વિષચક્ર – કરે કોઈ અને ભરે કોઈ, દરેક મિત્રોએ સમજવા જેવી વાર્તા…

વિષચક્ર.

સવારમાં દિનકર ઉઠ્યો ત્યારે તેની આંખોમાં આખી રાતનો ઉજાગરો ભર્યો હતો. તે આખી રાત વરસતા વરસાદમાં ખેતરના ઢાળીયા નીચે બેઠો રહ્યો હતો. સુસવાટા મારતા પવનો જાણે તેની અંદર રહેલા તેના અસ્તિત્વના વૃક્ષને હલાવીને એક અર્થહીન થડમાં પરિવર્તિત કરી રહ્યા હતા. પોતાની બધી જ આશાઓને નજર સામે, પાણીમાં ડૂબતી એ જોઈ રહ્યો હતો.

‘જીરું એટલે જુગાર’ – ખેડૂતોમાં પ્રચલિત કહેવત આજે તેને સાર્થક થઈ હોય તેવું લાગી રહ્યું હતું. તે આ જુગારમાં બહુ મોટું નુકશાન વેઠવા જઈ રહ્યો હતો. તેની સામે પોતાના ખેતરમાં ઉગેલા જીરુંના નાના છોડ ગોઠણ સમાણા પાણીમાં ગરકાવ થઈ ગયેલા હતા. તેણે એક નિસાસો નાખ્યો. કુદરતે તેના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો હતો. જીરું લેવાને એક જ અઠવાડિયાની વાર હતી ત્યાં આ કાળમુખો વરસાદ ખબર નહિ ક્યાંથી આવ્યો !

દિનકરે માથું ધુણાવ્યું. ગોઠણ સામાણા પાણીમાં એ ચૂપચાપ કામે વળગ્યો.

*****

“પિપલ્સ નેશનલ બેંક”ના મેનેજરની એરકન્ડિશન્ડ ઑફિસમાં એક સૂટબુટમાં સજ્જ આશરે પિસ્તાલિસેક વર્ષનો વ્યક્તિ દાખલ થયો. મેનેજરે તેને આવકાર આપ્યો. પેલો વ્યક્તિ મેનેજર સામે ગોઠવાયો.

“ગુડ મોર્નિંગ, મેનેજર સાહેબ ! મારુ નામ નરેશ મહેતા છે. આપે મને મળવા બોલાવ્યો હતો?” વ્યક્તિએ સ્મિત સાથે પૂછ્યું.

“અરે પહેલા કહો કે આપ શું લેશો? ચા કે ઠંડુ?” મેનેજરના ચહેરા પર કૃત્રિમ સ્મિત રમી રહ્યું હતું.

“ઠંડુ ચાલશે.” નરેશ મહેતાએ કહ્યું.

થોડીવાર પછી બન્ને ઠંડુ પીને વાતોએ વળગ્યા.

“મારે તમારી અરજી વિશે વાત કરવી છે. તમારે સો કરોડની લોન જોઈએ છે ને?” મેનેજરે વાતની શરૂઆત કરી.

“હા ! મારી જવેલરીની વર્ષો જૂની કંપની છે. હું મોતીઓનો એક મોટો જથ્થો અમેરિકાથી ખરીદવા માંગું છું. એ માટે મારે આ પૈસાની જરૂર છે. હું આ જથ્થાને નફા સાથે વેચીને, વ્યાજ સહિત લોન ભરપાઈ કરી દઈશ.” નરેશ મહેતા બોલ્યો. તેના અવાજમાં આત્મવિશ્વાસનો રણકો હતો.

“તમારી વાત સાચી સાહેબ પણ સો કરોડ મોટી રકમ છે. હાલ થોડી ‘કૅશ ક્રન્ચ’ ચાલે છે એટલે બેંક આટલી રકમ ન પણ આપી શકે.” મેનેજર બોલ્યો.

“અરે સાહેબ ! સરકારી બેંક પાસે નાણાંની ઉણપ થોડી હોય ! આ દેશની જનતા સરકારી બેંકો પર તો આંધળો વિશ્વાસ કરે છે.” નરેશ મહેતા બોલ્યો.

મેનેજર જવાબમાં ખંધુ હસ્યો.

“મેનેજર સાહેબ ! જો તમે મને લોન ન આપી શકતા હોય તો મને ‘લેટર ઓફ અંડરસ્ટેન્ડીગ’ આપો. આમેય મારે મોતીના જથ્થાની ખરીદી માટેની ચુકવણી ડોલરમાં જ કરવાની છે. ‘તમે મારી લોનની ભરપાઈ માટે ગેરેન્ટી લો છો’ એવો પત્ર એટલે કે ‘લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ લખી આપો તો વિદેશની કોઈ પણ બેંક મને લોન આપશે અને મારું કામ થઈ જશે.” નરેશ મહેતા બોલ્યો.

“એટલે અમે, તમે પૈસા ચૂકવશો એવી જવાબદારી લઈએ !” મેનેજર આંખો ઝીણી કરીને બોલ્યો.

“હા ! ત્રણ મહિનાનો જ સવાલ છે. ત્રણ મહિના પછી તો હું પૈસા ભરી જ દેવાનો છું.” નરેશ મહેતા બોલ્યો.

“તમારી વાત સાચી પણ સો કરોડની ગેરેન્ટી અમે લેતા હોઈએ તો સામે તમારે એટલી સિક્યુરિટી પણ મુકવી પડે ને ! તમારી ફાઇલ પ્રમાણે એટલી મિલ્કતની માલિકી તમે નથી ધરાવતા અને તમે જો પૈસા ન ભરો તો અમારી બેંકે ભરવા પડે.” મેનેજર હસીને બોલ્યો. તેણે ફરી ફાઈલમાં નજર કરી.

આ વખતે નરેશ મહેતા થોડો અચકાયો. તે ટેબલની નજીક આવ્યો. તેના ચહેરા પર કૃત્રિમ હાસ્ય આવ્યું.

“અરે સાહેબ ! હું બેંકને મને મળનાર રકમમાંથી બે ટકા વ્યાજ દેવા તૈયાર છું. મેં સાંભળ્યું છે કે તમને બંગાળી મીઠાઈ બહુ ભાવે છે.” નરેશ મહેતાએ છેલ્લા વાક્ય પર ભાર મુક્યો.

છેલ્લું વાક્ય સાંભળીને મેનેજર એક ક્ષણ માટે ચમક્યો. બીજી જ ક્ષણે તેના ચહેરા પર કુટિલ હાસ્ય આવ્યું.

“તમે સાચું સાંભળ્યું છે. પણ સો કરોડની રકમ માટે મારે ઉપર જવાબ આપવા પડે.” મેનેજર બોલ્યો. તેના અવાજમાં દ્રઢતા ગાયબ હતી. નરેશ મહેતાને પોતાનું કામ બનતું લાગ્યું.

“તમારા ક્યાં પૈસા છે સાહેબ ! એક કામ કરજો, મને તમે એકસો બે કરોડનો ‘લેટર ઓફ અન્ડરસ્ટેન્ડીંગ’ આપજો. હું મને વિદેશી બેંક પાસેથી મળનારી રકમમાંથી બેંકની ફી બાદ કરતાં જેટલી રકમ વધે તેમાંથી…” નરેશ મહેતાએ છેલ્લું વાક્ય અધૂરું રાખ્યું. મેનેજર એ અધૂરા વાક્યનો અર્થ ન સમજે એટલો નાદાન નોહતો. દીવાલ પર લગાડેલા ફોટામાં એક ચશ્માંવાળા વૃદ્ધનું હાસ્ય જાણે ગાયબ થયું.

“પણ આ થોડું જોખમી છે. જો તમે પૈસા ન ભરો તો મારી તો નોકરી જાય ને !” મેનેજરે બોલ્યો.

“હું પૈસા સો ટકા ભરી દઈશ. ધારોકે હું પૈસા ન ભરુ તો એનો પણ એક ઉપાય છે જ. તમે સમજદાર વ્યક્તિ છો. તમે એ ઉપાય જાણો જ છો.” નરેશ મહેતા હસ્યો.

મેનેજરે બે ક્ષણ માટે વિચાર્યું. નરેશ મહેતા જે ઉપાયની વાત કરતો હતો એ તેના મગજમાં આવી ગયો.

“તમે જે વાત કરો છો એ હું સમજી ગયો પણ મારે મારા ઉપરી અધિકારીઓનું પણ ધ્યાન રાખવાનું ને! ઓડીટ આવે ત્યારે જવાબ તો દેવા ને !” મેનેજર બોલ્યો.

“સાહેબ ! આ દેશમાં પૈસો હોય એટલે બધું જ થઈ જાય. ન્યાયતંત્રથી માંડીને બધું જ ખરીદી શકાય. તમારે કોઈને જવાબ દેવાના નહિ આવે. હું ત્રણ મહિના પછી પૈસા ભરી જ દેવાનો છું. જો કોઈ ગરબડ થાય તો હું બેઠો જ છું.” નરેશ મહેતા બોલ્યો.

મેનેજર પણ હવે હસ્યો. તેણે નરેશ મહેતા સાથે હાથ મિલાવ્યા.

મેનેજર તેને બેંકના દરવાજા સુધી વળાવવા પણ ગયો.

****

“જાન ! મેં કરકસર કરીને આશરે દોઢેક લાખ રૂપિયા બચાવ્યા છે. આપણે તેને ક્યાંક ઇન્વેસ્ટ કરીએ તો કેવું રહે?” સુનિધિ તેના પતિ વિશાલ ચૌહાણની પાસે બેસતા બોલી.

વિશાલ ચૌહાણ સોફા પર બેસીને આઇ.પી.એલ.ની મેચ જોઈ રહ્યો હતો.

“તારી વાત સાચી છે પણ ક્યાં રોકીશું? અત્યારે એટલી રકમમાં કંઈ ન વળે. શેરબજારમાં જોખમ વધારે. પ્રાઇવેટ બેંકનું નક્કી નહિ. પોસ્ટવાળા વ્યાજ વધુ આપે પણ કાગળિયાં વધુ માંગે.” વિશાલ ચૌહાણ પત્ની સામે જોઇને બોલ્યો.

“સરકારી બેંકમાં ફિક્સ ડીપોઝીટમાં મૂકી દઈએ તો કેવું? ભલે વ્યાજ ઓછું મળે, સુરક્ષિત તો ખરા !” પત્ની બોલી.

“ભલે ત્યારે કાલે જ જઈને મૂકી આવીશ.” વિશાલ ચૌહાણ ફરી ટીવી જોવામાં વ્યસ્ત થઈ ગયો.

****

“સાહેબ ! નરેશ મહેતાની કંપનીના એકસો બે કરોડની મુદત આજે પૂરી થઈ ગઈ. તેમણે પૈસા હજુ નથી ભર્યા. આપણે વિદેશી બેંકને પૈસા ચૂકવવા પડશે.” બેંકનો કર્મચારી મેનેજરની કેબિનમાં પ્રવેશતાં બોલ્યો.

“કોઈ વાંધો નહિ. તું એક બીજો ‘લેટર ઓફ અંડરસ્ટેન્ડીંગ’ નરેશ મહેતાના નામે કાઢી આપ. એ લેટરના કારણે જે રકમ આવે એ મુદત પૂરી થઈ છે એ બેંકને આપી દે.” મેનેજર શાંતિથી બોલ્યો.

“પણ સર ! સિક્યુરિટીનું શું? નરેશ મહેતાની કંપનીએ એટલી રકમની સિક્યુરિટી નથી દેખાડી. તેમણે દર્શાવેલી મિલકતોની કિંમત પણ એટલી નથી.” કર્મચારી બોલ્યો.

“કોઈ વાંધો નહિ. હું કહું એમ કર.” મેનેજર બોલ્યો.

“પણ સર બે મહિના પછી ઓડીટ છે, ત્યારે…” કર્મચારીના ચહેરા પર ગભરાટ હતો.

“એ તો હું સંભાળી લઈશ.” મેનેજર બોલ્યો.

કર્મચારી જવા લાગ્યો.

“અને સાંભળ…’લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ એકસો દસ કરોડની કિંમતનો કાઢજે.” મેનેજરે શાંતિથી કહ્યું.

કર્મચારીના ગયા પછી મેનેજરે પોતાના ટેબલના ખાનામાંથી બંગાળી મીઠાઈનું પેકેટ કાઢ્યું અને પેકેટ ખોલીને મીઠાઈ ખાવા લાગ્યો. થોડીવાર પછી તેણે પોતાના મોબાઈલમાં એક વિદેશી બેંકમાં રહેલા પોતાના એકાઉન્ટનું બેલેન્સ તપાસ્યું.

****

“તમારું નામ જ દિનકર પચોટીયા ને?” બેંકનો કર્મચારી બોલ્યો.

“હા સાહેબ !” કર્મચારી સામે ઉભડક પગે જમીન પર બેઠેલો દિનકર પચોટીયા પોતાના કપાળ પરનો પરસેવો લૂછતાં બોલ્યો.

“તમારી બે લાખની લોનના છેલ્લા બે હપ્તા બાકી છે. કેમ નથી ભર્યા?” કર્મચારીએ કરડાઈથી પૂછ્યું.

“સાહેબ ! વરસાદમાં બધું જ જીરું બળી ગયું. અત્યારે તો પૈસાની બહુ તંગી છે. એકાદ મહિનાનો સમય આપો તો ભરી દઈશ.” દિનકર પચોટીયા આજીજી કરતા બોલ્યો.

“એવું ન ચાલે કાકા…તમને ત્રીસ ટકા પેનલ્ટી લાગશે.” કર્મચારી કઠોરતાથી બોલ્યો.

“પેનલ્ટી એટલે શું ભાઈ?” ગરીબ ખેડૂતે નિર્દોષ પ્રશ્ન કર્યો.

“એટલે તમારે વધારે પૈસા ભરવા પડશે.” કર્મચારી બોલ્યો.

“ભાઈ હું વધારે પૈસા ક્યાંથી લાવીશ? તમે મારો જમીનનો દસ્તાવેજ પણ લઈ લીધો છે.” દિનકર પચોટીયા કરગરી ઉઠ્યો.

“કાકા તમે લોન લો એટલે સામે કંઈક સિક્યુરિટી તો મુકવી પડે ને ! બેંક તમને એમને એમ થોડી બે લાખની લોન આપે. તમને ‘પાક ધિરાણ યોજના’ના પૈસા પેલા અધિકારીએ આપ્યા હતા? એ તો અમે તમને લોન આપી. બાકી કોઈ તમને લોન પણ ન આપે.” કર્મચારી તુમાખીથી બોલ્યો.

દિનકર પચોટીયાને ‘પાક ધિરાણ યોજના’ના પૈસા માટે અધિકારીએ માંગેલા દસ હજાર રૂપિયા યાદ આવી ગયા.

“તમારી વાત સાચી ભાઈ. તમે લોન આપી એટલે તો હું જીરું વાવી શક્યો. પણ જીરું વરસાદને લીધે બળી ગયું. થોડી મહોલત આપો તો હું પૈસાની વ્યવસ્થા કરી લઈશ. એવું હશે તો મારા છોકરાંને ભણવામાંથી ઉઠાડીને મજૂરીએ મોકલીશ. નહિ મેળ પડે તો કોઈની પાસેથી વ્યાજેઉછીના લાવીશ. તમારી પાઇપાઇ હું ચૂકવી આપીશ.” દિનકર હાથ જોડીને બોલ્યો.

“એ તમે ગમે તે કરો. તમે પૈસા નહિ ભરો તો તમારી જમીન બેંક નિલામ કરશે.” કર્મચારીના અવાજમાં હજુ ગુસ્સો હતો.

“તમારા પૈસા હું દૂધે ધોઈને આપીશ.” ગરીબ ખેડૂત ઉભો થતા બોલ્યો.

*****

દિલ્હીના એક મોટા વૈભવી બહુમાળી મકાનમાં “પીપલ્સ નેશનલ બેંક”ના અધિકારીઓની મિટિંગ ચાલી રહી હતી. બધાના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયેલા હતા.

“કેટલો મોટો આંકડો છે?” મુખ્ય અધિકારીએ સૌને પૂછ્યું.

“એક હજાર કરોડ સાહેબ !” બીજા અધિકારીએ જવાબ આપ્યો.

“કેટલા સમયથી ચાલતું હતું?” ફરી સવાલ પૂછાયો.

“ચારેક વર્ષથી. વિદેશી બેંકો પાસેથી ‘લેટર ઓફ અન્ડરસ્ટેન્ડીંગ’ દ્વારા લોન લેવાતી અને બીજા ‘લેટર’ દ્વારાજૂની લોન મુદત પૂરી થયે ભરવામાં આવતી. દરેક વખતે લોનની રકમ વધારતા જતા હતા. જે પાર્ટી આ લોન લેતી તેને કોઈ પણ જાતની સિક્યુરિટી વગર લોનો આપવામાં આવી છે.” એક અધિકારીએ માહિતી આપી.

“છેલ્લી ભર્યા વગરની લોનનો આંકડો કેટલો છે?”

“એક હજાર કરોડ સાહેબ !” એક અધિકારીએ જવાબ આપ્યો.

એક ક્ષણ માટે મિટિંગમાં સોપો પડી ગયો.

“ઓડિટમાં કેમ ન પકડાયું?” ફરી સવાલ પૂછવામાં આવ્યો.

કોઈએ જવાબ ન આપ્યો. બધા કારણ જાણતા હતા.

“પહેલી લોન મંજુર કરનાર મેનેજર ક્યાં છે અત્યારે?” મુખ્ય અધિકારીએ ફરી સવાલ કર્યો.

“મેનેજર નિવૃત્ત થઈ ગયા છે અને લોન લેનાર પાર્ટી પણ વિદેશ ભાગી ગઈ છે.” જવાબ મળ્યો.

થોડીવાર કોઈ કંઈ જ ન બોલ્યું.

“ભલે ત્યારે…કાલે જ આ તમામ સામે એફ.આઈ.આર. નોંધાવો અને પૈસા રિકવર કરવાના પ્રયત્ન કરો.” મુખ્ય અધિકારી બોલ્યા.

“પણ સર…કોર્ટમાંથી પૈસા રિકવર થતા તો વર્ષો થશે. તમે તો જાણો જ છો કે આપણું ન્યાયતંત્ર કેટલું ધીમું કામ કરે છે અને મુખ્ય આરોપી એવા દેશમાં ભાગી ગયો છે કે જેની સાથે આપણે પ્રત્યાર્પણસંધી પણ નથી કરેલી.” એક અધિકારીએ સત્ય પર પ્રકાશ પાડ્યો.

“એનો મતલબ એમ થયો કે આપણે કશું કરી શકીએ તેમ નથી.” મુખ્ય અધિકારી નિરાશામાં બોલ્યા.

“બીજી એકવાત, આ વાત મીડિયામાં આવશે એટલે લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા લાઈનો લગાવશે.” એક અધિકારીએ ચિંતા વ્યક્ત કરી.

“તો પછી બધી જ ફિક્સ ડિપોઝીટ ફ્રીઝ કરી દો. કોઈને પણ દસ હજારથી વધુ રકમ ઉપાડવા ન દો. જેમણે લોનો લીધી છે એમની પાસેથી કડક ઉઘરાણી કરો. આપણે સરકારી બેંક છીએ એટલે સરકાર આપણને બચાવવાપેકેજ બહાર પાડશે જ. સરકાર પ્રજાના પૈસા ડૂબવા નહિ દે. ત્યાં સુધી રાહ જુઓ. આમ પણ આપણા ક્યાં પૈસા હતા ! ચાલો હવે નાસ્તો મંગાવો.” મુખ્ય અધિકારી બોલ્યા.

થોડીવારમાં બધા માટે ગરમાગરમ નાસ્તો આવ્યો.

****

“સાલા…આપણા જ પૈસા આપણને આપવાની ના પાડે છે.” વિશાલ ચૌહાણે હેલ્મેટનો સોફા પર ઘા કર્યો.

તેની પત્ની રસોડામાંથી બહાર નીકળી.

“એટલે તેમણે પૈસા ન આપ્યા?” પત્નીના ચહેરા પર ચિંતાના ભાવ હતા.

“ના…ન આપ્યા. ત્રણ કલાક લાઈનમાં ઉભો રહ્યો પણ પૈસા ન મળ્યા. કહે છે કે તમારા પૈસા સુરક્ષિત છે. સરકાર બેંકને બચાવવા પેકેજ આપશે એટલે બધાના પૈસા મળી જશે.” વિશાલ ચૌહાણચિંતાગ્રસ્ત સ્વરે બોલ્યો.

“આપણા પૈસા પાછા તો આવશે ને?” પત્નીએ પૂછ્યું.

“સરકારી બેંક છે એટલે કદાચ વાંધો નહિ આવે.” વિશાલ આશાવાદી સ્વરે બોલ્યો.

*****

વિશાલ ચૌહાણ ચાર મહિના પછી છાપું વાંચી રહ્યો હતો. તે સરકારે “પીપલ્સ નેશનલ બેંક”ને બચાવવા બહાર પાડેલા પાંચ હજાર કરોડના પેકેજના સમાચાર વાંચીને રાજી થયો. બીજા પાના પર વ્યાજખોરોના ત્રાસને કારણે દિનકર પચોટીયા નામના ખેડૂતે કરેલી આત્મહત્યાના સમાચાર હતા. એ શિવાય નરેશ મહેતા અમેરિકામાં હોવાના સમાચાર પણ હતા. જો કે મુખ્ય સમાચાર સરકારે વિવિધ ચીજો પર લાદેલ નવા કરવેરાઓના હતા પણ વિશાલ ચૌહાણને કદાચ તેના જ ખિસ્સામાંથી તેને આપવામાં આવેલા પૈસાનું ગણિત સમજાયું નહીં હોય તેથી તેને એ સમાચાર અગત્યના ન લાગ્યા.

(સમાપ્ત)

લેખક : નરેન્દ્ર રાણા

વાત તો સાચી કહી લેખકે, આપના વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી