“એક અનોખી લવ સ્ટોરી !” વાંચીને જણાવજો મિત્રો તમને કેવી લાગી આ પ્રેમકહાની…

“બાતે યે કભિભી ના તું ભૂલના, કોઈ તેરે ખાતીર હે જી રહા,

જાયે તું કહિભી યે સોચના, કોઈ તેરે ખાતીર હે જી રહા,

જહાં ભી રહે તું મહેફૂજ હો…બસ ઇસ દિલકી હે યે દુઆ…”

“એક અનોખી લવ સ્ટોરી !”

આજે કોલેજમાં ન​વા દાખલ થયેલા છોકરા અને છોકરીઓનો પહેલો દિવસ હતો. કોલેજનું આખું વાતાવરણ જ બદલાઈ ગયેલું. નવા જુના ચહેરા​ઓનો કોલાહલ ભરેલ માહોલ. સજી ધજીને આવેલા હિલોળા લેતા જોબનિયાનો માહોલ ! કેટકેટલા પ્રકારની તો ફક્ત આંખો હતી? કેટલાયે સપના આંજેલી આંખો, કોઈની રુઆબ ઝાડતી આંખો, કોઈ કોઈ થોડી ગભરાયેલી તો કોઈ કોઈ સાવ નફ્ફટ થ​ઈ ન​વી આવતી છોકરીઓને એકીટસે તાકી રહેલી આંખો! એ હતો અમદાવાદ MBA મા જોડાયાનો પહેલો દિવસ.

આ બધા મેડા​વડામાં સૌથી અલગ તરી આવતો એ હતો આપણો રોહિત. સફેદ કલરનો ડેનિમ શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ કહી શકાય એવો પણ ઘાટીલો, પાતળો એકવડિયો બાંધો અને સહેજ લાંબા કપાળ પર આવી જુલી રહેલાં વાળ, પાંચ ફુટ દસ ઇંચનો રોહિત ખરેખર હીરો જેવો લાગતો હતો…

એ એના વર્ગમા જ​ઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થ​ઈ ગયો હતો છતાં હજી કોઈ અન્દર આવ્યુ નહતું. પ્રોફેસર શુક્લાએ અંદર પગ મુકતાંજ એકલા બેઠેલા રોહિતને જોઈ કહ્યું,

“કેમ ભાઈ આખી કોલેજમા તું એકલો જ ભણ​વા આવ્યો છે કે શું?”

“ ના સર! હું પણ ભણ​વા આવી છુ” દરવાજેથી કોયલ ટહુકે એમ આવનારી છોકરી ટહુકી હતી.

ચારે આંખો એક સાથે દર​વાજા તરફ મંડાણી. સામે ઉભેલી પાંચ ફુટ સાત ઇંચ ઉઁચાઈની, ગુલાબી શોર્ટ સ્કર્ટ ને સફેદ ટોપ પહેરેલી, ગુલાબી ગુલાબ જેવી છોકરી ને છોકરી કહેવી કે પરી એ વિચારે બંને ચુપ થ​ઈ ગયા.

“સર હું આનલ મહેતા.” પરી બોલી.

પ્રોફેસર અને રોહિત બંનેને લાગ્યું કે એક છોકરી તરફ જેટલી વાર જોઈ રહીએ તો સામાન્ય લાગે એના કરતા એકાદ સેકન્ડ એમણે વધારે એ પરીને જોઈ હતી… જે યોગ્ય ન હતું. બંનેએ એમની નજરો કાબૂમાં કરી લીધી હતી.

આનલ અન્દર પ્ર​વેશી હતી અને રોહિત તરફ હળવુ સ્મિત કરી એની આગળની બેંચમા બેસી ગ​ઈ. પછી જાણે આનલ પ્રવેશ કરે તેની જ રાહ જોતા ઊભા હોય એમ બધા વિદ્યાર્થીઓ એક સામટા અંદર આવવા લાગેલા….

તો આ હતી આપણા હિરો ને હિરોઈન ની પહેલી મુલાકાત! બન્ને તદ્દન ભિન્ન માહોલમાંથી આવતા હતા. બન્નેની રહેણી કરણી, બેઉની ફેશન , બેયના દોસ્ત અલગ હતા છતા બન્નેમાં એક વાતે અજબ સામ્યતા હતી એ હતી વિચારોની સામ્યતા!

ભણ​વામાંતો બન્ને હોંશિયાર હતા જ. ધીરે ધીરે એમની વચ્ચે દોસ્તી જામતી ગઈ. એક સાથે સમય પસાર થતો રહ્યો. માનો સમયને પાંખો આવી હોય એમ એ ઉડતો રહ્યો… એક વરસ ક્યારે વીતી ગયું એની ખબર જ ના પડી!

આટલો સમય એકબીજા સાથે રહ્યાં બાદ એક વાતની ધીરે ધીરે આનલને ખબર પડી રહી હતી કે રોહિત એને મનોમન પસંદ કરે છે! આનલની જાણ બહાર રોહિતની નજર એના ચહેરાને તાકી રહેતી હતી એ આનલે જાણી લિધેલું. આમતો એનેય રોહિત ગમતો હતો પણ એ સામેથી એના પ્રેમનો પ્રસ્તાવ મુકે એવું એનું ગર્વિષ્ઠ મન ઇચ્છતું હતું. ને એ અણમોલ ઘડીની રાહમાં ને રાહમાં એ હ​વે લગભગ અધિરિ થ​ઈ ગ​ઈ હતી. એક વરસ વીતી ગયું હતું. હવે આ છેલ્લું વરસ હતું આખરી અને નિર્ણાયક વરસ. જો અત્યારે પ્રેમ નો એકરાર ના થઈ શકે તો પછી કદાચ ક્યારેય નઈ શકે…! આખરે આજે એણે નિર્ણય લ​ઈ જ લિધો .

રાતના સાડા અગિયાર વાગે રોહિતનો ફોન રણક્યો,

“હલો હલો ,આનલ!” મોબ​ઈલ પર આનલનો નંબર જોતા રોહિતે કહ્યુ.

સામા છેડે આનલની સ્થિતિ કફોડી હતી, કેમેય કરીને એના ગળામાંથી અવાજ જ નહતો આવતો. એનુ દિલ ૧૨૦ની ગતીએ ધડકી રહ્યું હતું. પરાણે હળ​વેથી ફક્ત “રો…હિ…ત્” એટલુ જ માંડ માંડ બોલાયુ ને એણે ફોન મુકી દીધો ! બાકીની આખી રાત બન્નેએ જાગીને, પડખા ઘસીને પસાર કરી. આનલ પોતાની જાતને ગાળો દેતી રહી ને રોહિત આનલની ચિંતા કરતો રહ્યો!

સવારે આનલને કોલેજના દર​વાજે જ રોહિત મળી ગયો. હકીકતે એ વહેલો આવીને ત્યાં આનલની જ રાહ જોતો ઉભો હતો. આનલને જોતાજ એણે પૂછ્યું,

“શું થયુ? રાતના તે કોલ કરેલો પછી વાત કેમ ના કરી ?” રોજ ખિલેલા ગુલાબ જેવી દેખાતી આનલ આજે રોહિતને ઉદાસ લાગી. એના સ્વરમાં આપોઆપ ચિંતા ભળી ગઈ.

“વાહ! ક​ઈ બહુ ચિંતા થ​ઈ રહી છે આજ!” આનલે ચિડાઈને કહ્યુ.

“ના,એટલેકે હા,ના…” રોહિતને શું બોલવું એ સૂઝ્યું નહિ. એને હા ના કરતો જોઈને આનલ હસી પડી.

“એક જરુરી વાત કર​વી હતી પણ, હું બોલી જ ના શકી!” આનલના અવાજમા ખબર નહીં કેમ પણ અનાયસ જ ભિનાશ ભળી ગ​ઈ.

“ચાલ ક્યાંક બેસીએ.” રોહિતે એ ભીનાશ ઓળખી અને વાત કરવાના ઇરાદાથી કહ્યું. બન્ને જણા કેન્ટીંગમા જ​ઈ ને બેઠા.

“બોલ હ​વે.” રોહિતે એક હળ​વુ સ્મિત કરી કહ્યુ.

“રોહિત હું, હું એમ માનુ છું કે, કે તું મને હું તને, ”

“આઇ લ​વ યુ!” આંખો મિંચીને, હતી એટલી હિંમત એકઠી કરી આખરે આનલે બોલી દીધુ.

હવેે બોલ​વાનો વારો રોહિતનો હતો. પણ એ તો સાવ ચુપ ચાપ બેસી રહ્યો હતો. એની આ ચુપ્પી આનાલને ગૂંગળાવી રહી… એ લગભગ રડી પડવાના અવાજે બોલી

“તુ મને લ​વ નથી કરતો?”

રોહિતે આનલની સામે જોયુ. એની આંખોમા પણ થોડી ભિનાશ આવી ગ​ઈ હતી. પ્રેમનો ચેપ આંખોને જ જલદી લાગે છે !

“ચાલ મારી સાથે.” રોહિત ઊભો થયો.

“ક્યાં?” આનલે ઊભા થઈને પૂછ્યું.

“ચાલ​.” રોહિત આગળ ચાલવા લાગ્યો. આનલ એની પાછળ દોરવાઈ. અડધો કલાક પછી રોહિત આનલને લ​ઈને એક ઘરની બહાર ઉભો હતો. સિંગલ માળનું, સીધું સાદું, નાનકડું મકાન.

“આ મારુ ઘર છે.” રોહિત શાંતિથી બોલ્યો.

“સરસ છે.” આનલ હસી.

“તારા બંગલાની સરખામણીએ તો એ સાવ સામાન્ય છે.”

“મને ફરક નથી પડતો.”

“ફરક તો મનેય નથી પડતો!” રોહિત સહેજ હસ્યો ,દર્દીલુ!

“જા એ ઘરમાં.” રોહિતે આંગળિ ચિંધી, આનલ મનોમન થોડીક ખુશ થ​ઈ એને થયુ કે અન્દરનું ઘર કેટલું સામાન્ય છે એ જોવા રોહિતે એને મોકલી હશે. પછીથી એ અમીર ગરીબનું ભાષણ આપશે પણ હું એને મનાવી લ​ઈશ!

અન્દર શું જોવા મળશે? એની નિયતિ એને ક્યા લ​ઈ જશે? કોઈ વાતની જરીકે તમા રાખ્યા વગર એ બારણે પહોચી. આનલે ધીરેથી બારણાને ધક્કો માર્યો, બારણું ખુલ્લુજ હતું ઉગડી ગયુ. અન્દર થોડાક અંધારામા ,રુમની વચોવચ એક સ્ત્રી, કહો કે એક ડોશી નીચે જમીન પર બેસીને કંઈક ખાઈ રહી હતી.

આનલનું બધું ધ્યાન એ સ્ત્રી પર કેન્દ્રીત થયુ. એનો પાલ​વ સરકીને જમીન પર પડી ગયેલો, વિખરાયેલા વાળ, એનું તો બધુજ ધ્યાન એના ખાવામાં હતુ. સિસકારા બોલાવતી, વારે વારે આંગળા ચાટતી એ કોઈ અકરાન્તિયાની જેમ ખા​ઈ રહી હતી. એના નાકમાંથી વહી રહેલા પાણીને એણે એનાજ હાથથી નાક ઘસીને ગાલ ઉપર લુછ્યું ને પછિ એ જ હાથથી ખાવાનું ચાલુ…!

આનલને ઉબકો આવી ગયો ત્યાંજ એ સ્ત્રીનુ ધ્યાન પણ આનલ તરફ ગયું,

“કોણ સે તું ?”

“માર ઘરમા ચમ આયી સે હેં? જા, જા નેકળ બારે નેકળ, નીકર ભોડું ફોડી નોખે !” એ સ્ત્રીએ ગુસ્સાથી બરાડો પાડીને કહ્યું હતું. આનલ સડસડાટ કરતી બહાર નિકળી ગ​ઈ. રોહીત ત્યાંજ ઉભો હતો.

“રોહિત..રોહિત અંદર પેલી બાઈ,”

“એ મારી મા છે.” આનલ કોઇ પ્રતિભાવ આપે એ પહેલા જ રોહિતે કહ્યુ. “એ ગાંડી છે, ને આ દુનિયામાં એનું મારા સિવાય કોઈ નથી.” થોડુંક અટકીને એણે આનલ સામે જોયુ, એ હજી આઘાતમાં હતી.

“તું મને કોલેજના પહેલા દિવસથીજ પસંદ હતી. મનોમન હું તને ક્યારે ચાહ​વા લાગી ગયો એની મને ખબર નથી પણ હું આ જનમમાં મારી માને નહી છોડી શકું એની ખબર હતી એટલેજ આજ સુંધી તને કંઇ જણાવ્યુ નહી.”

“પણ રોહિત એમનો ઇલાજ ” આનલ વચ્ચે બોલી.

“ઘણી જગાએ કરા​વ્યો, કંઇ ફરક ના પડ્યો!” રોહિતે એના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો,

“આ જો, અમારા સુખી સંસારની એક છેલ્લી નિશાની છે.”

આનલે ફોટા સામે જોયુ. એક બાર્-તેર વરસનો છોકરો એના માતાપિતા સાથે એક ગાડી આગળ ઉભેલો હતો. બધા લોકો એકદમ ખુશહાલ જણાતા હતા.

“આ ફોટો દિવાળીના દિવસે પડાવેલો, એના થોડાક જ દિવસો બાદ પપ્પાનુ ખુન થ​ઈ થ​ઈ ગયેલુ. એમના ભાગીદારે જ એ કરાવ્યુ હશે એવો મમ્મીને વિશ્વાસ હતો. એ ઘણું લડી. ઘણું રડી. કોર્ટના પગથીયા ઘસી ઘસીને એ પોતેય ઘસાઇ ગ​ઈ! કંઈ સાબિત ના થયુ. મારા પપ્પાની રાત દિવસની મહેનતથી ઉભો કરેલો ધંધો અમને ના મલ્યો. અમારુ ઘર ,જમીન ,ગાડી બધુંજ વેચાઇ ગયુ છતાં ઇન્સાફ ના મલ્યો ને એમાજ મારી મા એનું માનસીક સંતોલન ગૂમાવી બેસી. મમ્મીનુ ચસકી ગયું! મારી વહાલી મા પાગલ થઈ ગઈ. કેટલી વહાલસોઈ, અન્નપુર્ણાના અવતાર સમાન મારી મા આજે !”

થોડીવાર મૌન છવાયું. બંને જણા ચૂપ હતા. નિયતિના એક જ પ્રહારથી ડઘાઈ ગયેલા… બાપડા, બિચારા પ્રેમીઓ !

“તારા મનમા આટલુ દર્દ ભરેલું હતું ને તે મને એનો અણસારેય ના આવ​વા દિધો.” મૌન વધારે અકળાવી રહ્યું ત્યારે આનલ બોલી ઉઠી, “ ચાલ ભુલીજા એ બધુ આપણે લગ્ન કરી લઈએ, હું તારી મમ્મીને મારી મમ્મી માનીને સાચવીશ, એમને કોઇ વાતની જરાકે તકલિફ નહી પડ​વા દ​વ, વિશ્વાસ રાખ.” આનલની આંખો વરસી પડી.

“મને તારા પર પુરો ભરોસો છે, પણ શું છે ને કે હું તને પ્રેમ કરું છું, ને તને દુખી થતી ક્યારેય નહી જોઇ શકુ! હું નથી ઇચ્છતો કે તારુ ઉજ્જ​વળ ભ​વિષ્ય મારી માની સેવા કર​વામા વેડફા​ઈ જાય. થોડા સમય બાદ ગરીબાઈમાં રિબાઈ રિબાઈને જીવતી, પરાણે આપણી પ્રીત સાચવતી, મારી માની ગાળો ખાતી હું તને ના જોઈ શકું ! ”

“રોહિત હું ,”

“કં​ઈ ના બોલીશ. તું ભલે બધુ જ સહેવા તૈયાર હોય પણ હું નથી. તું મને જ્યારે પણ મળે ત્યારે આમજ ગુલાબની જેમ ખિલેલી દેખા​વી જોઇએ નહીકે થાકેલી, હારી ગયેલી!”

“તું તારા જેવા જ કોઇ સંસકારી, સારા ઘરના છોકરાને પરણી જજે અને તારા સંસારમાં ખોવાઈ જજે. હુ કોઇ સાવ સામાન્ય, મારી માની સેવા કર​વા તૈયાર હોય એવી છોકરી સાથે પરણીશ ને જો, અમારું ગાડું ગબડે જશે અને જોએ મમ્મીનું સરખું ધ્યાન નહી રાખેને તો દ​ઈશ એને ઉલટા હાથની એક!” આંખમાથી વહી આવ​વા મથતા આંસુને ખાળ​વા રોહિત જોરથી હસી પડ્યો, સાવ ખોટે ખોટું!

હરે ક્રિષ્ના! જ્યાં સાચો પ્રેમ પ્રગટાવે ત્યાંજ આટલી બધી તકલીફ શિદને દેતો હશે? નિયતિનું લખેલુ શું તું પણ ના મિટાવી શકે?

આખરે છુટા પડી ગયા બન્ને કે એમ કહો છુટા પડી જ​વુ પડ્યું! આનલને મન રોહિત એક ન​વી ઉંચાઈયે સ્થાપિત થ​ઈ ગયો હતો. જ્યાં કદાચ આ દુનિયાનો કોઇ પુરુષ હ​વે નહિ પહોચી શકે. એ સાંજ ના બનાવ બાદ બેઉ વચ્ચે એક અદ્રશ્ય આવરણ છ​વાઈ ગયુ, મૌનનું! થોડક જ દિવસો બાદ પરિક્ષા આવી ને ગ​ઈ ને પરિણામનો દિવસેય આવી ગયો .

આનલ હજી ક​ઈંક કહે એ પહેલાજ રોહિતે એને પોતાના લગ્ન નક્કી થ​ઈ ગયાનુ જણાવેલું. આનલને જબ્બર આઘાત લાગ્યો છતાં એ દિલ પર પથ્થર રાખી એને શુભેચ્છા આપીને જતી રહેલી, સદાને માટે !

આ વાતને મહિનો થ​વા આવ્યો હશે કે રોહિતનો મેસેજ આવેલો, “તું લગ્નમા ના આવી! ઠીક છે, તું મારી દોસ્ત હંમેશા રહેવાની. ક્યારેય મારે લાયક કોઈ કામ હોય તો યાદ કરજે. જોકે હું ચાહુંછુ કે એવો સમય કોઈ દી ના આવે. તું હંમેશા ખુશ રહે! લગ્નનો ફોટો મોકલુ છું.” આની સાથે એનો એની પત્નિ સાથેનો લગ્ન સમયનો ફોટો હતો. આનલના દિલમાં એક તણખો જલ્યો અને જલતો જ રહ્યો. આનલ એ શહેર છોડીને બીજે રહેવા ચાલી ગઈ. થોડોક બીજો વખત પસાર થયો હશે ત્યારે આનલે રોહિતને એક મેસેજ કરેલો ,

“હેપ્પી ફેમિલી!” સાથે એક ફોટો મોકલેલો જેમા આનલની સાથે એને શોભે એવો એક સુંદર યુવક અને એક ટેણિયો હતો

થોડાં બીજા મહિના વિતી ગયા. આનલના પપ્પાની તબિયત ઠીક ના હોવાથી એ પાછી આજે આ જુના શહેરમા આવેલી. પપ્પાનો રેપોર્ટ લેવા એ હોસ્પિટલે ગયેલી ત્યાંજ એને એની કોલેજના સમયની એક સહેલી મળી ગઈ. વાત વાતમાં એ બોલી,

“ખરા છો યાર તમે બન્ને! એકબીજાને આટલો પ્રેમ કરોછો તો પરણી કેમ નથી જતા? વાંધો શું છે પેલાની મમ્મીયે બે વરસ પહેલા ઉકલી ગ​ઈ.”

“તું કોની વાત કરે છે?” આનલ ચીઢથી બોલી હતી.

“લે, તારી ને રોહિતની જ તો!”

“પણ એણેતો લગ્ન કરી લીધેલાને.” આનલના દિલમાં પેલો તણખો ફરી જલી ઉઠ્યો. જોકે એ કદી બુજાયો જ ક્યાં હતો…થોડો ઠંડો પડી ગયો તો…પાછી આજે હવા મળી !

“જો મારી પાસે એનો ફોટો છે.” આનલે મોબાઈલમા રોહિતે જે એને મોકલેલો એ ફોટો બતાવ્યો.

“અરે યાર! કેમ આમ કરે છે ? આતો એના ફોઈની દિકરી છે!”

“શું?” આનલ આશ્ચર્યથી આંખો ફાડીને પૂછી રહી.

“હાં જ તો , તું એનો મેસેજ વાંચ. એમા ક્યાં લખ્યું છે કે આ એની પત્નિ છે?”

“મતલબ કે!” આનલની આંખો ભરા​ઈ આવી.

“મતલબ કે એ હજી તારો જ છે મારી વહાલી ! ચાલ વાત કર એની સાથે.”

“પણ !” આનલના હોઠ, એનું આખું શરીર ધ્રુજી રહ્યું.

“પણનેબણ હ​વે મુક કોરાણે, ચાલ ફોન જોડ હાલજ !”

ધડકતા દિલે આનલે ફોન જોડ્યો.એક,બે ને ત્રીજી રિંગે , “હલો… હલો, આનલ!”

આનલને ગળે ડુમો બાજી ગયો. એજ અવાજ! આનલ કંઈ ના બોલી શકી મહામહેનતે ધીરેથી ફક્ત “રો…હિ…ત ”, એટલુંજ નીકળ્યુ.

આનલે ફોન કટ કરી દીધો. એનાથી રડી પડાયું.

“શું થયુ ?” સખીએ પૂછ્યું.

“કં​ઈ નહી! મારાથી વાત નહિ થાય”, આનલ એનો ફોન ખોળામાં મૂકીને બોલી.

“આ તારો કોલ આવે છે.”

આનલે ફોન લીધો. સામે છેડે રોહિત હતો. એનું દિલ એક ધબકારો ચૂકી ગયું…

“જો ફોન કટ ના કરતી યાર! શું થયુ ? કંઈ તકલીફ હોય તો તું જણાવ મને, તું આમ રડે છે કેમ? ” રોહિત પરેશાન થઈને બોલી રહ્યો હતો.

“તારી મા મરી ગ​ઈ એટલે રડું છુ સાલા ગધેડા!” આનલને રોહિત પર બરાબરની ખિજ ચઢી હતી.

“મા​ઈન્ડ યોર લેંગ​વેજ!” રોહિતે થોડા કડક અવાજે કહ્યું.

“નહી કરું જા! થાય એ કરીલે એક નંબરના જુઠ્ઠાડા, કોના લગ્નનો ફોટો મોકલેલો ,હ્મ્મ ?” આનલથી ધ્રુંસકું નંખાઈ ગયુ.

બે ઘડી બંને છેડે શાન્તિ છ​વાઈ.

“મેં જે કર્યુ એ તારી ભલાઇ માટે જ કરેલું”, રોહિતનો શાંત, પ્રેમાળ અવાજ ગુંજી રહ્યો,

“બે વરસ પહેલા જ્યારે મમ્મી ઊંઘમાં જ ગુજરી ગ​ઈ ત્યારે સૌથી પહેલા મને તારો જ વિચાર આવેલો. હું તને કોલ કરવાનોજ હતો કે તારો મેસેજ મલ્યો, હેપ્પી ફેમિલી! એ ફોટો જોયા પછી તને ડિસ્ટર્બ કરવાનું મુનાસીબ ના લાગ્યું,”

“એ ફોટોમાં મારી સાથે મારા મામાનો દિકરોને એનો દિકરો હતો.” આનલે રોહિતની વાત કાપતા કહ્યુ, “હું હજી તારી જ છુ!”

બન્ને છેડે ફરીથી થોડીવાર શાન્તિ છવાયેલી રહી.

“તું ક્યાં છે હાલ ? હું આવું છું.” રોહિતે આટલું કહીને ફોન કટ કર્યો.

થોડીક મિનિટો પછિ રોહિત અને આનલ સાથે હતા એની જેગુઆરમાં! અને આ વખતે સદાને માટે!

“હસ્ત બે જોડાઈ રહેલા એમાં…
ઉપસેલો એક સુગંધી પ્રસ્વેદ છે…” – સાકેત દવે

લેખક : Niyatikapadia.

મિત્રો કેવી લાગી તમને આ વાર્તા અમને જરૂરથી જણાવજો. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી