નવમે નોરતે મા સિધ્ધિદાત્રી-દુર્ગાશક્તિ સ્વરૂપ અને ઉપાસનાની સાથે વાંચો આરતી અને સ્તુતિ પણ…

પરમ શક્તિ મા નવદુર્ગાની અરાધનાનું પર્વ નવરાત્રી. ધરતીકંપ, દુષ્કાળ, સુનામી, અતંકવાદ જેવા માનવસંહારનાં અવસાદ પછી નવરાત્રી જેવા ઉત્સવને વાજતે-ગાજતે ઉલ્લાસ સહ ઉજવવાનું મન ન થાય એ સ્વાભાવિક છે. ઉપાસના, જપ-તપ-અનુષ્ઠાન દ્વારા સચરાચરમાં વ્યાપ્ત આ શક્તિને વંદન કરીએ. દેવીનું શાંત મને સ્મરણ કરવાથી સર્વજીવોના ભય દૂર થાય; સદ્દબુધ્ધિ આવે, દારીદ્રતા દૂર થાય.

image source

બહુચરાજી, અંબાજી, ચામુંડા અને કચ્છની ધણી મા આશાપુરાનાં ધામ તરફ પદયાત્રીઓ માતાજીનાં નામનો “જયકાર”નો નાદ બોલાવતાં “ગતિસ્ત્વં ત્વમેકા ભવાની”ના ભાવ સાથે આગળ ધપતાં જાય.

પ્રથમ નવરાત્રે મટોડીનાં ગરબા થકી ઘટસ્થાપન થાય. આ ગરબો આપણાં પિંડ અને બ્રહ્માંડનું પ્રતિક છે. અખંડ જ્યોતની સાક્ષીએ નવરાત્રીના પાવન અવસરે વિશ્વ શાંતિ, આરોગ્ય, સંમૃધ્ધિની પ્રર્થના કરીયે. “હે દેવી! હે જગદંબા! આપ હંમેશા સૌ પર ઉપકાર કરનાર; હે દયાળુ માતા, તમને વંદન કરીયે છીએ.”

આ અર્વાચિન યુગમાં હવે તો નવરાત્રીએ આનંદોત્સવ બનીને વિશ્વવ્યાપી તહેવારમાં સ્થાન જમાવ્યું છે. સંગીતનાં સૂર, નાદ અને તાલે ચોમેર રમઝટ જમાવી છે. નવરાત્રી દરમિયાન માતાજીનાં નવલાં નવ સ્વરુપનું વર્ણન અને પૂજન અર્ચન કઈ રીતે કરવું એ જાણવું ખૂબ રોચક છે. અવતારોની ઉત્પત્તિ અને એમની કરવામાં આવતી ભક્તિ વિશે પુરાણોમાં કઈંક કેટલુંય લખાયું છે. એવાં આ નવદુર્ગાનાં નવમાં સ્વરૂપની મહિમા અને માહત્મય વાંચીએ.

image source

સિધ્ધિદાત્રી-દુર્ગાશક્તિ

નવમી શક્તિ સિધ્ધિદાત્રી ભગવતીને લાખ-લાખ વંદન કરી માના દિવ્ય ચરિત્રનું સ્મરણ કરીયે. સિધ્ધિદાત્રી-દુર્ગાશક્તિ આપણાં જીવનમાં આઠ પ્રકારની સિધ્ધિઓ આપે છે જેનો માર્કંડ પુરાણમાં ઉલ્લેખ થયો છે.

૧) અણિમા,

૨) મહિમા,

૩) સૃષ્ટિ,

૪) લધિમા,

૫) પ્રાપ્તિ,

૬) પરાક્રમ્ય,

૭) ઈશત્વ,

૮) વશિત્વ.

મા સિધ્ધિદાત્રી ભક્તો-સાધકોને વરદાન આપવામાં સૌથી શક્તિશાળી છે. ભગવાન શિવની આરાધના થકી એમને સિધ્ધિ પ્રાપ્તિની શક્તિ મળી હતી અને મા સિધ્ધિદાત્રીની કૃપાને લીધે ભગવાન શિવનું શરીર અર્ધ દેવી-નારી સ્વરૂપે થયું હતું. જેને લીધે તિલોકમાં “અર્ધનારી નટેશ્વર” નામે પણ ઓળખાયા. મા સિધ્ધિદાત્રી ચાર ભૂજાઓવાળી છે. માતાજીનું વાહન સિંહ છે. એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ-પુષ્પ છે. નવમીનાં સવારે સંપૂર્ણ વિધિ-વિધાન મૂજબ પાઠ-પૂજા કરી નૈવેદ્ય અર્પણ કરાય છે. સિધ્ધિદાત્રી માની નિયમબધ્ધ સાધના પછી કોઈ જ ઈચ્છા બાકી રહેતી નથી.

image source

અલૈકિક અનુભવ પરમપદે લઈ જાય છે; સાધક મોક્ષ અને ભોગ એમ બાંન્ને પ્રાપ્ત કરે છે. સિધ્ધિદાત્રી માનાં સ્મરણ અને ધ્યાનનો મંત્ર છેઃ

સિધ્ધિગન્ધર્વયક્ષાધૈર સુરૈસ્મરૈરપિ ।

સેવ્યા માના સદાભૂયાત સિધ્ધિદા સિધ્ધિદાયિની ॥

કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

નવમે નોરતે મા જગદંબાની આરતી સાથે સ્તુતિ પ્રાર્થના કરીએ.

ભગવતિ સ્તુતિ

image source

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,

વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,

દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,

સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,

ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૨

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૩

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,

કોને કહું કઠણ યોગ તણો બળાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૪

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષિતના કરી માફ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૫

image source

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,

શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૬

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,

આ જિંદગી થઇ મને અતિસે અકારી,

દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૭

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૮

image source

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,

જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૯

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,

તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,

વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૦

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,

રાત્રી દિને ભગવતી તુજને જપું છું,

સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૧

image source

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,

સંસારનાં સકળ રોગ સમુળ કાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૨

તારા સિવાય જગમાં નથી કોઇ મારું,

સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,

ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,

માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે … ૧૩

જય ૐ જય ૐ મા જગદમ્બે – માતાજીની આરતી

image source

જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ

અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો, મા શિવ શક્તિ જાણો

બ્રહ્મા ગણપતિ ગાવે, બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે, મા ત્રિભુવનમાં સોહે

જયા થકી તરવેણી, જયા થકી તરવેણી, સુરવેણી માં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા

ચાર ભૂજા ચૌ દિશે, ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ સઘળાં, મા પંચમે ગુણ સઘળા

પંચ તત્વ ત્યાં સોહીએ, પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો, મા મહિસાસુર માર્યો

image source

નર નારીના રૂપે, નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી

ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા, મા ઓયે આનંદ મા

સુરિ નર મુનિવર જનમ્યા, સુરિ નર મુનિવર જનમ્યા, દેવ દૈત્યોમાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા

નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી

રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા

કામદુર્ગા કાલિકા, કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

image source

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા

બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા, મા તું તારૂણી માતા

બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા

ભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહીની મા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા

વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈએ શુભ કવિતા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીશમાં

સંવત સોળે પ્રગટ્યા, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

ત્રંબાવટી નગરી મા, રૂપાવતી નગરી, મા રૂપાવતી નગરી

સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા

બાળક તારા શરણે, બાળક તારા શરણે, અવિચલ પદ લેવા

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો, મા અંતર નવ ગણશો

ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા આરતી જે કોઈ ગાશે

ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

ઓમ જય ૐ જય ૐ મા જગદમ્બે

॥ જય માતાજી ॥

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ