નીતિ – અનીતિથી આવેલો પૈસો કોઈને શાંતિથી રહેવા દેતો નથી, વાંચો દક્ષા રમેશની નવીન વાર્તા…

નાનો એવો મહેલ કહી શકાય, તેવા એક બંગલા પાસે, એક ચકચકીત, બ્રાન્ડેડ કારમાંથી, ચિરાગ અને નિમેષ ઉતર્યા.. . દરવાને રાબેતા મુજબ સલામ મારી !! તેને દરરોજ મસ્ત મજાના સ્માઈલથી જવાબ આપતા, ચિરાગનું ધ્યાન આજે તેના પર ન હતું…. તે બન્ને બંગલાની અંદર આવ્યા અને ડ્રોઇંગ રુમમાં, હિંચકા પર બેઠેલા શારદાબા ને પગે લાગી, ‘ જય શ્રી કૃષ્ણ’ કહી, અને ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા…

રસોયા મહારાજે બધી રસોઈ તૈયાર જ રાખી હતી અને, આ બન્નેને આવેલા જોયા કે તેમણે ફટાફટ ગરમ ગરમ ફુલકા ઉતારવાનું ચાલુ કર્યું …

… તેની નોકરાણી ન કહી શકાય એવા આયા, દયામાસી થાળી પીરસવા લાગ્યા… … જમવા બેસતાં પહેલા હાથ ધોઈને, લુછતા લુછતા ચિરાગે તેના દોસ્ત અને PA નિમેષને કહ્યું, “” આજે તને, જે વાત કરવાની છે, તે બહારની વ્યક્તિને ખબર ન પડે, એટલા માટે તારું જમવાનું મારી સાથે ગોઠવીને, તને હું ઘરે લઈ આવ્યો છું !!.” ઓછું બોલવું અને દોસ્ત ની દરેક વાતને પૂરેપૂરી સમજીને પછી કામ કરવું તે નીમેષની આદત હતી.

ચિરાગે આગળ ચલાવ્યું, ” નિમેશ !, આજે આપણી કંપની પર એક મુશ્કેલી આવી છે, મને બાતમી મળી છે કે, આપણી ઓફિસમાં ગમે ત્યારે ઇન્કમટેક્સની ઇન્કવાયરી આવવાની છે. આપણે આમ તો બધું લીગલી વહીવટ જ કર્યો છે. કોઈ જગ્યાએ ખોટુ કામ કર્યું નથી. પણ છતાં, આ લોકો પાણીમાંથી પોરા કાઢવાનું ચૂકતા નથી.મને બિઝનેસ સર્કલમાંથી જાણવા મળ્યું એ રીતે આ કોઈ વિચિત્ર કહી શકાય એવો અધિકારી છે. એની ઇન્કવાયરીમાં બહુ લમણાઝીંક કરે છે અને કોઈપણ રીતે સમસ્યા ઊભી કરીને કમ્પનીની રેપ્યુટેસન ખરાબ કરે છે. આ માણસ ઓફિસે આવીને કઈ બબાલ કરે અને પછી કાઇ પ્રોબ્લેમ ક્રિએટ થાય તેના કરતાં…!! “” તેણે નિમેષ સામે જોયું તે ચિરાગની વાત ધ્યાનથી સાંભળતો હતો …. એટલામા તો ચિરાગના દાદી શારદાબા, પણ અંદર આવી ગયા…

આમ તો, બા ક્યારેય ધંધાની વાતમાં કોઈ જ રસ લેતા ન હોય. બંને દોસ્તો વચ્ચે વાતચીત ચાલુ રહી… નિમેષે પૂછ્યું , ” હા… તો પછી… તે શું વિચાર્યું છે ??? ચિરાગ કહે, ” હું ઈચ્છું છું કે ઇન્કમટેક્સ વિભાગના કોઈપણ ઓફિસરને ફોડીને બારોબાર વહીવટ પતી જાય અને કોઈ અધિકારી આપણી ઓફિસે આવે નહિ એવી ગોઠવણ તારે કરવાની છે … !”

નિમેશ એક ક્ષણ વિચારીને બોલ્યો, ” થઈ જશે !!, ચિરાગ !!, મારા ધ્યાનમાં એક વ્યક્તિ છે, જે આ બધું બારોબાર પતાવી આપશે ! “” ચિરાગ કહે, “સારું દોસ્ત, ઘણા દિવસનું ટેન્સન આજે ઓછું થયું.!! “” ત્યાં એકાએક શારદાબા ઊભા થઈ ગયા !!! નિમેષે જમી લીધું હતું અને તેણે ચિરાગ ને પૂછ્યું, “”… તો હવે હું જાઉં કે.. ??”

ચિરાગ કહે, ” હા !,હા !, જા !! પણ, આ કામ બને તેમ જલદી પતાવજે !!” નિમેશ કહે, ” કોઈ વાંધો નહીં !થઈ જ જશે !! હવે ચિંતા ન કરતો ! ઠીક ત્યારે !!” શારદાબાને કહે, ” ચાલો, દાદીમાં !!, હું જાઉં છું , જય શ્રી કૃષ્ણ !!!” શારદાબા, ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાને બદલે, “ઊભો રહે નિમેષ …!!!” એમ બોલ્યા. નિમેષ અટકી ગયો. શારદાબા, આગળ ..બોલ્યા , “તમે બંને શુ કરવા ધારો છો ??”

ચિરાગ નાનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થતાં ધંધાની જવાબદારી તેના પર બહુ નાની ઉંમરથી જ આવી હતી… અને કુદરતી રીતે જ કુનેહ ધરાવતા ચિરાગે, પિતાજીના વેપાર-ધંધાને ખુબજ વિકસાવ્યો હતો. ઘરમાં દાદી અને તે બે જ જણ, હોવાથી ઘરે ક્યારેય બિઝનેસ બાબતે, કોઈ કઈ બોલતું નહિ. શારદાબા તો, ક્યારેય વેપાર-ધંધામાં તો શું આમ પણ ખૂબ જ ઓછું બોલતા.

શારદાબાએ ચિરાગને નાનપણથી, એક વાત ખાસ કહી રાખી હતી કે, ‘ધંધામાં ક્યારેય કશું જ ખોટું કરતો નહીં !! જે કરે તે નીતિથી જ કામ કર જે. આપણા ઘરે કશું જ ઘટતું નથી. પણ, અનીતિનો પૈસો આ ઘરમાં આવો ન જોઈએ !!” ચિરાગે પણ શારદાબાના આ બોલને ‘જીવન મંત્ર’ બનાવ્યો હતો. બસ, હવે શારદાબાને તો એક જ લગની હતી કે, ચિરાગ ના લગ્ન થાય, ઘર સંભાળવા વાળી આવી જાય.. અને પોતે શાંતિથી વૈકુંઠવાસી થાય..! પણ, આજે,… આજે શુ થયું દાદીમાંને???

શારદાબા ફરીથી બોલ્યા, ” કેમ, તમને કોઈ, કાઈ, કહેવાવાળું નથી ??? … અને હું જાણુ છું ત્યાં સુધી ચિરાગે વેપાર-ધંધામાં કાળાધોળા કર્યા નથી… ‘ નિમેષ કહે, ” હા , દાદીમાં !, તમારી વાત સાચી છે .” શારદાબા કહે, ” તો પછી હું આ બધું શું સાંભળું છું ??… આ ઈન્કમટેક્ષ ઓફિસર…. બારોબાર જ પતાવટ ??

ચિરાગ ઊભો થયો.. શારદાબાને ગળે હાથ વીંટાળી …લાડથી બોલ્યો… ” દાદી, આવુ તો ચાલ્યા કરે… આ તો કાંઈ જ નથી !! .. તમારે ધંધાનું કોઈ ટેન્શન લેવાનું કારણ નથી ! બા, તમે સાવ ચિંતા ન કરો!!” શારદાબા બોલી ઊઠ્યા, “” કારણ છે !!, દીકરા !!, કારણ છે…!!, એટલે જ ટેન્શન છે… તમે હજુ નાના છો…” ચિરાગે પૂછ્યું, ” દાદીમાં, આજ સુધી ક્યારેય….”

શારદાબાએ ચિરાગનો હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડ્યો અને કહ્યું, “બેટા !!, તું નાનપણમાં ખૂબ જ સવાલો કરતો હતો… ‘મારા પિતાજી ભગવાન પાસે કેમ ચાલ્યા ગયા..??’ ‘ ઘરમાં આપણે બે જ જણ કેમ છીએ ??’ ‘ મારી મમ્મી મને મૂકીને કેમ ચાલી ગઈ ??’ તો સાંભળ,… આજે તને હું સાચી હકીકત બનેલી તે જણાવું છું. તારા પિતાજીનું એક્સીડેન્ટ ને કારણે મોત નહોતું થયું.. પણ, તેની હત્યા કરવામાં આવી હતી.. ”

“તારા પિતા પ્રફુલને નાનપણથી જ કુદરતી રીતે વેપાર-ધંધાની આવડત તો હતી. અમારી આર્થિક સ્થિતિ સામાન્ય, અને નાનકડી દુકાન ધરાવતા,તારા દાદાજી, સંતોષી જીવના હતા અને શાંતિથી અમે જીવન પસાર કરતા હતા. પણ, જ્યારથી તારા પિતા પ્રફુલે દુકાન સંભાળી, અને તેને…, નવા જમાનાનો પવન લાગી ચૂક્યો હતો ..તેને તો જલદીથી પૈસાદાર થવું હતું. તે માટે ગમે તે કરવા તૈયાર હતો. તારા દાદાજી આ બધું સમજી ગયા હતા. તેને પ્રફૂલને આ રસ્તેથી વાળવા પ્રયત્નો કર્યા હતા… પણ, પ્રફુલને એક જ ધૂન લાગી હતી, ” ગમે તે પ્રકારે પણ મારે રૂપિયા બનાવવા છે.” નિમેષ પણ બાજુની ખુરશીમાં બેસી સાંભળવા લાગ્યો…

પ્રફુલને શરૂઆતમાં તો , ખૂબ જ પૈસા મળ્યા અને તેને લાગ્યું કે પોતે સફળ થઈ ગયો છે. પણ, થોડા સમય પછી ટૂંકા અને ખોટા રસ્તા અપનાવવાથી પોતે જ પોતાના રાહમાંઅટવાવા લાગ્યો… બે નંબરનો ધંધો કરવાથી તે ટેક્ષ પૂરેપૂરો ભરે નહિ, અને એમાંથી બચવા માટે ભ્રષ્ટાચારી માણસોને પણ વધુ પૈસા આપવા પડે !! અધિકારીઓને સાચવવા પડે, કઈ કેટલાયના પગ પકડવા પડે !! ચાપલૂસી કરવી પડે!!”

નિરાંતની નીંદર ગઈ… સુખચેન પણ ગયા..અને એના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી.. એક વખત ઈન્કમટેક્ષ ઓફિસર એની ઓફિસે ઇન્કવાયરી માટે આવ્યા અને ઓફિસરે ધમકાવ્યો કે તમારું જે પણ ગેરકાયદેસર કારોબાર છે ! ને ગોટાળાછે!. અને આમ છે.., તેમ છે.!. આ માટે તમારી ધરપકડ પણ થઈ શકે છે !!!”

આ સાંભળી પ્રફુલ હવે ગભરાયો, તેને પસ્તાવો થયો , પોતાની ભૂલ સમજાણી. પરંતુ, હવે એ ભ્રષ્ટાચારનાદલદલમાં ફસાઈ ચુક્યો હતો. આ અનીતિના અજગર ભરડામાંથી તો છૂટવું જ પડશે !! તે પેલા ઓફિસરને ભાઈબાપા કર્યા, હાથે પગે લાગ્યો.., અને પ્રફુલ્લ એ તેમની સાથે બારોબાર વહીવટ પતાવવાનું નક્કી કર્યું …અમુકેક સ્થળે, મોટી એવી રકમ સાથે… !!

અને ઓફિસના કોઈ એક માણસને પણ ખબર પડી ગઈ.. તેને થયું કે આ ઓફિસરને આટલી મોટી રકમ આપી શકે છે.. તો આ પ્રફુલભાઈ પાસે કેવડી મિલકત હોય શકે ?? તો ચાલ, હું પણ, એને ખંખેરું !!” તેના બે-એક સાગરીતો સાથે મળીને તેણે પ્રફુલને ફોન કરી જણાવ્યું, ” તે અમુક ઓફિસર બોલે છે અને આપણે જે વહીવટ બારોબાર બતાવવાનું નક્કી કર્યું છે, તો તમે તેના ૨૦ લાખ રૂપિયા રોકડા લેતા આવો અને આપણે ફલાણી જગ્યાએ મળીએ છીએ …”

પ્રફુલ કોઈને કહ્યા વિના જ, વીસ લાખ જેવડી, મોટી રકમ લઈને જવા તૈયાર થયો. તે પહેલાં, તે મને અને તારા દાદાને મળવા આવ્યો… તેણે કહ્યું, ” પિતાજી !!, તમારી વાત હું ત્યારે સમજી ન શક્યો !! પણ, આજે મને ખબર પડી કે અનીતિથી આવેલો પૈસો કોઈને શાંતિથી રહેવા દેતો નથી. અત્યાર સુધી આટલી બધી હાયવોય કરીને જે કમાયો તેની ખુબ જ મોટા ભાગની રકમ મારે આ રીતે આપવી પડે છે. એના કરતા તમારા રસ્તે ચાલીને પણ હું ઘણું કમાઇ શકત અને આ ખોટા ટેન્શનમાંથી બચી જાત. જે પણ કમાણી કરત, પણ સુખચેનથી ભોગવી તો સકત !!”

તારા દાદાજીએ તેના માથા હાથ મૂક્યો. પ્રફુલ કહે, ” પિતાજી !!, આ વેપાર ધંધાના કાળા ધોળામાંથી છૂટવા છેલ્લી વખત પ્રયત્ન કરું છું .. હવેથી હું સાચા રસ્તે, નીતિથી ચાલીશ ! મને માફ કરી દો ! મારા થી બહુ મોટી ભુલ થઈ ગઈ છે !! “

ત્યારે તારા દાદાજીએ ખુશ થતાં, જવાબ આપ્યો, ” જાગ્યા ત્યારથી સવાર ‘ પ્રફુલ !!, આજે પણ, તને સમજાયું તો ખરું !!, તેનો મને સંતોષ છે! પ્રફુલ, અમને બંનેને પગે લાગીને ગયો … તે ગયો… તે ગયો… પણ, સાંજે તે પાછો ન આવ્યો, આવ્યો તો તેનો નિર્જીવ દેહ જ આવ્યો !!” “કેમ ,શું થયું હતું ??? બા ??” ચિરાગ અને નિમેષ એકીસાથે બોલી ઊઠ્યા..

એ જમાનામાં વીસ લાખ, જેવડી મોટી રકમ લઈને, પ્રફુલ એકલો જ ગયો.. નક્કી કરેલ જગ્યાએ, ફોનમાંકહેલ વ્યક્તિની સૂચના મુજબની કારમાં તે બેઠો હતો… ત્યાં જઈને ખબર પડી.. કે અહી કોઈ ઈનકમટેક્સવાળા તો નથી !! પણ આ તો પેલો ઓફિસનો જ માણસ !! તેણે પૂછયું, “તું કેમ અહી?? ત્યારે તેણે કહ્યું કે એ ફોન એણે જ કર્યો હતો કોઈ અધિકારીએ નહિ… અને શેઠ !!, પૈસા મને આપી દો!! અને ચૂપચાપ ચાલ્યા જાઓ…!! ”

તેણે પિસ્તોલ બતાવી.. પ્રફુલને લાગ્યું કે જીવન ભરની કમાણીનો મોટો ભાગ આ નકામો માણસ આમ મફતમાં લઈ જશે અને તોય પેલુ ઇન્કમટેક્સનું લફરું તો બાકી જ રહેશે !!”

તેણે હિંમત કરી, પેલાની પિસ્તોલ ફગાવી દીધી.. પણ, પેલો માણસ બળુકો હતો.. તેના સાથીદાર પણ, ત્યાં જ આસપાસમાં જ છુપાયેલા હતા. ત્યાંથી આવી ગયા .પ્રફુલ રાડો પાડવા લાગ્યો !! પણ ત્યાં નિર્જન રસ્તેથી કોણ આવે ?? ગુંડાઓએ તેને પકડીને મોઢે ડૂચો મારી દીધો અને એક જણો તેની છાતી પર ચડીને… પ્રફુલનું ગળું દબાવી દીધું.. અને મારો દીકરો ત્યાં ને ત્યાં જ….”

શારદાબા હિબકે ચડી ગયા.. .તે આંસુ લૂછતાં બોલ્યા… ” જો પ્રફુલ પહેલેથી જ તારા દાદાની વાત સાંભળીને, સમજીને, નીતિથી વેપાર ધંધો કરતો હોત તો ?? નિયમિત ટેક્ષ ભરતો હોત તો !! આમ જીવ ખોવાનો વખત ન આવત .. ! વળી, તારા પપ્પાની આમ હત્યા થવાના આઘાતમાં જ તારી મમ્મીનું અવસાન થયું… અને હજુ તો દીકરાના મૃત્યુનો આઘાત જીરવી ન્હોતા શક્યા ને આમ દીકરાની વહુ પણ.. ચાલી જતાં , તારા દાદા આ આઘાત જીરવી ન શક્યા.. તેમને જોરદારનો હાર્ટએટેક આવ્યો.. અને.. અને.. આપણે બંને અનાથ થઈ ગયા…!!!”

શારદાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા… ચિરાગ દાદીમાને છાના રાખતા બોલ્યો, ” બા !!, હુ તમારી બધી વાત સમજી ગયો !! હવે, તમારે વધારે કશું કહેવાની જરૂર નથી !! હું હવેથી ક્યારેય કોઈ વાત, આમ બારોબાર પતાવવાનું નહિ કહું અને બા !, હું ક્યારેય નીતિ નહીં ચુકું !! ”

આટલું બોલી ચિરાગે, નિમેષ તરફ ફરીને કહ્યુ, ” નિમેષ !!, હવે તું કશું જ કરતો નહીં !!! જે પણ કરવાનું હશે , તે હું જ કરીશ અને તે પણ કાયદામાં રહીને જ કરીશ…Ok ?? ”

લેખક : દક્ષા રમેશ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો, દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ