બિચારી – એક માતા વગરની દિકરીની કેવી મનોસ્થિતિ હોય છે જયારે તે કોઈ દિકરીને તેની માતા સાથે જુએ છે…

બિચારી

“બેન, તમને આ ધુળિયા ગામમાં ફાવશે તો ખરુંને? બસ, બે ચાર દિવસનું કામ છે પછી પાછા અમદાવાદના ઘરે જતા રહીશું.” ઉનાળાની રજાઓ દાદા સાથે ગાળવા, મુંબઈથી ગામ આવેલી તેર વરસની તોરલને એના દાદાએ પુછયું.

“હા દાદા! મને તો અહિં બહું મજા પડશે પણ તમારે મને રોજ ગામ દેખાડવા લઈ જવી પડશે, હોં!” હસુ હસુ થતા, ગુલાબી ગાલવાળી તોરલના લાલ લાલ હોઠ બોલેલા.

“ઠીક ત્યારે! હવે મને ચિંતા નથી. ચાર જણા પાસેથી આપણે રુપિયા લેવાના બાકી નિકળે છે! એમને એમ કે, શેઠ હવે ઘરડા થયા એટલે રુપિયા લેવા અહિં ગામ સુંધી લાંબા નહી થાય! પણ, હું તો મરણ પથારીએ પડ્યો હોવ ને તોય લેણદારને જોઇને ઊભો થઈ જાઉ…”

તોરલ ખડખડાટ હસી પડી, “તે તમેય દાદા આટલે દુર કોઇને શું કામ ઉછીના આપો છો?”
“આપવા પડે, બેન! આપવા પડે! એ બચારા જરુરતના માર્યા હોય ત્યારે ગરીબડી ગાય જેવા થઈને આવે. ગમે તેવી ના પાડો તોય કરગર્યા કરે, હાથ જોડે, પગે પડે પછી, મારાથી જોયુ ના જાય એટલે નજીવા વ્યાજે રુપિયા આલવા પડે!”

“તે હેં દાદા એ લોકો બેંકમાંથી રુપિયા ના લઈ શકે?”

“આ અભણ માણસો એવુ બધું કાગળનુ કામ ના સમજે. એમને તો બસ મારા પર વિશ્વાસ! હું એમને કહું કે તારે આટલા આપવાના બાકી નિકળે છે એટલું, એ સમજે! હોય તો આલે નહિંતો વાયદો કરીને ચાલ્યા જાય.”

તોરલ અને એના દાદાની વાત ચાલતી હતી ત્યાં જ એક સ્ત્રી એની દસેક વરસની દીકરીને લઈને આવી રહી હતી. તોરલનું ધ્યાન એ લોકો તરફ ગયું.

નાનકડી છોકરીને એની માએ લાલચટ્ટક ફરાક પહેરાવેલું અને વાળના બે ચોટલા ગુંથીને, ચોટલા પર એવાજ લાલ રંગની રિબીનથી સરસ મોટા ફુલ જેવુ ફુમતું વાળેલું. નાનકડી બિંદી કરેલી, એય લાલ… છોકરી એની મંનો હાથ પકડીને ચાલતી હતી. દીકરીને તડકો ના લાગે એટલે એની મા એને એનાથી થોડી પાછળ, એના પડછાયામાં ચલાવતી હતી. એ લોકો તોરલના આંગણે આવીને અટક્યા.
“તું… નવીનની વહું, હેં ને? વરહ થઈ ગયું. બે મહિનામાં પાછા આપી દઈશ કહીને દસ હજાર લઈને ગઈ તે ગઈ!” દાદાએ હસતા હસતા કહ્યું.

“હોવ, શેઠ. ઓણ સાલ વરહાદ જ ચ્યોં પડ્યો તો! પાક ઉતારીન તમારા રુપિયા દઈ દેત પણ, બધું તડકામાં બળી જયુ… આ ફેર થોડું હારુ સે, જોઇએ અવ. વેપારીયે મુવો, જોઇએ એવો ભાવ નહી આલતો. પણ, તમારા રુપિયા દુધે ધોઇને પાસા આલે એટલો વિહવાહ રાખજો!” એ સ્ત્રીએ વાત ચાલુ કરી.

“ઠિક છે, જોઇએ તારો વિશ્વાસ બીજુ શું? વ્યાજના રુપિયાય તું વખતસર નથી આલતી..”

“અરે આલીદયે શેઠ તમારા રુપિયા રાખીન મુનઈ મરી જવ.” એ સ્ત્રીએ જરાક હસીને તોરલ સામે જોતા વાત વાળતા પુછ્યું, “આ તમારા મોટાની છોડી સે? ચેવડી મોટી થઈ જઈ! હોંજ પડે મારા સેતરે બુનને લઈન આવજો, મજા પડસે.”

થોડી બીજી વાત કરીને એ બાઇ જેમ આવી હતી એમ જ પાછી વળી ગઈ. એની દીકરીને લઈને… તોરલનું હસતુ મોં થોડું ઉદાસ થઈ ગયું.

સાંજે તોરલ એના દાદા સાથે એમની ગાડીમાં બેસીને ખેતર જોવા ગઈ. દીકરીને ધુળની એલર્જી છે એટલે, દાદા ખાસ એને માટે થઈનેજ ગામડે ગાડી લઈને આવેલા. ઊબડખાબડ રસ્તા પર કુદતી ગાડીમાં એને મજા પડી. દાદાના શરીરની એક એક માંસપેશી, એક એક હાડકું હલી ગયું છતા તોરલને હસતી જોઇને એમણે મન મનાવ્યું! એક લીલાછ મખેતરે આવીને ગાડી અટકી. તોરલને એના દાદા એ ખેતરમાં લઈ ગયા.

ચારે બાજુ લીલા લીલા છોડવા એક સીધી લાઇનમાં ઉગાડેલા હતા. તોરલ એ છોડવા વીષે દાદાને કંઈક પૂંછવા જ જતી હતી કે, એને પાછી પેલી સવારે જોયેલી એ સ્ત્રી દેખાઇ, એની દીકરી સાથે! તોરલને એ ના ગમ્યું. એના મોંઢા પર અણગમાના ભાવ આવી ગયા.

પેલી સ્ત્રી તોરલ પાસે આવી. એણે ખેતરમાંથી તોડેલા તાજા ટામેટા તોરલને ખાવા એની સામે ધર્યા. તોરલે એને લેવાની ના પાડી.

“બુન ન ટામેટું નહી ભાવતું? મારી ગગીને તો બૌ જ ભાવે.” ટામેટાનો રસ ગગીના ગાલ પર રેલાઇ રહેલો એને પોતાની સાડીના છેડાથી લુંછતા એ સ્ત્રી બોલી.
“તોરલને ભાવે પણ આમ ધોયા વગર, કાપ્યા વગર એ ના ખાય!” દાદાએ કહ્યું.

“બુન તાર તન ધોણી સેકી યાલું? એકદમ મીઠ્ઠી સે!” પેલી સ્ત્રીએ તોરલને પુછયું.

“ના મને કંઇ નથી જોઇતું.” તોરલ અકળાયેલા અવાજે બોલી, “દાદા ચાલોને બીજે જઈયે.”

“હા ચાલ તને મંદિરે લઈ જાવ. ગામની આરતી જો, તને મજા પડશે.”

“હા ત્યાં ચાલો.” તોરલે કહ્યું જાણે એને અહીંથી ભાગી જવું હોય.

“મા હાલને આપણેય મંદિરે જઈયે.” ગગી બોલી.

“ હોવ. જઈયે થોડી વારમાં.”

“મા મુ આમની કને, એમની ગાડીમાં જાઉં… તું કે’ને શેઠને મનેય એમની ગાડીમોં બેહાડે!” ગગીએ એની માને કહ્યુ.
“શેઠ છોડી ન બેહાડી દો ન. પોંચ મિનિટનો જ રસ્તો સે. છોડી ન બવ મન સે ગાડીમાં બેહવાનું. ઇ રાજી થઈ જાસે ! ”

“હા…હા..બેસાડી દે. મારી તોરલનેય તારી ગગીની કંપની મળી રહેશે.” દાદાએ તોરલ સામે જોઇને કહ્યું.

“આઇજા ગગી.” એની માએ ગગીના માંથામાં હાથ ફેરવી એના વિખરાયેલા વાળ સરખા કર્યા, એનું નાક પોતાના પાલવથી લુછ્યું અને એને ગાડીમાં બેસાડવા એનો હાથ જાલીને ગાડી પાસે લઈ આવી.

આ વખતે તોરલ બોલી, “દાદા એ ગંદી છોકરીને આપણી ગાડીમાં ના બેસાડો.”

દાદા અને પેલી સ્ત્રી બન્નેને આંચકો લાગયો. દાદાએ વખત જોઇને સમજાવટના સુરે કહ્યું,

“તોરલ બેટા એમ ના બોલાય! એ તો છોકરી ખેતરમાં રમી આખો દિવસ એટલે એવી લાગે, એને આપણે પાછળની સીટ પર બેસાડીશું, ઠીક ?”

“ના…ના…અને ના. એને ક્યાંય આપણી સાથે લેવાની નથી.” તોરલનો અવાજ ઊંચો થઈ ગયો. દાદા આભા બની ગયા. તોરલનુ વર્તન એમની સમજમાં ના આવ્યું.
“કોય વોંધોનઈ શેઠ, તમતમારે બુનને લઈને જાવ મું મારી ગગીને મારી હારે જ લઈ જયે.” થોડા ઝંખવાયેલા મોંઢે, ખોટું હસીને પેલી બાઇ બોલી.

દાદા બોલ્યા વગર ગાડીમાં બેઠા. બીજા દરવાજેથી તોરલ પણ આવીને બેસી ગઈ. બન્ને જણા ચુપ હતા. દાદાને તોરલની આ તોછડાઇ જરાકે ગમી ન હતી પણ, છોકરીને એ કંઇ બોલી કે સમજાવી ના શક્યા. એમને થયું કે, બધો વાંક છોકરીના બાપનો છે, આખો દાડો કામ ધંધામાં ડુબેલો રહે છે, છોકરીને માંગે તે લાવી દે એમાં જ એ ઉધ્ધત થઈ ગઈ છે, જરીક પાસે બેસાડીને સમજાવી હોય કોઈ દિવસ તોને! દાદા વિચારતા રહ્યા.

તોરલનું મોઢું પડેલુ હતું. મંદિરમાં પણ એ ચૂપચાપ જ રહી હતી. એ જમવા પણ ના આવી એટલે દાદાથી પછી ના રહેવાયું,

“તોરલ શું થયુ બેન? તું જમવા કેમ નથી આવતી?”

તોરલ કંઇક બોલવા ગઈ પણ, ના બોલી. ના બોલી શકાયુ! એનું મૌન દાદાને અકળાવી રહ્યુ.

“શું વાત છે? ત્યાં પેલી, બિચારી છોકરી સાથે પણ… શું ફરક પડી જાત જો એને ગાડીમાં બેસવા દીધી હોત તો! એને બિચારીને ક્યાં આમ ગાડીમાં બેસવાનું મળવાનુ? એ લોકો ગરીબ છે છતાં, જોયુનઈ એ બિચારીની મા તને કેટલો આગ્રહ કરતી હતી!”હવે તોરલથી ના રહેવાયું. એ આવેગથી, એની અંદર ભરેલા ગુસ્સાને ઠારવા માંગતી હોય એમ બોલી પડી,

“બિચારી! કોણ બિચારી, એ કે હું?” એની આંખમાંથી મોતી વરસી પડ્યા.

“તું શું વાત કરે છે? મને સમજાતુ નથી. તને કંઇ ઓછું આવ્યું? મારાથી કોઇ ભૂલ થઈ હોય તો કહે બેટા!”

“ભૂલ તમારી નથી દાદા, ભૂલ નિયતિની છે! બિચારી એ નહીં હું છું! એની પાસે એની મમ્મી છે, એની મા! અને મારી મા… એ ક્યાં? ” તોરલ ડુંસકા ભરીને રડી પડી.
વજ્ર જેવી કઠણ છાતીવાળા દાદાની આંખો પણ વરસી પડી. એ ગમે તે કરે પણ, એમની દીકરીની આ ઇચ્છા પુરી કરી શકે એમ ન હતા. તોરલની મમ્મી એને બે જ વરસની મુકીને સદાને માટે ભગવાન પાસે ચાલી ગયેલી… ભુલ સાચેજ નિયતિની હતી!

લેખક : નિયતી કાપડિઆ.

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો અને દરરોજ આવીએ અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી