રામાપીરનો ઘોડો ભાગ ૨ – પોતાની વ્હાલસોયી દિકરીને દિલ પર પથ્થર રાખીને છણકાવી દીધી…

રામાપીરનો ઘોડો

પ્રકરણ : ૨

બધા પાછા ભુજ આવી ગયા હતા. થોડા સમય બાદ જયાની પરીક્ષા પણ પુરી થઈ ગઈ. એના બધા પેપર સારા ગયા હતા. એ ખુબ ખુશ હતી. પરિણામનો દિવસ પણ આવી ગયો. જયાએ આવખતે ૮૯.૮૯% સાથે સમગ્ર જિલ્લામા બીજો નંબર મેળવેલો. એની શાળામાં એનુ સન્માન કરવામા આવેલુ. ત્યાંના એક જાણીતા સમાજ સુધારકે જયાને એક હજાર રુપિયાનુ ઇનામ આપેલુ . જયાના પપ્પા આજે ખુબ ખુશ હતા. જયાને હવે તબિબ બનતા કોઇ નહીં રોકી શકે એવું તેમનુ માનવુ હતુ.

ના જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનુ તો આપણીતો શી ઓકાત? નિયતિ એમ સીધુ ક્યાં કોઇને કંઇ આપી દે છે…!

દીકરીની સફળતાનો નશો હજી બાપના મગજ પરથી ઉતર્યો પણ ન હતો કે એક બીજા નશામાં ચુર માણસે એને ઓફિસમા બોલાવેલો. એ જે કાર્યાલયમાં પટાવાળાની ફરજ બજાવતો હતો, ત્યાં આજે એક મોટા સાહેબ મળવા આવ્યા હતા. એમણે જયાના પપ્પાને અંદર મળવા બોલાવેલા.
“અંદર આવુ સાહેબ?” દરવાજે ઊભેલા કાનજીએ પૂછેલું.
“હા, કાનજી આવીજા.” મોટા સાહેબે અનુમતી આપતા કાનજી એટલેકે આપણી જયાના પપ્પા અંદર ગયા.
કોઇક તીવ્ર વાસથી કાનજીનુ નાક ભરાઇ ગયુ. મગજે તરત ઓળખી કાઢ્યું એ દારુની વાસ હતી.”
“કાનજી આ મયંકભાઇ! ભુજના જાણીતા સમાજ સુધારક અને મંત્રી. સ્ત્રીઓના કલ્યાણ માટે સાહેબે ઘણુ કર્યુ છે. મેં તારી જયા વિષે એમને વાત કરી. એમનું કહેવું છે કે, જો છોકરી હોંશિયાર હોય તો એ જરુર મદદ કરશે. તારે જો છોકરીને ડોક્ટર બનાવવી હોય તો આ મયંકભાઇની મદદ લેવી જ પડશે.”
કાનજીએ એક નજર મયંક સાહેબ પર નાખી. કોઇ ખાઇબદેલા રીઢા નેતા જેવો એનો દેખાવ હતો. લાંચ-રુશવત ખાઇ ખાઇને ફુલી ગયેલુ પેટ એના ખાદીના ઝભ્ભામાંથી મોટા ફુટબોલની જેમ કુદી કે હાંફી રહ્યુ હતુ. એની આંખોના ડોળામાં નકરો વિકાર ભર્યો હતો. નશાની અસરથી એ લાલ અને બિહામણી લાગી રહી હતી. કાનજી સામે જોઇને એ હસ્યો હતો. પીળાપચક દાંતોની વચ્ચેની જગા પાન મસાલા ખાઇ ખાઇને કથ્થાઇ રંગની થઈ ગયેલી. એના હસવાની સાથેજ એના બે મોટા, જાડા હોઠમાંથી સડેલા દાંતની સાથે સાથે દારુની વાસ પણ બહાર નીકળી આવી. કાનજીને પહેલી નજરેજ એ માણસ ના ગમ્યો.
“શું વિચારે છે? જા જઈને જયાને લઈ આવ, સાહેબ એને જોઇ લે.”
કાનજીને થયુ કે એનો સાહેબ મનમા જ મલક્યો કે પછી, સામેવાળા બન્ને જણાએ એક્બીજાની આંખોમાં જોઇ મલકી લીધુ !
“હજી શું ઊભો છે આમ? જા ને, જલદી પાછો આવ, ઓફિસ બંધ કરવાનો ટાઈમ થયો.”
કાનજીએ કમને પગ ઉપાડ્યા. એનુ ક્વાર્ટર નજીકમાં જ હતુ. એણે ઘર તરફ ચાલવા માંડ્યુ. રસ્તામાજ જયા દેખાઇ. એ એના જેવડી છોકરીઓ સાથે એના ઘરના કંપાઉન્ડની બહાર ઊભી ઊભી બરફગોળો ખાઇ રહી હતી. કાનજીને કશુ વિચારવાનો વખત જ ના મલ્યો.
“તું શું કરે છે છોકરી આંયા? તારા કપડાને મોં જોતો, બધું કેસરી કર્યુ છે.”
જયા એના પપ્પા સામે જોઇને મીઠું હસી. એક્પળમાં પપ્પા શાંત થઈ ગયા.
“ચાલ તારે મારી સાથે આવવું પડશે. મોટા સાહેબે તને બોલાવી છે.”
“મોટા સાહેબે મને શું કરવા બોલાવી, પપ્પા?” જયાએ ભોળા ભાવે પૂછેલું જેનો જવાબ આપવાનું કાનજીએ ટાળ્યું હતું.
“અંદર આવુ સાહેબ?” કાનજીએ બારણામાં ડોકુ નાખીને પુછ્યું.
“હા, આવને! તારીજ તો રાહ જોવાય છે.”
કાનજીની પાછળ જ જયા પ્રવેસી.
“સાહેબ આ મારી દીકરી,”
“જયા.” કાનજીની પહેલાજ મોટું પેટ ઊભું થઈને બોલ્યું. કાનજીને જરા બાજુએ ખસેડી એ મોટી ફાંદ જયાની ચારે બાજુ ગોળ કુંડાળુ ફરી, એના મોં સામે ઊભી રહી.

“મેં એને એની નિશાળમાં જોઇ હતી. જયા નામ પણ યાદ રહી ગયુ.” મયંકભઈ જયા સામે મલક્યા. જયા પણ સામે થોડુ હસી. એની નજર જયાના ચહેરાં પરથી સરકતી સરકતી એની છાતી પર આવીને અટકી હતી. એ ભાગે પણ ઓરેન્જ ફ્લેવરના બરફગોળાનો થોડો રસ ટપકીને ચોંટ્યો હતો. જયાની પાતળી કુર્તી એ ભાગે સહેજ ચોંટી ગયેલી અને અંદરના ઉભારને બહાર ઉપસાવતી હતી.
કહે છે કે, પુરુષની નજર ફક્ત એક સ્ત્રીજ ઓળખી જાય છે. પણ એવું નથી પુરુષની ગંદી, લોલુપ નજર બીજો પુરુષ પણ તરત ઓળખી જાય છે જ્યારે એ બુરી નજર એની કોઈ ખુબ જ વહાલી વ્યક્તિ પર હોય! કાનજીને રુંવે રુંવે ઝાળ લાગી હતી પણ ઓફિસમાં સાહેબ આગળ એ કંઈ બોલી ના શક્યો અને જયાને લઈને ત્યાંથી નીકળવા જ જતો હતો કે એના સાહેબે એને એક કામ બતાવ્યું હતું.
કાનજી એની દીકરીના અંગો પર ફરતી પેલા નેતાની નજરોને વધારે વખત સહન કરી શકે એમ ન હતો. રખેને કોઈ બોલચાલ થઇ જાય અને વાત વણસી જાય. જયાનું કોઈ સારી કોલેજમાં ભણવાનું ઠેકાણું ના પડી જાય ત્યાં સુંધી આવા નીચ માણસો જોડે બગાડે પાલવે એમ નહતું. આખરે કાનજીએ કમને જયાને એકલી ઘરે જવા મોકલી અને એણે કામ હાથમાં લીધું…
કાનજીએ કામ પૂરું થતાંજ ઘરે જવાની રજા માંગી ત્યારે ત્યાં બેઠેલાં નેતા, મયંક્ભાઈએ એને કહ્યું કે, “ હું તારી જયાથી પ્રભાવિત છું અને એને મદદ કરવા ઈચ્છું છું. આગળ જતા છોકરીની જીંદગી બની જશે. એક કામ કર તું આજે રાત્રે જયાને મારા બંગલા પર મોકલી આપ હું એને આગળ શું કરવું જોઈએ એ વિષે સરસ રીતે સમજાવી દઈશ.”
કાનજીને થયુકે સામેવાળાના ગાલે એક તમાચો મારી દે પણ પછી નોકરી જતી રહે… એ એક સામાન્ય પટાવાળો હતો અને સામેવાળો મંત્રી!
“શું થયું? તું ચુપ કેમ છે? શું વિચારે છે, હેં? જો આજકાલ જમાનો બહુ ખરાબ ચાલે છે, લોકો રસ્તે જતી છોકરીઓને ઉપાડી જાય છે અને એમનો પછી ક્યારેય પત્તો નથી લાગતો તારી જયા સાથે આવી કોઈ અનહોની હાય એના કરતા મારી વાત માન અને એને મારા જેવા પરોપકારી માણસને હવાલે કરી દે, હું એની લાઈફ બનાવી દઈશ. જા હવે ઘરે જા અને મારી વાત પર વિચાર કરજે.
“તમે હદ વટાવી રહ્યાછો સાહેબ! એ ના ભુલો કે એ મારી દીકરી છે નહિંતો,” કાનજીએ દાંત કચકચાવીને કહ્યું.
“નહિંતો? નહિંતો શું કરી લઈશ? અબે તારી ઓકાત શું છે? ” મયંકભાઇએ કાનજીના કોલરનો એક છેડો પકડી અવાજ થોડો ઉંચો કરી કહ્યુ.
“સર, અહીં બબાલ ના કરો.” કાનજીનો સાહેબ વચ્ચે પડ્યો, “સોરી બોલ સાહેબને! કોની સાથે કેમ વાત થાય એનુ કઈ ભાનબાન પડે છે કે નઈ?”
મયંકભાઇએ કોલર છોડી, બે ડગલા ચાલી, ટેબલની ધારે ટેકણ લઈને ઊભા રહેતા કહ્યુ, “હું કોઇ બબાલ ઊભી કરવા નથી માંગતો. દસ હજાર અહિં પડ્યા છે.” એણે ગજવામાંથી નોટોનુ બંડલ કાઢી ટેબલ પર મુક્યું. “ઉઠાવીલે અને જયાને મારા બંગલે લઈ આવ, કાલે સવારે બીજા દસ હજાર આપીશ. છોકરીનું જો અપહરણ થઈ જશે તો કદી ઘરે પાછી નહિં આવે.” ગંધાતા મોંઢે, ગંદી વાત કરી એણે એના ગજવામાંથી બાટલી કાઢી મોંઢે માંડી.

લાચાર બાપે એક નજર એના સાહેબ પર નાખી જેને ત્યાં આટલા વરસો ઇમાનદારીથી ફરજ નિભાવી હતી. એણે કાનજી સામે નજર ના મિલાવી.

“અપહરણ.” બસ આ એક શબ્દ કાનજીને માથામાં જાણે કોઇએ હથોડો માર્યો હોય એવો વાગયો. એ ઘર તરફ ભાગયો.
કાનજી ભાગતો ઘરે પહોંચ્યો. ઘરનું બારણુ ખુલ્લું હતુ. એ સીધો અંદર ગયો. ચારે બાજુ એની નજર જયાને શોધી રહી.

“ થયું સે હુ? આટલા હાંફોસો કેમ.”
“જયા? એ ક્યાં ગઈ? ઘરે આવેલી?” ઓફિસેથી કામ પતાવીને ભાગતા ઘરે આવેલા કાનજીએ એની પત્નીને પૂછેલું.
“હા, એ બારે કપડા હુકવ્યાસે ઇ લેવા ગઈ સે.”
જયા કપડા લઈને અંદર આવી. કાનજીએ એની સામે નજર કરી, એના હોઠ હજી બરાફ્ગોળાથી રંગાયેલા કેસરી રંગના હતા. તેને પેલી ઘટના પાછી યાદ આવી ગઈ. તે જોરથી તાડુક્યો,
“તારો દુપટ્ટો ક્યોં ગયો સોડી? નાની છું હવે? જરીએ ભાન પડેસે કે,” કાનજીએ આજે પહેલી અને છેલ્લી વાર જયા પર હાથ ઉઠાવ્યો.
જયાની મમ્મી વચ્ચે આવી ગઈ.
“આમ હુ કરોહો? જુવાન છોડીને આમ.” એણે કાનજીનો હાથ પકડી લીધો. “લાલી, એ કપડા અહિં નાખ ને, બાજુમાં જઈને કડવીમાંને વાટકી કઢી આપતી આવ.”
જયાએ કંઈ બોલ્યા વગર ચાલી ગઈ અને એની મમ્મીએ કહેલું એમ કર્યું. એ બહાર નિકળી ત્યારે દુપટ્ટો નાખેલો હતો, એ જોઇને કાનજી રડી પડ્યો!
“હુ વાત સે? બોલી નાખો જટ.”
“મારી જયા… હલકટ કુતરાઓની નજરે ચડી ગઈ! આ ભોળી કબુતરા જેવી મારી છોકરી ને એ કપાતરો ઉઠાવી જવાની વાતો કરે છે.”
“કોણ સે ઇ?”
“ છે એક, મોટો સાહેબ!”
જયા પાછી આવી ગઈ. માબાપ વચ્ચેની વાતો અટકી પણ, ચિંતા વધી. ત્રણેય જણાની. જયાએ બારણા બાહરથી એના માબાપની વાતો સાંભળી લીધેલી. રાતે ત્રણેય જણા પથારીમાં આડા પડ્યા પણ, નિંદરરાણી આજે કોઇના પર મહેરબાન ના થઈ.

જયા આમતો બહાદુર હતી છતાં, થોડી ડરી ગઈ! આજ સુંધી ટીવીમાં, પિચ્ચરોમાં જે દ્રશ્યો જોયેલા, છેડતીના એવુ કંઇ એની સાથે પણ બની શકે એવુ આજ દીન સુંધી એણે ક્યારેય કલપ્યુ પણ ન હતુ. એ બધાની લાડલી લાલી, હોંશિયાર વિદ્યાર્થીની, વહાલી સખી-બેન, એક કહ્યાગરી દીકરી હતી આજ સુંધી, તો આજે આ નવા કોણ લોકો આવી ગયેલા? શા માટે? અને એનાજ જિવનમા કેમ? એણે કોઇનુ શું બગાડ્યું હતુ?

સવાલ. બહુ બધા સવાલ હતા ત્રણેયના મનમાં પણ, જવાબ એકનોય ન હતો. જેમ તેમ પડખા ફેરવી રાત વીતાવી. સવારે નોકરીએ જતા પહેલા કાનજીએ પત્નીને ઘરમાં જ રહેવાનું અને જયાનું ધ્યાન રાખવાનું કહેલું. જયા સાથે વાત કર્યા વગર જ એ નિકળી ગયેલો. દીકરી પર હાથ ઉગામ્યો એનો પસ્તાવો તો ઘણો હતો પણ, જો એ કોઇ સવાલ પૂછી બેસે તો? જવાબ નહતો એના બાપ પાસે!
કાનજી ઓફિસે ગયો, સમાચાર મલ્યા કે, સાહેબ બોલાવે છે. કાંપતા દિલે એ ગયો.
“અંદર આવુ?”

“હા.આવ. ક્યારનોય તારી જ રાહ જોતો હતો.” સાહેબે સહાનુભુતીથી વાત ચાલુ કરી, “કાલે જે પણ થયુ એ માટે હું દિલગીર છુ. મને ખબર છે, તને ખોટું લાગયુ છે પણ, હું શું કરત? એ વખતે એણે મને ધમકી આપેલી. જો હું એને રોકત તો એ મને ખોટો ફસાવી દેત.”

“હસે એ બધુ. હવે, શું છે?” કાનજીને કાલનો પ્રસંગ યાદ આવતાજ ગુસ્સો આવી ગયો હતો.
“મારે તને મદદ કરવી છે. એ મયંક સીધો નહીં રહે. આ જો અહીંના સ્ટાફને ભચાઉ જવાનો ઓર્ડર છે. કોઇ દિલ્હીથી આવવાનુ છે, એની સરભરા કરવા. ત્યાં હકિકતમાં કશું કામ નથી. તને અહિંથી દુર કરવાનું બહાનું છે. તું ના હોય પછી જયા..,” સાહેબે વાક્ય અધુરું રાખી કાનજી સામે થોડી ક્ષણ જોયુ.

“હું તને ગાડી આપુ. ડ્રાઇવર સાથે. તું જયા બેટીને એની મમ્મી સાથે તારા ગામ ભેગી કરી દે. તું ભચાઉ જતી બસમાં બેસી જજે બધાની સાથે. પાછળ જ મારી ગાડી જયા અને એની મમ્મીને લઈને નિકળશે. મયંકને આ બધી ખબર પડે એ પહેલા જયા અહિંથી નિકળી ગઈ હસે. સમજી ગયોને? ”
કાનજીએ હકારમા ડોકુ ઘુણાવ્યું.
“સરસ! ચાલ તું ઘરે જઈને બધી તૈયારી કરીલે. પહેલા તારી બસ છે એટલે, તારે પહેલા જવું પડશે. પછી જયા અને એની મમ્મીને માટે તારા ઘરે જ ગાડી આવી જસે. કોઇ ચિંતા ના કરતો. મારે પણ ઘેર દીકરી છે હું તારુ દુ:ખ સમજુ છુ.”
આબાજુ કાનજી ઘરે જવા નિકળ્યોને, સાહેબે મયંકભાઇને ફોન જોડ્યો.

“ડન, એ માની ગયો. ”

કાનજીએ ઘરે જઈને જે બન્યુ એ તેની પત્નીને જણાવ્યુ. જયાને કહેવામાં આવ્યુ કે ગામડે જવાનુ છે, જટ તૈયાર થાય. એક નાની બેગમા થોડાં કપડાં અને બીજી જરુરી વસ્તુઓ કાનજીએ ભરી. જયાએ એક નાના થેલામા એના પરીણામપત્ર, બીજા જરુરી કાગળો અને કેટલીક બીજી વસ્તુઓ મુકી.

“મમ્મી હુ કડવીમાંને કે’તી આવું કે ઘરનું ધ્યાન રાખે.” મમ્મીના જવાબની રાહ જોયા વિના જયા બહાર નિકળી ગઈ.

“હંધુય સારું થઈ જશે, તમે હિંમત રાખો.” પત્નીએ પતીને કહ્યુ

“મારે જવુ પડશે. બધાને કોઇ કામે ભચાઉ જવાનુ છે. નહી જઉં તો કોઇને વહેમ થશે. તું જયાને જરીકે એકલી ના મુકતી.”

“તમે ચિંતા કરોમા! માતાજી સૌ સારાવાના કરસે. મારી જયા નસીબદાર સે!”

“જયાને આવતા આટલી વાર કેમ થઈ?”
“વાતો કરતી હશે. હું જોવુસું”
જયાની મમ્મીએ બહાર નિકળી જયાને બુમ પાડી. જયા તરત બાજુના ઘરમાંથી બહાર આવી
“કેટલી વાર કરી લાલી? જટ હાલ્ય તારા પપ્પાને મોડુ થાયસે.”
કાનજીએ જતા પહેલા જયાના માથે હાથ ફેરવી કહ્યુ, “કાલે મેં ગુસ્સો કરેલો. મારી ભુલ,”
“આ શું કહો છો પપ્પા? તમે મને હજાર વાર બોલો, મારો, તમારો હક છે. ઇ બધુ તમે મારા હાટુ જ કરો છોને?” જયાએ એના પપ્પાને વચ્ચે જ અટકાવી એમની છાતી પર માથુ ઢાળી રડતાં રડતાં કહેલું.
કાનજી બહાર નીકળ્યો ત્યારે એની જ બિલ્ડીંગમાં રહેતો સાહેબનો ડ્રાઈવર ગાડી લઈને નીકળી જ રહ્યો હતો. એણે કાનજીને પોતાની સાથે આવવા કહ્યું. એ સાહેબને લેવા એમના ઘરે જઈ રહ્યો હતો અને બસ સ્ટેશન પણ ત્યાંજ પડતું હતું. કાનજી ગાડીમાં બેસી ગયો. સાહેબનું ઘર આવી જવામાં જ હતું કે એ ડ્રાઈવરે કહેલું કે હું સાહેબને ગાડીમાં લઈને ભચાઉ આવવાનો છું. બાકીના બધાં લોકો બસમાં આવશે.
કાનજીએ એણે પૂછેલું કે, “જયા અને એની મમ્મી માટે સાહેબે બીજી ગાડી કરાવી છે? તું ભચાઉ જઈશ તો પછી એ લોકોને જુનાગઢ મુકવા કોણ જશે?”
એ ભાઈએ કહ્યું કે, “સાહેબે પોતાને આવી કોઈ વાત કરી. બીજી કોઈ ગાડી કે ડ્રાઈવર પણ બોલાવ્યો નથી.
હવે કાનાજીનું મગજ ફટોફટ વિચારવા લાગ્યું. આમેય એ કાલ સાંજનો ખુબ સતર્ક થઇ ગયો હતો. સતર્ક થયા વગર ચાલે એમ પણ ક્યાં હતું, વાત એમની વહાલસોઈ દીકરી જયાના ભવિષ્યની હતી. એણે તરત જ વિચારી લીધું, જો સાહેબે કોઈ બીજો ડ્રાઈવર કે ગાડી મોકલાવી નથી. તો પછી જયાને જુનાગઢ કેવી રીતે પહુંચાડશે? ઓફિસના બન્ને પટાવાળા અને બે ક્લાર્ક, એમ ચારે માણસો ભચાઉ જઈ રહ્યા છે, એટલે કે અહિં જયા અને એની મમ્મી જેવી બીજી સ્ત્રીઓ અને બાળકો જ હશે. જયાની મમ્મીને તો મેં જ કહેલુ કે સાહેબ ગાડી મોકલવાના છે. એતો કોઇ પણ ગાડીમાં બેસી જશે. શું ખબર એ ગાડી પેલા મયંકીયાએજ મોકલી હોય!

હે, ભગવાન! દાવ થઈ ગયો! ગાડી છેક સાહેબના ઘર પાસે આવેલા બસડેપો પાસે આવી ગઈ હતી.
“એક મિનિટ ગાડી રોક. જલદી પાછી લઈલે. મારે હાલજ ઘરે જવુ છે. ”
“અરે યાર મારે મોડુ થઈ જશે.”
“ નહિં થાય ભઈલા! મને ઘરે ઉતારીને તું તારે નિકળી જજે.” કાનજીએ હાથ જોડ્યા.
ડ્રાઇવરે ગાડી પાછી વાળી, કાનજીને પાછો ઘર આગળ ઉતાર્યો ને એ નિકળી ગયો. કાનજી ઘર તરફ પગ ઉપાડવાજ જતોતો કે પાછળથી એને કોઇક ટેણિયાનો અવાજ સંભળાયો. પહેલા તો અવાજને અવગણીને કાનજી ઘરે ભાગવા ગયો પણ, પછીથી એક ક્ષણ રહીને કાનજીના મનમાં બત્તી થઇ, એ ટેણીયાએ કહેલું કે, “ કાકા, જયાબેન અને કાકી તો ગયા…મોટી ગાડીમાં બેસીને!” કાનજીના પગ આપોઆપ થંભી ગયા.
“ક્યારે ગયા?”
ટેણિયો હસ્યો. એનુ મોંઢુ કશાકથી ભરેલું હતું એને એ શક્ય એટલુ મોંમા એકબાજુ ઠુંસીને બોલ્યો,
“ થોડીવાર પેલ્લાજ ગયા, એક ગાડીમાં બેસીને..”
ટેણિયાની થોડીવાર એટલે સાચુકલી કેટલીવાર એ વિચારીને મગજ બગાડ્યા વગર કાનજી ભાગયો.
એના ઘરની આગળથી એક જ રસ્તો જતો હતો. એ રસ્તાની ડાબી બાજુએ જતાં ત્યાં બધી ઓફિસ આવેલી હતી, જમણી બાજુ બઝાર હતું અને ત્યાંથી આગળ એ હાઇવે તરફ જતી. એ જમણી તરફ ભાગયો. જિંદગીમાં ના દોડ્યો હોય એવી ગતીએ મુઠીઓ વાળીને એ ગાંડાની જેમ ભાગતો જ રહ્યો. થોડેક આગળ એને એક રિક્ષા જતી દેખાઇ. એણે હાથ હલાવ્યો રિક્ષા એની બાજુમા આવીને ઉભી રહી. એ લગભગ કુદકો મારીને પાછલી સીટ પર ફસડાઇ પડ્યો. “ સીધી જવાદે, જલદી”

એ સખત હાંફી રહ્યો હતો. આંગળી થી ઇશારો કરીને એણે આગળ જવા જણાવ્યુ. થોડેક આગળ જતાજ એને રસ્તાની એક બાજુ એક ગાડી ઉભેલી દેખાઇ. કાનજીના મગજમા જબકારો થયો આ એજ ગાડી છે, જે સવારે એ જ્યારે ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે એમના કંપાઉન્ડની બહાર ઉભી હતી. કાળી રેનોલ્ટ ડસ્ટર, ઓ મારી માવડી! આતો પેલા મયંકીયાની જ ગાડી છે. ઇવડો ઇ આજ ગાડી લઈને તો આવેલો કાલે ઓફિસે! કાનજી આગળ કંઈજ વિચારી ના શક્યો, એણે રિક્ષાને એ ગાડી પાસે લઇ લેવા કહ્યું.

એ ગાડીમાંથી બે બહેનો નીચે ઉતરી ને જોર જોરથી ગાડીવાળા સાથે કંઇક માથાકૂટ કરી રહી હતી. ગાડીવાળાએ ફરીથી ગાડી પુર ઝડપે એનાએ રસ્તે આગળ જવા દીધી .
કાનજીએ એ બહેનો પાસે જઈને રિક્ષા ઉભી રખાવી. એ જયા કે એની મમ્મી બન્નેમાંથી કોઇ ન હતુ પણ, એ એમનીજ બાજુમાં રહેતી બે મહિલાઓ હતી. કડવીબા અને એમની પુત્રવધુ!
“તમે લોકો અહિં ક્યાંથી? મા, મારી જયા?” કાનજીએ ગળગળા સાદે પુછ્યુ.
“સલામત છે!” કડવીમાએ વિશ્વાસથી, હસતા મુખે કહ્યુ, “તારી જયાનો વાળ પણ વાંકો નાં થાય. સાક્ષાત માતાજી એનું રખોપું કરે!”
કડવીમાના આ શબ્દો કાનજીને મધ જેવા મીઠા લાગયા.
જયા સલામત છે એ જાણીને કાનજીના જીવમા જીવ આવ્યો! કાનજી જે ઑટોમાં આવ્યો હતો, એમા એ ત્રણેય, કાનજી, કડવીમા અને તેમની પુત્રવધુ રવાના થયા.
“મા તમે અહિંય છો તો મારી જયાને એની મમ્મી ક્યાં છે? ને આ બધું કેવી રીતે બન્યુ?” સુખદ આશ્ચર્યથી કાનજીએ પુછેલુ.
“ઇ હંધુય જયાએ કર્યુ. ઇને કાલે રાતે જ બધી વાતુની ખબર પડી ગઇતી. એ પહેલાથી હુંશિયાર જ હતી, આજ હવારે એણે ઘરની બાર બે વખત પેલા ગાડી ચલાવનાર ભયને આંટો મારતો જોયેલો. ઇ પેલા સાહેબનોજ ડ્રાઇવર છે ઇયે ઇને ખબર પડી ગઈતી. આગલા દિવસે ઇની નેહાળમા એ આયેલો, એ સાહેબને લઈને. તું નેકળ્યો એ પેલા એ મારા ઘરે આવેલી તે ઇ વખત એણે મન કીધુતુ કે, “તઈયાર રેજો મા, મારે તમારી ને ભાભીની કદાચ જરુર પડશે. ઇણે મન થોડી વાત કરેલી.” જેવો તું નેકળ્યો ભચાઉ જવા એવોજ એવડો ઇ ગાડી લઈને છેક ઘરના ઓગણા હુંધી આઇ જયેલો. એ તારા ઘરે જઈને બારણુ ખખડાવીને ઉભો રેલો ત્યારે મીયેય મારું બારણું ખોલીન ઇન જોયોતો. તારા ઘરનું બારણું જયાએજ ખોલેલું. પેલાએ કિધુ કે, “ઇ એ લોકોન લેવા આયો સ. સાહેબે ગાડી મોકલી સ.”
જયાએ કિધુ, “હારુ કર્યુ તમે જલદી આઇ ગયા. અમે તઈયાર જ છીયે. તમે ગાડીમાં બેહો હું અને મારી મમ્મી બાજુમા ચાવી આપીને આવીયે જ છીયે.” એજ વખતે જયાએ મારી સામે જોઇને ડોકું હલાવેલું, હું બારણે જ ઉભેલી. મને ખબર પડી ગઈ કે દાળ મો કોક કાળું સ.

ઇ ભય જઈન ઇની ગાડીમો બેઠો . જયાએ આવીન ઇનો દુપટ્ટો મન ઓઢાડીન બધી વાત ટુંકમો કરીતી. ઇણે કીધેલું કે હું અન મારી વહુ ઇવડા ઇ હારે ગાડીમો જતા રહીયે, જયા અને એની મમ્મી બનીને, એ થોડોક આગળ ગાડી લઈને જતો રેય પસ ગમેતે બોનુ કરીન અમે ઉતરી જાસુ. ત્યો હુધીમો ઇ મા-દીકરી જયાની બેનપણી કવિતાના ઘરે જતા રેશે. ઘરે તાળું મારીને.

જયા પેલા બાર ગઈ આ ખાલી થેલો ગાડીમા મુક્યો ન પેલાની હામે જોઈન કીધુ કે,“ હું મારો દુપટ્ટો ભુલી ગઈ. એક મિનિટમા આવી, હો ભાઇ!” પેલો જયાને જ જોઇ રયોતો એટલામો મારી વહુ માથે ઓઢીને, જરા લાજ કાઢીને પાછળની સીટમો બેસી ગઈ. જયા જેવી ઘરમો આવી એવી જ મુ ઇનો દુપટ્ટો માથેને, શરીરે લપેટીને બાર નેકળી, ઘરને બંધ કર્યુ ને ચાવી લઈને ગાડીમો બેહી ગઈ. આલો તમારા ઘરની ચાવી. જયાની મમ્મી પાહે બીજી ચાવી સ, એ ઇ વખતે મારા ઘરમો હતી. કાનજીએ ચાવી લીધી.
આ ગાડીવાળાન તો બુહા જેવાન ઇમ ક પાસળ જયા ને ઇની મમ્મી જ બેઠેલા સ. આટલે લગણ આયા એટલે મે માથેથી ઓઢણી કાઢી નાખી. ઇવડા ઇ એ મારી હામે જોતાજ ગાડી ઓય ઊભી રાખી દિધી. મન કે, “ ડોહી તું કુણ સે? જયા ક્યાં વહી ગઈ?”

“ડોહી તારી મા! મારા રોયા, વડીલ હારે કેમ વાત કરાય ઇ ભાન પડતુ સે કે નઈ. ” મે પસ એની હારે ઝગડવાનુ ચાલુ કર્યુ. મારી વહુએ ય માથેથી લાજ કાઢી નાખીને એયે પેલાને વળગી,

“એ મોઢુ હંભાળીને બોલ જરા. ખબરસે કોની માંની હારે વાત કરેસે ઇ. મારો ઘરવાળો પોલીસમા છે, એક ફોન કરેને તો આવી બન્યુ હમજજે.”

“ધમકી હુ આલસ વહુ, ફોન કરીજ દે! આવા લોકો ઈમ નો સુધરે !

“પેલો કોક બોલ ઇ પેલાજ અમે સાસુ વહુ ગાડીમાંથી બાર ઓયે ઉતરી ગયા. એ પુસતો’તો કે જયા ક્યાં ગઈ? મેં કીધું કુણ જયા? તારી ગાડીમાં અમે બે હાહુ વોવ જ બેઠેલાં હતા. જયા બયાન અમે નથ ઓળખાતા! પેલો ગીન્નાયેલો ઈને કોકન ફોન કર્યો અન પસી જતો રિયો.

“તમારો ખુબ આભાર માં! આજે તમે મારી જયાનો જ નહી અમારા આખા પરિવારનો જીવ બચાવ્યો છે.”

“લે એ હું બોલ્યો? જયા કંઇ તારા એકલાની છોડી સે? સૌથી પેલ્લી એ મારી લાડકી સે!”
ઑટો હવે એમના ઘરે આવીને ઉભી હતી. બે મહિલાઓ ઉતરીને અંદર ગઈ. કાનજીને હવે જયા પાસે પહોંચવુ હતુ. એણે રિક્ષાવાળાને કવિતાના ઘર તરફ આવવા કહ્યુ.

જે કાળી ગાડીમાથી એ બે બહેનો ઉતરી હતી એના ડ્રાઇવરે આગળ જઈને યુ-ટર્ન માર્યો હતો. એ સામેના રોડ પરથી આ લોકો પર નજર રાખી રહ્યો હતો. કાનજીને કડવીમા સાથે વાતો કરતો જોઇને એણે એના બૉસને ફોન કરી જાણ કરેલી. એને એ લોકોનો પીંછો કરવાનુ કહેવામાં આવેલુ. આગળ આગળ ઑટો ને પાછળ પાછળ કાળી રેનોલ્ટ ડસ્ટર ચાલે જતી હતી.

કાનજીને કવિતાના ઘરે જોતાજ જયા અને એની મમ્મી ખુશ થઈ ગયા. એમની અડધી ચિંતા ઓછી થઈ ગઈ. કાનજીએ જયાને એની હોંશિયારી માટે શાબાસી આપી.

દિલ પર પથ્થર મુકીને, ભીની આંખે કાનજી વિદાય થયો. સાહેબની સાથે કામ કરતો એમનો ડ્રાઇવર એને બહાર ઝાંપા પાસેજ મળી ગયો.

“તારે ભચાઉ નથી આવવાનુ?” કાનજીને જોતા એણે પુછેલુ
“હા. ત્યાંજ જવા નિકળ્યો છું. ”
“હું પણ ત્યાંજ જવ છું ચલ, તને બસ ડેપોએ ઉતારી દઈશ.
“ તારે પણ ભચાઉ આવવાનુ છે?”
“હા, સાહેબને લઈને આવવુજ પડસેને. રામ જાણે અચાનક ત્યાં હુ કામ આયી પડ્યુ.”
“બીજી કોઇ ગાડી છે? મારો મતલબ કે સાહેબ માટે આપીછે?”
“ખબર નઇ આજે ફાળવી હોય તો. બીજો કોઇ ડ્રાઇવર જ ક્યાંછે?” પેલા ડ્રાઈવરે કહ્યું.
કાનજીના મનમા વિચારોનુ વંટોળ ઉઠ્યું. સાહેબે કહેલુ એ ડ્રાઇવર અને ગાડી આપશે. સાહેબનો ડ્રાઇવર સાહેબને લઈને અત્યારે ભચાઉ જાય છે. બિજો કોઇ ડ્રાઇવર કે ગાડી સાહેબ પાસે

કાનજીનો નાનો ભાઇ ગાડી કરાવીને એમને લેવા આવી રહ્યો છે એટલુ જાણતાજ કાનજીને અજબ શાંતિનો અહેસાસ થયેલો. હવે એમણે બસ, કાનજીના નાના ભાઇ, રામજીની પ્રતિક્ષા કરવાની હતી.

___*_____*_____*____*____*_____ *____*__

વિ..ર..લ…… (વિરલ નામના છોકરાએ બે હાથ ફેલાવીને, ઉંચા સાદે ગાયુ)
ધ..વ..લ……. (ધવલે ગાયુ ને વિરલને ભેંટી પડ્યો)
આયુષ્માન! (આયુષ્માનને ગાયુ ને એ પેલા બન્નેને ભેંટી પડ્યો)
આ ત્રણેય સુરતીલાલાનો આ રોજિંદો ક્રમ હતો. વિરલ, ધવલ અને આયુષ્માન રોજ સવારે ભેગા થતા ત્યારે, અમર અકબર એન્થોની ફિલ્મનું ગીત એમના નામનો ઉપયોગ કરીને આ રીતે ગાતા અને જાણે વરસો બાદ ફરીથી મળ્યા હોય એમ એકબીજાને ભેંટતા! ત્રણેયના બાપાઓ પાસે લોટ રુપિયો હતો ને આ ત્રણેય જણા એને યથાશક્તી વાપરે જતા હતા. રોજ પાર્ટી કરવી, મોંઘી ગાડીઓમાં ફરવું ને પિચ્ચરો જોવા બસ, એજ એમનુ કામ. આમતો એમનુ મિત્રવર્તુળ વિશાળ હતું છતાં, આ ત્રણેયને એકબીજા વગર જરાય ના ચાલતુ.
જો એ ત્રણે સાથે હોય દુનીયા જુકાવી શકે એવો એમને વિશ્વાસ હતો. કોઇ પણ, કંઇ પણ કામ હોય એકવાર આ ત્રિપુટીના હાથમા આવે એટલે પાર પડી જ જાય. સ્કુલ ટાઇમના આ મિત્રો હવે કોલેજ પણ એકસાથે જ જવાના હતા. ડોક્ટર બનાય એટલા સારા ત્રણેના માર્ક્સ ન હતા. એંજીનીયર થવાનુ વિરલ શીવાયના બે માટે થોડુ અઘરું હતુ. છેવટે બધાએ ભેગા મળીને બી.એસ.સી કરવાનુ નક્કી કર્યુ હતુ. થોડો વખત રહીને કોલેજ ચાલુથવાની હતી એટલે, રજાઓના દિવસોમા એ લોકો મોજમજા કરી રહ્યા હતા.
અઠવા લાઈન્સ પાસે આવેલી સુરતી લોચાની દુકાન એમનું મનપસંદ સ્થળ અને ખાણું હતું. સુરતનો સ્વાદીસ્ટ લોચો ખાતા ખાતા આયુષ્માને કહ્યુ, “યાર, કઈ મજા નથી આવી રહી.”
“તો, આયુષ બાબાને તૂફાની કરવી છે, એમને?” વિરલે આયુષના માથે હાથ ફેરવતા કહ્યુ.
“યા..ર! એક જબર આઇડીયા આવી રહ્યો છે.” ધવલે ઉભા થઈને ટેબલ પર મુક્કો માર્યો.
“શું…ઉઉઉ?” બાકીના બન્ને જણાએ કોરસમાં ગાયું.
“અડધી રાતે જીપ લઈને ગીરના જંગલમા જઈએ ને સિંહ સાથે સેલ્ફી!” ધવલે આંખ મારી, “ કેવું લાગ્યું?”
વિરલ અને આયુષે એક સાથે ઊભા થઈ, ટેબલ પર મુક્કો મારી, કહ્યુ, “મસ્ત છે….!”
એજ સાંજે સાત વાગે એ ત્રણેય જણા જુનાગઢથી આગળ ગીર તરફ જઈ રહ્યા હતા.
એ લોકો ગીરના જંગલ સુંધી પહોંચી ગયા પછી એમની નજરે એક પાટિયું પડ્યું જેમાં લખ્યું હતું કે વરસના અમુકના સિંહોની પ્રજજન ગાળો હોવાથી જંગલ બંધ રાખવામાં આવશે અને એમના સદ નસીબે એ ગાળો હાલ જ ચાલુ જ હતો. વિરલે આ પાટિયું જોતા જ ધવલ સામે જોયેલું,
“અરે પણ મને શી ખબર હાલ સિંહોની પ્રેમ કરવાની સીઝન ચાલતી હશે? સાલું આપણે તો એવી કોઈ સીઝન હોતી નથી હોતી!” ધવલે મોઢું લટકાવીને કહ્યું.
“હા…યાર!સિંહોને માટે ભગવાને એવો પ્રેમ કરવાનો જુદો, સ્પેશિઅલ વખત બનાવ્યો છે, અરે યાર કુતરા માટે શીયાળાની સીઝન બૂક કરી છે અને આપણા માટે કંઈજ નહિ?” આયુશે પણ એનો ઉકળાટ વ્યક્ત કર્યો.
“હવે શું કરવું છે, એ બોલો તણપાઓ ? જનાવરો માટે એક ચોક્કસ બનાવ્યો છે એમાજ એ પ્રેમ કરે તમારી જેમ રોજ રોજ રેડી ના હોય!” વિરલ ઉવાચ.

“જો હું આહીરનો દીકરો છું અને આ જંગલની બાજુમાં જ આવેલા ગામમાં રહું છું મને રોકવાનો એ લોકોને કોઈ હક નથી. અમે ગામવાળા ધારીએ ત્યારે જંગલમાં જઈ શકીએ. અમે લોકોતો અડધી રાત્રે જીપમાં બેસીને જંગલમાં ઘુસી જતા અને છેક અંદર જઈને સિંહોની પાછળ ગાડી ભગાવતા, કોઈ પૂછે તો કહી દેતા કે અમારી ગાય કે બકરી ચરતી ચરતી અંદર ચાલી ગઈ છે એને શોધીએ છીએ!”

“એ જે હોય તે હાલ શું કરવું છે એ પહેલા બોલ?” વિરલે કંટાળીને પૂછ્યું.
“હું વિચારું છું કે, અંદર જઈને ઓફિસરને રીકવેસ્ટ કરું, એ મારા જેવા માસુમ બાળકની ઈચ્છા જરૂર પૂરી કરશે!” ધવલે એના મોઢાં પર શક્ય એટલું નિર્દોષ સ્મિત રેલાવતાં કહ્યું.

“ઠીક છે જોકર જી આવ!” વિરલ અદબવાળીને ગાડીના બોનેટ પર બેસી ગયો.
ધવલ અંદર ઓફિસમાં ગયો અને ત્યાં બેઠેલાં કોઈ અધિકારીને અંદર જવા દેવા માટે વિનંતી કરી. પેલા એ, ‘સોરી’ કહ્યું તો આણે ‘પ્લીજ’ કહ્યું! આવું ચાર વખત બન્યું પછી પેલાએ, ‘ગેટ આઉટ’ કહ્યું અને ધવલ આને પોતાનું અપમાન સમજી થોડો ગરમ થઇ ગયો અને ઊંચા અવાજે બોલવા લાગ્યો. એનો અવાજ સાંભળીને આયુષને થયું કે એનો યાર મુસીબતમાં છે અને એ પણ ભાગતો અંદર ગયો. અંદર જતાજ એણે પંજાબીમાં જોર જોરથી બોલવાનું ચાલુ કરી દીધું પેલા ઓફિસરે છેલ્લે ધક્કા મારીને આ લોકોને બહાર કાઢવા પડ્યા અને એ લોકો સાંભળે એમ એણે ફોન કરીને કોઈકને સૂચના આપી કે, “જો આ ત્રણ લબરમુછીયા ગમે ત્યારે જંગલની આસપાસ ફરતાં દેખાય તો એમને પકડી લેવા એ કોઈ બુરા ઈરાદે જંગલમાં થવા માંગતા હોય એવું લાગે છે!”
આખરે વિરલે ગાડી સ્ટાર્ટ કરી અને બાકીના બંને પેલા ઓફિસર સામે દાંતિયા કરતા ગાડીમાં ગોઠવાઈ ગયા. થોડેક આગળ ગયા પછી વિરલે ગાડી થોભાવી હતી.

“ઓયે ક્યા હુઆ? ગડ્ડી બિગડ ગઈ ક્યા?”

એને જવાબ આપ્યા વગર વિરલ હસ્યો અને કહ્યું, “તારું ગામ નહિ દેખાડે ધવલીયા?”

“હા હા,ચાલ. પણ જે મારા કાકા આપણી સાથે આવત એ હાલ બહાર ગયા છે.” ધવલે કહ્યું.

“તું ચાલ તો ખરો!” ધવલ અને આયુષ બંને સમજી ગયા કે એ લોકો માટે વિરલે કોઈક સરસ પ્લાન ઘડી કાઢ્યો છે અને સાચું હતું…

એમના ગામમાં જઈને સૌથી પહેલા તો એ લોકો એક ઘરે જઈને જમ્યા હતા. ખીચડી, કઢી, બાજરીના રોટલાં, લસણની ચટણી અને ઘી ગોળની એમણે સારી એવી કિંમત આપેલી અને એ ઘરના માલિકે ખુશ થઈને એમને જંગલમાં દાખલ થવાનો બીજો રસ્તો પણ બતાવેલો. એ ત્રણે જણાએ એ રસ્તે ગાડી મારી મુકેલી. જંગલમાં ઘણે અંદર ઘુસ્યા બાદ એમને સિંહનાં દર્શન થયેલા.એ અને સિંહણ એકબીજા સાથે મસ્ત હતા. ધવલે કેમેરો કાઢી શુટિંગ ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે વિરલે એને મનાઈ કરેલી. જંગલ આપણી સંપતિ છે અને એને સાચવવાની આપણી ફરજ છે. એના મતે અત્યારે એને આ જંગલ, આ સિંહ જોઇને જે રોમાંચ થઇ રહ્યો છે એ એનો દીકરો મોટો થઈને અહીં આવે ત્યારે એને પણ થવો જોઈએ! રાતના સમયે કેમેરાની લાઈટથી પ્રાણીઓને પરેશાની થાય એમ કહીને એણે ધવલને રોકેલો અને ધવલ માની ગયેલો. થોડીવાર બીજા જનાવરો જોતા અને રાત્રીમાં જંગલની મોજ માણતા એ લોકો કોઈ બીજી ગાડીને એમના તરફ આવતી જોઇને ભાગ્યા હતા અને પછી સુરત પાછાં જવા નીકળી ગયેલા…
સાંજે ચાર વાગે જયાના કાકા, રામજી એક મીની ટ્રક લઈને આવી ગયા હતા. ઢોર ભરીને લઈ જવા માટે એનો ઉપયોગ ગામડે થતો. રામજીને જટ અહિં પહોંચવાનુ હતુ એટલે જે મળ્યું એ પહેલુ વાહન લઈને એ આવી ગયેલો. આ ટ્રક પણ એના બીજા કોઇ ભેરુ પાસેથી ઉછીની લીધેલી. રામજીની સાથે એમના ગામનોજ એક છોકરો ડ્રાઇવર બનીને આવેલો તો બીજો એક છોકરો રામજી સાથે ભાઇબંધી નીભાવવા આવેલો. થોડોક આરામ અને ચા-નાસ્તો કરીને બધા લોકો પાંચ વાગે તો ટ્રકમા સવાર થઈ ગયેલા. કવિતાના બધા ઘરવાળાએ છેક છેલ્લે સુંધી સહકાર આપેલો.

ટ્રકમાં આગળ રામજી, ડ્રાઇવર છોકરા સાથે બેસેલો. જયા, એના મમ્મી-પપ્પા અને બીજા ગામડેથી આવેલા ભાઇ પાછળ બેઠેલા. ૬૦-૭૦ કિલોમિટરની ગતીએ એમનુ નાનકડું ટ્રક જઈ રહ્યું હતું. બધાના જીવમાં થોડો ઉચાટ હતો. કાનજીની નજર અંધારામાં દુર દુર, દેખાય ત્યાં સુંધી તાકતી રહેતી, એને ડર હતોકે કદાચ કોઇ પીંછો કરતુ આવતુ ના હોય! કોઇ કાળા રંગની ગાડી પસાર થતી દેખાતી કે એનુ દિલ જોર જોર થી ધડકવા લાગતુ. જેવી ગાડી પસાર થઈ જતી એ આંખો બંધ કરીને નિરાંતનો શ્વાસ લઈ લેતો! એનું દિલ બસ એક જ પ્રાર્થના કરી રહ્યું હતું કે એમની લાડકવાયી દીકરીને લઈને હેમખેમ એમના ગામ ભેગા થઇ જાય..

ધીમી પણ એકધારી ગતીએ એમની મીની ટ્રક આગળ વધી રહી હતી. રાજકોટ હેમખેમ વટાવ્યા પછી બધાનો ઉચાટ ઓછો થઈ ગયો હતો. બલા ટળી એવુ લાગતા હવે પાછળ બેઠેલાઓની આંખો ઘેરાવા લાગી હતી. જયા એની મમ્મીના ખોળામાં માથું નાખીને આરામથી સુતી હતી.

એક ઘર દેખાતુ હતુ. ના, ના બંગલો! બેઠા ઘાટનો બે માળનો બંગલો, બંગલાની વચોવચ મોટી, ગોળ આકારની કાચની બારી. એ બારીમાથી એક કઠપૂતળીનો ઘોડો, રામાપીરનો ઘોડો જયા સામે જોઇને મીઠું મલકી રહ્યો હતો. જાણે જયાને એની પાસે બોલવી રહ્યો હતો. પછીના સીનમા દ્રષ્ય બદલાયું, હવે જયા એ ઘરની અંદર હતી. એ ગોળ, મોટી કાચની બારી આગળ ઊભી ઊભી નીચે જોઇ રહી હતી. નીચે બગીચો બનાવેલો હતો. એમા એક યુવાન એક નાના બે-ત્રણ વરસના ટેણિયાને ઘોડા પર બેસાડી રમાડી રહ્યો હતો. એ ઘોડો પાછો હસી રહ્યો હતો. હા, એ પેલોજ ઘોડો હતો. કાચની બારી વાળો! નીચે ઊભેલો યુવાન ઘડી ઘડી જયા સામે જોતો હતો. એના વાંકળીયા, સહેજ લાંબા વાળ કપાળ પર લહેરાતા હતા. એનુ સ્મિત,આહ! એનુ સ્મિત ગજબનુ હતુ. જયાના દિલને છેક ઊંડે સુંધી એ સ્પર્શી ગયુ. એનો ચહેરો થોડો ઝાંખો દેખાતો હતો. જયા એને ધારીને જોવા જતી હતી ત્યાંજ કોઇએ એને બૂમ મારેલી. એની મમ્મીએ કદાચ! અલગ અલગ અવાજો હવે સંભળાતા હતા, કોઇ જોર જોરથી દરવાજો ઠોકી રહ્યું હતું. જયા સફાળી બેઠી થઈ ગઈ. એનુ સુંદર સપનું ટૂટી ગયું હતું. એક પળમા જયા વાસ્તવિક જીવનમા પાછી ફેંકાઇ ગઈ.

ક્રમશ:

લેખક : નિયતી કાપડિયા

આગળનો ભાગ વાંચો આવતીકાલે આજ સમયે આપણા પેજ પર. અભિપ્રાય જરૂર આપજો.

ટીપ્પણી