કુરબાની – આજે વાત એમની કુરબાનીની જેમની મદદથી મહારાણાએ હલ્દીઘાટીનું યુદ્ધ જીત્યું હતું…

સને 1576નો ઉનાળાનો સમય હતો. ઉદેપુરમાં રાત ધીરે ધીરે પોતાનો પ્રભાવ શહેર ઉપર પાડી રહી હતી. શહેરની વચ્ચે આવેલા પીચોળા તળાવની આસપાસ ચહેલ પહેલ ધીરે ધીરે શાંત થઈ રહી હતી પણ તળાવની વચ્ચે આવેલા મહેલમાં ચહેલ પહેલ અચાનક વધી ગઈ. મહારાણાએ પોતાના શ્રેષ્ઠ સામંતો અને યોદ્ધાઓને અચાનક તેડાવ્યા હતા. બધા જ સામંતોને અંદાજો તો હતો જ કે શા કારણે મહારાણાએ બધા ને આટલી મોડી રાત્રે યાદ કર્યા હતા. બધા મહારાણાના આગમનની રાહ જોઈ રહ્યા હતા.

થોડીવાર પછી મહારાણાએ કક્ષમાં પ્રેવેશ કર્યો. તેમનું સાત ફુટ ઉંચુ શરીર કક્ષમાં બેઠેલા બધા માટે આદરનું કારણ બની ગયું. બધા એક સાથે ઉભા થઈ ગયા. મહારાણાએ બધાને બેસવા માટે કહ્યું. સામંતો મહારાણા પાસેથી તેઓ જે વાતનું અનુમાન લગાવતા હતા તે સાંભળવા તૈયાર થઈ ગયા.
“અત્યારે જ એક સંદેશવાહક સમાચાર લઈને આવ્યો છે કે મુઘલ સેના માનસિંહની આગેવાનીમાં મેવાડ પર આક્રમણ કરવા આવી પોહચી છે.” મહારાણાએ બધાને સંબોધીને કહ્યું.

સભામાં એક સાથે ઘણા બધા યોધ્ધાઓના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમને અંદાજ હતો જ કે એક દિવસ આવું બનશે જ. તેમને પોતાની વીરતા અને યુદ્ધ કૌશલ દેખાડવાનો મોકો મળવાનો હતો, તેથી તેઓ ખુશ હતા. પોતાની માતૃભુમી માટે લડવું એ મેવાડમાં સૌથી મોટું સન્માન માનવામાં આવતું. પોતાને માતૃભુમી માટે લડવાનો મોકો મળવાનો છે એ જાણીને બધા સામંતો અને યોદ્ધાઓ ઉત્સાહમાં આવી ગયા.

“મને ખબર છે, જ્યારે જન્મભુમિનું ઋણ ચુકવવાનો સમય આવ્યો હોય ત્યારે તમારા માંથી કોઈ પણ પાછું પગલું નહીં ભરે. તેમ છતાં હું તમને પુછું છું કે તમારા માંથી કોઈ પણ આ યુદ્ધમાં ભાગ લેવા ઇચ્છતું ન હોય તો તે અત્યારે જ અહીંથી જઈ શકે છે.” મહારાણા બધા સામે જોઈને બોલ્યા.
સભામાં થોડીવાર માટે શાંતિ પ્રસરી. બધાના ચેહરા પર આત્મવિશ્વાસ હતો. બધાને ખબર હતી કે કોઈ આ સભા છોડીને જવાનું નથી.

મહારાણાએ થોડીવાર રાહ જોઈ પછી સ્મિત કર્યું અને બોલ્યા,”શાબાશ, મેવાડ તમારું હંમેશા ઋણી રહેશે. આપણે એ યવનોની સેનાને હાંકી કાઢશું. મુઘલ સેનાના એક એક સૈનિકને મેવાડની ધરતી પરથી સીધા જ ભગવાન પાસે મોકલવાના છે. આ ધરતીને તેમના લોહીથી રંગવાની છે. તમારી મ્યાનમાં રહેલી તલવારોને દુશ્મનોનું લોહી પાઈને વધારે ધારદાર કરવાની છે.”

સભામાં ઉત્સાહનું મોજું પ્રસરી ગયું. બધા પોતાના સ્થાનેથી ઉભા થઇ ગયા. અમુક યોદ્ધાઓએ યુદ્ધની લલકાર પણ કરી.

મહારાણા પોતાના વીરોને ગર્વથી જોઈ રહ્યા. થોડીવાર પછી તેમણે પોતાનો હાથ ઊંચો કરીને બધાને શાંત થવા ઈશારો કર્યો. તેમણે જમીન પર નકશો પાથર્યો. બધા જ સામંતો અને યોદ્ધાઓ તે વિશાળ નકશા પર જુક્યા.
મહારાણાએ બધાને અકબરની સેનાનું સ્થાન બતાવ્યું. મુઘલ સેનાનો પડાવ બનાસ નદીની પાસેના મોલેલા ગામ પાસે હતો. મોલેલા ગામથી થોડે દુર જ એક સાંકડા રસ્તા પછી પહાડો શરૂ થતા હતા.

“તો શું કહો છો? આપણે દુશ્મન પર ક્યાં આક્રમણ કરવું જોઈએ?” મહારાણાએ સામંતોને પ્રશ્ન કર્યો.

“આપણે દુશ્મનોને તેમના પડાવ પર જ ઘેરીને મારવા જોઈએ. તેમને ખબર પણ ન પડે તે રીતે તેમની પર અચાનક હુમલો કરીને તેમને ખતમ કરી દેવા જોઈએ.” સામંતોમાંથી કોઈ બોલ્યું અને બધા એ એક જ અવાજે તેની વાત વધાવી લીધી.

મહારાણાની નજર બધા સામંતોમાં એક વ્યક્તિને શોધી રહી. તેમને તે વ્યક્તિ સામંતોની વચ્ચે શાંતિથી ઉભેલી મળી. તે વ્યક્તિ એટલે આશરે પાસંઠ વર્ષના ગ્વાલીયરના રાજા રામશાહ તોમર. જયારે હુમાયુંએ ગ્વાલિયર પર આક્રમણ કર્યું ત્યારે તેઓ ગ્વાલિયર છોડીને મહારાણા ઉદયસિંહ પાસે આવી ગયા હતા. ત્યારથી તેઓ ઉદયસિંહની સાથે હતા અને અનેક યુદ્ધો લડી ચુક્યા હતા. યુદ્ધોના કારણે તેમના હાથ અને ચેહરા પર ઘણા ઘાવ હતા. તેઓ નસીબદાર હતા કારણ,કે તે જમાનામાં તેમની ઉમર સુધી યોદ્ધાઓ પોંહચતા નહીં. મહારાણાને તેમના પ્રત્યે બહુ આદર હતો.

“તમારું શું માનવું છે, રામશાહ? આપણે દુશ્મન પર ક્યાં આક્રમણ કરવું જોઈએ?” મહારાણા રામશાહ તરફ ફરીને બોલ્યા.
બધા જ સામંતો અને યોદ્ધાઓ રામશાહ તરફ ફર્યા. રામશાહ નકશા પર ઝુક્યા. થોડીવાર જીણી આંખે દુશ્મનની સ્થિતિનું નિરીક્ષણ કરીને બોલ્યા,” મહારાણા, મારા મતે માનસિંહ જાણે છે કે તેની સેના પહાડો પર મેવાડની સેનાનો મુકાબલો નહી કરી શકે, માટે તેણે પોતાની સેનાને નદી પાસે, મેદાનમાં રાખી છે. તેનો વ્યુહ આપણી સેનાને મેદાનમાં લડવા માટે મજબુર કરવાનો છે. મારા મતે આપણે રાહ જોવી જોઈએ અને તેને ઘાટીની અંદર આવવા દેવો જોઈએ જેથી આપણે તેની સેનાને ઘાટીના સાંકડા રસ્તાઓ પર ઘેરી શકીએ.”

સામંતોમાં ચણભણાટ ચાલુ થયો. કેટલાકે પોતાનો અણગમો જાહેર કર્યો.

મહારાણાએ હાથ ઊંચો કરીને બધાને શાંત રહેવાનો ઈશારો કર્યો.

“રામશાહ, મેવાડની સેનાની તાકાત, તેની ઝડપ અને અચાનક હુમલો કરીને શત્રુની સેનાને ચોંકાવી દેવાની ક્ષમતા છે. મારા મતે આપણે તેનો ઉપયોગ કરીને માનસિંહને ઊંઘતો ઝડપવો જોઈએ.” મહારાણા રામશાહ તરફ જોઈને બોલ્યા.

“આપની વાત સાચી છે, મહારાણા. પણ યુદ્ધ હંમેશા આપણી શરતો પર લડાવું જોઈએ દુશ્મનની શરતો પર નહી. આપણી સેના પહાડો પર અજેય છે અને આપણી સેનાને છાપામાર લડાઈમાં કોઈ પહોંચી શકે તેમ નથી. મારા મતે આપણે આપણી તે તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.” રામશાહ દ્રઢતા સાથે બોલ્યા.
“લાગે છે રામશાહને લડાઈની બીક લાગે છે. હજુ આ ઉંમરે પણ તેમને પોતાના જીવન માટે બહુ પ્રેમ છે.” સામંતો વચ્ચેથી કોઈક બોલ્યું અને સાથે એક-બે હસવાના અવાજ પણ સંભળાયા.

મહારાણાના ચેહરા પરની રેખાઓ તરત જ ફરી ગઈ. તે સામંતો તરફ ફરીને બોલ્યા,”એ કોણ બોલ્યું? રામશાહની બહાદુરી પર ક્યારેય કોઈએ શંકા નથી કરી. તેમણે મેવાડ માટે પોતાનું ઘણું લોહી વહાવ્યું છે. મેવાડ હંમેશા તેમનું ઋણી રહેશે.”

સભામાં સન્નાટો છવાઈ ગયો. રામશાહના ચેહરાના હાવભાવ ફરી ગયા હતા. તેમનો ચેહરો લાલ થઇ ગયો હતો. તેમને પોતાની કમરમાં રહેલી કટારી બહાર કાઢી અને પોતાની અંગુઠા પર ચલાવીને લોહીથી પોતાના કપાળે તિલક કર્યું.

“હું રામશાહ તોમર. આજે આપ સૌ રાજપુતોની સામે પ્રતિજ્ઞા કરું છુ કે હું મુઘલ સેના સામેના યુદ્ધમાં કેસરીયા કરીશ. આ યુદ્ધમાંથી હું જીવતો પાછો નહી આવું અને મેવાડની ધરતીનું ઋણ ચુકવીશ.” રામશાહે બુલંદ અવાજે જાહેરાત કરી.
સભામાં સન્નાટો છવાઈ ગયો. મહારાણાના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. જે સામંતોએ રામશાહની મજાક કરી હતી તેમને પણ પસ્તાવો થયો. કેટલાક સામંતોએ રામશાહને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ન માન્યા. બધા મુઘલ સેનાના પડાવ પર હુમલો કરવાનો નિર્ણય કરીને યુદ્ધની તૈયારીમાં લાગ્યા.

********

3 જુન 1576, મહારાણા તેમની સેના સાથે ગોગુન્દા ગામ પાસે રહેલી ટેકરીઓ પાસે પોહચી ગયા હતા. તેમની સેનાના ઘોડેસવારોની આગેવાની તેમણે રામશાહને સોંપી હતી. રામશાહ કેસરી વસ્ત્રોમાં પોતાના ત્રણ પુત્રો અને એક પૌત્ર સાથે મહારાણાની સાથે ચાલી રહ્યા હતા. તેમણે નીચે હલ્દીઘાટીના મેદાનમાં વ્યુહરચના બનાવીને બેઠેલી માનસિંહની સેનાને જોઈ. તેમાંથી એક ટુકડી સેનાથી અલગ ટેકરીની તળેટીમાં આરામ કરી રહી હતી.

રામશાહ પોતાના પુત્રો સાથે સેનાનું સંચાલન કરી રહેલા મહારાણા પાસે ગયા અને તેમને છેલ્લા પ્રણામ કરીને તળેટીમાં રહેલી ટુકડી પર પવનવેગે તુટી પડ્યા. ટુકડીના સૈનિકો અચાનક હુમલાથી ભાગી છુટ્યા અને મુઘલ સેનાની ડાબી બાજુ વાળા ભાગને જઈને મળ્યા. રામશાહે પોતાની ઘોડેસવાર ટુકડીને મુઘલ સેનાના ડાબીબાજુના ભાગ સાથે ભીડાવી દીધી. રામશાહનું આક્રમણ એટલું પ્રચંડ હતું કે મુઘલસેનામાં નાશભાગ મચી ગયી. મુઘલસેનાની ઘોડેસવાર ટુકડીના સેનાપતિ અલતમસખાન અને રાવ લુણકરણ ભાગી છુટ્યા. એકમાત્ર રાજા જગન્નાથ અને તેમના રાજપુત સૈનિકો ટકી રહ્યા.
થોડી જ વારમાં હલ્દીઘાટીનું મેદાન ચિત્કારો અને ધુળની ડમરીઓથી ભરાઈ ગયું. હવામાં વીંઝાતી તલવારો અને મરણતોલ ચીસોને કારણે અંધાધુંધી ફેલાઈ ગઈ. મહારાણા પણ પોતાની બાકી સેના સાથે મેદાનમાં ઉતરી આવ્યા. તેમણે મુઘલ સેનાના મધ્ય ભાગ પર જબરદસ્ત આક્રમણ કર્યું.

રામશાહ અને રાજા જગન્નાથના ઘોડેસવારો વચ્ચે ભયાનક યુદ્ધ જામ્યું. રામશાહ અને તેમના પુત્રોની વીરતાને કારણે રાજા જગન્નાથની પરિસ્થિતિ ખરાબ થતી જતી હતી. હાથી પર બેઠેલા મુઘલ સેનાપતિ માનસિંહે પોતાના સરદાર જગન્નાથને સંકટમાં જોઈને બાકી બે સરદારો સહીતની ટુકડીઓને તેમની મદદે મોકલી અને ખુદ પોતે પણ પોતાના અંગરક્ષકો સહીત જગન્નાથની મદદે પોહ્ચ્યો. રામશાહ અને તેમના પુત્રો છેલ્લા શ્વાસ સુધી લડ્યા અને અંતે મેવાડની ધરતીનું ઋણ ચુકવવા પોતાના પ્રાણની કુરબાની આપી.

(સત્ય ઘટના પર આધારીત. હલ્દીઘાટીના યુદ્ધ પછી મહારાણાએ રામશાહની સલાહ માનીને હંમેશા પોતાની શરતો પર જ યુદ્ધ કર્યું અને સફળ થયા. હલ્દીઘાટીના યુદ્ધમાં રામશાહ પોતાના બધા પુત્રો સાથે કામ આવી ગયા. માત્ર તેમનો પૌત્ર જ બચી શક્યો. મુઘલ ઇતિહાસકારોએ પણ માન્યું છે કે મેવાડનું શરૂઆતનું આક્રમણ એટલું જબરદસ્ત હતું કે મુઘલ સેનામાં તેને કારણે નાશભાગ મચી ગયી હતી.)

લેખક : નરેન્દ્ર રાણા

દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી