“કાઇટ ફેસ્ટિવલમાં ફાઇટ” – ઉતરાયણ આવી રહી છે તો વાંચો અને હસતા રહો..

અમારાં ભાગ્યમાં લખાઈને આવેલો મિત્ર “જેંતી” એ બ…ધા…ય…. મિત્રોના ભાગ્યના તાળાં ખોલી નાખ્યા. આ જેંતી નામની “માસ્ટર કી” કે જે કોઈ ને સગપણ જોવા જાવાનું હોય ઈ આને સાથે લઇ જાય. સામેવાળા ય કાંઈ નબળો શેરડીનો સાઠો થોડો પસંદ કરે? અને જેંતીને સાથે લઇ જનાર ભાઈબંધ લગ્ન નામક બજારમાં ખપી જાય..(ઈ કોણ બોલ્યું બંધાય જાય…)

પણ આ જેંતી મિત્રો પાસે નિસાસા નાખે કે “દીકરા મારાવ તમારા બધાના લગન થઇ ગયા ને હું જ બાકી?”

તો જેંતી નામની વાડે લગન નામની વેલે ચડનાર મિત્રો કહે “તે અમને પઈણાવીને ભંગાવી નાખ્યા. અને અત્યારે તું એ..ક..લો… હરિનાં ખોળે છો”…. “જેંતીને એના પરભવનાં પુન આડા આવે છે. માટે જ લગન થતા નથી”. આવું બધાં મિત્રો માને….
તો જયોતિષ કહેતો કે લગન ન થવાનું કારણ ગ્રહો આડા આવે છે. પણ ગ્રહો લગ્ન આડા ન આવે તે માટે પૂરા પાંચ હજાર થાય. ત્યારથી જેંતીએ જ અહીં આડા આવતા જયોતિષીની શેરીને બદલીને બીજી શેરીએ ચાલતી પકડેલી.

“જ્યોતિષની સલાહ સૂચન બંધ – ગ્રહો નડતા બંધ.”
મિત્ર જેંતીનું વર્ણન કરું તો ગંભીર મુખમુદ્રામાં પણ તેના બે દાંત આ “રંગીલી દુનિયા” ને નીરખવા બહાર રહેતા. સામેવાળા સમજે કે તે હસે છે. માટે નવા આવનાર દરેક સાહેબ જેંતીને ફટકારે… “કારણ વિના કેમ હસ્યાં કરે છે?” ઘોડિયામાં ખોયુ હાલક ડોલક થાય તેમ જેંતીની કાનની બુટ્ટી પવન આવે ને હાલક ડોલક થતી. ઓછા દૂધની કોફીમાં જેવી તર વળે તેવી તેની ચામડી. રાત્રે તેની આંખો જ હાજરી નોંધવવા પૂરતી હતી. આ બધું વત્તા ઓછા પ્રમાણમાં પણ જેંતીનું “દિલડું ટીપટોપ.” તરણેતરના મેળામાં છોકરીયું જોઈ ને “રૂ…દિ….યું…. રા….સ…ડા…. લે.”

“લવ ઇઝ બ્લાઈન્ડ” એ વિધાન વિષે જેંતીને ભરોસો નહોતો. કારણ તેના રૂદિયાની આસપાસ વેરાન રણ પથરાયેલું હતું. “લવ નામની લીલોતરી” ઉગવાની સંભાવના નહોતી. માટે તે કહેતો કે “લવને બધી ખબર પડે છે”. મજબૂત ડાળીએ જ મેના બેસે છે…!!
જેંતી આભલામાં તેની મૂછો જોઈને વિચારે ચડે કે આપડી (ઈ કોણ બોઈલું આપડી નઈ તારી….) પણ લગનની ઉંમર થઇ છે… મૂછોનો સંબંધ જેંતી લગ્ન સાથે કઈ રીતે મેળ બેસાડતો…? ઈ સમજાતું નઈ…

જેંતીનાં બાપાના મોબાઈલમાં ઉઘરાણીવાળાનાં ફોન આવે તોય ભોળિયો જેંતી વિચારે કે કોક સગાં – વ્હાલાંનો ફોન હશે ભાઈડાંનાં સગપણ હાટું.. પણ સગાવ્હાલાં વ્હાલાં ન થયા તે ન જ થયા. વળી જયોતિષની સલાહ મોંઘી પડી. હોટલનાં મેનું કાર્ડમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ “જ્યોતિષ મોંઘો પડતા હવે મંદિરે હરિનું શરણું લેવું”.
“એટલે બીજા દિવસે જેંતી મંદિર બહાર પગરખાં મેલી અંદર લગનનાં અભરખાં લઈને ગયો”….
અને મુરલીધર સમક્ષ એક નાનકડી “ઘડિયા લગન અને ઘડિયા તોરણ” થાય એવી અરજી મૂકી.

“હે….!!! મારા હરિવર…!!
મારો ખાલીપો તમે પૂરો….
હરિ, હું હરખ ઘેલો; ઘરવાળી વિના અધૂરો
મારો ખાલીપો તમે પૂરો.”
“હે કૃષ્ણ કનૈયા…!! મારી બકરી(જેંતી એનાં બાઈક માટેનું આવું વિશેષણ વાપરતો) સામે જુઓ તો ખરાં; વાંહલી સીટું ખાલી રે છે”… “ઓલા ભોળિયાનાથ હારે પાર્વતીજી”.. “ઓલા વિષ્ણુજી હારે લક્ષ્મીજી”.. “તમારી હારે રાધાજી”.. “પણ મારી હારે ?!? એકાદી ગોપીયું બોપીયુંનું ગોઠવાય એવું કરી દો”.
“પ..ર..ભુ… પ..ર..ભુ…!! તમારી લીલા અપરંપાર છે.. બસ મારા ઘરે લીલા તોરણ બંધાય એવું કરી દો”..

હે મુરલીધર..!! તમે જેમ અર્જુનને ઘરે-બારે કરેલો એમ આજે મારો વારો છે… હું પઈણું પઈણું કરતો લગનઘેલો.. મારા કપાળે કંકુ-ચોખાને સાફો માથે બંધાય એવું કરી દો…
ભણેલા ગણેલા લોકો ભગવાનને પ્રાર્થના કરી ને મંદિર બહાર નીકળે તો ભારેખમ બનીને.. આ જેંતી જેવા ઓછું ભણેલા લોકો પ્રાર્થના કરી બહાર આવે ત્યારે હળવાફૂલ થતાં જોયા છે.. જેંતી ભગવાનની હારે વાતો કરીને મલકતો મલકતો બહાર આવતો…

એક દિવસે જેંતીની અરજી પાસ થઈ. જેંતી ઘરે આવ્યો તો એના બાપા ઘરની સફાઈ કરતા. જેંતી એના બાપાને જોઈને લગ્નના વિચાર માંડી વાળતો.

“ઉત્તરાયણને દિવસે તારા સગપણ સાટું મે’માન આવે છે. માટે ઘર ચકા-ચક સાફ કરી નાખું”… જેંતીને એના બાપાએ આ વાત કરી અને એના રુદિયામાં ઝણઝણાટી થઈ.. તો મનડું મોર બની થનગાટ કરવા લાગ્યું. નરસૈંયો જેમ કડતાલું લઇ ને મગ્ન બની નાચતો.. એમ આ જેંતીનું હૈયું લગ્નની તલવારું લઈને ઝાકા-ઝીક કરવા લાગ્યો. જો..યું.. જો..યું.. કાળિયા ઠાકરે મારી સામે જોયું હો… એના બાપાએ કન્યાનું નામ કીધું : “ઢબુ”.
અને જેંતી શાહરૂખખાનની અદામાં કાચની સામે આવીને બોલ્યો “ઢ..ઢ..ઢ..ઢ..ઢ..બુ..બુ..ડી..” એમ બોલીને એનાં રૂદિયાની પતંગ ઢબુડીનાં નામમાં ઢબી ગઈ.

“પુરુષોની આજ મહાનતા છે… નામ સાંભળીને પણ પ્રેમમાં ઓળઘોળ થઈ શકે છે.” અને સ્ત્રીઓ ???

જેંતી કલ્પનામાં ઊંડો ઉતરી ગયો કે આવતી ઉત્તરાયણમાં ઢબુડી ફીરકી પકડશે ને એ….ઈ… ને.. હું પતંગ ઉડાડીશ.(ઢબી ઢબી જાય જેંતીનાં દિલની પતંગ ઢબી ઢબી જાય) આડોશ પાડોશના ભરચક્ક અગાશીમાં પણ અમે બેય એકલાં. પછી ઢબુડીને હું હળવેકથી પૂછીશ કે તને કઈ ચીકી ભાવે? (ઈ કોણ બોઈલું કે ગળી ચીકી)

આજે ઉત્તરાયણ છે. જેંતીનાં ઘરે મે’માનો નાસ્તાનો દાટ વાળી રહ્યા છે. જેંતીને આવળ-બાવળ સવાલો પૂછાયાને ઉંમરલાયક “માસ્ટરકી” ને પસંદ કરવામાં આવ્યો. ઢબુનાં પિતાએ કહ્યું જેંતીકુમાર (જેંતીનું રૂદિયુ હેંગ થઇ ગયું) તમે અગાશી પર જઈને પતંગ ઉડાડો. અમે મહત્વની વાત કરી લઇએ..(ભાઈ….ભાઈ…)
ઉપર જેંતી ગયો ને એકલો બેઠેલો. ત્યાં પાછળથી અવાજ આવ્યો..
“લાવો હું ફીરકી પકડું; પતંગ તમે ચડાવો”.. બાજુના ધાબા પરથી જેતુડી બોલી.
અને જેંતીનાં મનમાં (દૂસરા લડ્ડુ ફૂટા?)

બબડયો કે “ભગવાનની ભૂલ” થતી લાગે છે. નેતા એના પ્રવચનમાં ઝેરોક્ષ કોપી પણ વાંચે એમ મારા નાથે એક દિવસે બેય હાથમાં લગ્નના લાડવાનો પરસાદ આપી દીધો? હવે “લવ ઇઝ બ્લાઈન્ડ” સાચું લાગ્યું.
જેતુડીએ ફીરકી પકડી અને જેંતીએ પતંગ ચડાવી..(ઢીલ દે..દે..દે.. દે..રે ભૈયા) અને સૂર્યનારાયણ આવું દ્રશ્ય નિહાળવા વધારે ઉંચે ચડ્યા… નીચે મે’માન વાત પતાવી જેંતીકુમારને આવજો કહેવા અગાશીએ ચડ્યા. સૂર્યનારાયણ સૌથી પહેલા હસ્યાં. અને કન્યાના પિતાને આ જોઈને હળવો “લવેરિયા અટેક” આવી ગયો. (સલીમ અનારકલીકે સાથ… તેરી યે હિંમત)

જેંતીને ખબર પડી ગઈ કે લગનની આ છેલ્લી બસ બાજુવાળી જેતુડીને કારણે ચૂકી ગયો. ત્યાં જ જેતુડી બોલી કે “આજે મારું પણ સગપણ પાકું થઇ ગયું છે. (એ…કા…ઈ…પો..સે….!!)

લેખક : નરેન્દ્ર જોષી

દરરોજ અવનવી હાસ્ય વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી