નારી તારા નવલા રૂપ – સાસુ અને વહુ મળીને છોડી દે છે પોતાનું ઘર, કેમ? વાંચો લાગણીસભર વાર્તા…

અલ્લડ ઝરણાં જેવી , ટિયા સ્ટડીમાં તો ખાસ કંઈ હોંશિયાર નહોતી પણ, એ ઇત્તર પ્રવૃત્તિમાં બધે ભાગ લેતી.. ડર એટલે શું એની જાણે કે ખબર જ નહોતી ! સ્કૂલ ટાઇમથી જ બીજી છોકરીઓ પણ સર ને કે પ્રિન્સિપાલ મેમ ને કઈ પૂછવું હોય તો ટિયા ને આગળ કરતાં.

છોકરાઓ હોય કે સર ટીચર હોય, ટિયા બિન્દાસ્ત વાત કરી શકતી. પીકનીક પ્રવાસમાં તો એ બોસ હોય જ. અને બીજા પેરેન્ટ્સ પણ એમની દીકરીઓને કહેતા, ” ટિયા જતી હોય તો તું પણ જા ! એની સાથે રહેજે હો !” ટિયા, હાજરજવાબી અને બહાદુર હતી પણ, કોઈને વગર વાંકે હેરાન ન કરતી. રસ્તે જતી કીડી ને ય એ ન અડે !! પણ , છોડે નહિ વાઘનેય જો એને નડે !!


આ એક રૂપ હતું ટિયા નું !! હવે, એ જ્યારે કોલેજમાં આવી ત્યારે, મુગ્ધાવસ્થા એના પર હાવિ થઈ ગઈ. સારનરસાનો વિવેક ચુકાઈ ગયો. કોલેજ કરતાં કરતાં ટિયા, નિહારના પરિચયમાં આવી. શરૂઆતમાં થોડી નોકઝોક, છોકરા છોકરીઓના ભાગલા, ચડસાચડસી કરતાં ટિયા, ક્યારે નિહારને દિલ દઈ બેઠી ખબર પણ ન રહી. દેખાવે હીરો જેવો ને બોલવામાંય ગાંજ્યો ન જાય કોઈથી ! ડેરિંગ પાવર પણ, ભરપૂર !.. ટિયાને નિહારમાં પરફેક્ટ લાઇફપાર્ટનર દેખાવા લાગ્યો.

કોલેજ પુરી થવા સુધીમાં તો ઘરે વાત પણ કરી દીધી. ઘરના લોકોની ચોખ્ખી મનાઈ હોવા છતાં ટિયાએ પોતાનો રસ્તો પોતે બનાવી લીધો.જ્યારે બાપે કહ્યું, “જ્યારે તને તારી ભૂલ સમજશે ત્યારે પસ્તાવાનો વખત આવશે એ વખતે રડતી રડતી માબાપની ઘરે જ આવીશ !!” ત્યારે ટિયાએ બિન્દાસ્ત કહી દીધું, ” પસ્તાઈશ તો પણ પાછી નહિ આવું કેમ કે તમે એમ નથી બોલ્યા કે ‘આપણા ઘરે’ આવીશ , માબાપનું ઘર જ મારુ ઘર ન હોય તો..!! હું અહીંથી નીકળ્યા પછી, પાછી હરગીઝ નહિ આવું.” આ રીતે ટિયા સાસરે આવી..

સસરાના ઘરમાં કદમ મુકતા જ ટિયા ને સમજાઈ ગયું કે, ‘ આ ફક્ત સસરજીનું જ ઘર છે ‘ અહીં બીજા કોઈનું સ્વતંત્ર વ્યક્તિ તરીકે અસ્તિત્વ જ નથી. સાસુ સાથે ટિયાના સસરા એવું વર્તન કરતાં હતાં કે એ એમની પત્ની નહિ પણ દાસી હોય !! કામવાળી હોય તોય કામ મૂકી જતી રહે, પણ આ તો જાણે કે ખરીદેલી દાસી, ગુલામડી હોય તેમ લાગતું હતું. નિહાર ??

happy and grumpy old men

પતિની ઘરે પ્રવેશતાં , નિહારની સાવ અલગ જ છબી દેખાણી, એનું બીજું જ રૂપ જણાયુ. વાતવાતમાં કબૂલી લીધું કે એ બધા નાટક તો ટિયાને ઈમ્પ્રેસ કરવા માટે જ હતાં. બાકી, અસલી નિહાર આળસનો ભંડાર અને બાપા પાસે “બકરી બૅં” હતો. અને આળસની સાથે જુગારી, ને દારૂડિયો બની સાવ રખડું ને દિલફેંક .. નીકળ્યો.ટિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. યુવાનીના આવેશથી કરેલી ભુલની કિંમત તો ચૂકવવી જ રહી !! હવે ??

પર્વતમાંથી નીકળેલી નદી.. નીકળ્યા પછી પાછી તો નથી વળતી પણ, એને સમદર માં સમાવા પહેલા … કેટલો કઠિન રસ્તો કાપવો પડે છે !!
પણ, ટિયા..?? એ આજની પેઢીની પ્રતિનિધિ હતી. એ ન રડી કે ન મૂંઝાણી !! એણે જોઈ લીધું કે, આ ઘરમાં સ્ત્રીનું કોઈ વિશેષ સ્થાન નથી. વિશેષ તો નથી પણ, એને કોઈ સ્વતંત્ર વ્યક્તિ જ સમજતું નથી !! ટિયાના સાસુ જયા બેન, સ્વભાવે ખૂબ જ સારા હતા. દેખાવડા અને રસોઈ તથા ભરતગૂંથણ, ‘વેસ્ટ માંથી બેસ્ટ’ બનાવવું એ તો એમના માટે રમત વાત હતી.આટલા બધા ગુણો હોવા છતાં , આ કહેવાતા મોટા ઘરમાં એમની કિંમત કોડીનીયે નહોતી.


ટિયા એમને મસ્તીમાં અને કઈ વ્હાલથી કહેતી,.. “એ ..જ્યા બેન !! જીવ વગરના શું જીવો ??” “જીઓ તો .. શાનથી જીઓ..!!” જિયા બેન..જયા બેનમાંથી બાર નીકળીને … જિયા મેમ બનો.. જિયા મેમ !!” અને ટિયાના સાસુ જ્યા બેન ફુ..ફુ.. કરતાં હસી પડતાં .. અને ટિયાના વાળમાં પ્રેમથી હાથ પસવારતા બોલ્યા, ‘ હવે કેવી શાન અને કેવી આન !! આપણે તો પાપ કર્યા હોય, એટલે જ આ અસ્ત્રીનો અવતાર આવે !! જન્મીને જે ઘરે ત્યાં.. બાપ માટે, ભાઈ માટે..

અહીં આવીને સસરા, પતિ અને હવે દીકરો.. એ જેમ કહે એમ જ જીવવાનું આપણે ! અને બાળપણથી જ એવું શીખવવામાં આવતું કે ઘરની દીકરી એ નજર નીચી રાખીને જ ચાલવું જેથી એના ભાઈ ને બાપ , નજર ઉઠાવીને ફરી શકે !! ટિયા એ સખ્ત વિરોધ નોંધાવ્યો, ” કેમ કોઈ ગુનો કર્યો છે ?? દીકરીએ કે સ્ત્રી જાતિએ ?? શાની નજર નીચી રાખે ??? “


જે દેશમાં નારીને શક્તિ નું રૂપ માનીને કાલી, દુર્ગા, લક્ષ્મી ને સરસ્વતી કહી બધું એની પાસે માંગતી આપણી સંસ્કૃતિ.. પોતાના ઘરની સ્ત્રીને માતાજી નું સ્વરૂપ તો નહીં પણ, એક વ્યક્તિ નો ય દરજ્જો ન આપે ?? ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેતાં સમાજના કહેવાતા ઠેકેદારોને હું પૂછું છું, ” કેમ પરદેશમાં દીકરી કે દીકરાના ઉછેરમાં ભેદભાવ નથી અને કોઈ ભગવાનના સ્ત્રીરૂપની પૂજા નથી કરતાં તો ય ત્યાં કેમ ભૃણ હત્યા નથી થતી ?? મેલ ફિમેલ બેબી બર્થ રેટ કેમ અસમતોલ નથી ?? મહાન ભારત છે અને મહાન આપણી ભારતીય સંસ્કૃતિ છે !

પણ, આ મહાન ભારતના લોકો લબાડ બની ગયા છે. આજે પુરુષોએ નહિ પણ, સ્ત્રીઓએ જ જાગવાની જરૂર છે ….!!” ટિયા ના સાસુ તો જોઈ જ રહ્યા..ટિયાના આ નવલા રૂપ ને !! પણ, ત્યાં જ ક્યારના આવીને આ બધું સાંભળી રહેલા ટિયાના સસરાએ રાડ પાડી, ” રહેવા દે જે છોકરી ! આવા વલણ સાથે તું આ ઘરમાં નહિ રહી શકે ! આ બધું તો કોઈ પ્રોગ્રામના સ્ટેજ પર ભાષણમાં શોભે! અહીં તો, મારા ઘરમાં , હું કહીશ તેમ જ ચાલશે , સમજી ?”


ટિયા જરાપણ ગભરાયા વગર બોલી, ” તમે કહેશો એમ જ ચાલશે.. કહીને શુ કહેવા માંગો છો , પપ્પાજી ?? આ મમ્મી અત્યાર સુધી જેમ જીવ્યા તેમ મારાથી નહિ જીવી શકાય હો! અને એમને પણ, એમ મરી મરીને જીવવા નહિ દઉં !!” ટિયાના સસરા રમણભાઈએ, નિહારને ધમકાવ્યો,” સમજાવ, તારી બૈરીને !! અત્યારથી આને દાબમાં રાખ, નહિતર એ સામે થતાં શીખી જશે ! અને તારું કઈ ચાલવા દેશે નહિ..!!

આ સ્ત્રી જાત ને માથે ન ચડાવાય ! એને તો ધોકાવીએ એમ જ સીધી ચાલે ! એને લાકડીની જ ભાષા સમજાય !! ઢોલ, શુદ્ર ને નારી યે તીનો તાડન કે અધિકારી !!!..” એમ ખોટી કહેવતનો ઉપયોગ કરીને, નિહારને ટિયા ઉપર હાથ ઉપાડવા ઉશ્કેર્યો …!! પણ, ટિયા કોઈ જયા બેન નહોતી.. એણે ફટ્ટ દઈને નિહારને એક ઝાપટ ચડાવી દીધી. “…સ..ટ્ટા… ક !!!”

ટિયા સિંહણની જેમ ગર્જી, ” ખબરદાર, નિહાર ! જરાય સારાવાટ નહિ રહે ! તું મને મારવાનું વિચાર શુધ્ધા ન કરીશ !! તું મને હાથ અડાડીશ એ પહેલા હું તારી ધોલાઈ કરી નાખીશ… !!” આ પ્રત્યાઘાત અણધાર્યા હતાં, નિહાર તો ગભરાઈ જ ગયો,પણ, ટિયાના સસરા, પોતે ય હતપ્રભ બની ગયા. છતાં, હિંમત કરીને બોલી ગયા. ” છોકરી ! તારા આ ખેલ મારા ઘરમાં નહિ ચાલે ! અત્યારે ને અત્યારે નીકળી જા ! મારા ઘરમાંથી !!! “


ખડખડાટ હસતાં ટિયા બોલી, ” તમારા ઘરમાં , હું રહેવા જ નથી ઇચ્છતી, અને આ તમારો દીકરો !! જ્યારથી મને નપાણિયો લાગ્યો.. ત્યારથી, જ મેં આ ઘરમાંથી નીકળવાનું ચોઘડિયું જોઈ રાખ્યું હતું … પણ, સારું મુહુર્ત કાઢવાનું જ બાકી હતું !! અને લો આજે એ પણ આવી ગયું.
હું તો આ ચાલી “

આગળ ટિયા કઈ બોલે એ પહેલાં જ એ બાપદીકરાએ કહી દીધું, ” કે જા, હાલતી જ થઈ જા પણ, યાદ રાખજે ! આ ઘરમાંથી તને ફૂટી કોડી પણ નહિ મળે !!’ ટિયાએ રુઆબભર્યા અવાજે ખુલ્લી બગાવત છેડી કહી દીધું, ” તમારી ફૂટી કોડીઓ તમને જ મુબારક !! પણ, હું આ ઘરમાંથી એક અમૂલ્ય રત્ન મારી સાથે લઈ જાવ છું.”

ટિયાએ અત્યાર સુધી બનેલા બનાવથી ડરેલા અને ધ્રુજતાં સાસુનો હાથ પકડી , બોલી, ” ચાલો, મમ્મી, જયા બેન ચાલો !! હવે, જયા બેનમાંથી જિયા મેમ બનવાનું છે !!” ફાટી આંખે જોઈ રહેલા રમણભાઈ બોલ્યા, ” બેસી જા, જયા !! ક્યાંય જવાની નથી એ ! સમજી તું ?? જ્યાં જવું હોય ત્યાં તું એકલી જ જા !!

અને “ચાલ જયા! મારા ઘરમાં આ કાલે આવેલી છોકરીનું નહિ હાલે ! જ્યા ! અંદર આવ !” કહેતા એ જ્યાબેનનું બાવડું પકડવા જાય એ પહેલાં , ટિયાના સાસુ ઝડપથી ટિયા પાસે જઈ ને એનો હાથ પકડી બોલ્યા, ” ચાલ, દીકરી, જ્યારથી પરણીને આવી ત્યારથી, ક્યારેય, મારા ન થયેલા ‘આ’ ઘરને આજે હું જ છોડું છું !!”


આપણે સાસુ વહુનું પેટ ભરાઈ ને છતાં ઈજ્જતથી જીવી શકીએ એટલું હુન્નર તો આપણા બન્નેમાં છે !! ચાલ, દીકરી, આ જ્યા બેનમાંથી પ્રગટેલી જિયા બુઝાઈ ન જાય એ પહેલાં, એમનું ઘર એમને મુબારક !!” સાનંદાશ્ચર્ય સાથે ટિયા એ જ્યા બેન , સોરી, જિયામેમ ને ભેટી પડી અને બન્ને એકબીજાનો હાથ પકડીને આઝાદ પંખીની જેમ પોતાના ગગનમાં મુક્તપણે ઊડવા પાંખ ફેલાવી !! ગગનમાં ઊડતા પંખીઓ આ નારીના નવલા રૂપ જોઈને ચહેકવા લાગ્યા.

ક્યાંક દૂર થી મસ્ત સોન્ગ સંભળાતું હતું..” પંછી બનું.. ઊડતી ફિરું… મસ્ત ગગન મેં…આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં….””

લેખક : દક્ષા રમેશ “લાગણી”.

આપની લાગણીઓ કોમેન્ટ સ્વરૂપે બતાવી શકો છો, દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.