રામાપીરનો ઘોડો ભાગ ૫ – ફક્ત જયાની મુસ્કાન અને તેને આપેલા એક વચનને કારણે એ કેટલો મોટો ખતરો ઉઠાવી રહ્યો છે…

પ્રકરણ :1   પ્રકરણ : 2 પ્રકરણ :  પ્રકરણ : 4

રામાપીરનો ઘોડો

પ્રકરણ : ૫

વિરલ એનુ કામ પતાવીને બહાર નિકળ્યો એ પહેલા એણે સુચના આપેલી કે, કાનજીભાઇને હાલ જ છોડાવી દેવામાં આવે. પોલીસ સ્ટેશને જાણ કરીને કેસ પાછો લે. એક માણસ મી.ભગતની બધી ગતીવિતી પર નજર રાખશે એટલે કોઇ હોંશિયારી કે મયંકને ફોન કરવાની કોશિષ ના કરવી. વિરલેઆયુષને ભગતની ઓફિસમાં બેઠાડેલો અને એને સુચના આપી હતી કે, એકદમ કડક ઓફિસરની જેમ વર્તે. પેલાની સાથે વાતો કરવા ના બેસી જાય!

વિરલ ધવલની સાથે મયંકના ઘર પર સીધી નજર રહે અને કોઇને તરત જાણ ના થાય એટલે દૂર ગાડી પાર્ક કરી, ગાડીમાં બેઠેલો. એને મયંકની હિલચાલ પર નજર રાખવી હતી. ઇન્ટેરનેટ પર સર્ચ કરતા મયંકનુ ફેસબુક અકાઉંટ મળી આવેલું. એના મિત્રોના લિસ્ટમાં ઘણા વિદેશી નામ પણ હતા. એ બધા અંગ્રેજ હતા. મતલબ કે યુરોપીયન હતા. મયંકના કૂટુંબ વિષે કોઇને ખાસ જાણકારી ન હતી. એ બધાને પોતે કુંવારો છે એમ જ જણાવતો. વિરલને માટે કોઇનુએ ફ.બી. અકાઉંટ હેક કરવું એ રમત વાત હતી. અત્યાર સુંધી ફક્ત દોસ્તોની સાથે ગમ્મત માટે મેળવેલું જ્ઞાન એને ખુબ ઉપયોગી નીવડ્યુ. એણે મયંકનુ ફેસબુક અકાઉંટ હેક કર્યુ. એમા એના યુરોપીયન મિત્રો સાથે કંઈક કોડવર્ડમાં બહુ બધા મેસેજ હતા.
“ધવલ આ જો.” વિરલે એની આગળની સીટ પર બેઠેલા ધવલને લેપટોપની સ્ક્રીન એને દેખાય એમ ફેરવીને કહ્યુ,

“આનો શું મતલબ હોઇ શકે?

સ્ક્રીન પર કંઇક આવું હતું,

મી.રોબેર્ટ : E -5 ,50000

મયંક : OK

મી.રોબેર્ટ : K – 3 , 600000

મયંક : OK

મયંક : SHIP 1D

આ બધુ ચોક્કસ શું છે એ વિરલ અને ધવલની સમજમાં ના આવ્યુ પણ, શિપનો મતલબ કે એ જે કઈ પણ હોય જહાજ દ્વારા અહિંથી ફોરેન જવા રવાના થવાનું હતુ. આવા ઘણા મેસેજ હતા એમાં કેપિટલ બી અને બીજી એબીસીડીનો નાનો બી પણ હતો. હજી એ લોકો કંઇક આગળ મગજ કસે એ પહેલાં જ એમના કાને ગાડીનો હોર્ન પડ્યો. એ ગાડી મયંકના ઘરનાં દરવાજેથી નીકળી અને તરત જ ફુલ સ્પીડે આગળ નીકળી ગઈ.

“ધવલ પીંછો કર!”

ધવલે તરતજ ગાડી સ્ટાર્ટ કરી અને આગળવાળી ગાડીની પાછળ જવા દીધી. વિરલને ખબર ન હતી કે એ ગાડીમાં કોણ છે પણ એના મને કહ્યુ કે, એ ગાડીનો પીંછો કરવો જોઇએ, એટલે કર્યો.

સફેદ કલરની સ્કોર્પીયોની પાછળના કાચ પર એક નાગનો ફોટો ચિતરેલો હતો. એ યાદ રાખીને ધવલે રસ્તા પરની ભીડમાં ગાડીને ફોલો કરી. હવે સ્કોર્પીયો શહેરની ભીડની બહાર આવી ગઈ હતી.
“ધવલ હવે રસ્તા પર વાહનો ઓછા છે ધ્યાન રાખજે એ લોકોને ખબર ના પડે કે આપણે એમની પાછળ છીયે.”

“એની સ્પીડ વધારે છે. થોડીય ગફલત થઈ તો એ હાથમાંથી નીકળી જશે.”

“એ ગાડી માંડવીના બીચ ઉપર જશે. તું તારે થોડી સ્પીડ વધાર અને ક્યારેક એમની આગળ લઈલે, પછી પાછળ જવા દે. એમને એમ લાગવું જોઇએ જાણે કે, કોઇ સહેલાણી બીચ પર ફરવાં જતા હોય.”

“ઓકે બોસ!”

માંડવીના બીચ પર પહુંચી ગયા પછી પણ એ ગાડી સતત આગળ વધતી રહી. દરીયા કિનારે એ ગાડીનો પીંછો કરવું હવે શક્ય ન હતું. એમને તરત શક થઈ જાય કે કોઇ એમનો પીંછો કરે છે. વિરલે ગાડી ઊભી રખાવી. પંદરેક મિનિટ જવા દઈને વિરલની અલ્ટી સસ્કોર્પીયોના ટાયરના નિશાનને પકડતી એ નિશાન ઉપર ભાગી રહી હતી. વીસેક મિનિટ ટાયરનાં નિશાનને ફોલો કર્યા પછી એ ગાડી પાછી દેખાઇ હતી. એ ભાગ એક નાનકડા જંગલ જેવો હતો. ઘણી બધી ઝાડીઓને વટાવ્યાં પછી આવતો આ કિનારો સુમસામ હતો. ઝાડીઓને લીધે સીધું કોઇનું આ તરફ ધ્યાન પણ જાય એમ નહતું. સ્કોર્પીયો અહિં પાર્ક કરેલી પડી હતી. એ ખાલી હતી. મતલબ કે જે લોકો એમાં બેસીને અહિં આવેલા એ લોકો ગાડીમાંથી નીચે ઉતરીને ક્યાંક ગયા હતા.

“વિરલ આ જો. પગલાના નિશાન ચાર પગના નિશાન છે, એટલેકે ગાડીમાં બે જણા હશે. એ લોકો દરીયામાં ગયા છે. કદાચ અહિં કોઇ બોટ હશે.”

“હમ્…તારું અનુમાન સાચું છે. આ ઝાડ પર દોરી ઘસાવાનાં લીસોટા જો. એ બોટ આ ઝાડ સાથે દોરડાથી બાંધેલી હશે.”

“કુદી પડીએ દરિયામાં!” ધવલે એના પેંન્ટને ઉપરની તરફ વાળતા કહ્યું.

“ના હાલ નહિં. એ લોકો ગમે ત્યારે પાછા ફરી શકે. આપણને એ પણ ખબર નથી કે દરીયામાં એ લોકો કઈ તરફ ગયા હશે.”

“તો? હવે શું કરીશુ?”

“રાહ જોઈશું, એમના પાછા ફરવાની. એ લોકો આવે એ પહેલા આપણે કેટલાક કામ કરી લઈએ” વિરલ ગાડી પાર્ક કરેલી એ તરફ ભાગયો. ધવલ એની પાછળ ગયો.
વિરલે ગાડીમાંથી એક થેલો બહાર નીકાળ્યો ને એને સ્કૂલ બેગની જેમ પીંઠ ઉપર ભરાવી દીધો. ધવલે પણ એનો થેલો લઈને એના બન્ને ખભે, પાછળ ભરાવી દીધો. વિરલે એનો ફોન સાયલંટ કર્યો. ધવલે પણ કર્યો. “ગુડ! હવે આપણે આપણી ગાડી ક્યાંક છુંપાવવી પડશે. એ લોકો જ્યારે પાછા આવે ત્યારે એમને અહિં બધુ નોર્મલ જ લાગવું જોઇએ.”
વિરલે ગાડી ચાલું કરી અને એ લોકો જે બાજુએથી આવ્યા હતા એનાથી આગળની બાજુએ લઈ ગયો. ત્યાં થોડીક ઘીચ ઝાડીની અંદર ગાડી ઊભી કરી અને એના ઉપર આસપાસમાંથી થોડા ડાળા તોડીને નાખ્યાં.

“આટલા ચાલશે? હજી ગાડી દેખાય છે!”

“વાંધો નહિં આવે ધવલ. એ લોકો આ બાજુ નહિં આવે. જે રસ્તેથી એ આવ્યા હતા એ બાજુ જ એ લોકો પાછા જશે. અત્યારે બપોર છે. સાંજ ઢળ્યા પછી આપણી ગાડી જલદી કોઇને નહી દેખાય.”

“આપણે ગાડીનાં અને આપણા આ માટીમાં પડેલા નિશાન મિટાવતાં મિટાવતાં આગળ જઈશું” વિરલે ધવલ સામે જોઇને કહેલું.

“એ કઈ રીતે કરી શું?” ધવલે કમરે બે હાથ મુકીને ઊભા રહી જતા પૂછેલું. એને એમ કે વિરલ હાથેથી કે પગેથી નિશાન મિટાવવાનું કહેશે પણ એમ કરવા જતાં બીજા નવા નિશાન આવે જશે એનું શું?

“આમ!” વિરલે એક ઝાડની ડાળી તોડીને એને પોતાની પાછળ, નાના છોકરા જેમ ગાડીને દોરી બાંધીને ખેંચે એમ ખેંચીને, એ ડાળીને એની પાછળ પાછળ ઢસડતો દોડ્યો.

“ઉભો રે હારા, હું પણ આવુ છું” ધવલે પણ વિરલનું અનુકરણ કર્યુ. બંનેને એ કામ કરવાની મજા આવી.
સ્કોર્પીયો હજી એની જગાએ ઊભી હતી. મતલબ પેલા લોકો હજી આવ્યાં નહતા. વિરલ એની ડાળી એક ઝાડ પર લટકાવીને ધવલની રાહ જોતો ઊભો હતો.

ધવલે એની ડાળી બધી ઝાડીઓમા દુર ફેંકી.

“હવે આપણે અહિયાં છુપાઈને એ લોકો આવે એની રાહ જોવાની છે. સાવચેત રહેજે જરીકે અવાજ ના કરતો.” વિરલે એના થેલામાંથી દુરબીન કાઢતાં કહ્યું.

બન્ને જણા ઝાડીઓની અંદર ઊભા ઊભા પેલી બોટની રાહ જોતા દરિયા સામે તાકી રહ્યા. એમણે બહુ રાહ ના જોવી પડી.

“ધવલ એ લોકો આવી રહ્યા છે. ત્રણ જણા છે.” દુરબીનમાંથી જોતા એ લોકો સીધા અહીં જ આવી રહેલાં જણાયા.

“આગળ કદાચ કોઇ જહાજ હશે. તું છુપાઇ જા. જોજે એ લોકોની નજરે આપણે ના પડવા જોઇએ.” વિરલે ધીમા અવાજે કહ્યું.

ધવલ વિરલને ગળે મળી એનાથી થોડે દુરની ઝાડીમાં અલોપ થઈ ગયો. એના ગયા પછી વિરલ પણ ઝાડીઓમાં ખોવાઇ ગયો. એ બોટ કિનારે આવી એમા મયંક અને બીજા બે જણા હતા. મયંક પેલા બેને ધમકાવી રહ્યો હતો.

“સાલાઓ તમે લોકો કશા કામના નથી! કહ્યું તો હતું કે પેલા ધોળીયાને પાંચ આંખો જોઇએ છે. એને ત્રણ છોકરા આપીને એક આંખ મફતમાં આલી દેવાની? ગમેતે છોકરાની એક આંખ નીકાળી લેજો ગધેડાઓ! એને કાચની બાટલીમાં મુકી ફ્રીજમા રાખી દેજો. આજે રાતે શિપ રવાના કરી દેવુ પડશે.”
એ લોકો એમની ગાડીમાં બેસી ગયા હતા. ગાડી ચાલું થઈ અને નીકળી ગઈ. આવી હતી એના એ જ રસ્તે. વિરલ ઝાડીમાંથી બહાર આવ્યો. એણે ધવલને બૂમ મારી. ફરીથી મારી છતાં ધવલ ના દેખાયો. એ ધવલ જે તરફ ગયો હતો એ તરફની ઝાડીમા ગયો ત્યાંજ એને દૂરથી આવતો ધવલ દેખાયો. વિરલની અકળામણ જોઇને એને હસવું આવતું હતું.

“આ મજાક કરવાનો વખત છે, સાલા? અહિં હું કેટલો પરેશાન થઈ ગયેલો.” વિરલે સહેજ ગરમ થઈને કહ્યું.

“હા, હા હવે તો બોસ હકથી, યાદ કરી કરીને મને સાળો કહેશે, હેં?” ધવલે જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ હજી હસી રહ્યો હતો.

“મજાક બંધ કર યાર!” વિરલે ગંભીર થઈને બોલ્યો હતો હાલ એ જારાયે મજાક કરવાના મુડમાં ન હતો.

“તે બૂમ પાડી એ જ વખતે હું બીઝી હતો.” ધવલે ટચલી આંગળી ઉપર ઉઠાવી.

“ચાલ તો હવે,કુદી પડુ દરિયામાં?” ધવલે એનુ પેંન્ટ ઉપરની બાજુ વાળતા પુછ્યું.

“આપણે ક્યાંય કુદવાનું નથી ડોબા, આ બોટ શેના માટે છે?” પેલા લોકો જતા રહેલા પણ એમની બોટ ત્યાંજ પડી હતી. વિરલ એનું દોરડું ઝાડ પરથી છોડવા લાગયો.

“પણ, ધાર કે એમાનું કોઇ પાછું આવ્યું ને બોટ અહિં ના જુએ તો એમને તરત ડાઉટ ના થાય.” ધવલે હવે ગંભીર થઈને કંઈક સુચન કર્યું.

“ભલેને થતો શક! એને આવવું હશે તો એ તરીને આવશે!” વિરલે હસીને કહ્યું.

“આગળ જહાજ હોય તો શું કરીશું?”

“હાલ મેં કંઇ વિચાર્યુ નથી. બોટમાં બેસીને જવાનો એ ફાયદો થશે કે આપણે એકબીજા સાથે વાત કરી શકીશું અને ત્યાં પહોંચીયે ત્યારે થાકીને લોથ થઈ ગયેલા નહીં હોઇએ. આગળ જેમ નિયતિ દોરશે એમ કરતાં જઈશું. હમણા ત્રણ દિવસ પહેલા સપનેય વિચારેલું કે, આપણે આજે સુરતથી આટલે દુર, આમ એકલા અટુલા આટલું મોટું સાહસ ખેડતા હોઇશું? ”

વિરલે આયુષને ફોન કર્યો. જયાના પપ્પાને છોડી દેવાયા હતા. એ અત્યારે આયુષની સાથે જ હતા. વિરલે આયુષને એ લોકોનું હાલનું લોકેશન જણાવી પોલીસ અને મિડિયા સાથે અહિં આવી જવા કહ્યું. એની જ મીનીટે બન્ને જણા બોટને ધકેલીને પાણીમાં થોડે દૂર લઈ ગયા પછી એમાં સવાર થઈ ગયા.

વિરલ અને ધવલ લાકડાની નાનકડી નાવમાં બેસીને દરિયામાં આગળ વધી રહ્યા હતા. સુરજ અસ્ત થવાની તૈયારી કરી રહ્યો હતો. હમણા સુંધી જવાનીનાં જોશમાં એના તાપથી જે બધાને આંજી નાખવા આતુર હતો એ, જ સુરજ હવેઢળવાના સમયે એક સમજુ વડીલની જેમ બધાના ઉપર એનો લાલ રંગ છોડી જવાનો એક નિર્થક પ્રયાસ કરી રહ્યો હતો!

વિરલને આ લાલ સુરજ જોઇ જયાની યાદ આવી ગઈ. છેલ્લા બે દિવસથી એની હર સાંજ જયા સાથે આથમતા સુરજને જોતા જોતા વીતી હતી. એણે જયાને ફટાફટ ટાઇપ કરી એક મેસેજ મોકલ્યો, “તારા માટે એક સરપ્રાઇજ છે, તું આયુષને ફોન કર!” પ્રેમ પણ બહુ અજીબ ચીજ છે ગમે તે સ્વરૂપે તમને તમારા પ્રિય પાત્રની યાદ ગમેતે જગાએ અપાવી જ દે, એને કોઈની શેહ શરમ ક્યાં નડે છે!

મેસેજ મોકલીને એણે ફોન સ્વિચ ઓફ કરીને મુકી દીધો.
જયા પણ એજ વખતે ઘરની અગાસીમાં ઊભી તાપી પર રેલાતા સુરજના વિવિધ રંગ જોઇને વિરલને યાદ કરી રહી હતી. એના ફોન પર મેસેજ આવ્યો છે એમ, જાણ કરતી રિંગટોન વાળી ચકલી ચહેકી. જયા અંદર આવી ને, ટેબલ પર પડેલો એનો એપલનો ફોન હાથમાં લીધો. વિરલનો મેસેજ છે એ જોતાંજ એનું દિલ એક ધબકાર ચુકી, ફરીથી વધારે વેગમાન બની ધડકી રહ્યું. મેસેજમાં શું લાક્યું છે એ વાંચ્યા પહેલાંજ જયાના ચહેરાં પર એક સ્મિત ફરી વળ્યું હતું! એ પ્રેમમાં હતી એની સાબિતી! એણે મેસેજ બોક્સ ખોલ્યું. મેસેજ વાંચીને તરત આયુષને કોલ કર્યો. રીંગ જતી હતી. એવું તે શું સરપ્રાઈજ હશે, એ વિચારી રહી ત્યાંજ સામેથી ફોન ઉચકાયો,

“હલો…”

સામા છેડે આયુષ નહતો. નંબર તો આયુષનો જ હતો પણ આ અવાજ? અરે..! આતો પપ્પા બોલે છે, એકજ પળમાં જયાનાં મનમાં જબકારો થયો અને એણે સામે આનંદની કીકીયારી પાડી,

“પપ્પા હું, તમારી જયા! તમે કેમ છો? ક્યાં છો? અત્યારે કોની સાથે છો? તમે છૂટી ગયા? ક્યારે?”

જયાએ એક સામટા પ્રશ્નોની હારમાળા રચી, સામે છેડે બાપનું હ્રદય હતું. જયાના દરેક સવાલનો વિસ્તારથી જવાબ આપી રહ્યું. બંને વચ્ચે ઘણી બધી વાતો ચાલી, બંને માટે આજે એમના જીવનની સૌથી આનંદની ઘડી હતી એમ કહી શકાય. વચમાં થોડીવાર બંને છેડે ખામોશી છવાઈ જતી, ફરીથી વાત ચાલુ થતી આંસુ લુંછતા, લુંછતા!
બાપ બેટીને વાતો કરતા મુકીને આયુષ હળવેથી સરકી ગયો. એને હવે પોલીસને સાથે લઈ વિરલ અને ધવલ જ્યાં હતા, માંડવીના દરિયા કિનારે, ત્યાં પહોંચવાનું હતું. એની પાસે એનો બીજો ફોન હતો જેની પર વિરલે એનું લોકેશન મોકલ્યું હતું.

વિરલની નાવ હવે પેલા જહાજની નજીક આવી ગઈ હતી. બહારથી જોતા એ જહાજ જુનું લાગતું હતું. એના પર હવે ધીરે ધીરેઅંધારુ છવાઇ રહ્યું હતું. હજી કોઇએ ત્યાં લાઇટ ચાલુંનહતી કરી.

“આટલે સુંધી તો આવી ગયા પણ આપણે જહાજની અંદર કેવી રીતે જઈશું?” ધવલે એકદમ ધીરા અવાજે પુછેલું.

“એ લોકોજ આપણા માટે સીડી મોકલશે! તું મારી સાથે જે પણ વાત કરે એ અંગ્રેજીમાં જ કરજે. માનીલે કે તને ગુજરાતી આવડતું જ નથી.” વિરલે ધવલને સમજાવ્યું.

“હું કઈ ના સમજ્યો!”
“આપણે આ બોટમાં બેઠા ત્યારની કદાચ એ લોકોની આપણા પર નજર હશે જ નહિ હોય તો હવે જશે.” ધવલ પૂછે કેવી રીતે એ પહેલાજ વિરલે ગજવામાંથી લાઇટર નીકાળી, એને સળગાવી હવામાં હાથ અધ્ધર કરીને પકડી રાખ્યું. બે વાર ચાલુ બંધ કર્યુ. હવે એ લોકો જહાજથી બસ ચાર પાંચ કદમ જેટલાજ દૂર હતા. દુરથી નાનું લાગતું જહાજ અહિંથી ઘણું મોટું લાગતું હતુ. એની ઉપર કોઈ મદદ વગર ચઢવું મુશ્કેલ હતુ.

“કોઇ દેખાતુ નથી. કદાચ એ લોકોને ખબર નહિં હોય કે આપણે અહિં આવ્યા છીયે.” ધવલ અંગ્રેજીમાં બોલ્યો.
“થોડીવાર રાહ જો નહિંતર પછી આ બોટ બાંધવાનું દોરડું તો છેજ આપણી પાસે. એ લોકો આ નાવડી પર નજર રાખતા જ હોય. એમનેય પકડાઇ જવાની બીક લાગતી જ હોય.

“એ લોકોનો કોઇ પાસવર્ડ હશે તો?”

“હોઇ શકે છે.”

વિરલ બોટમાં પડેલુ દોરડું ઉઠાવી એનો છેડો જોતો હતો એટલામાં જ એને ઉપર કંઈક હીલચાલ થતી હોય એમ સંભળાયું.

“કોન હૈ નીચે? યહા ક્યું આયા?”

વિરલ અને ધવલ બેઉ જણાએ એકસાથે ઉપર જોયુ. ત્યાં બે જણા ઉભા હતા અને એમને જ પુછી રહ્યા હતા. વિરલે એક ઉંડો શ્વાસ લીધો અને કોઇ ફોરેનર બોલે એ રીતે હિંદીમાં જવાબ આપ્યો,

“મુજે તેરા સાબ મયંકભાઇને ભેજા. હમકો ઉપર આનેકો હેં, રોપ ફેંકો. ફેંકો નીચે, સીડી… હમારે બોસ રોબેર્ટ કો હમકો ફોન કરના હૈ!”

પેલા લોકો શું સમજ્યા, શું નહી એતો ખબર ના પડી પણ એમણે ટોર્ચ ચાલું કરી એની લાઇટ બોટ ઉપર ફેંકી. વિરલ અને ધવલ બન્નેના હાથ એ તેજ રોશનીને રોકવા એમની આંખો આગળ આડશ કરી રહ્યા.

ઉપર જે બે જણા ઉભા હતા એમનુ કામ અહિં આવતા જતા ઉપર નજર રાખવાનું હતુ. મયંક અને એના સાથીદાર ગયા પછી આ બેને એમ કે હવે હાલ કોઇ નહી આવે. આજે રાતે બાર વાગે આ શિપ રવાના કરવાનું હતું. એટલે એ લોકો નીચે ભંડકીયામાં જઈને જરુરી બંદોબસ્ત કરી રહ્યાં હતા. એક યુવાન છોકરી, એક નવજાત બાળક અને ત્રણ નાના છોકરાઓને એ લોકોએ માછલા સાથે બીજા દેશમાં લઈ જવાના હતા. યુવાન છોકરી અને નવજાત બાળકને કોઇક નશીલી દવાનું ઈન્જેકશન આપી સુવડાવી દીધેલાં પણ, પેલા ત્રણ છોકરાઓને કોઇ દવા સાહેબને પુછ્યા વીના આપવાની ન હતી, અને એ લોકો જ વધારે રડારોળ કરી રહ્યાં હતા. એમને ચૂપ કરાવવા જતાં જ નજર ચુક થયેલી અને વિરલ ધવલ સાથે છેક આટલે પહુંચી ગયેલો.

પેલા બેય જણ મુંજાયા હતા. મયંકભાઇએ કહેલું કે, એમનો એક માણસ પાછો આવશે એ જ આગળ રોબર્ટ સાથે વાત કરી લેશે. મધદરિયે જઈને જહાજ બદલવાનું હતું. આ બંને જણાને પાછા અહિં આવી જવાનું હતું. દર વખતે તો રાણાજ એમની સાથે આવતો. આ વખતે મયંકભાઇ રાણાને એમની સાથે લઈ ગયેલા. હવે કોણ આવશે એની આ બન્નેને ખબર ન હતી. વિરલના મોઢે મયંક અને રોબર્ટ નામ સાંભળી એ લોકોના કાન ચમકેલા. એમને થયું આને મયંકભાઈએ જ મોકલ્યો હશે.
વિરલનો તુક્કો કામે લાગી ગયો. પેલાએ ઉપરથી, નીચે સીડીઓવાળું દોરડું લબડાવ્યું. પહેલા ધવલ અને પછી વિરલ એના સહારે ઉપર પહોંચી ગયા.

“થેંક્યુ ફ્રેંન્ડ, તુમ બહુત અચ્છા હૈ.” વિરલે ઉપર જઈને પેલા બેઉનાં ખભા થાબડ્યા હતાં. “તુમહારા મયંકભાઇ બોલતા કી ફાઇવ આઇજ, આંખે કે લીયે વો થ્રી બચ્ચા નહી દેગા, વન આઇ નીકાલ કર દેંગા. ઇશિલીયે મેં ઇધર આયા. તુમ એસા નહિ કર શકતા, એ ગલત બાત હેં!” વિરલ પેલા જોડે વાત કરતો હતો ત્યારેજ એનો ફોન આવેલો. રાણાનો ફોન હતો,

“હા, સુન વો તીન બચ્ચે હે ના ઉનમેસે એક કી આંખ નિકાલ દેની પડેંગી. મેં ઉસકા બંદોબસ્ત કર દુંગા. તુમ લોગ તૈયાર રહેના. આજ રાત કોહી નીકલના હૈ, ઠીક હૈ?”

“ઠીક હૈ. યહા પર,” પેલો વિરલ અને ધવલ અહિં શિપ ઉપર આવ્યા છે એ કહેવાજ જતો હતો કે, વિરલે એના ફોન પકડેલા હાથ ઉપર જોરથી થપાટ મારી. પેલાનો ફોન નીચે પડી ગયો.

“સો સોરી, સો સોરી,” બોલતા વિરલે ત્વરાથી વાંકા વળી ફોન ઉઠાવી લીધો અને કોઇનું ધ્યાન ના જાય એ રીતે કોલ કટ કરી દીધો, “તુમહારે હાથ પર એક બડા મોસ્કીટો થા, મચ્છર થા. તુમકો કાટ લેતા તો તુમ્હે ચિકન ગુનિયા હો જાતા, ડેંગુ, મલેરિયા હો જાતા! ઇશિલીયે મેને ઉસ મોસ્કિટો કો મારા તુમ્હે નહિ. યુ આર માય ફેંન્ડ.” વિરલે પેલાનો હાથ પસવારતા ચલાવે રાખ્યું.

વિરલે પેલાને જે વાત કરેલી એ જ વાત રાણાએ કરતા પેલાને વિરલ પર ભરોસો બેસી ગયો.
“ઠીક હૈ, કોઇ બાત નહિ, યાર!” પેલાએ હસીને કહ્યું.

“હમ સબકો એક બાર દેખનાં ચાહતાં. સબ બચ્ચોકો.” વિરલે ધીરેથી મમરો મુક્યો.

“હા હા, વો સબ નીચે હૈ. ચલો.”

બધા નીચે ભંડકિયામાં ગયા. જહાજનાં ઉપરનાં ભાગમાં એક નાનકડી કેબીન બનાવેલી હતી. એમાં એક ટેબલ અને ચાર ખુરસીઓ વચ્ચેના ભાગમાં અને ખુણામાં એક સોફા હતો. કેબીનની બહાર તળીયે એક દોરડું બાંધેલો દરવાજો હતો. પેલાએ એ દોરડું ખેંચીને દરવાજો ખોલ્યો. અંદરથી માછલીઓની વાસ બહાર દોડી આવી. ધવલે નાક આગળ હાથ ધર્યો. વિરલ જાણે સ્વસ્થ હોય, આ સડેલી બદબુની એના પર કોઇ અસર ના થતી હોય એમ પેલાની પાછળ દોરવાયો.
નીચે જવાની સીડીનાં પગથીયા જેમ જેમ ઓછા થતા ગયા એમ વાસ વધતી ગઈ, વધારે તીવ્ર થતી ગઈ.

“મને ઉલટી થઈ જસે,” ધવલે અંગ્રેજીમાં કહ્યું. એને એક ઉબકો આવી ગયો.

“ઓકે તું ત્યાં બહાર જ રહેજે.” વિરલે અંગ્રેજીમાં જવાબ આપ્યો.

ધવલ દોડતો ઉપર ગયો. એને કદાચ ઉલટી થઈ હતી, એવો અવાજ આવેલો. વિરલ છેક છેલ્લાં પગથીયે પહોંચી ગયો હતો. માછલીઓની વાસથી એનું માથું ફાટી રહ્યું હતુ છતાં એણે સ્વસ્થ હોવાનો ડોળ ચાલું રાખેલો પણ, નીચે ઓરડાનું દ્રષ્ય જોતા જ એના પગ ત્યાં ને ત્યાં ચોંટી ગયા. એની આંખોમાં ગુસ્સા અને ભભુકતા ક્રોધના આંસુ એક સાથે આવી ગયા. એને અહિંની ગંધ પરેશાન કરતી બંધ થઈ ગઈ. એની આંખો આગળનું એ દ્રષ્ય એટલું પીડા દાયક હતુ કે નાકની તકલીફ એની આગળ કંઇ વિસાતમાં ન હતી.

એક છોકરી બેશુધ્ધ અવસ્થામાં જમીન પર પડેલી હતી. એણે ફક્ત એક ફાટી ગયેલો લાંબો શર્ટ પહેરેલો હતો. એનાં નીચેના ત્રણ સિવાયનાં બધા બટન ખુલ્લાં હતા. એક બાજુની બાંય ચિરાઈને એના હાથ પર લબડી રહી હતી. એક હાથ એના સીના પર રાખીને એ હોઠ ફફડાવી કંઈક લવારા કરતી હતી. એના શરીર પર ઠેક ઠેકાણે છોલાયેલાના નીશાન હતા. વિરલે એની નજર ત્યાંથી ફેરવી લીધી.

“ક્યા હુઆ? ચુપ હો ગયે.” પેલો હસીને વિરલને કહી રહ્યો હતો, “જન્નત કીહુર હૈ! બસ એક બાર નહેલા કે તૈયાર કર દેના. વો ક્યા હૈ ના મયંકભાઇ બહુત રંગીન તબિયત કા હૈ, હર નયી લડકી કે સાથ…” એ ખંધુ હસ્યો.
વિરલને થયું કે એક પંચ મારીને એના સડેલા બધા દાંત તોડી નાખે. પરાણે એણે પોતાની જાત પર સંયમ જાળવ્યો. એને હજી આગળ જોવાનું બાકી હતું.

પેલાની સાથેનો બીજો માણસ એક જાળીદાર કોથળો ખોલી રહ્યો હતો. એમાં મોટાં મોટાં માછલા ભરેલાં હતા. બે માછલા હટાવતાજ એમાંથી એક નાનું, માંડ ત્રણ કે ચાર મહિનાનું બાળક દેખાયું. પેલાએ એની ડોકી પકડીને એને બહાર ખેંચ્યુ.

“યે હેં છોટા બચ્ચા દેખલો.” પેલાએ પાછા એના ગંદા દાંત દેખાડી હસતા કહ્યું.
વિરલની આંખો પહોળી થઈ ગઈ. માછલીઓની વચ્ચે એક નાનું બાળક કેવી રીતે રહી શકે? આતે માણસો છે કે રાક્ષસ?
“બેહશ કરકે રખા હૈ, જિંદા હેં અભી! ચાર ઘંટેમે હોશમેં આ જાયેગા. યે મછલીયોકી ગોદમે માંકી ગોદસેભી જ્યાદા સલામત હૈ, સાલા કોઇ પોલીસવાલા ઇસે યહા ઢુંઢ નહી પાયા. બંબઈસે આયા હૈ યહા. લે ઇસે અબ વો લડકીકે પાસ લેટા દે. અબ યહા પોલીસ તો ક્યા ઉસકા બાપભી નહી આયેગા.”

વિરલને થયું કે તારો બાપ અહિં આવવા નીકળી જ ગયો છે, બસ થોડી વાર કરીલે તારી બકવાસ! એને ખાતરી હતી કે આયુષ પોલીસને લઈને અહીં આવી જ રહ્યો હશે. એકવાર પોલીસ આવી જાય પછી આ બધાંની ખેર નથી. વિરલે દાંત કચકચાવ્યા.

“પા..ણી…પા..ણી….” કોઇનો કણસવાનો અવાજ આવ્યો. વિરલે અવાજની દિશામાં જોયું.

ભંડકીયાના એક ખુણામા ત્રણ પાંચ-સાત વરસનાં ભુલકાઓ દિવાલને અઢેલીને બેઠાં રહ્યાં હતા. એ લોકોના હોઠ સુકાઇ ગયા હતા. એમને પાણી પીવું હતું. કેટલાય દિવસથી એ લોકો પેટ ભરીને જમ્યા પણ નહિ હોય એવું એમને જોતાંજ લાગ્યું.

“ચુપ કર બે,” પેલાએ એક છોકરાને લાત મારી, “આજ સુબકો પાની પીયા થાના! અબ કલ સુભે મિલેંગા. જ્યાદા આવાજકી તો” પેલો ફરી લાત મારે એ પહેલા વિરલે એને થોડો પાછો ખેંચી લીધો.

“પાની હી તો માંગ રહે હે દેદો ના?” 

“પાની પિયેગે તો ચિલ્લાયેગે સાલે.યહાંસે ભાગનેકી કોશિષ કરેંગે. તુમ્હારે રોબર્ટ સાબને હી તો કહા હે ઇન્હે કોઇ ડ્રગ મત દેના, ફીર? મેં કેસે ચુપ કરાઉં ઇન લડકોકો, લોરી ગાઉં ક્યા?”

વિરલને સ્તબ્ધ ઉભેલો જોઇને પેલો અને એનો સાથીદાર બન્ને એકબીજાને તાળી આપતા હસી પડ્યા, “ઇન ગોરે લોગો કાભી દિલ બહોત કમજોર હોતા હૈ! ચલો ઉપર ચલતે હૈ, ખાના ખાલે ફિર ટાઇમ નહિ મિલેંગા.”

વિરલ ઢસડાતા પગે ઉપર ગયો. મનોમન નિશ્ચય કરતો ગયો કે ગમેતે ભોગે એ આ બધાને છોડાવશે. આ બધા પાપીઓને સજા અપાવીનેજ રહેશે. ભલે પોલીસ વખતસર આવે કે ના આવે! વિરલ સીડીઓ ચઢીને જેવો ઉપર આવ્યો એવો જ પેલાએ દરવાજો ફરીથી બંધ કરી દીધો. તાજી હવા વિરલના નાકમાં ગઈ પણ એ એને અનુભવી ના શક્યો!

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

આના પછીનો ભાગ વાંચો આજ સમયે આવતીકાલે આપણા પેજ પર. આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

ટીપ્પણી