નવરાત્રી દરમિયાન પાળવામાં આવતા દસ નિયમો, જો તમે વ્રત અનુષ્ઠાન કરતાં હોય તો ચોક્કસ કાળજી રાખજો.

હિન્દુ ધાર્મિક કેલેન્ડર મુજબ ચાર નવરાત્રી આવે છે જેમાં આસો, ચૈત્ર, અષાઢ અને મહા. પરંતુ આરાધના માટે ચૈત્ર અને આસુ માસની નવરાતનું મહત્વ વધારે છે.

મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી આ પવિત્ર દિવસો દરમિયાન માતાજીના સ્તુતિ – ગરબા અને મંત્ર જાપનું અનુષ્ઠાન કરીને માતાજીની શક્તિને અને એમની પવિત્ર તેજોમય ઊર્જાને પોતાના જીવનમાં પ્રાપ્ત કરવા ભક્તો કેટલીક સખત પરહેજી પાળતાં હોય છે. કેટલીક એવી બાબતો છે જે આ સમય દરમિયાન ધ્યાનમાં લઈએ તો એ જપ – તપનું ફળ બમણું થઈ જાય છે. આમેય કહેવાય છે ને કે જો કોઈ બાબતનો ભોગ આપીએ તો એનું ફળ અચૂક મળે છે. આ એવું જ છે. માતાજીના પૂજન દરમિયાન એવી અમુક બાબતોને નથી કરવાની હોતી. એનું મુખ્ય કારણ કદાચ એવું પણ હોય કે આસો અને ચૈત્ર માસના નોરતાંના ઉપક્રમે કરવામાં આવતા આ ઊપવાસ અને વ્રત દરમિયાન વાતાવરણ બદલાયેલું રહેતું હોય છે. ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુમાં ખોરાકમાં સંયમ અને સાત્વિક આહાર લેવાય એ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. બીજી તરફ એવી કેટલી દૈનિક આદતોને પણ એ દિવસો દરમિયાન નથી કરવાની હોતી જેને લીધે તમારા અનુષ્ઠાનના નિત્યક્રમમાં ખલેલ પહોંચે. તો આવો એ કેટલીક આદતો અને નિયમો જોઈએ જે આ પાવન અવસરો એ વર્જિત ગણાય છે. જેને અનુસરીને આપ વધુ પૂણ્ય મેળવી શકશો.

દાઢી – મૂછ કે વાળ કપાવા નહીઃ

આ સમય દરમિયાન વાળની સાથે ચેડા કરવા નહીં. દાઢી, મૂછને શેવ ન કરવું અને હજામત કરાવવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો તમે અનુષ્ઠાન કરતા હોવ તો આ સમયે વાળનો ત્યાગ કરવો નહીં. માતાજીના નામની વાયણી રાખીને આ નિયમનું પાલન કરવું જોઈએ. અમુક માન્યતા તો માથું ન ધોવાની પણ રહે છે. જેમાં આજના દોડતા અને પ્રદૂષિત જમાનામાં આ એટલી હદે શક્ય નથી પણ બનતું છતાંય આવ નિયમો પાછળ કોઈ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે ખરું.

નખ ન કાપવાઃ

નખ કાપવા નિયમિત રીતે એ આરોગ્ય માટે ખૂબ જ સારી બાબત છે. અને અઠવાડિયે નખ કાપતા રહેવાની ટેવ દરેકે રાખવી જોઈએ. જેથી કરીને વાગે એવા ન ઊગે અને કચરો પણ ન ભરાય. ગંદા નખ બિનાઅરોગ્યપ્રદ ગણાય છે. પરંતુ આ દિવસો દરમિયાન નખ ન કાપવા જોઈએ એવી માન્યતા છે.

ઘરમાં તાળું ન મારવુઃ

આ પવિત્ર દિવસો દરમિયાન તમે જો માતાજીના અનુષ્ઠાનનું સ્થાપન કર્યું હોય તો અખંડ જ્યોત જલાવવાની રહે છે. જેથી કહેવાય છે માતાજીનો ગમે ત્યારે ત્યાં વાસ થતો હોય. કોઈ ને કોઈએ ઘરમાં રહેવું જોઈએ. તાળું મારીને ઘર ખાલી રાખીને કશે જવું જ જોઈએ.

ખાણી – પીણીઃ

સાત્વિક અને આરોગ્યપ્રદ હળવો ખોરાક ખાઈને ઊપવાસ કહેવાની વાત સદીઓથી શાસ્ત્રોમાં કહેવાઈ છે. એવું પ્રચલિત છે. લસણ – ડુંગળી અને માંસાહાર જેવા તામસી ખોરાક ખાવા આ પવિત્ર દિવસોમાં વર્જિત છે. મોંમાં વાસ ન આવે અને એકટાણાંના ઉપવાસમાં એ ખોરાકને લીધે પીડા ન થાય એ મુખ્ય કારણ હોઈ શકે. અમુક શાક – પાન, કઠોળ અને દાળમાં પણ આ દિવસો દરમિયાન નથી ખાવાના હોતાં કેમ કે નોમના દિવસે માતાજીને આ બધી સામગ્રી ન ખાઈને તપ કરવું અને નૈવેધ્ય ધરાવવાનું હોય છે.

ચર્મ વસ્તુઓ વર્જિતઃ

મૃતપ્રાણીઓના ચામડાંમાંથી બનાવેલ વસ્તુઓ જેમ કે પર્સ, બેલ્ટ અને મોજડી – જોડાં આ સમય દરમિયાન ઉપયોગમાં ન લેવાનું સદીઓથી રીત ચાલી આવે છે. આવા નિયમ પાછળ આ સમય દરમિયાન જો તમે માતાજીનું ધ્યાન ધરતા હોવ અને પૂણ્યશાળી થવા ઇચ્છતા હોવ તો જીવદયા દાખવવી એ હેતુ હોઈ શકે.

કાળાં કપડાં ન પહેરવાઃ

ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ, જેમણે માતાજીને લાલ ચુંદડી, ચાંદલો, ચૂડી વગેરે ચડાવીને જગદંબાનું પૂજન કર્યું હોય એમને કાળાં વસ્ત્રો આ સમય દરમિયાન ન પહેરવું જોઈએ. કાળા રંગને હિન્દુ શાસ્ત્ર માન્યતા મુજબ અશુભ મનાય છે. જ્યારે નવરાત્રી દરમિયાન ગુલાલ અને ચુંદડીનું મહત્વ વધારે છે ત્યારે કાળો રંગ ઉપયોગ ન કરવો જોઈએ એવું મનાય છે.

નમક ન ખાવું જોઈએઃ

આ સમય દરમિયાન કહેવાય છે કે પ્રોસેસ કરેલ નમક એટલે કે મીઠું ન ખાવું જોઈએ. એની બદલે સિંધા લૂણ કે સંચળનો ઉપયોગ કરવો જોઈએ જે આખું નમક કહેવાય છે. જોઈએ તો ચૈત્રમાસના નોરતાંમાં તો સાવ જ નમક ન ખાવાનું કહેવાયું છે. જો તપ કર્યું હોય તો મીઠાંમાંથી પણ તામસ પ્રકૃતિ રહેલ છે જો શરીરમાં નમક ન જાય તો શરીરમાંથી ઊર્જાઓ ઉત્સર્જિત થાય છે અને આખા શરીરની સિસ્ટમ આ દિવસો દરમિયાન ચોખ્ખી થઈ જાય છે.

વ્યસન પર કાબૂઃ

આ દિવસો દરમિયાન, કોઈપણ પ્રકારનું વ્યસન હોય જેમ કે તમાકુ, બીડી, દારુ કે કોઈ નશીલી દવાઓ લેવાની લત લાગેલી હોય તો ન કરવું જોઈએ.

જો તમારે માતાજીના શરણોમાં જાતને સોંપીને પૂણ્ય કમાવવું હોય તો આ ત્યાગ સૌથી અગત્યનો છે. એથી વિશેષ જો ચા કે કોફી પીવાની ટેવ હોય તો એ પણ ન પીવી જોઈએ. તમારામાં કેટલી સહનશક્તિ રહેલી છે અને કેવું માનસિક સંતુલન તમે જાળવી શકો છો એ આ દિવસો દરમિયાન તમે ચોક્કસ અનુભવી શકશો.

સ્વભાવ પર અંકુશઃ

એક તરફ જો તમે માતાજીની આરાધના કરીને એમને રીઝવવાની તપશ્ચર્યા કરતાં હોવ અને બીજી તરફ તમે ઘર પરિવારની સ્ત્રીઓ, દીકરીઓ કે પછી કોઈ પણ બહારના સહકર્મીઓને માનસિક કે શારીરિક હેરાનગતિ પહોંચાડતાં હોવ તો તમારું એ જપ – તપ નકામું ગણાશે. આ સમયે સ્વભાવમાં સાલસતા અને સરળતા રાખવી જોઈએ. કોઈ સાથે ખોટી સાચી ટસલમાં પડી જઈને પોતાની માનસિક શાંતિનો ભંગ પણ ન કરવો જોઈએ. સૌ પ્રત્યે દયાભાવ રાખીને વર્તન કરીને વાણી સંયમ રાખી પૂજા – પાઠ કરેલાં હશે તો તેનું બમણું ફળ મળ્યા વિના રહેશે નહીં. માતાજી એના શરણે આવેલ ભક્તો પર ચોક્કસ કૃપા વરસાવશે.

માસિક ધર્મ પાળવું જોઈએઃ

જો તમારા ઘરના મંદિરમાં મટીના દિવડા સાથે ગરબાનું સ્થાપન કર્યું હોય કે પછી અનુષ્ઠાન કરવા માટે જવારા વાવ્યા હોય તો એ સમય દરમિયાન પરિવારની કોઈ પણ સ્ત્રી જો રજસ્વલાની સ્થિતિમાં હોય તો એમણે રસોડાંમાં અને પૂજાના વિસ્તારમાં જવું ન જોઈએ. અથવા તો એ દિવસો દરમિયાન પૂજન ન કરવું. અને મંદિર પણ ન જવું.

આવા અનેક નિયમો અને વાયણીઓ માતાજીની પૂજા દરમિયાન પાળવાની વાત વર્ષોથી આપણે સાંભળતાં આવ્યાં છીએ જેમ કે અનુષ્ઠાન કરવા દિવસનો પહેલો પ્રહર જ પસંદ કરવો. કદાચ એ સમયે તમને માળા કરવામાં કોઈ જ ડિસ્ટર્બન્સ ન રહે અને ઘરના જાગે એ પહેલાં તમારી પૂજા પૂરી થઈ ગઈ હોય તો એ કોઈને નડે પણ નહીં. દૂધનો ઊકાળો આ સમય દરમિયાન નથી કરાતો માતાજીનું નૈવેદ્ય કરવા નોમના જ દૂધ ઊકાળાય છે. જેવી ઘણી પરહેજી રહે છે.

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’