હા, હું ગુજરાત છું…..!! – દરેક ગુજરાતીએ વાંચીને ગર્વ લેવા જેવો ઈતિહાસ…

હા, હું ગુજરાત છું…..!!!

આજે આપણા વહાલાં ગુજરાતના જન્મદિવસે કવિ ખબરદાર….ના બે કાવ્યો સાંભરી આવે… ખબરદાર ગુજરતમાં જન્મને પણ ધન્ય લેખાવે છે. સાત સમુદ્રને પેલે પાર વસતા ગુજરાતીએ પણ ત્યાં ગુજરાત ખડું કરી ગુર્જરી માતની મહોલાત પાંગરતી રાખી છે.
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત…”
તો વળી કવિ ખબરદાર ગુજરાતને ગુણવંતી નીરખીને તેમની સમક્ષ શીશ જૂકાવી દે છે…!!
ઉમાશંકરે ધન્ય ભૂમિ ગુજરાત… કાવ્યમાં કૃષ્ણ ચરણ રજથી પાવન અને ગાંધી ગિરા ગુજરાતમા નરસિંહ, મીરાંને અખોનો અવિરત જ્ઞાન-ભક્તિની જવાળાઓ દર્શિત થાય છે. આ ધરાની માટી માંથી મર્દ નીપજે ગાંધી તપના આધારે… ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી… મધુર ભાવ વ્યક્ત કર્યો છે…

સ્વત્રંત્ર ભારતના ભાષાવાર રાજ્યોની પુનઃરચનાના કાર્યક્રમ અંતર્ગત ૧ મે, ઈ.સ. ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી આપણા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. શ્રી રવિશંકર મહારાજના હસ્તે તેનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું..
એવા વાલીડાં ગુજરાત માંથી પ્રેમ, શૌર્ય, શિક્ષણ, શિલ્પ, સત્ય, અહિંસા, સર્જન, વિસર્જન, કારીગરી, મોજ, મેળાઓ, મહેનત, સાહસ…. એવી તો અઢળક વાતો ઉડીને આંખે વળગે… એને મમળાવવાનું મન થાય.. ચાલો, આજે ગુર્જર ભોમની વાતો માંથી થોડી વાતોનું આચમન કરીએ.. હા, હું ગુજરાત છું…
ગોપીજનવલ્લભ ગીતા નાયકને પણ મોહી લઉં… ગ્રામ માતના પ્યાલાને શેરડીના રસથી છલકાવી દઉં… અગ્નિકુંડમાં ઉગેલાં ગુલાબની સૌરભ તને દઉં.. દઉં તને વચન અમૃત.. વચનામૃત સુણાવી સહજાનંદી બનાવું છું.. હા, હું ગુજરાત છું…!!

ઋતુંભરાં વિશ્વ વિદ્યાપીઠના ડાંગની દીદીની બંધૂકની અહિંસક ગોળી છું હું… હા, હું ગુજરાત છું…!!
બોઝની પીંછી માંથી સરકતા રંગોનો લસરકો છું હું… હા, હું ગુજરાત છું…!!

ઇતિહાસતીર્થ ડભોઈના દુર્ગ પરથી હળવે હળવે ઉતરતી કૃષ્ણ પ્રેમના ઊર્મિકવિ એવા દયારામની કલાતીર્થ ગરબી છું હું… હા, હું ગુજરાત છું…!!
હૃદય કુંજથી આરંભાયેલી ઐતિહાસિક મહાભિનિષ્ક્રમણની પાવન પદ રજ છું હું… હા, હું ગુજરાત છું…!!
વેડછીના વડલાંની વડવાઈ સ્વતંત્ર્ય સંગ્રામયજ્ઞની હિંચતી વેદી છું હું.. હા, હું ગુજરાત છું…!!

અખંડ ભારતના શિલ્પી માટે વર્ગખંડના વિદ્યાર્થીઓના મો માંથી સરી પડતો લો…ખં…ડી… પુરુષનો એ બુલંદ અવાજ છું હું… હા, હું ગુજરાત છું…!!

કીર્તિમંદિર, સરદાર સ્વરાજ્ય આશ્રમ, હૃદયકૂંજ, નંદીગ્રામ અને ઋતુંભરાંના પાયાનો પથ્થર છું હું… હા, હું ગુજરાત છું…!!
જેનાં દર્શન માત્રથી પુણ્યશાળી બનાવતો એ પાવનસલિલા રેવાં… મારી બુંદ બુંદથી ગુર્જરીઓને શિવતત્વ બક્ષીને ઉછેરું છું હું…. હા, હું ગુજરાત છું…!!

સાપુતારા પર ચઢતો સર્પાકાર પ્રવાસ છું હું… હા, હું ગુજરાત છું…!!
કાલિમાતાના ધ્વજને સ્પર્શીને ફરફરતો બૈજુ બાવરાનો આલાપ છું હું… હા, હું ગુજરાત છું…!!
ડાંગ દરબારનો શિરપાવ છું હું… હા, હું ગુજરાત છું…!!
કાલિદાસના મેઘદૂતમાં મૈકલ કન્યાને આલેખતી શાહી છું હું… હા, હું ગુજરાત છું…!!

ઓમકારનો નાદ હંમેશ અર્પે તને પરમતત્વનો સાદ…!! પ્રભાતે વૈષ્ણવ જન સાથે માંડું સંવાદ…!! સૈકાઓથી ગુજરાતના હૈયા પર બેઠેલો હું અઘોરી – જટાધારી સાવજની ડણક સાચવીને બેસતો ગિરનાર છું હું…. હા, હું ગુજરાત છું…!!
જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહેમદશાહને અહેમદાબાદ બસાયા… “અહેમદાબાદ સદા આબાદ..” કહેતાં હજરત અહેમદ ખટ્ટુ ગંજબક્ષની બંદગી છું હું… હા, હું ગુજરાત છું…!
રૈયાલીમાં વિરાટકાય ડાયનાસોરના અશ્મકોનો સાક્ષી છું હું… હા, હું ગુજરાત છું…!!

ઇંટેરી સ્તૂપના પડોશી શામળિયાની ગદા છું હું…. હા, હું ગુજરાત છું…!!
અતિથિ દેવો ભવ્..ને ચરિતાર્થ કરતા નળ સરોવરમાં યાયાવરોની મંડાતી પાનવડ ટાપુ પરની ગોઠડી છું હું… હા, હું ગુજરાત છું…!!

ન્યાય જોવો હોય તો રાજમાતા મીનળદેવીએ બંધાવેલ લોથલને પૂર્વ ભાગે આવેલું ધોળકાનું મલાવ તળાવ જુઓ… આ મલાવમાં અહીનું પ્રખ્યાત ડૂબકી લગાવતું જામફળ છું હું…. હા, હું ગુજરાત છું…!!શ્વેતક્રાંતિ પશ્ચાત ખળખળવહેતી દૂધની નદી છું હું… હા, હું ગુજરાત છું…!!

બાળકેળ વણીની જંગમ વિદ્યાપીઠની એ મૂછાળી માતાની મૂછ છું હું…. હા, હું ગુજરાત છું…!!

નોટને સિક્કા નાખ નદીમાં, ઉપરવાળાની બેંક બેઠી છે આપડી માલંમાલ…. ધૂળિયે મારગ ચાલ.. હું એવા ફિલસૂફ કવિ મકરંદના કાવ્યનો ધૂળિયો મારગ છું હું…. હા, હું ગુજરાત છું…!!

અર્જુને સાધેલું મત્સ્યવેધનું હું અચૂક નિશાન છું હું… હા, હું ગુજરાત છું…!!
ત્રિનેત્રેશ્વર મહાદેવના ખોળામાં સૌરાષ્ટ્રની સોહામણી ધરતીના દિલાવર મનેખનો રાસડો છું હું… તરણેતરનો મેળો છું

હું…. હા, હું ગુજરાત છું…!!
સૌરાષ્ટ્રની રસધારના તલવારની ધાર પરથી રચાતી શૂરાઓની શહાદત છું હું.. હા, હું ગુજરાત છું…!!
અંતે કવિ નર્મદશંકરની આ કવિતા પૂર્ણતા તરફ દોરી જાય છે…

જય ! જય ! ગરવી ગુજરાત ! જય ! જય ! ગરવી ગુજરાત !
દીપે અરુણું પ્રભાત, જય ! જય ! ગરવી ગુજરાત !
વંદે ગુજરાત… વંદે ભારત.. વંદે વિશ્વ….

લેખન. નરેન્દ્ર જોષી.

જો આ વાંચીને તમારા પણ રુંવાડાઉભા થઇ ગયા હોય તો આપણા ગુજરાત માટે એક શેર તો બને જ છે…

દરરોજ આવી અનેક અવનવી અને માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી