂમમા જઈને જયાએ પહેલા મોઢું ધોયુ. આખા મોઢા પર ઝીણી માટીની એક પરત બાજી ગઈ હતી. નાજુક, મુલાયમ ગાલ અને હથેળી વચ્ચે ધુળનીરજકણોઘસાતી હતી. જયાને એ રજકણો પરિચિત લાગી. એ રજકણો એને પાછી ભુતકાળમા ખેંચી ગઈ!
વરસો પહેલા એ એના દાદા એટલેકે, બાપા સાથે ગીરના જંગલમાં ફરી રહી હતી ત્યારે પણ એના મોઢા પર આવી જ ધુળ બાજી ગયેલી. કપાળ પર, ગળા પર બાજેલી પરસેવાની બુંદોને હાથ વડે એણે લુંછી ત્યારે એનું એ તરફ ધ્યાન ગયેલું.

“થાકી જઈ માવડી?” દાદાએ બોખા મોંઢે હસતા હસતા કહેલું.
“ના થોડી તરસ લાગી છે.” હાંફી રહેલી સોળ સત્તર વરસની લાલી(જયા)એ કહેલું.
“હાલ તને નાળીયેર પોણી પિવડાવુ.”
બન્ને ચાલતા ચાલતા ગિરનાર પર્વતની તળેટીમાં આવી ગયા હતા. એક મોટા પથ્થર પર બેઉ જણે બેઠક જમાવી. દાદાએ સામે ઉભેલા લારીવાળાને હાથથી કંઇક ઇશારો કર્યો અને પછી લાલી સામે જોઈ વાત ચાલું કરી,“જંગલ ચેવુ લાગયુ?”
“એકદમ મસ્ત! આટલી ગીચ ઝાડી વચ્ચે ફરવાની બવ મજા આવી.”લાલીના અવાજમાં ખુશીનો રણકાર હતો. બાપાને એ ગમ્યું.

“હારુ, હારુ સે, હજી કુદરતને ખોળો ગમે સે એમને? સરસ!”
ત્યાં પેલો લારીવાળો છોકરો પાણી ભરેલું નારિયેળ આપી ગયો.
“કેમસો બાપા? આ મોટા ભઈની સોડી હ?”
“હોવ, એ નારીયેલ ઈન આલી દે.”
જયાએ નારિયેળમાથી ડોકાતી લાંબી ભુંગળી મોઢામાં નાખી ઝડપથી બેત્રણ ઘુંટડા ભર્યા પછી, એને દાદા તરફ ધર્યુ. દાદાએ હાથથીજ ઇશારો કરી ના પાડી.
“તન કાલ રાતે જોઇન મન મારી જુવોની યાદ આઈ ગઈ. મેં પણ હાવજ હારે એક ભાલો હાથમાં લઈ લડાઇ કરેલી! એ વખતે એક અંગ્રેજે ગોળી ચલાવીને એને મારી નાખેલો. એ વખતે અંગ્રેજોઆયાંજંગલમા ફરવા અન શિકાર કરવા આવતા. હું એમનો ભોમીયો બની એમને જંગલ બતાવતો” દાદાએ જયા તરફ એક નજર કરી, એ ધ્યાનથી એમને સાંભળતી હતી.
“મારામાં સાહસ છેભણ્યોનો’તોજાજુ પણ, જાતે બધું શિખેલો. આ બધી આપણી ગાયુ મેં જાતે વસાવેલી ન, હાચવેલી. આખા જંગલમા તારા બાપાનુ માન સે હોં કે! એક બીજી ખાસ વસ્તુ તે ભાઇચારો. કુદરત પરતે, આ ગામ, જંગલ પરતેપરેમની ભાવના! આ મારી માટી, મારુ જંગલ, બધી વનરાજીયે મારીને બધા જનાવરો, માણહોએ મારા! આ ગિરનાર પર્વત જ મારો આરાધ્ય દેવ! એજ અમને પાળતો ને પોસતો એના સિવાએક્કેમાતાજીને હું આજ લગણ નમ્યો નહી. એ સે તો આ બધુ સે.”

“તારા પપ્પામાં બુદ્ધિ છે, નેહાળમા ઇ હર સાલ પેલ્લો જ આવતો પણ, એવડો ઈ સાહસી નહી. તુ નોની હતી. બે વરહોની. તાણ એક વાર કાલની જેમ જ હાવજઆપડાવાડામોઘુસી આવેલો, તને તો મેં ઇ વેળા ઘરમાં પુરી રાખેલી તોયે તારો પપ્પોતોમોનેલો જ નઈ. જીદેચડેલો કે અવ આ ગોમમો નહી રેવુ. મે ચેટલોયહમજાવેલો પણ ના મોન્યો તે ના જ મોન્યો. ભુજમાં પસ પટાવાળાની નોકરી મલી ને ઇ આ ગોમસોડીને જતો રયો.” દાદાએ પૌત્રી સામે કર્યુ તો સ્મિત જ હતુ છતા જયાને એ ખુબખુબદુખીલાગયા.

“તારા કાકામાં બળ બૌવ સે પણ ઇયે બળદિયા જેવો સે હાવ! જરાકેય અક્કલ નો હાલેઇનામો! આ હું સુ તે બધુ જેમ વતાવુઇમ કરે જાય સે પણ મારા પસ? ” દાદા એમની જગાએથીઉભા થઈને જયાની સામે આવીને ઊભા,

“મહાભારતમાં સુ કેસ તમારો શામળો? આ બધા દેવતાઓ ન મેલો દેવતા અન ગોવર્ધન પરવતની પૂજા કરો. આ ગિરનાર પરવત ઇ જ આપણો ગોવરધન!લાકડી એક હોય તો ચીયોય હાલી મવાલી તોડી જાય પણ બધી જો એકહારે હોય તો? કદી નો તુટે!તમે બધા ભાઇઓ બહેનો હારે મલીને અહિં રેતા હો તો? તન થસેમુહુકરવા આ બધુ તને કવસુ, હેન?”

“ના બાપા! બોલો તમે, તમારી વાત સાચી છે પણ, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો એ ખબર ના પડી.”
“કાલે તે હુકીધુતુયાદ’સ? મારા ભાઇને બચાવવામીએ લાકડી ઉઠાવી, સિંહ હામે! બસ તારી ઇ ભાવનાને જીવતીરાખજે માવડી! એ કોઇ તારો હગોભઈનતો, ચાર દાડાની તો ઓળખાણ ને તોયે…! તારી પાહેબધુજ સે. સાહસ, શક્તિ, બુધ્ધી, ભણતર, લાગણી!એનો સદઉપયોગ કરજે માવડી! બીજી બધી બાયુ કરતાં તું નોખી સે તો, એવુ જ કોક નોખુ કોમ કર જેનાથી આપણ બધાનો ઉધ્ધાર થાય. આપણી કોમનુ જ નઈ પણ, આપણા આખા ગોમનું નામ થાય. આખા પંથકમા લોકો કે’કી એક આહિરબાઇ સે બધાની માવડી. મારુ મોન તો તું કલેક્ટર બનજે. અન પસી ઓય જ આવીનરેજે, આપણા આ જંગલ અને એમાં વસતા ગરીબ માણહુનો વિકાસ થાય એવુકાંક કરજે.” દાદા હસી પડ્યા ખડખડાટ!

“શું થયુ?” જયાનેનવાઇ લાગી છતાં દાદાની સાથે એ પણ હસી હતી.
“તારો પપ્પો કેસે ડોહાએ એની છોડીને બગાડી મેલી. ઉગાડી ઓંખોનાસપના સે બધા પણ, તું ધારે તો પુરા કરી હકે એવો મને વિસવાસ સે ને, મારા આશિર્વાદ પણ!”
ઉગાડી આંખના સપના!આવુ ક્યાં સાંભળેલુ? દાદા સિવાય પણ કોઈક આવું બોલ્યું હતું. કોઇક તો બોલ્યું હતુ! જયાને અચાનક વિચાર આવ્યો. એક ઘડી માટે એની નજર આગળથી પેલા ઘરનું ચિત્ર આવીને જતું રહ્યું, રામાપીરના ઘોડાવાળું ઘર…

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

આગળનો પાર્ટ વાંચોઆવતીકાલે આજ સમયે આજ પેજ પર.

ટીપ્પણી