યશોદા – આજે ફરી દેવકી અને યશોદા વચ્ચેથી પસંદગી કરવાનો વખત આવ્યો હતો…

” બેન, ચિંતા ના કરો, તમારી દીકરી સાજી થઈ જશે. ડોકટરે કહ્યું કે તેના ફેફસાની ગાંઠ કાઢી નાખશે એટલે વાંધો નહી આવે.” નર્સ દવા કાઢતા બોલી.

આરોહી પર નર્સના શબ્દોની કોઈ અસર ના થઈ. તેને ડોકટરના શબ્દો યાદ આવ્યા કે મીનીના ફેફસામાં રહેલી ગાંઠ તેના માટે જીવલેણ સાબીત થઈ શકે છે. તેને ડોક્ટરની વાત સંભાળીને આઘાત તો લાગેલો પણ મીની ડરે નહી તે માટે તેણે હીંમત રાખી. ડોકટરે સુમીની પણ તપાસ કરાવવાનું કહ્યું. તેને ડર હતો કે બન્ને બેહનોને કદાચ એક જ બીમારી હોય. સુમી તો જ્યારથી મીની બીમાર પડી ત્યારથી તેની પાસે જ બેસી રેહતી. બન્ને બેહનોને એકબીજા વગર ચાલતું નહી.
સાંજનો સમય. હોસ્પીટલની ચહેલ પહેલ ધીરે ધીરે શાંત થઇ રહી હતી. તમામ સ્ટાફ પોતાનું કામ પુરું કરવામાં પોરવાયેલો હતો. મીનીના વોર્ડમાં ડ્યુટી પર રહેલી નર્સે પણ પોતાનું કામ પુરું કરી ઘરે જવાની તૈયારી કરી. તેનું ધ્યાન વોર્ડના દરવાજા પાસે ઉભી ઉભી આમતેમ નજર કરી રહેલા એક બેન પર પડી. ફાટેલો સાડલો અને વીખરાયેલ વાળ બેનની દયનીય આર્થિક પરિસ્થિતિની ચાડી ખાતા હતા. નર્સને પેહલા તો બેનને જોઇને આશ્ચર્ય થયું. પ્રાઇવેટ હોસ્પીટલમાં સરકારી હોસ્પીટલમાં શોભે એવું વ્યક્તિ ક્યાંથી? તેણે બહેન પાસે પોહચીને કરડાઈથી પુછ્યું,” કોનું કામ છે તમારે ?”

પેહલા તો બાઈ ડરી ગયી. પછી થોડી હિંમત કરીને બોલી, ” મને…..મને બહારવાળા ભાઈએ કીધું કે વોર્ડ નંબર ચાર આ છે.”

“હાં છે, તમારે કોનું કામ છે?” નર્સના અવાજમાં ગુસ્સો ભળ્યો.

“મારી દીકરી અહીંયા દાખલ છે તેને મળવું છે.” બાઈ ધીમા અવાજે બોલી.

“તારી દીકરી? તારી કંઈ ભુલ થતી હોય એમ લાગે છે.” નર્સ બોલી.

“ના…ના….ભુલ નથી થતી મીની અહીંયા જ છે. સુમી પણ તેની સાથે હશે. ક્યાં છે મીની ?” બાઈ ગભરાયેલા અવાજમાં બોલી.

“મીની ? એ તારી દીકરી ક્યાંથી હોય? એની મમ્મી તો હમણાં જ દવા લેવા ગઈ. સાચું બોલ કોણ છે તું નહી તો સીક્યોરીટીને બોલાવું છું.” નર્સ ગુસ્સામાં બોલી.

પેલી બાઈ ગભરાઈ ગઈ. તેને પોતાના ફાટેલા સાડલાના છેડાથી તેના કપાળ પરનો પરસેવો લુછ્યો અને બોલી, ” બેન હું સાચું કહું છું. મીની મારી દીકરી જ છે.”
નર્સનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો. તેણે સીક્યોરીટીને બોલાવવા ફોનનું રીસીવર ઉચક્યું. ત્યાં અચાનક સુમી પેલી બાઈને જોઇને તેને વળગી પડી અને બોલી, ” મા, તું આવી ગયી.” નર્સ આશ્ચર્ય સાથે આખું દ્રશ્ય જોઈ રહી.

********

આરોહીની ઉમર ત્યારે પચ્ચીસ વર્ષ. મુંબઈની એક નામાંકીત કોલેજમાંથી ગ્રેજ્યુએસન પુરું કરીને તેણે એક મોટી કંપનીમાં નોકરી લીધી. ઘરેથી જોબ પર પોહચવા તેણે રોજ મુંબઈની લોકલમાં અપ-ડાઉન કરવાનું ચાલુ કર્યું. તેના રોજના સ્ટેશન જવાના રસ્તા પર એક ઝુંપડપટ્ટી પડતી. ઝુંપડપટ્ટીમાં મોટા ભાગની શ્રમજીવીઓની વસ્તી હતી. તે રોજ ચાલીને ઝુંપડપટ્ટી વચ્ચેથી નીકળતી. એક દિવસ તેણે એક ઝુંપડા પાસે બે નાની છોકરીઓને ઉભેલી જોઈ. તેમાંથી ઉંમરમાં નાની લાગતી છોકરી જોર જોરથી રડી રહી હતી અને મોટી છોકરી તેને છાની રાખી રહી હતી. આરોહીને આખા દ્રશ્યમાં કોઈ નવી વાત ન લાગી. તે પોતાના રોજના રસ્તે આગળ વધી.

આરોહી જયારે સાંજે પાછી ફરી ત્યારે અનાયસે તેની નજર પેલા ઝુંપડા તરફ ગઈ. ઝુંપડા પાસેનું દ્રશ્ય જોઇને તેના પગ થોડીવાર માટે થંભી ગયા. પેલી બન્ને છોકરીઓ ત્યાં જ ઉભી હતી. હવે નાની છોકરીના આંસુ તેના ગાલ પર સુકાઈ ગયા હતા. તેના ચેહરા પર થાક વર્તાતો હતો. આરોહીએ થોડીવાર ઝુંપડામાંથી કોઈ બહાર આવે તેની રાહ જોઈ પણ કોઈ ન આવ્યું. તેને બન્ને છોકરીઓને મદદ કરવાની ઈચ્છા થઇ પણ તેને અજાણ્યા લોકોની વ્યક્તિગત બાબતમાં પડવાનું યોગ્ય ન લાગ્યું.
બીજા દિવસે પણ તેણે આ જ દ્રશ્ય જોયું. બન્ને છોકરીઓ ત્યાં જ ઉભી હતી. આરોહીને લાગ્યું કે બન્નેના મા બાપને આ છોકરીઓની પડી નથી લાગતી. પછી તો રોજનો ક્રમ થઇ પડ્યો. આરોહી બન્ને છોકરીઓને કાયમ બહાર ઉભેલી જોતી. ક્યારેક બન્ને રડતી હોય, ક્યારેક બન્નેમાંથી એક રડતી હોય. આરોહીને બન્ને માટે કંઇક કરવાની ઈચ્છા થઇ આવતી. તે આખો દિવસ તે છોકરીઓ વિષે જ વિચાર્યા કરતી. તેણે બન્ને માટે નાસ્તો લેવાનું નક્કી કર્યું. પેહલા દિવસે જયારે તેણે બન્નેને નાસ્તો આપ્યો તો તેમણે ન લીધો, પછી ધીરે ધીરે બન્ને આરોહી પાસેથી નાસ્તો લેવા લાગી. પછી તો આરોહીનો રોજનો ક્રમ થઇ પડ્યો. તે બન્ને માટે નાસ્તો લાવતી અને બન્ને મોજથી નાસ્તો કરતી.

આરોહીએ તેમની પાસેથી જાણ્યું કે મોટીનું નામ મીની અને નાનીનું નામ સુમી હતું. તેમના મા બાપ મજુરી કરતા. તેમના બાપને બન્ને સહેજ પણ ન ગમતી એટલે એ બન્નેને બહુ મારતો. મા તેની સામે કંઈ ન બોલી શકતી. સવારે મજૂરીએ જતા પેહલા બાપ બન્ને છોકરીઓને મારીને બહાર ઉભી રાખી દેતો અને બન્ને સાંજ સુધી ત્યાં જ ઉભી રેહતી. જો બન્ને રાત્રે મા બાપ ઘરે આવે ત્યારે ત્યાં ન ઉભી હોય તો ફરી માર પડતો. બન્નેને તેમના બાપની બહુ બીક લગતી. તેમની મા પણ બાપ સામે લાચાર હતી. તે પણ બન્ને પર થતો અત્યાચાર મુંગા મોઢે જોયે રાખતી. આરોહીને બન્ને સાથે સારું બનવા લાગ્યું. બન્ને પણ આરોહી સાથે પોતાનું દુઃખ ભુલી જતી. બન્ને ક્યારેક આરોહીને તેના ઘર વિષે પુછતી અને તેની સાથે તેનું ઘર જોવા આવવાનું પણ કેહતી.

એક દિવસ જયારે આરોહી પોતાના રોજના રસ્તે ઝુપડપટ્ટી પાસેથી નીકળી ત્યારે તેને રોજની જગ્યાએ મીની અને સુમીને જોયા. મીની ઉભી હતી જયારે સુમી બેઠી હતી. બન્ને રડી રહી હતી. આરોહીનું હૃદય ધબકારો ચુકી ગયું. તે ઝડપથી દોડીને સુમી પાસે પોહચી. સુમીના માથામાં ઉંડો ઘા પડેલો હતો. તેના પર લોહી જામી ગયેલું હતું. આરોહીએ ઝડપથી પોતાનો હાથ રૂમાલ તેના કપાળ પર દાબ્યો. તેને ગુસ્સો આવ્યો. કોઈ મા-બાપ પોતાની દીકરીઓ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? તેણે મનોમન નિર્ણય કર્યો અને બન્નેના હાથ પકડી અને ચાલવા લાગી. બન્નેને ઘરે લાવીને જમાડી અને સુમીને ડોક્ટર પાસે લઇ જઈને પાટો પણ બંધાવ્યો.બીજા દિવસે આરોહી બન્નેના મા બાપ, રૂખી અને કાના પાસે પોહચી અને બન્નેને પોતે દતક લેવા માંગે છે તેની જાણ પણ કરી. તેના આશ્ચર્ય વચ્ચે બન્નેએ વિરોધ ન કર્યો અને માની ગયા. કદાચ તેઓ પણ આ છોકરીઓ રૂપી બોજને રાખવા નોહતા માંગતા. આમ આરોહીનું ઘર બે નાની પરીઓથી ભરાઈ ગયું.

થોડા દીવસ બાદ મીનીની તબીયત બગડતા તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. તેના ફેફસામાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયું અને આરોહીની દુનિયામાં આવેલું સુખ પાછું ખોવાઈ ગયું.

********

“જયારે તેમનો બાપ તેમને મારતો ત્યારે તું ક્યાં હતી ?” આરોહીએ સામે બેઠેલી રૂખીને પુછ્યું.

“બેન, સાચી વાત છે તમારી. મને મારી દીકરીઓ નોહતી ગમતી. મારે એમને મારા ધણીના મારથી બચાવવી જોઈતી હતી. પણ બેન મને મારી છોકરીઓની કીંમત તમે તેમને લઇ ગયા પછી જ સમજાઈ. મેં મારા ધણીને છોડી દીધો છે. હું તેની સાથે નથી રેહતી. મને ખબર પડી કે મીની બીમાર છે એટલે અહીં દોડી આવી. મારી ભુલ થઇ ગઈ. મને માફ કરો. ” રૂખી બન્ને હાથ વચ્ચે ચેહરો છુપાવીને રડી પડી.

મીની પોતાની સગી માને સાંત્વના આપવા લાગી.

“બેન, મારો હવે આમના પર કોઈ હક નથી પણ મને આ બન્ને પાછી આપી દો. હું તમને બે હાથ જોડું છું.” રૂખી રડતા રડતા બોલી.
આરોહી ભીની આંખે બન્નેની સામે જોઈ રહી. તેને છોકરીઓ સાથે તેણે વિતાવેલા દીવસો યાદ આવી ગયા. તેના ઘરમાં બન્ને છોકરીઓને લીધે કેવી રોનક આવી ગઈ હતી. તે સાંજે જયારે નોકરી પરથી પાછી ફરતી ત્યારે બન્ને તેને વળગી પડતી. તેના મમ્મી પપ્પાએ પણ બન્ને છોકરીઓને સ્વીકારી લીધી હતી. બન્ને તેમને દાદા દાદી જ કેહતી. બધા સાથે મળીને બહુ મજા કરતા.

” બેન, મને મારી દીકરીઓ આપી દો…..” રૂખી રડતા રડતા બોલી.

” હું તો તેમની યશોદા છું. તું જ તેમની દેવકી છે મારા કરતા તેમના પર તારો હક વધારે છે. તું તેમને ઈચ્છે ત્યારે અહીંથી લઈ જઈ શકે છે.” આરોહી લાંબા મૌન પછી બોલી.

અચાનક નાની સુમી આરોહીના ખોળામાં આવીને બેસી ગઈ અને તેને વળગીને બોલી, ” મારે તને મુકીને ક્યાંય નથી જવું. મારે તારી અને દાદા-દાદી પાસે જ રેહવું છે.”

આરોહી સુમીને વળગીને રડવા લાગી. રૂખી થોડીવાર માટે બન્નેને જોઈ રહી. ત્યારબાદ ઉભી થઈને દરવાજા તરફ ચાલવા લાગી.

પહેલી વખત યશોદાના દ્વારેથી દેવકી ખાલી હાથે પાછી ફરી હતી.

(સમાપ્ત)

લેખક : નરેન્દ્ર રાણા

દરરોજ આવી અનેક અવનવા વિષયની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી