નવી સવાર

“ધીઝ ઈઝ માય લાસ્ટ નાઈટ, એન્ડ લાસ્ટ કોલ તને આજે જે કહેવું હોય એ કહીદે કાલે સવારે હું નહિ હોઉં.” રાત્રે ૧૧:૪૫વાગે મનએ ગંભીરતાથી મેઘાને કહ્યું. “પ્લીઝ મન, ડોન્ટ ફિલ નેગેટીવ. કાલે નવી સવાર થશે, જરૂર થશે.” મેઘાએ મનને સમજાવતાં કહ્યું. મનએ કોલ કટ કરી નાખ્યો. મન એક IT સ્ટુડન્ટ હતો. ખૂબજ હોશિયાર અને હંમેશા કઈક નવું કરવા માટે તત્પર રહેતો. M.Sc.ITનો કોર્સ પૂર્ણ કર્યાબાદ તેણે પોતાની વેબડવેલોપમેન્ટ ફર્મ શરુ કરી. ૭ નવા યુનિક પ્રોગ્રામ્સ બનાવ્યા જે વર્તમાન ટેકનોલોજી કરતા એક્સ્ટ્રા ઓર્ડીનરી હતાં. પણ એક્સ્ટ્રા ઓર્ડીનરી હોવાના કારણેજ તેના બધાજ પ્રોગ્રામ્સ ઇન્વેસ્ટર કંપનીઓએ રીજેક્ટ કર્યા હતા. તેની સાથે ભણતા તેનાથી નબળાં સ્ટુડન્ટસ જોબ કરીને વેલ સેટ થઇ ગયા હતા. પણ મન હંમેશાં પોતાનું કઈક ક્રિએટીવ વર્ક કરવા ઈચ્છતો હતો. ૩ વર્ષ સતત મહેનત કર્યા પછી પણ તેના પ્રોગ્રામ્સ માટે ઇન્વેસ્ટર ન મળ્યા. સરવાળે ખર્ચા પૂરા કરવા માટે તેણે માર્કેટમાંથી પૈસા ઉધાર લેવાનું શરુ કર્યું. પણ આવક વધુ ન મળતાં પૈસા ચુકવવામાં તકલીફ થવા લાગી. લેણદારોના રોજ ફોન આવવા લાગ્યા ક્યારેક તો લેણદારો ઘર સુધી પહોચી જતાં. જેના કારણે ઘરમાં પણ વાતાવરણ તંગ રહેવા લાગ્યું. તેને વારંવાર જોબ પર લાગી જવા માટે ફોર્સ કરવામાં આવતો. તેના ફ્રેન્ડસ અને રીલેટીવ્સ પણ મળતાં ત્યારે એજ સમજાવવાની કોશિશ કરતાં તો કોઈક તેની મજાક ઉડાડતા, માટે તેણે ધીરે ધીરે બધાથી મળવાનું ઓછું કરી નાખ્યું. આવા સમયે મેઘા, જે એની ક્લાસમેટ હતી અને વર્તમાનમાં સોલમેટ બની ગઈ હતી. એજ એને મોટીવેશન આપતી. પણ આજે ઘરમાં થયેલી બોલાચાલીએ તેને અંદરથી ખૂબ તોડી નાખ્યો. મનને હવે જીવન ટુંકાવવા સિવાય કોઈ રસ્તો ન દેખાયો.

મેઘાનો કોલ કટ કરીને તેણે સુસાઈટ નોટ લખી કે તેની મૃત્યુનો જવાબદાર તે પોતેજ છે. છેલ્લી વાર પોતાના બધાં પ્રોગ્રામ્સની ફાઈલ જોઈ ખંધુ હસ્યો. ફાઈલ બેડ પર મુકીને હાથમાં ફોન અને પોઈઝન લઈને તે ટોયલેટમાં ગયો. મરતી વખતે મેઘાનું મોઢું એની આંખ સામે હોય એવી તેની ઈચ્છા હતી. મેઘાનો ફોટો વોલપેપર પર સેટ કરીને તેણે પોઈઝનની બોટલ ખોલી. ત્યારેજ તેને USAની ઇન્વેસ્ટર કંપનીનો મેઈલ આવ્યો. “WE ARE INTERESTED IN YOUR PROGRAMS. PLEASE MEET OUR INDIAN MANAGER AT HIS PLACE. THIS IS CONTACT DETAILS. GOOD JOB.” મનએ ઘડિયાળ સામે જોયું નવી ડેટ સાથે 00:05નો સમય દેખાયો.
* * * * *
બે ઓપોઝીટ પણ સુંદર કહેવતો….
“આશા અમર છે.” અને “પારકી આશા સદા નિરાશા”

જ્યાં સુધી વ્યક્તિને આશા છે ત્યાં સુધી તેનું લક્ષ્ય, તેનું સપનું જીવિત છે, પણ જ્યારે વ્યક્તિ આશા કે હોપ ગુમાવી બેસે છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને પણ ગુમાવી દે છે. પણ એજ આશા જ્યારે કોઈ બીજા પર નિર્ભર બની જાય, “આ મારું કામ કરશે, આ મારી મદદ જરૂર કરશે” જેવા વાક્યોને જીવનમાં મહત્ત્વ આપતો થાય છે ત્યારે તેની આશા ખૂબ જ જૂજ પ્રમાણમાં સફળ થાય છે.

આશા વ્યક્તિને વિશ્વાસ આપે છે, કોઈને એમ કહેવું કે “હું તારી સાથેજ છું” એ ખોટું નથી, અને કોઈ વ્યક્તિથી અપેક્ષા રાખવી એ પણ ખોટું નથી. પરંતુ જયારે કોઈને આશ્રીત રહીએ ત્યારે સરવાળે દુઃખ જ પ્રાપ્ત થાય છે.

પોતાની આશા કે હોપ ને જીવંત રાખવા માટે ધીરજ જોઈએ. જે વાવ્યુ છે એ ઊગવાનું જ છે, સંસ્કૃતમાં એક ખૂબ જ સરસ ઉક્તિ છે “लिखितमपि ललाटे प्रोञ्जितुं कः समर्थः” અર્થાત્ ભાગ્યમાં લખેલુ છે તેને કોઈ ભૂંસી શકતું નથી. પણ જો તેની ઉપર નિરાશા અને નેગેટીવીટીનો ધોધ ન વહી જાય તો જ. નિરાશાના વમળમાં ઘેરાયેલા વ્યક્તિને ખુદ ઈશ્વર પણ બચાવી શકતો નથી.

પરંતુ આજે દરેકને દરેક વસ્તુ ખૂબજ ફાસ્ટ જોઈએ છે, ઈન્સ્ટન્ટ જોઈએ છે અને ક્યારેક તો રેડીમેડ જોઈએ છે પછી એ સફળતા હોય, સંબંધ હોય કે પછી પ્રેમ હોય, વ્યક્તિ રાહ જોવા તૈયાર નથી. સોનું તપાવવાથી ચમકદાર બને છે, હીરો પણ જ્યારે સારા ઘાટમાં ઘડાય ત્યારે તેની કિમત થાય છે. એના માટે એક લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.

સુલતાન ફિલ્મમાં ખૂબજ સુંદર ડાયલોગ છે, “जलना पड़े से सुल्तान, महेनत करनी पड़े से, तब जाके जे दुनिया सर जुकावे से” આ વાક્યને માત્ર મનોરંજન માટે નહિ પણ જીવનમાં ઉતારતા શીખીએ તો?
જે સમયે જે થાય છે તેને સ્વીકારીને આગળ વધતા શીખીએ તો?
માત્ર જીતેલા લોકો કેમ જીત્યા એ જાણવાને બદલે હારેલા લોકો શા માટે હાર્યા? અને હાર્યા પછી લોકો કઈ રીતે પાછા ઊભા થયા એ જાણીએ તો?

આ બધુજ કદાચ એક બાજુ છોડી દઈએ, પણ પોતા પર, પોતાની જાત પર, મહેનત પર, દ્રઢનિશ્ચય પર અડગ વિશ્વાસ રાખતા થઈએ તો? થોડી રાહ જોતા થઈએ તો? સફળતા મેળવવી સરળ તો નહિ બને, પણ આવતી મુશેકેલીનો હિંમત પૂર્વક, હસતા ચહેરે સામનો કરવાની શક્તિ જરૂર મળશે. ગમે તેટલી કાળી રાત કેમ ન આવી હોય, નવી સવાર જરૂર થશે.
એક વખત જરૂર વિચાર કરજો.

લેખક : એ. જે. મેકર

ટીપ્પણી