જિંદગી એક જુઆ હૈ…! – ભીમ અગિયારસ એટલે ભીમ અગિયારસ..! હો ભાઈ ભાઈ મોજે મોજ…

“ભીમ અગિયારશ એટલે ભીમ અગિયારશ..! એની જેવો બીજો કોઈ તહેવાર નહીં.. નરી મોજ જ આવ્યા કરે.” ક્યારેક આ જુગારીની જમાત પણ પાનનાં અડ્ડે બેઠાં બેઠાં અનન્વય અલંકાર પ્રયોજી દેતાં હોય છે.

ભાણજીની વાડીયે જયારે ઓરડી ચણતરનો પ્લાન સો ની માથે પાંત્રીસના માવામાં ચૂનાની બૂંદો પોલિયાની રસીની માફક અર્પણ કરીને માવો બંને હાથોમાં ચોળાતો હોય ત્યારે ભાઈબંધો વચ્ચે રજૂ કર્યો. ગામડિયાં લોકોના પ્લાન સામે ઇજનેરો પાણી ભરે..! ભાણજી સાંઠીકડું લઈને જમીન પર લીટીઓ દોરતા બોલ્યો: “આ મારી પચાસ વીઘાની વાડી. (જૂગારમાં ભાણજીએ દસ વીઘા ફૂંકી મારી એ વાડીનો ટૂકડો ગણતરીમાં નથી લેવાનો.) ઉગમણી કોર નદીનો મારગ અને આથમણી કોર વાડીનો મારગ આવે. બરાબર એની વચોવચ ઓરડી બનાવવાનું મારા બાપુને મેં કીધું છે. પછીથી તીન-પત્તિનું ઠેકાણું મારી વાડીની આ ઓરડી રે’હે. બોલો ભાઈડાનો પ્લાન. છેને ટનાટન..!”

ભાણજીના પ્લાન પછી માવો ચોળવાની ઝડપ વધી. ગગલો, જગલો, અને ભગલો તો ગેલમાં આવી ગયા. પણ ભીમલો એક આંખ જીણી કરીને બોલ્યો.: “હેં ભાણજી આ ઓરડીમાં કમાડ કેટલાં મુકવાના છે? પ્લાનમાં ફેરફાર થાય ખરો?”

“એલાં કમાડ એકજ મૂકવાનું હોય.. તારે કેટલાં મુકાવવા છે? પે’લાં તું માવો લાવ.” માવાની તલપ સાથે ભાણજી બોલ્યો.

ભીમલાયે ફરી એક આંખને વિરામ આપી બીજી આંખે કામ લીધું. “આ ઓઈરડી જો વાડીની વચ્ચેની બદલે વાડી મારગ અને નદી મારગના ખૂણે જો બે બારણા વાળી બને તો હારો મેળ ઉતરે..!”
ભાણજી એના ગલોફામાં એકસો પાંત્રીસ ઘૂસણખોરોને ગરકાવીને રસનો ઘુંટડો ગળે ઉતારીને બોલ્યો : “તારો ભીમલા પ્લાન મારા ગળે હજુ ઉતર્યો નથી.”

“જો સાંભળ ભાણજી…(શકુનિની અદાથી ભીમો બોલ્યો) આપડે હંધાય જૂગાર રમતાં હોવી અને જો વાડીની વસમાં ઓઈરડી હોય તો પોલિસ આપણને રંગે હાથે પકડી લે.અને પસે ભાગવું ક્યાંથી એની હમજ નઈ પડે. યાદ સે તને ગઈ વખતનો પોલિસનો માર. ઓલા પી.એસ.આઈ જાડેજા સાહેબે જે બઘડાટી બોલાવેલી… જે બઘડાટી બોલાવેલી કે ચાર પાંસ મહિના સુધી ઉભો સોમવાર કરેલો. કોઈ આપણને બેસવાનું કહે તો પણ ઉભા રહેતા. પોલિસનો માર તને જલ્દી ભૂલાય જાય છે. તારી સગલી એટલે કવ છું કે ઓઈરડી કોર્નરે બનાવ, બે બારણાં મુકાવ. પોલિસ જો નદીના માર્ગે આવે તો વાડીના માર્ગે ભાગી જાવાનું અને જો વાડીના માર્ગે પોલિસ આવે તો નદીયુંના પટમાંથી ઘરે જઈને ગોદડું ઓઢીને સુઈ જાવાનું..!”

“તો હેં ભીમલાં.. તારી બધી વાતું હમજાણી.. પ..ણ.. એક વાત નો સમજાણી. કે ઉનાળો હોય તો પણ ગોદડું ઓઢીને સુઈ જાવાનું?” કાન ઉપર રાખેલી ખાખી બીડીથી દાંત ખોતરતા જગલો બોલ્યો. ખી..ખી..ખી.

પોલિસના મારની વાત સાંભળીને ભગલો કોઈ વીર યોધ્ધો હોય તેમ બોલ્યો.. “આપણા ગામમાં છે કોઈ એવો વિરલો કે જેને પી.એસ.આઈ જાડેજા સાહેબના હાથનો સતત ત્રણ કલાક સુધી માર ખાધેલો હોય? ભાઈડાએ ઈ… સા’બના હાથનો બોવ માર ખાધેલો. મારી સીવાય કોઈ આવો ઢોર માર સહન નો કરી શકે. મને તો સાહેબે મારી મારીને ધોઈ નાખેલો. છેવટે સાહેબ થાકી ગયેલા પણ હું નોતો થાકેલો..”

ગામડાંની આ નવરી બજાર સમિતિમાં પોલિસના હાથનો માર ખાધેલો.. એ વાતે પણ ગૌરવ લેવાય છે.

અને આમાંથી કોઈ એકો દૂડી તીડી મોટા શહેરમાં આવે અને પેલાં પોલિસને જોઈ જાય તો પૂછે પણ ખરા: “કાં… સા’બ ઓળખો છો?” પેલાં સાહેબ કહે “ના..” તોય આ જોકર મોળો ન પડે અને પૂંછડિયાની જેમ આગળ સિક્સર મારવા જાય.. “તમારો આ વાંધો સા’બ, નાના માણહને ભૂલી બોવ જલ્દી જાવ. યાદ છે ગઈ અગિયારશે અમારાં ગામમાં આવીને ગામ વચાળે જુગરીયાને ધોઈ નાખેલા?” પોલિસ કહે “હા ઈ યાદ છે. તમે ઈ ગામના સરપંચ છો?” “નાં સાહેબ હું સરપંચ નથી, હુંતો ગડદાં પાટું ખાવામાં હતો. સાહેબ એક વાત નો કોઈડો હજુ સમજાણો નથી. તે’દી અમારી જુગારની ગેમમાં બે હજાર વાળી બાજી થયેલી, અને બાજી જોરદાર જામેલી. ત્યાં તમે આવીને બધાનાં ગાભા કાઢી નાખ્યાં. અમને માર્યા એનો તો કોઈ વાંધો નથી પણ બાજીના રૂપિયા ક્યાં ગયા એની કોઈ ભાળ નથી મળી હજુ.”
એટલે પેલાં પોલિસને થાય કે આ ચીભડું હદ વટાવતી જાય છે. “બોલ તારે એ દિવસની જેમ તારે આજે અહીં માર ખાવો છે?” એટલે પછી જોકર ઉભી પૂછડીયે ભાગે.

અહીં ભીમલાનો પ્લાન બધાયે બહુમતીથી મંજુર કર્યો. અને ઓરડી બની પણ ખરી. સારું મુહૂઁર્ત જોવડાવીને તીન પત્તી શરૂ પણ કરી.

બરાબર રાતના બે થવા આવ્યા ને ભાણજીના બાપા પથારી માંથી ઉભા થયાં. મોબાઈલ માંથી પોલિસને ફોન કર્યો. “સા’બ મારા દીકરાને એના કરતૂતની સજા આપો. અત્યારે મારી વાડીમાં જૂગાર જામ્યો છે. અને મારા દીકરાની જુગારની લતથી થાક્યો છું. એક ટોળકી નદીના પટ તરફથી જાજો. એક વાડી માર્ગેથી. આ મારા દીકરાની વવ, એના સોકરાવ રેઢા રખડે છે. હું એનો બાપ છું તોય ફોન કરું છું. સજા કરો સા’બ.. સજા.”

લેખન :નરેન્દ્ર જોષી.

વાહ ભારે કરી ભાણજીના બાપાએ તો, તમે શું કયો છો? દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી