રિટાયર્ડ થયા બાદ 3 લાખ રૂપિયા ખર્ચી હેલિકોપ્ટરની સવારી કરી પોતાના ગામે ફર્યો સરકારી શાળાનો પટ્ટાવાળો

આપણામાંના બધા જ સ્વપ્નો જુએ છે, અહીં ઉંઘમાં આવતા સ્વપ્નોની વાત નથી થઈ રહી પણ દીવાસ્વપ્નોની વાતો થઈ રહી છે. જેને આપણે આપણી મહેચ્છા પણ કહી શકીએ. કોઈ હીરો બનવાનું સ્વપ્ન જુએ છે તો કોઈ સુપર મોડેલ બનવાનું સ્વપ્ન જુએ છે, કોઈ ડોક્ટર બનવાનું સ્વપ્ન જુએ છે તો કોઈ વળી પોલીટીક્સમાં જવાનું સ્વપ્ન જુએ છે.

પણ આપણા મનમાં આપણે કેટલાક લક્ષ્યો બાંધીને પણ બેઠા હોઈએ છીએ કે મારી પાસે આટલા રૂપિયા ભેગા થશે તો હું વર્લ્ડ ટુઅર કરીશ, અથવા તો સરસમજાનું ઘર ખરીદીશ અથવાતો ગાડી લઈશ. તેવી જ રીતે હરિયાણાના આ વ્યક્તિએ પણ વર્ષોથી એક સ્વપ્ન સેવ્યું હતું.

હરિયાણાના ફરિદાબાદના સદપુરા ગામના એક વડીલ કૂડેરામે પણ આખું જીવન એક સ્વપ્ન સેવ્યું હતું. અને તે હતું કે તેઓ જ્યારે નોકરીમાંથી નિવૃત્ત થાય ત્યારે પોતાના વતન હેલિકોપ્ટરમાં સવારી કરીને જાય. અને છેવટે એ દિવસ આવી ગયો ગત મંગળવારે જ્યારે તેઓ શાળાની પટ્ટાવાળાની નોકરીમાંથી રિટાયર થયા ત્યારે હેલિકોપ્ટરમાં બેસીને પોતાના ઘરે પહોંચ્યા.

હરિયાણાના કુડેરામ શાળાની પટ્ટાવાળાની નોકરીમાં 1979થી જોડાયેલા હતા. તેઓ ત્યારથી જ હરિયાણાના નિમકા ગામમાં આવેલી સરકારી શાળામાં ફરજ બજાવતા હતા. અને તેમની વર્ષોથી ઇચ્છા રહી હતી કે તેઓ એક દિવસ તો હેલીકોપ્ટરમાં બેસશે જ.

આજે 60 વર્ષની ઉંમંરે જ્યારે તેઓ રીટાયર્ડ થયા ત્યારે તેમણે પોતાનું હેલિકોપ્ટરમાં બેસવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. તેમણે પોતાના નોકરીના સ્થળે એટલે કે નિમકામાં આવેલી સરકારી શાળાથી પોતાના ગામ એટલે કે સદપુરા વચ્ચેનું જે માત્ર 2 કીલોમીટરનું અંતર છે તે હેલિકોપ્ટરમાં બેસીને પુરું કર્યું હતું. માત્ર તેટલું જ નહીં પણ તેમણે હેલીકેપ્ટરમાં એક રાઉન્ડ પણ માર્યો હતો.

આ માત્ર 2 કીલોમીટરની હેલિકોપ્ટરની સવારી પાછળ તેમને ત્રણ લાખ રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો કરવો પડ્યો હતો. જો કે તમારા સ્વપ્નો પૂરા થાય તેને કોઈ કીંમત સાથે તોલી નથી શકાતું. છેવટે મૃત્યુ વખતે તમે તમારા રૂપિયા નહીં પણ તમારા જીવનમાંના યાદગાર અનુભવો જ સાથે લઈ જતા હોવ છો.

કૂડેરામ સાથે પણ તેવું જ થશે. કુડેરામના ઘરમાં તેમના પત્ની અને તેમના ત્રણ દીકરાઓ તેમજ એક દીકરી છે. તેમના ચારે સંતાનોના લગ્ન થઈ ગયા છે અને તેમણે લગભગ પોતાના જીવનની બધી જ જવાબદારીઓ પૂર્ણ કરી લીધી છે.

તેમની આ હેલિકોપ્ટરની સવારીને જોવા ગામના સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા. કદાચ આ પહેલાં તેમનું સ્વાગત ગામમાં આટલા લોકોએ નહી કર્યું હોય.

કુડેરામે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની વર્ષોથી ઇચ્છા હતી જીવનમાં કંઈક અલગ કરવું છે. તેઓ જણાવે છે કે આ હેલીકોપ્ટરની સવારીમાં જે ખર્ચો થયો છે તેમાં તેમના મિત્રોએ પણ તેમને મદદ કરી હતી. જે તેઓ રીટાયરમેન્ટની કુલ રકમ મળતા પરત કરી દેશે.

જોકે તેમના કેટલાક નજીકના લોકોએ તેમના આ કામ પર ટીકા પણ કરી હતી. તેઓનું એવું કહેવું હતું કે તેમણે આટલા લાખ રૂપિયા હેલિકોપ્ટરની સવારી પાછળ નહીં ખર્ચીને તેની જગ્યાએ ક્યાંક જમીન લઈને રોકાણ કર્યું હોત તો. અથવા તો કોઈ ગરીબને મદદ કરત. પણ તેમની વર્ષોની મહેનતની કમાણીથી તેમણે જે ભેગુ કર્યું હતું તેને તેઓ કોઈ પણ રીતે વાપરી શકે છે.

જો તમારી પણ રીટાયરમેન્ટ બાદ કોઈ ઇચ્છા હોય તો કમેન્ટમાં જણાવો અને જો કોઈ એવા નિવૃત્ત થયેલા વડીલ હોય જેમણે તેમના વર્ષોના સેવેલા સ્વપ્નને રીટારમેન્ટ બાદ પુરુ કર્યું હોય તો તેઓ પણ તે અહીં કમેન્ટ બોક્ષમાં જણાવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ