શિયાળામાં ખુબ સાવચેતી રાખવી મિત્રો ખુબ ગંભીર બાબત છે.. વાંચો..

આમ તો ન્યુમોનિયા કોઈ પણ ઋતુમાં થતો રોગ છે, પરંતુ શિયાળામાં એ વધુ જોવા મળે છે. એનું કારણ શું છે એ આજે જાણીએ અને સામાન્ય કફનું હાઇજીન જાળવીને એને ફેલાતો અટકાવીએ. શિયાળો આવી ગયો છે ત્યારે નાનાં બાળકો અને ૬૫ વર્ષથી ઉપરના વડીલો માટે જીવલેણ સાબિત થઈ શકતા આ રોગને ઓળખીએ અને સમય પર ઇલાજ કરાવી બચવાનો પ્રયાસ કરીએ .

શિયાળામાં શરદી-ઉધરસ થવાં લગભગ નૉર્મલ હોય છે. એમાં પણ ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં. વાતાવરણ બદલાય અને શરદી-ઉધરસ ચાલુ, જેને આપણે નૉર્મલ ફ્લુ કહીએ છીએ. સામાન્ય ફ્લુ કે વાઇરલ ઇન્ફેક્શન સિવાય આ સીઝનમાં એક જીવલેણ રોગ થવાની શક્યતા વધુ રહે છે અને આ રોગ છે ન્યુમોનિયા. જ્યારે આ રોગ આખી કમ્યુનિટીમાં ફેલાય છે ત્યારે એને કમ્યુનિટી ઍક્વાયર્ડ ન્યુમોનિયા પણ કહેવાય છે. જે લોકોને ન્યુમોનિયા થાય છે તેના સંપર્કમાં રહેવાથી આ રોગ જલદી ફેલાય છે. મુંબઈ જેવા ગીચ શહેરમાં આ રોગ ફેલાવાની શક્યતા ઘણી વધારે છે. આ રોગ વિશે અને શિયાળામાં એ કેમ વધુ ફેલાય છે એ વિશે આજે જાણીએ.

રોગ 

આ ફેફસાંમાં થતું એક ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શનને કારણે ફેફસાંના વાયુકોષોમાં ઇન્ફ્લમેશન આવે છે અને એને કારણે ફેફસાંમાં પસ અને પાણી ભરાઈ જાય છે. એ વિશે જણાવતાં ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના પલ્મનોલૉજિસ્ટ ડૉ. પ્રેયસ વૈદ્ય કહે છે, ‘ન્યુમોનિયા ફક્ત વાઇરસ કે બૅક્ટેરિયાથી થતો રોગ નથી. બૅક્ટેરિયા, ફંગી કે વાઇરસ કોઈ પણ દ્વારા ન્યુમોનિયા થઈ શકે છે. ન્યુમોનિયા એક જ રોગ નથી, એના ઘણા પ્રકાર છે. ફેફસાં પર અસર કરતો હોવાને કારણે આ રોગમાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે, જેને લીધે લોહીમાં ઑક્સિજનની માત્રા ઘટી જાય છે. આ રોગ આમ તો સામાન્ય રોગ છે એટલે કે ઇલાજ દ્વારા દરદીને ઠીક કરી શકાય છે, પરંતુ નાનાં બાળકો અને ૬૫ વર્ષથી ઉપરના વડીલો માટે આ રોગ ક્યારેક જીવલેણ સાબિત થતો હોય છે. આ સિવાય જે લોકોની ઇમ્યુનિટી નબળી છે, જે લોકોને ડાયાબિટીઝ છે, જે લોકોને લાંબા ગાળાની ફેફસાંની તકલીફ છે એ લોકો માટે આ રોગ ગંભીર સાબિત થતો હોય છે. આવા લોકોને આ ઇન્ફેક્શન લાગવાનું રિસ્ક પણ ઘણું વધારે રહે છે.’

શિયાળામાં ન્યુમોનિયા 

આમ તો ન્યુમોનિયા ક્યારેય પણ થઈ શકે એવો રોગ છે, પરંતુ શિયાળામાં આ રોગ થવાનું રિસ્ક વધુ રહે છે. એનું કારણ જણાવતાં ડૉ. પ્રેયસ વૈદ્ય કહે છે, ‘શિયાળામાં મોટા ભાગે લોકો લાંબો સમય ઘરમાં ભરાઈ રહે છે અને એને કારણે બૅક્ટેરિયા, ફંગસ અને વાઇરસના કૉન્ટૅક્ટમાં વધુ આવી શકે છે. શિયાળામાં ફ્લુના વાઇરસ અને બૅક્ટેરિયા તથા જે દરદી છે તેના ઉચ્છવાસમાં આવતા પાર્ટિકલ્સ હવામાં લાંબો  સમય સુધી સ્ટેબલ રહી શકતા હોય છે એનું કારણ છે નીચું તાપમાન. બીજું એ કે આ બૅક્ટેરિયા કે ન્યુમોનિયાકારક તત્વો આપણી ચામડી પર કે હવામાં જોવા મળે જ છે, પરંતુ એ નુકસાન કરતાં નથી. પરંતુ શિયાળામાં વારંવાર ફ્લુ થવાને કારણે, સૂર્યપ્રકાશનો અભાવ હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને એને કારણે આ રોગ શરીરમાં ઘૂસે છે.’

હવામાનની અસર 

શિયાળામાં હવામાનની અસરને કારણે ન્યુમોનિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે એમ જણાવતાં પીડિયાટ્રિશ્યન ડૉ. નિહાર પારેખ કહે છે, ‘શિયાળામાં ધુમ્મસવાળું વાતાવરણ હોય છે અને આ ધુમ્મસમાં જ્યારે પ્રદૂષણ ભળે ત્યારે આપણે એને સ્મૉગ કહીએ છીએ. આ સ્મૉગને કારણે લોકોને શ્વાસ સંબંધિત ઘણા પ્રૉબ્લેમ આવતા હોય છે. આ સ્મૉગ હેલ્થ માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. સ્મૉગને કારણે હવા ભારે થઈ જાય છે અને એટલે જ લોકોને શ્વાસમાં તકલીફ પડે છે. આ પરિસ્થિતિમાં ન્યુમોનિયાનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધી જાય છે. એટલે શિયાળામાં નાનાં બાળકો, વૃદ્ધો, જેમની ઇમ્યુનિટી નબળી છે એ લોકોની સાથે-સાથે નૉર્મલ લોકો પર પર ન્યુમોનિયા થવાનું રિસ્ક વધુ રહે છે. એટલે આ સીઝનમાં વધુ સાવચેત રહેવું જરૂરી છે.’

ઇલાજ

આ રોગથી બચવા કફનું હાઇજીન ધ્યાનમાં રાખવું જરૂરી છે. જ્યારે પણ ખાંસી કે છીંક આવે ત્યારે મોઢું કવર કરવું જરૂરી છે, જેને કારણે ઇન્ફેક્શન ફેલાય નહીં. જ્યારે ડૉક્ટરને લક્ષણો પરથી લાગે કે બાળકને ન્યુમોનિયાની અસર જણાય છે ત્યારે ડૉક્ટર પહેલાં તેનો એક્સરે કઢાવે છે અને નૉર્મલ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC) જાણવા માટે બ્લડ-ટેસ્ટ કરાવે છે. આ ઉપરાંત બ્લડ-ટેસ્ટ દ્વારા એ પણ ખબર પડે છે કે લોહીમાં ન્યુમોનિયાને લીધે ઑક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે અને ટૉક્સિન્સનું પ્રમાણ વધી ગયું છે. આ ટેસ્ટ પછી જો બાળકને વાઇરલ ન્યુમોનિયા હોય તો ઍન્ટિવાઇરલ અને બૅક્ટેરિયલ ન્યુમોનિયા હોય તો ઍન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે. ઇલાજ વિશે ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ખાસ કરીને બાળકોને જો ન્યુમોનિયા થયો હોય તો તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડે છે. ગ્લુકોઝની બૉટલ ચડાવી અને ઉપરથી ઑક્સિજન આપીને તેમને સપોર્ટિવ ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે સાથે-સાથે દવાઓથી બાળક સાજું થાય છે. મોટા ભાગે ઍન્ટિબાયોટિક દવાઓ કામ કરી જાય છે. ક્યારેક કોઈ કેસમાં ઍન્ટિવાઇરલ દવાઓ પણ આપવી પડે છે. આવાં બાળકોને ખૂબ વધુ માત્રામાં પ્રવાહી પીવડાવવામાં આવે છે, જેનો ઘણો ફાયદો થાય છે. આમ બાળકનો ઇલાજ મુશ્કેલ નથી, પરંતુ ઇલાજ ન મળે તો રોગ પૂરાં ફેફસાંમાં ફેલાઈ જઈ બાળક મૃત્યુ પામે છે.’લક્ષણો

  • લક્ષણો વિશે જાણીએ ચિયર્સ ચાઇલ્ડ કૅર, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ પાસેથી.
  • ન્યુમોનિયામાં દરદીને થોડો તાવ આવે, ખાંસી થાય, ધ્રુજારી સાથે ઠંડી લાગે અને સૌથી મહત્વનું લક્ષણ જેને કહી શકાય એ શ્વાસ લેવામાં તકલીફ થાય.
  • ન્યુમોનિયા ફેફસાંનો રોગ છે. આથી કફ, શરદી, ખાંસી, તાવ જેવાં સામાન્ય લક્ષણોની સાથે-સાથે મહત્વનું લક્ષણ એ છે કે આ દરદીને શ્વાસ લેવામાં પ્રૉબ્લેમ થાય છે.
  • ન્યુમોનિયામાં જે કફ થાય છે એ લીલા અથવા પીળા રંગનો હોય છે.
  • આ ઉપરાંત ન્યુમોનિયા થયો હોય ત્યારે છાતીમાં દુખાવો થાય, ખાસ કરીને જ્યારે ઊંડા શ્વાસ લેવામાં આવે ત્યારે દુખાવો વધી જાય, માથું દુખે, ભૂખ ઓછી થઈ જાય, એનર્જી‍ ઘટી જાય, ખૂબ જ પરસેવો વળ્યા કરે.
  • શ્વાસના પ્રૉબ્લેમને કારણે જ્યારે ન્યુમોનિયા ખૂબ વધી જાય તો હોઠ અને નખ એકદમ ભૂરા રંગના થઈ જતા હોય છે.
  • કફ, શરદી, ખાંસી અને તાવ જેવાં લક્ષણો કોઈ પણ ઇન્ફેક્શનમાં હોઈ શકે છે; પરંતુ જો તમારા બાળકને શ્વાસની પણ તકલીફ લાગે, બાળક જરૂરત કરતાં વધુ માંદું લાગે એટલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
  • ન્યુમોનિયાનો ઇલાજ અઘરો નથી. યોગ્ય ઇલાજ આપણી પાસે છે, પરંતુ પ્રૉબ્લેમ એ છે કે એનું નિદાન યોગ્ય સમયે થવું જરૂરી છે જેના માટે બાળકને લક્ષણો દેખાતાંની સાથે તરત જ ડૉક્ટર પાસે લઈ જવું અને જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ.સૌજન્ય : મીડ-ડે

    શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી