નીરસ જિંદગીની ભેટ – દીકરો નથી આપી શકતી તો શું એમાં સ્ત્રીનો વાંક છે…

“શું લાગે છે મેડમ?” સોનોગ્રાફીના ટેબલ પર સુતેલી જાનકી એ પૂછ્યું. ચેમ્બરમાં પ્રવેશતા ડોક્ટરે જણાવ્યું અભીનંદન તમે એક બાળકીને ગર્ભમાં પાળી રહ્યા છો. આ સાંભળતાજ જાનકીના ચહેરાનો રંગ ઉડી ગયો,મનમાં એક ધ્રાસકો પડ્યો..શરીર આખું પાણી પાણી થઈ ગયું. “જાનકી… જાનકી…શું થયું ? બધું બરાબર ને” ડોક્ટરે તેનો હાથ હલાવ્યો અને પૂછ્યું.. “ના..આ… હં… હા મેડમ” જાનકી એ ધ્રુજતા આવજે બોલી.


“ઓં.કે તો આ દવા લખી છે એ આજે જ શરુ કરી દેજે અને જમવામાં ઘરનું સાત્વિક ભોજન લેજે, હા ઘરકામ વખતે વજન ઉપાડવામાં ધ્યાન રાખજે આવતા ૧૫ દિવસ પછી ફરી ચેકઅપ માટે તારે આવવું પડશે..” ડોક્ટર બોલી રહ્યા હતા પણ જાનકીનું આ બધી વાતોમાં જાણે ધ્યાન જ નાહતું.

“હા મેડમ..” કહી જાનકી દવાખાનાની બહાર આવી પણ ઘરે આવવા જાનકીના પગ ઉપડ્યાજ નહી, પાછા વળતા એને થયું કે આ રસ્તો ઘર સુધી પ્હોચેજ નહી અને વિચારો ને વિચારોમાં એ ઘરે આવી પહોચી. અંદર પ્રવેશતાની સાથેજ આતુરતાથી રાહ જોતા ઘરના લોકો જાનકી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહયા ને જાનકીએ જાણે એ પ્રશ્ન કળી લીધો એમ જણાવ્યું ‘મારે બાળકી રહી છે’ ત્યાંતો જાણે વાવાજોડું ફુંકાયુ, એ પ્રશ્નાર્થ ભરી આંખો માંથી અંગારા વરસી પડ્યા દરેકના ગુસ્સાનો પાર ના રહ્યો.


સાસુ,સસરા ને એનો વર વીનય તેની પર વીજળીની જેમ ત્રાટકી પડ્યા…તું અમને ક્યારેય છોકરો નહિ આપી શકે,તું અમારા કુળને ડૂબાળવા જ આવી છે, છોકરીઓ જણી જણી ને સાપના ભારા બાંધ અમારે માથે,અમારે વારસદાર જોઈએ છે, ક્રોધના આવેશમાં એ ગર્ભવતી હોવા છતાંય એના સાસુ અને વરે એને મારીજુડી… જાનકી બિચારી દર્દની મારી એના રૂમના ખૂણામાં રોતી કકળતી એની બે વર્ષની દીકરી રાધાને જોઈ રહી..

જાનકી સ્વભાવે ખુબજ નમ્ર, પ્રેમાળ અને દેખાવે ખુબજ રૂપાળી ગ્રેજયુએટ થયેલી છોકરી, વીસ વર્ષની ઉંમરે એના લગ્ન વિનય સાથે એક એવા ઘરમાં થયા જ્યાં માત્ર છોકરાઓની જ અપેક્ષા અને ઘેલછા હતી, ઘરમાં માત્ર પુરુષોનું ચલણ.. વહુના અભિપ્રાય તો દુરની વાત છે પણ તેમની ઈચ્છા પણ પૂછવામાં ના આવતી. જ્યાં વહુને લાવવાનો એકમાત્ર ઉદેશ ઘરકામ અને પુત્રરત્ન ની પ્રપ્તીજ હતો. લગ્નના એક વર્ષ બાદ જાનકીએ એક બાળકીને જન્મ આપ્યો રાધાને …


દીકરીના જન્મના સમાચાર સાંભળતાજ ઘરના સર્વેએ રો-કકળ કરી મુકી જન્મ નું નહી પણ મુત્યુ થયું હોય એવું વાતાવરણ થઈ ગયેલું. સાસુ સસરા તો ઠીક ખુદ વિનય પણ એક મહિના સુધી રાધાને જોવા નહોતો આવેલો. રાધાને પણ જાનકી સીવાય કોઈ પ્રેમથી બોલાવતું નહી. રાધાના જન્મ થયો ત્યારથી જાનકી પાસે દીકરાનીજ માંગણી કરાતી.

રાધા બે વર્ષની થતા જાનકીને ફરીથી સારા દિવસો રહ્યા. આ વખતે ઘરના દરેકને દીકરો અવતરશે એવી અપેક્ષા બંધાઈ તેના સાસુ મંદિર સામે રોજ પ્રાથના કરતા “ હે પ્રભુ, જાનકીને આ વખતે દીકરો જન્મે એટલે આ ઘરમાં અજવાળું કરનાર આવે અને મારા જીવને ટાઢક વળે..” સસરા કહેતા “દીકરો જન્મવા દે પછી જો ગામ આખામાં પેંડા વહેંચું…અને મોટો જલશો કરશું કે ગામ આખુંયે જોતું રહી જશે”… વિનય પણ આવી વાતોથી ગદગદ થઈ જતો.. ત્યારે જાનકી રાધા સામે જોઈ રહેતી એના મનમાં તો માત્ર એક જ આશા બંધાઈ હતી કે દીકરો આવી જાય તો રાધા માટેનો લોકોનો વ્યવહાર બદલાય ને ભાઈ ની બેન તરીકે એને પણ સહુ વ્હાલથી રાખે ને કદાચ પોતાની પણ થોડી જીંદગી સુધરે.


જાનકીને ત્રણ મહિના પુરા થયા અને પરિવાર તરફથી જાનકીને દબાણ પૂર્વક જાતિપરિક્ષણ માટે સોનોગ્રાફી કરાવતા જાણ્યું કે આ વખતે પણ બાળકી જ છે ને આખાયે ઘરની અપેક્ષા તૂટી જાણે બધા હાંફળા ફાંફળા થઈ ગયા તેની સાથે ગેર વર્તન કર્યું ..તેને ગર્ભપાત કરાવવા જોર-જબરદસ્તીથી દવાખાને લઈ જવામાં આવી.

ડોક્ટરે જાનકીની હાલત તપાસતા જણાવ્યું કે તેનું ગર્ભાશય તેમજ જાનકીની હાલત નબળી હોવાથી ગર્ભપાત કરવામાં આવશે તો જાનકીના જીવ ને પણ જોખમ છે તેમજ કદાચ તે ફરીથી ક્યારેય માં પણ ન બની શકે છતાંય તેના ઘરનાએ જીદ પકડી રાખી પણ ડોક્ટરે તેમને વિચારીને નિર્ણય કરવા સલાહ આપતા તેમને શાંત પાડી ઘરે મોકલ્યા. ઘરે આવતાજ સાસુની રો-કકળ અને મેંણા-ટોણા તથા વાતોથી ભડકીને તેના પતિએ તેને શબ્દોના પ્રહાર સાથે–સાથે તેને પટ્ટે ને પટ્ટે માર માર્યો.


આ વાતની જાણ થતા જાનકીના માતા પિતા તેના ઘરે દોડી આવ્યા ને હાથ જોડી કરગરી આખાયે ઘરના ને વિનંતી કરી “ જાનકીનો ગર્ભપાત ના કરવો..રાધા અને જાનકીને અમે અમારે ઘેર લઇ જઇએ છીયે, સુવાવડ સુધી ત્યાંજ રાખીશું અને બીજી બાળકી જન્મે એવી તરત અમે રાખી લઈશું, એને ક્યારેય જાણ પણ નહી થવા દઈએ કે એ તમારા ઘરની દીકરી છે પણ મહેરબાની કરી તમે મારી જીવતી દીકરી ને મોત ના પગથીયે ના મોકલશો.” તેના માતા પિતા રડતા અવાજે આજીજી કરી રહ્યા.


જાનકી અને રાધા બેઉ તેના માં-બાપના ઘરે ચાલ્યા ગયા એ દિવસથી સુવાવડ સુધીના સાડા પાંચ મહિનામાં ના કોઈ એમને મળવા આવ્યું ના કોઈએ એના સમાચાર લેવાની તસ્દી દાખવી. પિયર આવ્યાના શરૂઆતના દિવસોમાં જાનકી વારંવાર ઘરના જાંપા સામે જોયા કરતી..માં ક્યારેક પૂછી પણ લેતી કે “શું જોવે છે બેટા?” અને જાનકી “કાંઈ નહી માં” કહી રૂમમાં ચાલી જતી, એને મનમાં હજીયે એમ હતું કે વીનય પોતાને મળવા એકવાર તો આવશેજ પણ રોજ દિવસ ઢળતો ત્યાં આશા ડૂબી જતી એક નિરાશા જન્મ લેતી. જાનકી સાવ નીરસ જીવ્યા કરતી કોઈ ઉમંગ કે આશા બચ્યા નહોતા હવે જીવનમાં, પતી-પત્ની નો પ્રેમ એવા શબ્દો તો એની ડિક્શનરીમાંથી સાવ નાબુદ થઈ… નાનપણમાં જોયેલા “સપનાનો રાજકુમાર” વાળા સપનાથી એને નફરત થઈ ચૂકેલી,એ જીંદગી જાણે માત્ર દિવસો પસાર કરવા જીવતી.

પણ કોણ જાણે ઈશ્વરે શું ધાર્યું હશે… નવ મહિના પુરા થતા જાનકી એ દીકરાને જન્મ આપ્યો. જેના સમાચાર તેના સાસરીયાઓને મળતાજ બધા દોડીને આવ્યા એકવાર બધાએ જનકીની માફી પણ માંગી.. “બેટા..અમારાથી ભૂલ થઈ ગઈ તું અમારી ઘેર લક્ષ્મી બનીને આવી પણ અમે અભાગિયા તને ઓળખી ના શક્યા, અમને માફ કરી દે” વીનય પણ શોભો પડેલા ચહેરે બોલ્યો.. “જાનકી મેં તને બહુ દુ:ખી કરી છે તારી સાથે મારાથી ગેરવર્તન થઈ ગયું પણ હવે તું એકવાર ઘરે આવ જો બધુજ સારું થઈ ગયું છે મને માફ કરી દે..”


દીકરા અને જાનકી માટે તેઓં અઢળક ભેટો લાવ્યા ને વાજતે-ગાજતે રાજી-ખુશીથી જાનકીને ભરે ખોળે પોતાના ઘરે લઈ ગયા. તેના માં-બાપૂએ દીકરી તો સાસરેજ શોભે એ વાત વિચારી હવે બધા બદલાઈ ગયા છે એમ મન વાળી જાનકીને ખુશી ખુશી પોતાને ઘેર વળાવી… પણ.. વળતી વેળાએ જાનકીના મુખ પર એજ મૌન અને ઉદાસી હતી માત્ર એનું મન બોલી રહ્યું હતું: “ચમકદાર વસ્ત્રો અને સોના-હીરાના આવરણ નીચે તે ભેટ આપેલા એ ચામડાના લાલ ચટક નિશાનો તમે ઢાંકી દીધા પણ મારી નજર સામે એ હંમેશા ઉપસી આવે છે. હવે કદાચ તમે મારી માટે સોનાની લંકા પણ લઈ આવો તોય તમારા આપેલા એ નિશાનો અને એની પીડા જીવનભર મારાથી કેમ કરી ભુલાશે?”

“ વસંતમાં રહેવું ફાવશે નહી જરાયે, પાનખરની મને આદત પડી છે. પ્રત્યેક શ્વાસે મોતને જીવી છું, હે વિધાતા, તે કેવી મારી આ કિસ્મત ઘડી છે?….”

લેખક : સ્વાતી બારોટ સીલ્હર