જીવન માં ક્યારેય બીજા વિશે પૂર્વગ્રહ બાંધતા નહિ….. નહિતો તમને જ થશે મોટું નુકસાન

સરકરી નોકરી

(આ વાર્તા ના પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે જેમનું કોઈપણ ક્ષેત્રના કર્મચારી સાથે કોઈજ સંબંધ નથી)

 

“મહેરબાની કરીને મારા માટે કોઈ સરકારી નોકરી વાળો મૂરતિયો ન શોધજો અને જો તમને કોઈ ન મળે તો હું શોધી આવું તેને સ્વીકારી લેજો.” સૌથી નાની દીકરી મીનુએ પુષ્પા બહેન સહીત ઘરના બધાને ચોખ્ખું સંભળાવી દીધું.

મીનુની બે મોટી બહેનો પૂજા અને આયુશીના લગ્ન એક સાથે એકજ પરિવારના બે ભાઈઓ સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન પૂર્વે બન્ને ભાઈઓ વિશે થોડી નેગેટીવ વાતો સામે આવી હતી. પરંતુ બન્ને ભાઈઓ સરકારી નોકરી કરતા હોવાથી છોકરીઓનું ભવિષ્ય સારું રહેશે અને જવાબદારી આવતાં બન્ને ભાઈઓ સુધરી જશે એવી ધારણા સાથે ઘરના વડીલોએ આ લગ્ન નક્કિ કર્યા હતા જે ત્રણ વર્ષ માંડ ટકી શક્યા.

“આજે મીનુ માટે એક વાત આવી છે. છોકરો વ્યવસ્થિત છે. સમાજમાં પરિવારનું સારું નામ છે અને છોકરો સારું કમાય છે.” પુષ્પા બહેને ઘરના સભ્યો વચ્ચે પ્રસ્તાવ મુકતા કહ્યું.

“છોકરો શું કરે છે?” સૌથી મોટી બહેન પૂજા એ પૂછ્યું.

“અ….સરકારી નોકરી છે.” પુષ્પા બહેને સહેજ અટકતા કહ્યું. ઘરના બધાજ સભ્યો સ્તબ્ધ થઈને તેમને જોવા લાગ્યા. ચારે બાજુ મૌન પથરાઈ ગયું. પૂજા અને આયુષી ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

પૂર્વાગ્રહો, મનોગ્રંથીઓ કે પૂર્વધારણાઓ જે કહો તે પણ આપણે એ બાંધવા માટે અને માની લેવા માટે ટેવાઈ ગયા છીએ. એક વખત એક વ્યક્તિ સાથે થયેલા અનુભવને આપણે આખી જીંદગી યાદ રાખીએ છીએ. પછી એ સારું હોય કે ખરાબ, પણ જે તે વ્યક્તિ સાથેના અનુભવને આપણે એના સમાજ કે કાર્યક્ષેત્ર સાથે હંમેશા માટે જોડી દઈએ છીએ. દરેક ટ્રાફિક પોલીસવાળા આપણી નજરમાં રિશ્વત ખોર બની જાય છે, દરેક ધનવાન  લોકો બ્લેક માની વાળા માની લેવામાં આવે છે, સરકારી કામ કરનારા પણ રિશ્વત ખોરોની યાદીમાં ઘણીવખત એમની જાણ બહાર જોડાઈ જતા હોય છે.

ઘણી વખત એવું પણ થાય છે આ ક્ષેત્રમાં વ્યક્તિ છે તો એ સારો જ હશે. ઘણી વખત વેલસેટલ દેખાતા વ્યક્તિઓની ઘણી નેગેટીવ બાબતો આપણે જતી કરીએ છીએ. પરિણામે, એવી ધારણા જ્યારે ખોટી પડે છે ત્યારે સંબધો ખોરવાઈ જાય છે.

વાત એ નથી કે વડીલોએ નેગેટીવ વસ્તુઓ નકારી અને મીનુની બંને બહેનોના ઘર બગડ્યા, વાત એ પણ નથી કે મીનુને સરકારી નોકરી કરવાવાળા લોકોથી ઘૃણા થવા લાગી એ સાચી છે કે ખોટી, પણ મહત્ત્વની વાત એ છે કે આ દરેક જગ્યાએ જાણ્યા જોયા વગરની પૂર્વધારણાઓ ના કારણે બીજા વ્યક્તિઓ દુઃખી થયા. દરેક સરકારી નોકરી કરવા વાળા લોકો ખરાબ નથી હોતા, તેમ દરેક વ્યક્તિ જવાબદારી માથે પડતા સુધરી પણ નથી જતા. જરૂરત છે, કોઈ વ્યક્તિ વિશે અભિપ્રાય આપતા પહેલા એ વ્યક્તિ કે ક્ષેત્રને જાણી લેવાની.

પરંતુ આપણે બધાં એક જજમેન્ટલ લાઈફ જીવીએ છીએ. કોઈને જજ કરવું એ આપણું જન્મસિદ્ધ અધિકાર બની ગયું છે. પરિસ્થિતિ કે ઘટનાને જાણ્યા ઓળખ્યા વગર આપણે આપણું જજમેન્ટ આપી દઈએ છીએ, એ પણ બેફામ, બેધડક.

એક કોર્ટ છે જેમાં આપણેજ ફરિયાદી, આપણેજ વકીલ અને આપણેજ ન્યાયાધીશ બનીને બેઠા છીએ. એક હાથમાં માખણ અને એક હાથમાં સોટી લઈને બેઠા છીએ. જે વ્યક્તિ સાથે સારો અનુભવ થાય એ વ્યક્તિ આપણા માટે હંમેશા સારો બની જાય છે, પછી કદાચ બીજા કોઈ એની ફરિયાદ કરે તો પણ આપણે એના પર માખણ લગાવીએ છીએ, જ્યારે કોઈ સાથે એક વખત ખરાબ અનુભવ થાય ત્યારે એ વ્યક્તિ આપણા માટે હંમેશા માટે ખરાબ જ બની જાય છે, પછી કોઈ એના વખાણ કરેતો પણ આપણે આપણી સોટી જ ફટકારીએ છીએ.

જરૂરત છે દૃષ્ટિકોણ બદલવાની, વિચારધારા બદલવાની, મંતવ્યો બદલવાની, પરિસ્થિતિ અને ઘટનાઓ ને સમજીને જજમેન્ટ કે કમેન્ટ્સ આપવાની. કોઈ એક વ્યક્તિ ખરાબ હોય તો આખું સમાજ ખરાબ ન બની જાય તેમજ આખું સમાજ સારું છે તો એમાં કોઈ ખરાબ હશેજ નહિ એ પણ જરૂરી નથી. અભિપ્રાય કે પૂર્વધારણા બાંધતા કે બીજા કોઈને એના વિષે કમેન્ટ્સ આપતા પહેલા જો થોડું વિચારતા થઇ તો આપણું જીવન બદલે કે ન બદલે પણ કોઈ વ્યક્તિની ખોટી છાપ, પછી એ સારી હોય કે ખરાબ એ ઊભી નહિ થાય.

એક વખત વિચાર જરૂર કરજો

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

Happy Birthday to you

“Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to dear મોનિકા Happy Birthday to you,

Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday dear અંશુલ, Happy Birthday to you.”

મોનિકાએ ડબલ ફ્લોર કેક કાપીને પ્રથમ દોઢવર્ષના અંશુલને ખવડાવ્યો. આજે માં-દીકરાનો જન્મદિવસ હતો.

“જ્યારથી અંશુલ જન્મ્યો છે દર વખતે પેલો કટકો એજ ખાય છે મને તો કોઈ પુછતુ જ નથી.” મિતેશે હળવી ટીખળ કરતા કહ્યું.

“કેમ? તમને તમારા દીકરાથી જ જેલસી થાય છે?” મોનિકા એ પણ સામે જવાબ આપતા કહ્યું. બધા હસવા લાગ્યા. શહેરના છેડે આવેલી હાઉસિંગ સોસાયટીમાં આ પરિવાર આનંદથી જીવી રહ્યો હતો. પતિ પત્ની, દાદા દાદી અને એક બાળક, કમ્પ્લીટ ફેમીલી હતું કોઈ જાતની ખોટ કે ઈશ્વર પ્રત્યે કોઈને ફરિયાદ ન હતી. બસ આનંદ અને સંતોષ હતો. પાર્ટી પૂરી થયાબાદ રાત્રે ૧૧વાગે મોનિકાને આઈસક્રીમ ખાવાની ઈચ્છા થઇ. મિતેશે જરા આનાકાની કરી પરંતુ મોનિકાની જન્મદિવસની તલવાર સામે તેનું કઈ ન ચાલ્યું. અંશુલને ઘરે દાદા દાદી પાસે સુવડાવી બન્ને આઈસક્રીમ ખાવા ગયા. પરંતુ ઘરે પાછા બન્ને સાથે ન આવી શક્યા. પાછા વળતી વખતે એક કાર સાથે જોરદાર એક્સીડેન્ટ થતાં મોનિકાનું અવસાન થયું. મિતેશ પણ ખૂબજ ઘાયલ થયો. થોડીવારમાં જાણે પંખીનું હસતું ખેલતું મળું વીખાઈ ગયું.

એ ઘટનાને પૂરો એક વર્ષ થયો. સવારના ભાગમાં પરિવાર જનોએ અંશુલના હાથે મોનિકાના નામે અલગ અલગ દાન ધર્મ કરાવ્યા અને સાંજે અંશુલની બાજુમાં મોનિકાનો ફોટો રાખીને ડબલ ફ્લોર કેક કાપતાં ગાયું, “Happy Birthday to you……..

 

ઈશ્વર સિવસ કોઈ વસ્તુ જો સનાતન સત્ય હોય તો એ છે મૃત્યુ, પણ આપણે એનાથી ડરીએ છીએ દૂર ભાગવાના નાહક પ્રયાસો કરીએ છીએ. પણ જે થવાનું છે એ ક્યારેક ને ક્યારેક તો થવાનુ જ છે.

આખું જીવન કોઈને સમર્પિત કરવું ખૂબજ સારી વાત છે, પણ જ્યારે એ વ્યક્તિ ન હોય ત્યારે તેની કમીને જીવનમાં હાવી થવા દેવું એ વ્યાજબી નથી. આપણે અહી ઘણી વખત એવું થાય છે કે કોઈ સ્પેશીયલ દિવસ ઉપર, તહેવાર ઉપર કોઈનું મૃત્યુ થયું હોય તો આગળના આવનારા વર્ષોમાં પરિવારના લોકો એ તહેવાર પ્રસંગ માણવાનું છોડી દે છે. આવું કરવા પાછળ શું લોજીક છે એ આજ સુધી મને તો સમજાયું જ નથી. શું આપણા સ્વર્ગસ્થ સ્વજનો આપણે એમની યાદમાં દુઃખી છીએ એ જાણીને ખુશ થતા હશે?

જેમનું જવાનું નિશ્ચિત હતું, એ ગયા, એમના માટે દુઃખ થવું યોગ્ય છે, થાય જ, પણ એ દુઃખને આપણે આપણા પરિવાર જનો પર થોપીએ એ ક્યાં સુધી વ્યાજબી છે? પરિવારમાં થયેલા અમુક વર્ષો પહેલાના મરણ પ્રસંગને કારણે બાળકોને દિવાળી જેવા તહેવારની ઉજવણી કરતા રોકનારા લોકો મે જોયા છે, ધૂળેટીના દિવસે ઘરમાં પુરાઈને રંગોથી દૂર રહેતા લોકો મે જોયા છે. આવા તો ઘણા પ્રસંગો છે, પણ આજ સુધી એ પ્રસંગ પછી ઉજવણી બંધ કરવાનું કારણ આજ સુધી કોઈ જણાવી શક્યું નથી.

આપણા સ્વર્ગસ્થ સ્નેહી સ્વજન પણ નહિ ઇચ્છતા હોય કે એમની પાછળ આપણે ખુશ થવાનું છોડી દઈએ. કદાચ સારા દિવસે મૃત્યુ લખવાના કારણે એમની આત્મા ઈશ્વરને દોશી માનતી હશે. આપણે ઈશ્વરને અપરાધી બનતા રોકીએ તો?

દુઃખની છાયામાં સુખને ઢંકાતા બચાવીએ તો?

દરેક ને ક્યારેક ને ક્યારેક તો જવાનું તો છે, બસ, જવાથી પહેલા કંઇક એવું કરતા જઈએ કે આપણી પાછળ કોઈ આમ દુઃખી થઈને ખુશ થવાનું છોડવાને બદલે એ દિવસને વધુ સારી રીતે સેલીબ્રેટ કરે, તો?

આપણું જીવન તો આપણે હસતાં હસતા જીવ્યા હશું, પણ આપણી પાછળ પણ લોકોને હસતાં શીખવાડી જઈશું.

-એ જે મેકર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !