મારો પાક્કો ભાઈબંધ – સ્કુલના એ મસ્તીખોર મિત્રો સાથે મળીને કરેલી ધમાલ મસ્તીનું સુંદર સંભારણું…

પાક્કોભા…ઈ…બં…ધ….!!!

હાઈસ્કૂલમાં ભણતી વખતે સફેદ શર્ટ યુનિફોર્મમાં હતો. ટીખળી ભેરુડાંઓ પોતાના હાથમાં ૪૨૦ને ઉલટું લખીને આપણી પાછળ લપાતો છુપાતો મોંઘવારી જેમ આવીને જોરથી ધબ્બો મારે.. અને કહે  “મા…રો…ઓ… પાક્કો ભા…ઈ…બં…ધ…”  મને થાય કે “આજે મારા ખિસ્સામાં રૂપિયા પણ નથી, છતાં આટલો બધો પ્રેમ આ ચીભડાંને કેમ ઉભરાવવા માંડ્યો છે?”  પછી બધાં ૮૪૦ મિત્રો વૈશાખનંદન જેમ હસવા માંડે ત્યારે મારા જેવી ટ્યૂબલાઈટને ખબર પડે.. પણ ઈંટનો જવાબ પથ્થરથી.. બીજે દિવસે એટલો જ પ્રેમ પ્રદર્શિત કરવા માટે પૂર્વ તૈયારી કરવામાં આવે. અને એ પાક્કા ભાઈબંધની પીઠ પાછળ પેટ્રોલના ભાવ વધારા જેમ ધબ્બો મારીને કહેવામાં આવે કે “પાક્કો ભાઈબંધ..”  એટલે એતો એજ ક્ષણે સમજી જાય કે પ્રેમવર્ષા શા માટે? એટલે તે શર્ટને સેલ્ફી લેતો હોઈ તેમ હોઠ મરડી આંખો મદારી જેમ ગોળ ગોળ ફેરવીને શર્ટને આગળ ખેંચીને જોવે..  ત્યાં લખ્યું હોય  “કિપા”.. હસવાનું બંધ કરીને પૂછે કે કિપા એટલે શું? કિપા એટલે “કિંગ્સ ઓફ પાગલ..”

એ સમયે મિત્રો તરફથી ચોમાસું ન હોય છતાં “પાકકા ભાઈબંધ”ની વર્ષા ગદગદિત કરી દેતી..

જ્યાં સુધી આવી છાપકામની ધડબડાટી મિત્રો વચ્ચે ચાલી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો.. પરંતુ આવી મોજડીનો મારગ સાહેબની ખુરશી સુધી પહોંચી ગયો.

એ જમાનામાં લાકડાની ખુરશી અમારાં વર્ગમાં રહેતી. એ સમયે જાહોજલાલી હતી. પરંતુ આવી શાહી ખુરશીની બાદશાહી વર્ગખંડમાં આવે એટલે ગુલામીમાં ફેરવી દેવાતી.

ભૂગોળના સાહેબે એક વખત વર્ગમાં પૂછ્યું કે દુનિયા ગોળ છે કે નારંગી જેવી ચપટી?દરેક શાળમાં છેલ્લી બેંચ પર બુદ્ધિધન બિરાજમાન હોય. એવું ક્રીમ અમારાં વર્ગમાં પણ છેલ્લી બેંચ પર ખડકાયેલું રહેતું.. છેલ્લી બેંચ પર બેસવાનો એક ફાયદો.. વર્ગમાં જવાની ઉતાવળ ન રહે.. હોમવર્ક કરીને આવનાર થાળી-વાટકા, ચમચીઉં જ પહેલી હરોળમાં બેસે.

સાહેબ આવે એટલે એક ભણેશરી કહે… “સાહેબ કાલે તમે આપેલું લેસન નથી જોવું..? તમે કીધું તું લેસન જોવાનું..!!”  એટલે છેલ્લી બેંચ પરથી સાહેબને ન સંભળાય એમ “એ…ય… નાનો ચમચો… મહા-ભણેશ્રી…” ગેબી અવાજ પડઘાય….

સાહેબને પણ છેલ્લી બેંચે બેઠેલાં ક્રીમ પાસે જ જવાબ માંગવાની ગુદગુદી થતી હોય તેમ પહેલાં છેલ્લેથી પૂછે… પછી સાહેબના પ્રથમ પંક્તિમાં બિરાજિત શિષ્યો ઉત્તર આપે.. એટલે સાહેબ ઉત્તર મેળવીને છેલ્લી બેંચ તરફ કરડી નજરે કહે.. “જો..જો.. આમ ભણાય”  એમાંથી એક વિરલો માથું ખજવાળીને જાણે મગજના સ્ક્રૂ ટાઈટ કરતો હોય તેમ બોઈલો.. સ…અ….ર….!!

“આ દુનિયા નથી ગોળ કે નારંગી જેવી ચપટી….આ દુનિયા તો છે કાંચિડા જેવી રંગ બદલતી ચારસો ને માથે વીસ જેવી કપટી. આવું મારા પપ્પા મારા મમ્મી સામે જોઈને કે’તા….”   છેલ્લી પાટલીએ બેઠેલાં બબૂચકો પણ દુનિયાની વાસ્તવિકતા રજૂ કરી દેતાં.

છેલ્લી પાટલીના બારકસો માંથી લિયોનાર્દો-દા-વિન્ચી બહાર આવવા લાગે.. અને પેન દ્વારા ખુરશી ઉપર ૪૨૦ ની કોતરણીની શરૂઆત થાય… પેનના મોઢા માંથી ફીણ નીકળી જાય ત્યાં સુધી આ મયુરાસનની બાદશાહીને ઢેલડી બનાવીને મુક્ત કરવામાં આવતું. કહોને કે ગંજીપાના ગુલામ બનાવીને છોડતા.. અને સાહેબ આવીને ખુરશી પર જેવા બેસે એટલે પાબ્લો પિકાસોના ભાણિયાઓ બેંચ પર ધાણીની જેમ ઉછળતા… જોકે આવા સૌભાગ્યપૂર્ણ દર્શન હવે જવલ્લેજ જોવા મળે છે.

સાહેબ શર્ટ પર અજાણતા છાપકામ કરાવીને સ્ટાફ રૂમમાં પ્રવેશ કરે એટલે સાથી સાહેબ કહે કે “આ તમારા શર્ટ પર કયો મોરલો કળા કરી ગયો છે??”  પછીતો સાહેબની કમાન છટકે અને અમારાં વર્ગમાં બૂલેટ ટ્રેન જેમ આગમન કરી ધડાકો કરે “મને સીધે સીધી રીતે નામ આપી દો… આ કારસ્તાન કોનું છે? નહીંતર સારાવાટ નહી રહે… જો કોઈ નામ નહીં આપે, તો હું જ્ઞાન નહીં આપું…!!” સાહેબની તપાસ સમિતિ પણ આ નકશીકામના કારીગરને શોધી ન શકે.. ખુરશી પરની હાથ ચાલાકી માટે ગુપ્તચર સંસ્થા પણ હથિયાર હેઠાં મૂકી રફ્ફૂંચક્કર થઇ ગઈ.. અને દોસ્તારી જીતી ગઈ… એ બનાવ પછી તો સાહેબના શર્ટે દસ બાર ધોણ સુધી લખાણ ડોકાતું રહ્યું.. બધાને વગર ટિકિટે હસાવતું રહ્યું… પરંતુ સાહેબનો ચહેરો ઉદાસ રહેતો.. ઉદાસી પાછળનું કારણ આજે અમારાં લગ્નના પછી સમજાયું…

આજે બધું ઓનલાઈનના જમાનામાં પણ આ એક હાથમાં ૪૨૦ લખીને પાછળ ધબ્બો મારી મારો પાક્કો ભા..ઇ..બં..ધ.. કહેવા રૂબરૂ જવું પડે…

સ્ટોન આર્ટીસ્ટ…!!

યુરોપના સ્કોટલેન્ડમા “યુરોપિયન સ્ટોન સ્ટોકીંગ ચેમ્પિયનશીપ” યોજાય છે… તેમાં સ્ટોન આર્ટીસ્ટ ભાગ લે છે.. યુરોપની આ સૌથી મોટી સ્પર્ધા છે.. પથ્થર ગોઠવવા જહેમત માંગી લેતું કામ છે…

આ સમાચાર વાંચીને થયું કે અરે ભાઈ આપણે અહીં તો ઘરે ઘરે સ્ટોન આર્ટીસ્ટ પેદા થયેલાં છે… ભીમલાનું સગપણ થાય એટલે ભાઈબંધની માગી બાઈક લઈને ભીમકુડી સાથે ફરવા નીકળી પડે.. રસ્તામાં એક મંદિરમાં દર્શન કર્યા વગર જ ભીમલો ભીમકુડીને પાછળ લઇ જાય.. અને શાહજહાંની જેમ રોફ જમાવતો કહે “આંય એવી માન્યતા છે કે પથ્થર પર જેટલા પથ્થર મૂકીને દેગડી કરીએ એટલાં માળનો આ ભગવાન આપણને બંગલો બનાવી દે… એમ કહી અર્જુનની જેમ મત્સ્ય વેધ કરતો હોય તેમ સાત પથ્થર ગોઠવીને ભીમલીને કહે “હવે ભગવાન સાત માળનો બંગલો બનાવી દેશે..  ઈ બંગલામાં હું, તું અને કેસર કેરીનો રસ…!!”

અરે ભીમા તું તારા બાથરૂમમાં દસ રૂપિયાની કડી લગાવવાનું સાહસ તો કરી બતાવ..!! સગાઇ ઈ શો રૂમ જેવું છે.. અને લગન…??

ભીમકુડી વિચારે કે સાત માળની હવેલીના સપના જોતો મારો કર્મે લખાયેલો ભીમો અત્યારે તો ભાઈબંધની ગાડી માગીને આવ્યો છે..

મંદિરમાં દર્શન ન કરે તો પણ ભગવાન આ ભીમલાનું સાંભળે… લગ્ન પછી ભીમો સુરત હીરા ઘસવા જાય.. અને પછી રૂમ ભાડે રાખે.. નસીબજોગે એ રૂમ સાતમાં માળે ઉછીની પાઘડીનો મેળ કરે ત્યારે મળે..(સ્ટોન આર્ટીસ્ટ). આખા દિવસનું કામ પતાવીને ભીમો ઘરે આવે.. ત્યારે પાવર ન હોય એટલે દાદરા ચડે.. ઘરે પહોંચે તો ભીમકુડી કાનમાં કહે તમે “દંઈ..ઈ.. ભૂલી ગીયા કે શું? મેં મંગાવ્યુ તો તું..?? લગન વખતે મારા બાપુએ તમને નોતું કીધું કે મારી સોડીને દંઈ વિના ફાવેસે નઈ…!!”

હવે સાત માળનો ડાયલો થયેલો સ્ટોન આર્ટીસ્ટ સાત માળ દાદર ફરી ઉતરીને હેઠે આવે.. ઉંદરની પૂંછડી પકડે તેમ દહીંની થેલી લઈને દાદર ચડે… ત્યાં સુધીમાં ભીમલાના “ફાલુદા” થઇ જાય.. માટે આવા સ્ટોન આર્ટીસ્ટના પુત્ર ન થશો.. શું સમજયા..

લેખન. નરેન્દ્ર જોષી.

કેવી લાગી આ વાર્તા મિત્રો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી