“ખાખી બીડી” – ….. હું … સદાબહાર ખાખી બીડી …… બીડીની કહાની બીડીની જુબાની…

“ખાખી બીડી”

હું … સદાબહાર ખાખી બીડી ……

હું મને સદાબહાર એટલે ગણાવું છું કે મારી હયાતીમાં કેટકેટલીય નવી જાતુની બીડીઓ આવી-ગઈ. બાકી “ખાખી બીડી ઈ ખાખી બીડી”… બોલીવુડમાં કેટલીય નવી હીરોઈનો આવીને ગઈ… પણ “માધુરી ઈ માધુરી”. ગમે તેનું એક દો તીન કરી દવ… તમારી થોડી મોકળાશ… અવકાશ… જોઈને મારી બે ચાર વાતો માંડીને કહું…મીણબત્તીનું જીવન સળગીને અન્યને ઉજાસ આપવાનું. તેમ મારું પણ એવું જ. સળગીને બંધાણીને મોજ આપવાનું. પ્રેમમાં ભગ્ન આશિક જેવું… બસ સળગ્યા જ કરવાનું..!

હું ક્યાં ક્યાં હોઉં ? તો ગોવાળોના ગજવામાં, વનવગડામાં, ડુંગરની કોતરોમાં, બંધાણીની બંડીમાં, ખખડધજ બસોમાં, ટ્રકોમાં, ટેમ્પામાં, લગ્ન મરણને એકલતામાં, ગામડામાં… શહેરોમાં… હા… શહેરોમાં આપડી ચાહના ઓછી એનો આપણને કોય’દિ દૂ:ખ નઈ. ગામડામાં આપણી બોલબાલા એનું અભેમાન નઈ. શહેરમાં કોલેઝના સોકારવ “ધોળી ચામડીના ગુલામ”…. એટલે સિગારેટ પીવે.. “કાંઈ રૂપ ઈશ્વર પાંહે થોડું માંગીને લેવાય” ? બાકી આપડે વિજેતા અપક્ષના ઉમેદવારની જેમ બોવ ભાવ નઈ ખાવાના.. અમારાભાવ અમારી નાતમાં ( હોય ને ભાઈ બીડીની નાત…) સાવ ઓછા… પણ ડીમાંડ આપણી સૌથી વધારે.. શું કીધું? ભાવ બોવ નય ખાવાના….. હ..ઈ..મ..જા..ને..!!!

સ્ત્રીલિંગને સ્ત્રીલિંગની ઈર્ષા કરવાની પરવાનગી ઈશ્વર પાસેથી મળેલી છે. હું સ્ત્રીલિંગ હોવા છતાં માદા સિગારેટની ઈર્ષા કદાપિ કરતી નથી. કારણ ઈર્ષા કરી શરીરને શા માટે બાળવું ? આખરે તો અમારા ભાગ્યમાં બળી જવાનું જ લખાયું છે. મેં કયારેય ગુપ્તચરો પાસેથી સિગારેટની “સુંદરતાનું રાજ” કે “બ્યુટી પાર્લર”નું સિક્રેટ જાણવા કોશિશ કરી નથી.

લગ્નમાં એક થાળી હોય. એમાં સિગારેટ અને તાજ જેવી મોંઘામૂલી બીડીઓ સાથે આપડી બેઠકો હોય. તે દાડે મેં બરાબર જોયેલું કે જેને આડા દિ’યે ખાખી બીડીના વાંધા હોય ઈ માળો આજે ધોળી કે કાળી ઠપકારે… આપડી સામુ’ય નો જૂએ. અરે તારી ભલી થાય બંધાણીયા. ઈ “બેવફા બંધાણી”ને રહીમનો દોહરો કેમ ગળે ઉતારું….?

“રહીમન દેખે બડેનકો, લઘુન કો દિજીયે ડારી;
જહાં કામ આયે સૂઈ; કહાં કરે તલવારી…”

એ…ય…. બંધાણી બંધુ…!!! ધોળી બીડી રૂપી તલવારું જોય ને ખાખી બીડી રૂપી સોયને ભૂલી ન જવાય. યાદ રાખ “જયારે તારા ગાત્રો શિથિલ થાય છે; ત્યારે હુંજ તારી ભેળી રહું છું”. કેટલાય ગામડાના ભાભાલીયાઓ એ “અંતિમ શ્વાસ” મારી સાક્ષીએ લીધાં છે. ભાભલા ઓલવાઈ જાય; મને સળગતી મેલીને. એના જનમો જનમ હારે રેવાના સોગન લીધાં હોય એવી ઘરવાળી તો ક્યાંય પારકી પંચાતમાં પડી હોય છે. આ ભાભા ખાટલામાંથી પડી જાય છે; પણ બે અંગુલિ વચ્ચે ખોસેલી બીડીને પડવા નથી દેતા. “આબરું ભૈલા આપણી આબરું”…

જોકે અમારી બીડીના નામ માંથી ઉપદેશ મળી રહે છે. પ્રથમ છે “ચારભાઈ બીડી” જે સમજાવે છે.. સંપીને રહો; સંપીને પીવો… જો તમારી પત્ની બાહુબલીના માહીસ્મતી બની તમારા તમામ પ્રસ્તાવ ઠુકરાવી દેતી હોય તો શિવાજી કે સંભાજી બીડી ઠપકારવાની. હિંમત આવે ભેરું હિંમત…. વૃક્ષોમાં નાળિયેરી હોય એમ અમારી નાતમાં લાંબી ખાખી બીડી પણ હોય. જાણે બધી બીડીઓ હવાલદાર લાગે; અને લાંબી બીડી પી.એસ.આઈ. જિસકી બીબી લમ્બી ઉસકા ભી બડા કામ હૈ… એકવાર આપણને જેગવો… પછી ડાયરાનો પનો ટૂંકો પડે. પણ બીડી નો ખૂટે…

બંધાણીની જેમ મારુ નામ સાધુ સંતોના હોઠ પર પણ રહે છે. દરેક સભામાં આપણો ત્યાગ કરવાનું કહે છે. પણ આપણને ખોટું લાગતું નથી. સંતોના મુખે આપડું નામ ક્યાંથી હોય. આમતો એ ન્યાયે અમે થોડા પવિત્ર પણ ખરા. (ગુપ્તચર નોધ : સંતો બીડીનો ત્યાગ કરવાનું કહે ત્યારે સભામાંથી ઉભા થનારા બહાર બીડી પીવે છે. તલપ દાદુ તલપ. હી..હી..હી..)

મારા શરીર પર એઅકમાત્ર દોરો ધારણ કરું છું. જે બંધાણી ખેચે ત્યારે “દુશાશન” જેવો લાગે છે. એ સમયે દ્રૌપદીની અને આજે મારી વ્યથા કોણ સમજે છે ? હું મારી સાથે મારી વ્યથા પણ સળગી જવા દવ છું. શું…હ…ઈ…મ…જા… પહેલા એ બંધાણી બીડીને ખેચી ખેચી ને પીવે; પછી બીડી બંધાણીને ખેચી ખેચી ને પીવે.. શું…હ…ઈ…મ…જા…
સો સુનાર કી…
“હજુ એકવાર મારો કસ ખેચી લે બંધાણી પછી; ગુજરાત વિધાન સભાના પરિણામોની પરવાહ ભૂલાવી દવ”

લેખન : નરેન્દ્ર જોષી.

દરરોજ અવનવી વાર્તાની પોસ્ટ તમારા ફેસબુક પર મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી