નિઃસંતાન દંપતિઓની મનોકામના પૂર્ણ થાય છે ગુજરાત સ્થિત બહુચરાજીમાં…

ભક્તોની અખૂટ શ્રદ્ધા છે બહુચરમા પર.
બહુચરાજી મંદિર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મંદિર માં પૂનમના દિવસે વિદેશમાં વસતા ભારતીયો પણ ખાસ દર્શન કરવા આવે છે. આમ આ મંદિર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે.

બહુચરમાતામાં ખૂબ આસ્થા ધરાવે છે ભક્તો.
બહુચરાજી ના મંદિરમાં લગ્ન પછી છેડાછેડી છોડવા માટે, બાધા અને વાળ ઉતારવાની વિધિ પણ કરાવવામાં આવે છે. બહુચરાજી મંદિરમાં ભકતોની આસ્થા જોડાયેલી છે. હવે જાણીએ કેવીરીતે પહોંચીશું બહુચરાજી મંદિર? અને મંદિર સાથે જોડાયેલી જાણી અજાણી વાતો…..

સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે.
બહુચરાજી મંદિરમાં નિઃસંતાન દંપતિઓ સંતાનપ્રાપ્તિ માટે માનતા રાખવાથી સંતાનસુખ પ્રાપ્ત થાય છે. આ મંદિરમાં કિન્નર સમુદાય માટે ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન પણ કરવામાં આવે છે. એક વાયકા પ્રમાણે બહુચર માતાએ ઘણા દુષ્ટ રાક્ષસોનું ભક્ષણ કર્યું હોવાથી તેમને બહુચર માતા કહેવાય છે.

બહુચર માતા કેમ કરે છે કુકડાની સવારી?
બહુચરાજી માતા કુકડાની સવારી કેમ કરે છે તે માટે એક લોકવાયકા પ્રચલિત છે તે મુજબ, અલાઉદ્દીન બીજાએ પાટણ જીતીને બહુચરમાંનું મંદિર તોડવા માટે સૈન્ય લઈને પહોંચ્યા હતા, ત્યારે ત્યાં બહુચરમાં ના વાહન એવાં મરઘાં ચરી રહ્યા હતા. આ મરઘઓને અલાઉદ્દીન બીજાના સૈનિકોએ ભોજન તરીકે આરોગી લીધા હતા, તેમછતાં એક મરઘો બચી ગયો. આ મરઘાંએ જ્યારે સવારે બાંગ પોકારવાનું શરૂ કર્યું તો સૈનિકોએ ભોજન તરીકે આરોગેલા મરઘાં પણ પેટની અંદરથી બાંગ પોકારવા લાગ્યા અને પેટ ચીરીને બહાર આવ્યા. આ બધું જોઈને અલાઉદ્દીન બીજો તેના બાકીના સૈન્ય સાથે મંદિર તોડ્યા વગર જ ભાગી જાય છે.

કિન્નર સમુદાય કેમ કરે છે બહુચર માંની આરાધના.
એક પ્રાચીન દંતકથા મુજબ ગુર્જરના એક નિઃસંતાન રાજાએ સંતાનસુખ મેળવવા માટે બહુચરમાની ઉપાસના શરૂ કરી. બહુચરમાએ રાજાની ઉપાસનાથી પ્રસન્ન થઈને રાજાને સંતાનસુખરૂપે પુત્રપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સમય જતાં રાજાના ઘરે પુત્રનો જન્મ થયો, પણ આ પુત્ર નપુંસક હતો. એક દિવસ બહુચરમાએ રાજકુમારના સ્વપ્નમાં આવ્યા અને તેને પોતાનું ગુપ્તાંગ સમર્પિત કરીને મોક્ષના માર્ગે આગળ વધવા કહ્યું. રાજકુમારે બહુચરમાએ કહ્યું તેમ જ કર્યું અને બહુચરમા ના ઉપસક બની ગયા.આ ઘટનાક્રમ પછીથી જ બહુચરમાને કિન્નરો પોતાના કુળદેવી માનીને આરાધના કરે છે.

કેવીરીતે પહોંચી શકાય છે બહુચરાજી? – બહુચરાજી અમદાવાદથી ૯૦ કિલોમીટર દૂર આવેલું છે. બહુચરાજી જવા માટે અમદાવાદ-રણુંજા પેસેન્જર ટ્રેન પણ જાય છે આ ટ્રેન કાલુપુર સિવાય ચાંદખેડા, સાબરમતી અને કલોલ સ્ટેશન પરથી પણ મળી રહે છે. ટ્રેન સિવાય તમે સરકારી બસ એટલે કે GSRTCની બસમાં પણ જઈ શકો છો. આ સિવાય કાર કે પછી ટેક્ષીમાં પણ જઈ શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર