નાટક – હનીમૂન હતું તેમનું કેવી સુંદર ક્ષણો હતી એ અને અચાનક તે આમ ખીણમાં પડી ગઈ અને…

“ઝાંઝવા થૈ જળ, અહીંથી ત્યાં સુઘી,

ઝળહળે છે છળ, અહીંથી ત્યાં સુઘી”

વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદમાં વાદળા ગરજયા, એક કપલ ટુરની બસમાં બેઠેલી અવની બાજુમાં બેઠેલા તેના 30 કલાક જુના પતિ ઇશાનને ડરથી વળગી પડી. ઇશાને મજબુતાઇથી તેને ફરતે હાથ વીંટીને બારીમાંથી આકાશ તરફ જોઇને કહ્યું, “થેન્કયુ વાદળો, આમ જ ગરજતા રહેજો, મારી અવની મારી પર આમ જ વરસતી રહે” અવની શરમાઇને દૂર ખસી ગઇ અને બોલી, “જાવ જાવ હવે, શરમ કરો” ઇશાને કહ્યું, “અરે ડાર્લિંગ…

image source

હવે આપણે પતિ પત્ની છીએ, હવે શેની શરમ..?” અવનીએ બસના બીજા પેસેન્જર સામે જોયું, બસમાં બેઠા હતા એટલે… બાકી આમ વરસવું તેને પણ ગમ્યું હતું. ઇશાને તેને પાછી પોતાની પાસે ખેંચતા કહ્યું, “અવની, કાલે જ આપણા લગ્ન થયા છે, આજે હનીમુન માટે જઇએ છીએ, મારી સાથે તારા જેવી ‘હની’ પણ છે, અને આકાશમાં ‘મુન’ પણ છે, પણ મારા નસીબમાં આજની રાત પણ હનીમુનના ખ્યાલમાં જ વિતાવવાની લાગે છે, બસમાં છીએ એટલે શાંતિથી બેઠો છુ, નહીતર આવા વરસતા વરસાદી વાતાવરણમાં હું તારી પર વરસી પડત” અવનીએ શરમાઇને તેની છાતીમાં પોતાનો ચહેરો છુપાવી લીઘો.

image source

ઇશાન અને અવનીના લગ્ન એકદિવસ પહેલા જ થયા હતા. અમદાવાદથી જતી એક કપલ ટુરની બસમાં બન્ને હનીમુન માટે પંચગીની, મહાબળેશ્ર્વર, લોનાવાલા, ખંડાલા જતા હતા. ઇશાનના માતા-પિતા અમદાવાદમાં જ રહેતા હતા. ઇશાન દિલ્હીની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો તેના પિતા પાસે અઢળક સંપતિ હતી, જમાવેલો ધંધો હતો, પણ ઇશાનને ધંધામાં કોઇ રસ ન હતો. તેના પિતાએ જ અવનીને પસંદ કરી હતી અને ઇશાનને લગ્ન કરવા બોલાવ્યો હતો. લગ્ન પછી બીજા જ દિવસે બન્ને હનીમુન માટે નીકળ્યા હતા.

આખી રાત બસમાં બેઠા પછી સવારે મહાબળેશ્ર્વર પહોંચ્યા હતા આખો દિવસ ફરવામાં ગયો. અવની સીઘી સાદી યુવતી હતી પહેલીવાર જ મહાબળેશ્ર્વર આવી હતી. તે તો ખુબ જ ખુશ હતી. આખો દિવસ ફર્યા પછી રાત્રે હોટલમાં આવી પહોંચ્યા ત્યારે આખો રૂમ શણગાર્યો હતો. ઇશાન અવની માટે પીન્ક કલરનું નાઇટી લાવ્યો હતો. તેણે અવનીને પહેરવા કહ્યું. પીન્ક નાઇટીમાં ગજબની સુંદર લાગતી અવનીને જોઇને ઇશાન ભાન ભૂલી ગયો. તે રાત બન્ને માટે સુખનો સાગર લઇને આવી. સવારે અવની ઉઠી ત્યારે રૂમમાં ફેલાયેલા કપડા અને કચડાયેલા ફૂલ રાતના રોમાન્સની ચાડી ખાતા હતા, તે શરમાઇ ગઇ. શરીર પર ચાદર વીંટાળીને ઊભી થવા ગઇ, ત્યાં તો ઇશાને તેને પાછી ખેંચી લીઘી. ફર્સ્ટ નાઇટ પૂરી થઇ ગઇ હતી અને ફર્સ્ટ દિવસ શરૂ થઇ ગયો હતો. બે કલાક પછી ઇશાનનું તોફાન શાંત થયું, ત્યારે અવની ઊઠી અને બન્ને ફટાફટ તૈયાર થઇને ફરવા ઉપડી ગયા.

image source

આખો દિવસ ફર્યા પછી રાતે ઇશાને અવનીને પાછી પોતાના પ્રેમના સાગરમાં ડુબાડી દીધી. અવની ખૂબ જ ખુશ હતી સવારે ઉઠીને અવનીએ તેની મમ્મીને ફોન કર્યો, તેની વાતમાં, તેના અવાજમાં દેખાતો ઉત્સાહ જોઇને તેની મમ્મીને શાંતિ થઇ કે અવની ખુશ છે. પછી તેણે તેની સહેલીઓને ફોન કર્યા, બઘા સાથે તેણે ઇશાનના વખાણ જ કર્યા. તેની ખુશી તેના શબ્દોમાં છલકતી હતી.

image source

ત્રણ – ચાર દિવસ બઘે ફર્યા પછી પંચગીની આવ્યા. પાંચમા દિવસે પંચગીનીના ઊંચા પહાડ પર ઊભી રહીને અવની ફોટો પડાવતી હતી, સરખો પોઝ આપવામાં તેનું ધ્યાન ન રહ્યું અને તે પહાડ પરથી ખીણમાં પડી ગઇ. ઇશાનની ચીસો પહાડોમાં ગુંજી ઊઠી. બાકીના પ્રવાસીઓએ તેને મહામહેનતે પકડી રાખ્યો. ત્યાંના સ્થાનિક પોલીસની મદદથી ચાર કલાકની જહેમતે અવનીનો મૃતદેહ ઉપર આવ્યો. ઇશાન ગાંડા જેવો થઇ ગયો. અમદાવાદ પહોચ્યા ત્યાં સુઘી તેને સાચવવો અઘરો થઇ પડયો. અમદાવાદ પહોંચીને અવનીની અંતિમ યાત્રા વખતે પણ ઇશાનની ચીસો, તેનું રૂદન સાંભળીને બઘાને તેની દયા આવી.

લગ્નના છ દિવસ જ થયા હતા એટલે ઇશાન પર શંકા કરીને અવનીના મૃત્યુની તપાસ માટે પોલીસ આવ્યા, પણ અવનીના માતા પિતાએ કહ્યું કે લગ્ન પછી અવની ખૂબ ખુશ હતી, અમને ઇશાન પર જરાય શંકા નથી. અવનીના મૃત્યુના એક મહિના પછી ઇશાન ઘરની બહાર નીકળ્યો, દિલ્હી જવાની વાત કરી, તેના પિતાને લાગ્યુ કે, તે દિલ્હી જશે તો આ વાતાવરણથી બહાર આવશે અને અવનીને ભૂલી જશે.

image source

ઇશાન ઘરની બહાર નીકળ્યો, ઘરથી દૂર એક ગાર્ડનમાં આવીને બેઠો, પછી ફોન લઇને એક નંબર ડાયલ કર્યો. સામેથી હેલ્લો સાંભળતા તે ખુશીથી છલકતા અવાજે બોલ્યો, “અભિનંદન રીતુ, આપણો પ્લાન સફળ થયો, હું તને ચાહુ છું અને લગ્ન કરવા માંગુ છું એ વાત જાતપાતમાં વિશ્ર્વાસ કરતા મારા કરોડપતિ બાપથી સહન ન થઇ. મેં તેમને મનાવવાની કોશિશ કરી પણ તેમણે મને ઘરમાંથી બહાર કાઢી મુકવાની ઘમકી આપી અને તારી સાથે લગ્ન કરું તો મિલકતમાંથી કંઇ પણ નહી આપે તેમ કહ્યું.

આટલી અઢળક સંપતિ છોડી દેવાય ? મે તેમને શરત કરી કે તમે પસંદ કરો તેની સાથે લગ્ન કરૂં, પણ લગ્નના દિવસે જ તમારે બઘી મિલકત મારા નામે કરી આપવી પડશે. તે માની ગયા અવનીના પતિ થવાના દિવસે જ હું કરોડપતિ પણ બની ગયો ચાર દિવસમાં અવનીને એટલો પ્રેમ કર્યો કે, તેણે જ બઘાને જણાવી દીઘું કે તે ખૂબ ખુશ છે. પછી આપણા પ્લાન મુજબ પંચગીનીના પહાડ પરથી મેં તેને ઘકકો મારી દીઘો.

image source

તેના મૃત્યુ પછીના મારા નાટકે બઘાના મનમાં મારા માટે સહાનુભૂતિ ઉભી કરી દીઘી. મેં ગ્લીસરીનની કેટકેટલી બોટલ ખાલી કરીને એટલા આંસુ વહાવ્યા કે તેમાં બઘા જ તણાય ગયા. કોઇને મારા પર શંકા ન રહી, હવે તો મારા પપ્પા પણ આપણા લગ્ન માટે માની જશે, હવે બે – ચાર દિવસમાં દિલ્હી આવુ છું, પછી જ મારૂં સાચું હનીમુન શરૂ થશે, મારી રાહ જોજે અને મારા સ્વાગત માટે તૈયાર રહેજે.”

આટલું કહીને ઇશાને ફોન મૂકી દીધો. પછી પર્સમાંથી અવનીનો ફોટો કાઢીને તેના ટુકડા કરીને હવામાં ઉડાડતા બોલ્યો, “બાય…બાય… અવની, મારો પ્લાન સફળ કરવા માટે જ તારો ઉપયોગ કર્યો હતો, હવે તું ઉપર ખુશ રહેજે અને હું મારી રીતુ સાથે ખુશ રહીશ.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ