રામાપીરનો ઘોડો ભાગ ૭ – બે તરુણાવસ્થાના બાળકો સ​વારે ફર​વા ગયેલા પછી શું થયું એના માટે વાંચો આખો પાર્ટ ….

 

પ્રકરણ :1   પ્રકરણ : 2 પ્રકરણ :  પ્રકરણ : 4 

પ્રકરણ : 5     પ્રકરણ : 6 

રામાપીરનો ઘોડો

પ્રકરણ : ૭

“તમે ભાઇ કઈ નાતના?”
રાતના વાળું પતાવીને બધા છોકરાઓ આંગણામાં ઢાળેલા ઢોલીયા પર બેઠા બેઠા હસી મજાક કરી રહ્યા હતા ત્યારે જયાના બાપાએ આવીને રંગમાં ભંગ પાડતો સવાલ પૂછ્યો. એ વિરલને પૂછતા હતા.
“હેં..? શું કહ્યું?” વિરલની સમજમાં પહેલાતો ના આવ્યું કે બુઢાઉ શું બોલ્યા. આજદિન સુંધી કોઇએ એને આવો સવાલ ગુજરાતીમાં તો નહતો જ ર્યો!

“વિરલ એ તારી કાસ્ટ વિશે પુછે છે.” ધવલે થોડા કચવાઇને કહ્યું. એને આ નાત જાતના વાડામાંથી બહાર નિકળવું હતું ને આ, એના અભણ ગામવાળા હજી એમાથી બહાર આવવા જ નહોતા માંગતા. ધવલે મનોમન નક્કી કર્યુ કે જો બાપા વિરલને ખોટું લાગે એવુ કંઇ પણ બોલ્યા તો એ ચુપ નહી રહે.

વિરલ એની આદત મુજબ હસ્યો, એ ઊભો થયો, બે કદમ ચાલીને જયાના બાપાની એકદમ સામે જઈને ઉભો રહ્યો અને બોલ્યો,

“મને આવો સવાલ કરવાનું કોઇ ખાસ કારણ, વડીલ? આના કરતા કોઈ સારો સવાલ પૂછીને આપણે વાત શરુ ના કરી શકીએ? તમે એમ પુછોને કે હું માણસ કેવો છું? વ્યસન કરુછું કે નહીં? સ્ત્રીઓને સમ્માન આપુ છું કે નહીં? જુઠ્ઠું કેટલુ બોલુ છું? ચાલો બીજુ કંઈ નઈ તો હું ભણવામાં કેવો છું, આગળ ભવિષ્યનો શો વિચાર કર્યો છે? વગેરે, વગેરે. મારી જાત મારા જનમને આધારે છે અને એ વખતે મને ભગવાને પણ નહતું પૂછ્યું કે મારે કઈ નાતમાં, કોને ઘરે જનમવું છે!” જાણે અત્યારેજ બધા પ્રશ્નો હલ કરીને જયા સાથે પરણી જવું હોય એમ વિરલ એકધારું આટલું બધું હિંમતથી બોલી ગયો.
હવે સ્તબ્ધ થવાનો વારો બાપાનો હતો. આજ સુંધી આ સવાલ એમણે, એમની જિંદગીમાં હજારોવાર બીજા લોકોને કરેલો પણ, આજ સુંધી કોઇએ એમને સામે આવો સવાલ નહતો પુછ્યો.

“ચાલાક છે! બહાદુર, નીડરય ખરો પણ, આહિર નથી!” જયાના બાપા વિરલનો ખભો થપથપાવી ચાલ્યા ગયા.

“યે દાલ ઇતની જલદી ગલનેવાલી નહિં હે બીડું! હેં ભગવાન જો તું ક્યાંય બેઠો બેઠો મને સાંભળતો હોય તો આજે મારી એક ઈચ્છા પૂરી કરી દે, જયાના આ બુઢાંઉને ઉઠાવી લે પ્રભુ! એનું રામનામ સત્ય બોલાવી દે!” આયુષે એક હાથ વિરલના ખભે મુક્યો અને બીજા હાથે આકાશ તરફ આંગળી ચીંધી બુમ પાડી.

“આમીન.” ધવલે ધીરેથી કહ્યું અને ત્રણેય જણા એકબીજાને ભેટીને હસી પડ્યા.

“વાણિયાનો દીકરો છે, એ. વૈષ્ણવ વાણિયા! સુરત રહે છે. આપણે સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોયને એટલું સુંદર ઘર છે એનું. સફેદ, આ ભુરીના દુધથીયે સફેદ, મહેલ જેવું! વીસ પગથીયા ચડીને ઉપર જાવ ત્યારે તો એના ઘરનો દરવાજો આવે. ઘરની બહાર ઇશાન ખુણામાં એમનું અલાયદુ મંદીર છે એય સફેદ! તાપીને કિનારે એણે સ્વર્ગ સજાવ્યું છે!” ઘરનાં વાડાનાં એક ખુણે ભુરી ગાયને પસવારતી જયાએ બાપાને એ બાજુથી આવતા જોઇને જવાબ આપેલો. વિરલ સાથેની બધી વાતચીત એણે અહીં જ ઊભા ઊભા સાંભળી હતી.

“સવાલ વીરલ ને કર્યોતો ને જવાબ તું આપે! આ ખરું!” બાપાએ જયા સામે જોતા કહ્યુ, “ઇ જ્યારે જમતો’તો ને ત્યારેજ મુને ખબર પડી જયેલી. વાણિયાનો દીકરો અન્નનો બગાડ નો કરે! જોઇએ એટલુજ ઇ લેતો, નાના કોળીયા ભરી, ચાવીને શોંતિથી ખાતો’તો ઇ. એના આ સંસકાર ઇને વારસામાં મળ્યા હશે. હું કોય તારો દુશમન નથ છોડી. એના રુપાળા, સફેદ ઘરમાં કદાચ તારો હમાવેહ થૈ જાહે પણ તારો આ દાદો? જો ને મારું તો ધોતીયુંય ધુળવાળું સ! એમના ઘરમો મું પગ મેલુ તો ઘર ગંધાતુ થૈ જાહે!” બાપા જાણે આ બધુ એમની આંખોથી હાલ જ જોતા હોય એમ બોલીને હસી પડ્યા. પછી ગંભીર થઈને કહ્યું, “બીજાનો મહેલ જોઇને આપણી ઝૂંપડી બાળી નો મેલાય! હગુ હરખે હરખામાં થાય તો હરખ રહે, બાકી પરેમનો નશો વરહ બે વરહ!”
બાપા ચાલી ગયા ને જયાને વિચારતી કરી ગયા. એ આખી રાત જયાને ઊંઘ ના આવી. વિરલને એ ‘ના’ કહી શકે એમ ન હતી. પ્રેમ તો હતો એ ઉપરાંત એણે જે કાંઈ કર્યુ હતું જયા માટે એ ભુલી જાય એટલી એ નગુણી ન હતી. તો, સમાનતા! વિરલની અને એની નાત અલગ હતી. એમાં એ કંઇ કરી શકે એમ નહતી, એ તો જે ભગવાને આપ્યુ એ ખરું! પણ, સામાજીક દરજ્જો કે પૈસા? આમાયે વિરલ એના કરતા ક્યાંય આગળ હતો. ગર્ભશ્રીમંત! જયાએ આજ સુંધી આ શબ્દ ખાલી ગુજરાતીની ચોપડીમાં જોયો હતો, સાચુકલો આવો માણસ તો હવે જોયો હતો એય જો સુરત જવાનું ના થયું હોત તો ના બન્યું હોત. એ રાતે, જ્યારે એ ભાગી રહી હતી ગુંડાઓથી બચીને, ની:સહાય, બિચારી, ડરેલી જયા! ત્યારે જો વિરલે એની મદદ ના કરી હોત તો? પેલા મયંકનું મોઢું યાદ આવતાજ જયાના હાથની મુઠીઓ વળાઇ ગઈ. બે ઘડી એ પડી રહી, પડખું બદલ્યું. પડખું બદલતાંજ વિચારેય બદલાયો. એને કંઇક યાદ આવ્યું…

જયા ભુજથી જુનાગઢ આવી રહી હતી એ રાતની એક વાત. ટ્રકના પાછળના ભાગમાં એની મમ્મીના ખોળામાં માથુ રાખી એ સુતી હતી ત્યારે એણે એક સપનું જોયું હતું. એ જ સપનું અત્યારે ફરીથી જયા ખુલ્લી આંખોથી જોઇ રહી. પેલું ઘર દેખાયું, કાચની મોટી, ગોળ બારી વાળું, એમાંથી ડોકીયા કરતો રામાપીરનો ઘોડો, ઉપર એ બારીમાં જઈને ઉભેલી જયા, એ ત્યાં ઊભી ઊભી નીચે બગીચામાં જોતી હતી. ત્યાં એક યુવાન એક નાનકડા ટેણિયાને એજ બારીવાળા રામાપીરના ઘોડા પર બેસાડી રમાડતો હતો. એ યુવાનના વાળ પવનથી લહેરાઇને કપાળ ઉપર આવી ગયા હતા. એ યુવાનનો ચહેરો થોડો ધૂંધળો દેખાતો હતો. કોણ હતો એ? અચાનક એ યુવાને એની નજર ઉપર ઉઠાવી, જયાની સામે જોયુ અને હસ્યો. એ હાસ્ય, એ હોઠો વચ્ચેથી ચમકતી દંતાવલી, એ ભુવન મોહીની સ્મિત, ઓમા…વિરલ!
જયાના સમગ્રચિત્તમાં એક જબકાર થયો. કોઇ શક નથી કે, એ યુવાન વિરલ જ હતો. એનુ દિલ બમણા વેગથી ધબકી રહ્યું. એની નસે નસમાં જાણે લોહીનું પુર આવ્યું હોય એમ દોડી રહ્યું. વિરલને એ મળી એ પહેલાં જ એણે એને સપનામાં જોયો હતો. શું આ નિયતિનો કોઇ સંકેત હતો? શું એ વિરલ છે જેને સ્વયંમ ભગવાને એના માટે મોકલ્યો છે? તો આ દુનિયાવાળા એને કઈ રીતે રોકી શકે? શું હક છે એમને? એ લોકો એમનું ધાર્યું કરી શકવાનાં જો પોતે પ્રયત્ન નહિ કરે તો! નસીબ એને જ સાથ આપશે, એના ભાગ્યમાં વિરલને ખુદ વિધાતાએ જ લખ્યો છે પણ પોતે નસીબ ઉપર ભરોશો રાખીને બેસી ના રહેતાં એ માટેના પ્રયત્ન કરવાં પડશે. ખુબ ખુબ પ્રયત્ન…બાકીની રાત એ થોડું જાગી થોડું ઊંઘી, શું કરવાથી વિરલને પોતાના પતિ સ્વરુપે પામી શકાય, બધાનાં આશીર્વાદ અને મરજી સાથે? એ આખી રાત વિચારતી રહી….

સવારે સાડા પાંચ વાગે જયા ઉઠી ગઈ. બાજુમાં ઊંઘતી જનેતાને માથે હાથ મુકી તાવ તપાસ્યો. માથું ઠંડુ હતું. પોતાનું ઓઢવાનું ગોદળુ એને ઓઢાડીને એ ઊભી થઈ ગઈ. એના કાકી જાગી ગયા હતા. એમણે ચુલો પેટાવી પાણી ગરમ કરવા મુકી દીધેલું. જયાએ ફટોફટ ઘરમાંથી કચરો કાઢી દીધો.

“બુન તું નાહીલે પાણી ગરમ છે.”

“હા, કાકી.” જયાએ નાહીને એના કપડાં તારવી દીધા. વાડામાં જઈને એ કપડા સુકવતી હતી ત્યારે એણે બાજુના ઘરનાં વાડામાં વિરલને જોયો. એ રાતે સુવા માટે ધવલ સાથે એના ઘરે ગયેલો. એ સવારે વહેલો ઉઠીને એના મોબાઇલથી ફોટા પાડતો હતો. જયા એને જોઇ રહી. સફેદ લેંગા ઝભ્ભામાં એ સુંદર લાગતો હતો, કોઈ ફરિસ્તા જેવો!

“અરે! તું આટલી વહેલી સવારે અહિં શું કરે છે?” વિરલે જયાને પોતાની તરફ જોઈ રહેલી જોતા પૂછ્યું.

“આ સવાલ તો, મારે તમને પુછવો જોઇએ?” પોતાની ચોરી પકડાઇ હોય એમ જયાએ જરા શરમાઇને જવાબ આપ્યો.

“એક જ રાતમાં આટલો ફરક? ‘તું’ માંથી સીધા ‘તમે’? આને મારે શું સમજવુ?” વિરલ હસ્યો.

“તે દિવસે તે મને ચોપાટીના પંખી બતાવેલા ચાલ, આજે હું તને જંગલના પક્ષી દેખાડું.”

“નેકી ઔર પુછપુછ! ચાલો.”

“કાકી હું હાલ આવી.” કહીને જયા નિકળી ગઈ.

જયા અને વિરલ બન્ને ગીરની ઝાડીઓમાં ફરતાં ફરતાં ઘણે આગળ નિકળી ગયા. જયા વિરલને અવનવા ઝાડવા અને પંખીઓની ઓળખ આપતી રહી. એક પથ્થર જોઇને જયા એના ઉપર બેસી પડી. એનાથી થોડેક દુર વિરલ બેઠો.
“મીસ.આહિર થાકી ગયા?” વિરલે હસીને પુછ્યું.
જયાની નજર બસ વિરલને જ તાકી રહી . કેટલો સુંદર લાગતો હતો એ. એકપળ જયાને થયું એના કપાળે એક ચૂમી ભરી લઉં…! એનાજ વિચારથી એ શરમાઈ અને મલકી પડી. એ જોઇને વિરલે પુછ્યુ, “શું વાત છે તું આજે થોડી બદલાયેલી કેમ લાગે છે? તારા બાપાએ કંઇ કહ્યું?” વિરલની પણ આખી રાત વિચારોમાં જ ગુજરેલી જયાના પરિવારજનો વિષેના વિચારોમાં.

“હા… બાપાએ મને એક સાચી વાત સમજાવી.” જયા હાથે કરીને અટકી. એ એક જ પળમાં એણે ગંભીરતા ધારણ કરી લીધી.

“શું? જંગલમાં લઈ જઈને મારા જેવા માસુમ બાળકને ફોસલાવી,પટાવી,” વિરલ મજાકના મૂડમાં હતો.

“હવે મારી વાત સાંભળીશ જરા?” જયાએ એણે બોલતો રોક્યો. વિરલે એના હોઠો પર આંગળી મુકી ને એ હવે કાંઇ નહી બોલે એમ જણાવ્યુ.

“બાપાએ કહ્યુ કે… તારી અને મારી વચ્ચે બહુ જ અસમાનતા છે.” જયાએ વિરલની આંખોમાં જોઈને કહ્યું, “એ અસમાનતા દુર કરવાના પ્રયત્નો આપણે ના કરી શકીએ? નાત-જાતનું તો આપણે કંઈ ના કરી શકીએ પણ, આર્થીક રીતે? મતલબ કે, હું તારા જેટલા રુપીયા કમાવાનું નથી કહેતી પણ એક હદ સુંધી, હું મારી કાબિલીયત સાબિત કરું ત્યાં સુંધી તું મારી રાહ ના જોઇ શકે?” છેલ્લું વાક્ય જયાએ એક એક શબ્દ પર ભાર મુકીને કહ્યુ. “તું સમજે છે ને હું,”

“હું સમજી ગયો.” વિરલે સ્મિત રેલાવ્યુ. “તું કંઇ કરવા માંગે છે, કંઈક બનવા, બીજા શબ્દોમાં તારા પગ પર ઉભી થવા માંગે છે, એમ જ ને?”
.“હા. બિલકુલ એમજ. મારા બાપાએ મને કહેલુ કે હું કંઇક એવુ કરું કે જે આ આખા વિસ્તારની કાયાપલટ કરનારું હોય. અહિંના પછાત માણસો નો વિકાસ થાય અને સાથે સાથે હું પણ બે પૈસા માનથી કમાઇ શકું! મને હાલ કંઈ સૂઝતું નથી પણ એવુ કંઇક હું કરવા ધારુ છું. મને કોઇ અનુભવ નથી કે મારી પાસે બહું રુપીયા પણ નથી! થોડી ગાયો, ભેંસો અને જમીન છે મારી પાસે. અહિંના લોકો જો સાથ આપે તો એ સંખ્યા વધી શકે.” જયાએ વિરલ સામે જોયુ એ એને ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

“અમુલ, સાગર, મધુર આ બધા દૂધનો વ્યાપાર કરે છે. અમે ગામડાની છોકરીઓ નાનપણથી આ બધું જોઈને જ મોટી થઇએ છીએ. અમે બધા ભેગા મળીને એવું કોઈ મોટું સાહસ ના કરી શકીએ? હું પોતે એવું કશુંક કરવા ધારુ છું. ”

“સરસ, ટુંકમાં કહુ તો તું અહિં રહીને, અહિંના લોકોની મદદ અને તારો સ્વતંત્ર ધંધો કરવા માંગે છે, એમજ ને? તું મને બે દિવસ આપ હું તને બધીજ તપાસ કરીને જણાવું. ખરું કહું તો મને તારો આ વિચાર ગમ્યો. કદાચ તારી આજ વાત તને બીજી બધી છોકરીઓથી જુદી પાડે છે. પોતાની સાથે બીજાનો પણ વિકાસ થાય એવું આજના જમાનામાં કોણ વિચારે છે? તું જરાય ફિકર ના કર, હું તારી સાથે જ છું! હંમેશા. તું તારા દાદાની ઈચ્છા પૂરી કરે અને એ તારી મરજીને માં આપી તને તારી પસંદના છોકરા સાથે મંજુરી આપે છેલ્લે હેપી એન્ડીંગ!” વિરલ ખુશ થઇ ગયો એને જયાની બુધ્ધી માટે માન થયું.

હાલ વિરલ ભલે ખુશ થઇ ગયો, હજી જયાનું આગળનું વાક્ય સાંભળીને એની ખુશી ગાયબ થઇ જવાની એ પણ વરસો લગી! કોણ બનાવતું હશે નિયતિને આટલી ક્રૂર?

વિરલે કહ્યું કે હું તારી સાથે જ છું આ વાતથી ખુશ થવાને બદલે જયા છેડાઈ પડી.

“તને શું લાગે છે, હું તારી જેમ અંગ્રેજી માધ્યમમાં નથી ભણી તો મારી બુધ્ધી તારા કરતાં ઓછી છે? મને તમારી શહેરની છોકરીઓની જેમ ટાપ-ટીપકરતાં નથી આવડતું, છોકરાઓ સાથે બિન્દાસ્ત થઈને ફરવાનુ પસંદ નથી, દારુ સિગારેટ પીવાનું હું વિચારી જ ના શકું, મને કોમ્પ્યુટર,ગાડી ચલાવતા નથી આવડતું તો શું હું એમનાથી ઉતરતી છું?” જયા એકધારું બોલી ગઈ.

“મારો એવો મતલબ જરાય ન હતો. તું મને ગલત સમજે છે.” વિરલને જયાનું બદલાયેલું રૂપ જોઈને નવાઈ લાગી
“ગલત તું મને સમજી રહ્યો છે, વિરલ પણ એમાં તારો વાંક હું નહી કાઢું. તે હજી સાચી જયાને જોઇ જ ક્યાં છે? તું જે જયાને મળ્યો એ જયા હાલાતથી થોડી કમજોર જરુર પડી ગયેલી. એ સંજોગોથી હું ડઘાઈ ગયેલી પણ હિંમત નહતી હારી. મારાં માબાપ મારાથી દુર હતા, દુ:ખી હતા, મારાં દાદાને એમની પાછલી ઉંમરમા આરામને બદલે ચિંતા મળી એ બધી વાત મારા દિલને અંદર ને અંદર કોરી ખાતી હતી. તે મને એમાથી બહાર નિકાળી મારાં પર મોટો ઉપકાર કર્યો છે, હું એ કોઇ દિવસ નહીં ભૂલું પણ હવે જો તારા વધારે ઉપકાર થશે તો હું એ ઉપકારના ભાર તળે દબાઇ જઈશ. તું મારી સાથે લગ્ન કરવાનું કહીશ તો હું તને ના નહિ કહી શકું પણ એ પછી હું કદી મારા સાચા સ્વરુપમાં તને નહી મળી શકું. આમ બેધડક તને તું, વિરલ, કહીને નહીં બોલાવી શકું. તને એકદમ આજ્ઞાકારી, તારી દરેક વાતને જરાયે આનાકાની વગર હંમેશા માની લે, એવી માટીના ઢેંફા જેવી જયા જોઇએ છે? એવી જયા તને ગમશે?”

“ના મારી લેડી ટારઝન! હું તો રાહ જ જોતો હતો કે તું ક્યારે મારા સપનામાં આવે છે એવી બોલકી બની મારા પર હુકમ ચલાવે! ”

“ઠીક છે તો પછી તું સુરત પાછો જા હું અહીં જ રોકાઈ જઈશ. આગળનું ભણવાનું હું અહિંથીજ પૂરું કરીશ. ભણવાનું સમજમાં આવે એ વધારે જરુરી છે, એનું માધ્યમ કે કોલેજનું મોટું નામ નહીં! અને આમેય જો મારે ગ્રેજ્યુએટ થયા પછી અહિં, આ ગામમાંજ કામ કરવાનું હોય તો એ માટેની શરુઆત હું અત્યારથીજ કેમ ના કરું?” વિરલ નો ઉદાસ થઈ ગયેલો ચહેરો જોઇ જયા થોડીવાર અટકી.

“શું થયુ તું કેમ ચુપ થઈ ગયો?”

“તને જોયા વગર હું કેવી રીતે રહી સકીશ, મને તો અત્યારથીજ તાવ ચઢતો હોય એવું લાગે છે. જો તારી દરેક વાત મને મંજુર છે પણ આ નહીં. તું ભણવાનું સુરતમાં જ રાખ, આપણે અહિં આવતા જતા રહેશુ.”
“એ મને પોસાય એવુ નથી વિરલ. સુરતમાં રહેવાનું, ભણવાનું, વારે વારે આટલે સુંધી લાંબા થવાનું એ મને નહી પરવડે.” જયાને લાગ્યું એ વધારે આકરી થઈ બિચારા વિરલનું દિલ તોડી રહી છે એટલે એણે પછી સમજાવટના સૂરમાં કહ્યું, “આપણે ફોન પર વાતો કરીશું, મેસેજ મોકલીશું. પાંચ વરસ… બસ, પાંચ વરસનો મને સમય આપ, પછી તું જે કહે એ મને મંજુર. તું પણ તારું ધ્યાન ભણવામાં પરોવજે. દોસ્તો સાથે ફરજે, મોજ મસ્તી કરજે પણ, એક વાત યાદ રાખજે આ દિવસો ક્યારેય પાછા નહીં આવે! પ્રેમ કરવાની અને ભણવાની, બંનેની ઉંમર એક જ છે આ દુનિયામાં! કોઇ એકને માટે બીજાને છોડવું જ પડશે. હું માનું છું કે અત્યારે આપણે ભણી લઈયે, જિંદગીને એક નવા, એક એવા મુકામ પર લઈ જઈયે, કે જ્યાં પહોંચ્યા પછી કોઈ આપણને એક થતાં રોકવાની હિંમત ના કરી શકે. એ લોકો સામેથી જ આપણો સંબંધ ખુશી ખુશી મંજૂર કરીદે. પ્રેમ કરવા તો બાકીની આખી જિંદગી પડી છે પણ, જિંદગી બનાવવાની આજ ઘડી છે. ” વિરલને ચુપ જોઈ જયા પાછી અટકી હતી.

“આ બધા મારાં અંગત વિચારો છે એને હું તારા પર થોપી દેવા નથી માંગતી. તને હાલ કે ક્યારેય એમ લાગે કે હું ખોટી છું તો તું મને છોડીને જઈ શકે છે. હું તને દોષ નહીં દઉ! સુરત જેવા આધુનિક શહેરમાં તને કોઈ તારા જેવી જ છોકરી મળી જાય અને લાગે કે જયા કરતા આ વધારે સારી છે તો બેધડક એની સાથે જોડાઈ જજે, મને ખુશી જ થશે.”

“આ બોલી, એ બોલી, આજ પછી આમ છોડી દેવાની વાત ના કરતી સમજી? પાંચ વરસ માંગયા છેને તે, પાંચ નહીં તને આખી જિંદગી આપી. જ્યારે તને લાગે કે હવે તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે ત્યારે બસ એક ફોન કરી દેજે હું હાજર થઈ જઈશ, ને ત્યારેય મારા પ્રેમમાં જરાય ઉણપ નહિં આવી હોય! ને ક્યારેય મારી મદદની જરુર પડે તો સંકોચ ના કરતી હું તારો પ્રેમી પછી, મિત્ર પહેલા છું એ ના ભુલતી. દોસ્તો સામે હાથ લંબાવવામાં શરમ કે સંકોચ ના કરાય. હવે, જ્યારે તું મને બોલાવીશ ત્યારેજ પાછો આવીશ અને આને મારો ગુસ્સો નહીં સ્વાભિમાન સમજજે! મારો પ્રેમ સમજજે! મારો પ્રેમ કે હું તને પડવા નહીં દઈએ, ઊભી કરીશું…આખી દુનિયા સામે, ટટ્ટાર માથે.” વિરલ ઉભો થઇ ગયો અને જે રસ્તેથી એ લોકો આવ્યાં હતાં એજ રસ્તે પાછોવળી ગયો.

બે તરુણાવસ્થાના બાળકો સવારે ફરવા ગયેલા, પાછા આવ્યા ત્યારે પુખ્ત ઉંમરના ઠરેલ જુવાન બનીને આવ્યા! એ જ દિવસે વિરલ સુરત પાછો ફરી ગયો અને જયાએ એના પડકાર પાર કરવાનું શરૂ કરી દીધું.
જયાએ એના ગામથી નજીક પડે એવી એક કોલેજમાં દાખલો લઈ લીધો. ભણવાની સાથે સાથે એ એના દાદા અને પપ્પાની સાથે ગ્રામ્ય જીવનના નવા નવા સ્વરુપ સમજતી ગઈ. એની પાસે હવે લેપટોપ હતુ. ગામમાં નેટવર્ક નહતુ આવતું પણ એની કોલેજમાં ફુલ નેટવર્ક હતુ. ઇંટરનેટ જયા માટે આશીર્વાદ સમાન સાબિત થયું. એણે જયા સામે માહિતીનો ખજાનો ખોલી દીધો. નવા નવા ગ્રામીણ ઉદ્યોગો અને એની શરુઆતથી લઈને એના વેચાણ સુંધીની દરેક વાતનો જવાબ હતો એમા. જયા કોલેજ પુરી થયા પછી ત્યાં થોડો સમય રોકાતી, નેટ પરથી જોઇતી માહિતી લઈને એને કાગળ પર લખી લેતી અને ઘરે જઈને એ માહિતી ગામવાળા સાથે વહેંચતી. કેટલાક એની જ ઉંમરના મહત્વકાંક્ષી યુવક યુવતીઓ એની સાથે ભળી ગયા હતા. એમની જ સાથે એ બધી માહીતીની ચર્ચા વિમર્શ કરતી. કેટલાય લોકોએ એને સામેથી સુંદર આઈડિયા પણ આપ્યા. ભારતના ગામડાઓમાં કૌશલ વેરવિખેર પડ્યું છે, જરૂર છે એને સાચ દિશા અને એક તક આપવાની. જયા એજ કામ કરી રહી હતી ઈન્ટરનેટની મદદથી…

જયાને મુખ્ય ત્રણ વાતમાં હાલ રસ હતો. પહેલી મસાલા છાંછ બનાવવી અને એને પ્લાસ્ટિકને બદલે નાની નાની માટીની કુલડીમાં ભરીને વેચવી. બીજી વાત હતી ઉત્તમ કક્ષાનુ ચીઝ બનાવવું એ પણ ગાયના દુધમાંથી. ત્રીજી વાત હતી એમના જંગલમા રહેલી દુર્લભ જડીબુટ્ટીઓને ઓળખવી અને એને સાફ કરીને, આકર્ષક પેકેટમાં પુરીને સારી કિંમતે દવા બનાવનાર કંપનીને વેચવી.

આ બધું કામ એના ગામવાળા અને આજુબાજુના જંગલમાં વસનાર માણસો વરસોથી કરતા જ હતા. અભાવ હતો જાણકારીનો, એમનાં હકનો, એમનાં કામની સાચી કિંમતનો. જયાએ એ બધાને એક છત નીચે ભેગા કરીને સમજાવવાનું કામ ચાલુ કર્યું. કેટલાક માન્યા કેટલાક ના માન્યા જયા હિંમત ના હારી. પ્રયત્ન ચાલું રાખ્યો.

કોલેજના બીજા વરસમાં એ આવી ત્યારે ગીરનાર પર્વતની તળેટીમાં એની મસાલા છાંછ વેચાવાં અને વખણાવાં લાગેલી. સવારે ગામની બહેનો જયાના ઘરે છાંછ આપી જતી, એમનું નામ અને કેટલા લિટર છાંછ જમા કરાવી એ કાનજી ભાઇ એક ચોપડામાં નોધી લેતા. જયાની મમ્મી ધીમા તાપે જીરાને લાલ રંગનુ શેકી લેતી, જયા એનો મિક્ષરમાં ભુકો કરીને એની સાથે થોડા કાળા મરીનો ભુકો, ધાણાનો ભૂકો અને થોડું આખુ મીઠું, ફુદીનો મિલાવી છાંછમાં ઉમેરતી. તૈયાર છાંછના કેન વેપારીની દુકાને જયાના કાકા પહોંચાડી આવતા. મહીનાને અંતે બધાનો હિસાબ કરીને પૈસા ચુકવવામાં આવતા. એકસામટા રુપીયા ભાળીને સૌ ખુશ થતા. જયાની છાંછનો સ્વાદ બધાના મોંમા રહી જતો. ધીરે ધીરે છાંછ આપનાર બહેનો અને ખરીદનાર વેપારીની સંખ્યા વધવા લાગી. ચિઝ બનાવવાના અખતરા ચાલું હતા પણ જોઇએ એવું હજી બન્યું ન હતુ. જયા હાર માને એમાની ક્યાં હતી, રોજ નેટ પર નવા આઇડીઆ શોધતી અને પ્રયત્ન કરે રાખતી. વન્ય ઔષધીઓના ઘણા ખરીદાર મળ્યા. કેટલીક ઔષધિઓ તો વીદેશોમાં મોં માગયા દામે વેચાતી. જયાએ એના કોલેજના સાહેબની અને દાદાની મદદથી એ કેવી રીતે ઉગાડવી, કેવું એનુ ધ્યાન રાખવું, ક્યારે વનસ્પતીનો કયો ભાગ તોડવો વગેરે માહિતી ગામની સ્ત્રીઓને આપીને એ દરેકને ઘરે વાડામાં કેટલીક કિંમતી જડીબુટ્ટી ઉગાડાવી હતી.
ધીરે ધીરે જયાને બધા ઓળખવા લાગયા હતા. ગીરથી ચાલુ કરેલી જયાની છાંછ હવે એની આસપાસના ઇલાકામાયે વેચાતી. જયાબેન આહિરનાં નામ પર જ માલ વેચાઇ જતો. જયા બધા ગ્રાહકોના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવામાં સફળ રહી હતી.

આ બધા વચ્ચે જયા વિરલને રોજ રાતે એક મેસેજ લખતી, આખા દિવસની એની મુખ્ય ગતીવીધી એમાં રહેતી, કોલેજ જઈને એને એ સેન્ડ કરતી. વિરલ એનો ઉત્સાહ વધારતા એક બે વાક્યો જવાબમાં લખતો ફ્કત! એ વાંચીને જયાનો ઉત્સાહ બેવડાઈ જતો.

જયાની કોલેજ પુરી થઈ ગઈ. એ આખી કોલેજમાં પ્રથમ આવેલી. ત્રણ વરસ પૂરા થઈ ગયા હતા. એજ વખતે એક ભાઇ એના ઘરે મળવા આવેલા એમનું વાપીમા નહાવાના આયુર્વેદીક સાબુ બનાવવાનું કારખાનું હતુ. એના માટેનો કાચો માલ એ લોકો અહિથી મંગાવતા એટલી ઓળખ હતી જયા સાથે એમની. એમને જયા મહેનતી અને કંઈક કરી દેખાડવાની ધગસ વાળી લાગી એટલે હંમેશા માટે વીદેશ જતા પહેલાં એમનું એ કારખાનું જયાને વેચાતું આપવા આવેલા. પાર્ટી ખમતીધર હતી એમને જયા એક વરસની અંદર પૈસા આપેતો પણ વાંધો ન હતો. ઘણું વિચારીને, રુપીયો ક્યાંથી આવશે, ક્યાં ખર્ચાશે એ બધુ પપ્પા અને બાપા સાથે બેસીને દિવસો સુંધી ચર્ચા કર્યા પછી એ ખરીદવા તૈયાર થઈ ગઈ. આ એના જીવનનું સૌથી મોટું પગલું હતુ. એમાં એ સફળ તો થઈ પણ બહું કમાણી ના થઈ. હા, વાપી જેવા શહેરમાં આવીને એ ધંધો કરતા શીખી. સાબુનું કામ ચાલુ રાખીને જોડે એણે એની ફેમશ ‘જયાની છાંછ’ બનાવીને પેક કરવાના સાધન ખરીદ્યા. એ બધા મસીન ગામમા લાવી ત્યાં મોટા પાયે ધંધો ચાલુ કર્યો. વાપીમાં એના કાકાના છોકરાને કામ ભળાવી એ પાછી ગામ આવેલી. એકલા પપ્પા અને દાદાને જયા વીના ફાવતું ન હતુ.

જયાની મમ્મીને લાકડાનો નકલી હાથ નખાઇ ગયો હતો. ગામમા નવી શાળા અને હોસ્પિટલ જયાએ એમની નાતના આગળ પડતા માણસોને વિશ્વાસમાં લઈ ઉભી કરાવેલી. જયામાં હવે ગજબનો આત્મવિશ્વાસ આવી ગયેલો. બીજું એક વરસ પસાર થઈ ગયેલું. જયાનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હતો. કોઇ પણ કામ હોય એ એને સફળ કરીનેજ રહેતી. જયાનું એની નાતમાં, આખા સૌરાષ્ટ્રમાં માન હતુ. સૌના માટે એ હવે જયામાંથી જયાબહેન બની ગઈ હતી. હવે એ સારામાં સારું ચીજ બનાવવાના પ્રયત્ન કરી રહી હતી અને ઘણે અંશે એમાં સફળ પણ રહી. યું ટ્યુબ પર બ્રિટનના ચીજ બનાવતી કંપનીના વિડીઓ જોઈ જોઇને એ એના ચીજની ગુણવત્તા સુધારતી ગઈ…
આટલું કરવામાં પાંચ વરસ પૂરાં થઈ ગયા એ પણ જયાને યાદ ન હતું. પ્રગતિની પાછળ દોડી રહેલી જયાનો ફોન વાગી રહ્યો હતો…. ફોન તો રોજ વાગતો પણ આજે એ ફોન ખાસ હતો, કેમકે પાંચ વરસ પછી વિરલે એને સામેથી ફોન કર્યો હતો….

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

આના પછીનો ભાગ વાંચો આજ સમયે આવતીકાલે આપણા પેજ પર. આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

ટીપ્પણી